Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > રૉન્ગ કાસ્ટિંગની માઠી અસર ‘હરખપદૂડી હંસા’માં અમે જોઈ

રૉન્ગ કાસ્ટિંગની માઠી અસર ‘હરખપદૂડી હંસા’માં અમે જોઈ

17 October, 2022 06:02 PM IST | Mumbai
Sanjay Goradia | sangofeedback@mid-day.com

કામ બધાએ બહુ સરસ કર્યું, પણ નાટકની મૂળ જે વાત હતી એ વાત અને એ વાતને કારણે ઊભી થતી ઇમ્પૅક્ટ રહી નહીં અને બહુ સારા વિષયનું નાટક ઍવરેજ બનીને રહી ગયું

‘હરખપદૂડી હંસા’એ કમાણી તો કંઈ કરાવી નહીં, પણ હા, અનુભવની શીખ એવી આપી કે આજીવન કામ લાગે.

જે જીવ્યું એ લખ્યું

‘હરખપદૂડી હંસા’એ કમાણી તો કંઈ કરાવી નહીં, પણ હા, અનુભવની શીખ એવી આપી કે આજીવન કામ લાગે.


મારી પાસે આવીને વિપુલે કહ્યું, ફિરોઝ ભગતે મારી પાસે આખી સ્ક્રિપ્ટ લખાવડાવી. મેં પહેલો અંક લખી નાખ્યો, પણ ફિરોઝભાઈ કહે છે કે આ નાટક મારે ધર્મેશ વ્યાસ અને પ્રણોતી પ્રધાન સાથે કરવું છે, પણ એ અવેલેબલ નથી એટલે એ જ્યારે ફ્રી થશે ત્યારે આ નાટક કરીશ.

આપણે વાત કરીએ છીએ અમારા નવા નાટકની, જે નાટક મરાઠી રાઇટર ઇરાવતી કર્ણિકે લખ્યું હતું અને એનું રૂપાંતર શિશિર રામાવતે કર્યું હતું. નાટકની વાર્તા પણ મેં તમને ગયા સોમવારે કહી હતી. માબાપ પોતાના બાળકની ઇચ્છા જાણ્યા વિના તેને સિંગર, ઍક્ટર કે ક્રિકેટર બનાવવાની દોટમાં ધકેલી દીધા પછી એ બાળકની હાલત શું થાય છે એ અમારા નાટકનો સબ્જેક્ટ. અમે આ નાટકમાં કેટલીક મોટી ભૂલો કરી, જેમાંથી પહેલી ભૂલ. હકીકતમાં આઠ-નવ વર્ષની બાળકી કાસ્ટ કરવાને બદલે અમે દેખાવે આઠ-નવ વર્ષ જેવી લાગતી, પણ હકીકતમાં મોટી હતી એવી શીતલ પંડ્યાને કાસ્ટ કરી. આઠ-નવ વર્ષના બાળકને કાસ્ટ કરવામાં આવે તો કેવા પ્રશ્નો નડે એની ચર્ચા આપણે ગયા સોમવારે કરી, પણ એ એક જાતનું સમાધાન હતું, જે અમારે કરવાની જરૂર નહોતી.



પહેલું ખોટું પગલું ભર્યા પછી અમે બીજી ભૂલ કરી બાળકીના મિત્રનું જે કૅરૅક્ટર હતું એમાં. એ જે છોકરો હતો એ બાળકીનો ખાસ ભાઈબંધ. બન્ને ખૂબ વાતો કરતાં. એ છોકરો બધી રીતે આઝાદ છે. સેલિબ્રિટી નથી બન્યો એટલે તે બહાર રમવા પણ જાય છે અને બધાની સાથે મસ્તી-તોફાન પણ કરી શકે છે, કારણ કે તેના પર સોશ્યલ બિહેવિયરની રિસ્પૉન્સિબિલિટી નથી આવી. અમે એ છોકરા થકી એ બધી ઍક્ટિવિટી દેખાડતા હતા જે પેલી બાળકી નહોતી કરી શકતી, એ દૃષ્ટિએ આ કાસ્ટિંગ પણ મહત્ત્વનું હતું. આ કૅરૅક્ટરમાં પણ અમે ઓછી હાઇટવાળો પણ મોટી ઉંમરવાળો છોકરો લીધો. ત્રીજી ભૂલ ડિરેક્ટર વિપુલ મહેતાની હતી. 


છોકરીનાં માબાપના રોલમાં પલ્લવી પ્રધાન અને સૌનિલ દરુને લીધાં. અહીં મારે એક વાત ખાસ કરવાની છે કે પલ્લવી ખૂબ સારી અભિનેત્રી, પણ આ નાટકની વાર્તા બાળકીની હતી, તેની માની નહોતી. વિપુલે પલ્લવીને નાટક માટે કન્વિન્સ તો કરી લીધી, પણ પલ્લવીનો હંમેશાં એવો આગ્રહ રહ્યો છે કે નાટકની વાર્તા તેની આસપાસ જ હોવી જોઈએ. ‘બાને ઘેર બાબો આવ્યો’ નાટકમાં પણ મેં આ અનુભવ કરી લીધો હતો, પણ નાટક રિલીઝ થતા સુધીમાં ઘીના ઠામમાં ઘી પડી રહ્યું હતું એટલે વાંધો નહોતો આવ્યો, પણ આ નાટકમાં પલ્લવીને કાસ્ટ કર્યા પછી વિપુલને લાગ્યું કે જો એ પલ્લવીનો રોલ નહીં વધારે તો પલ્લવી નાટક છોડી દેશે. આ ઇનસિક્યૉરિટીને કારણે જે રોલ પર વધારે ધ્યાન આપવું જોઈતું હતું એના પર ધ્યાન નહીં આપતાં, એની માના રોલ પર વધુ ધ્યાન અપાયું અને નાટક ધીરે-ધીરે રિહર્સલ્સમાં જ બગડવા માંડ્યું, જેને લીધે નાટકની જે ઇમ્પૅક્ટ આવવી જોઈએ એ આવી નહીં.

આ ત્રણ ભૂલ પછી પણ હું કહીશ કે શીતલ પંડ્યાએ બાળકલાકાર તરીકે ખૂબ સરસ કામ કર્યું. સૌનિલે પણ સારું કામ કર્યું અને પલ્લવીએ પણ બેસ્ટ કામ કર્યું, પણ અલ્ટિમેટલી નાટકની જે વાત હતી એ સાઇડ પર રહી ગઈ. જોકે મારા માટે આ પ્રકારનું મિસકાસ્ટિંગ એક લેસન બની ગયું અને મેં નક્કી કર્યું કે કંઈ પણ થાય, નાટકની વાર્તા સાથે બાંધછોડ નહીં કરવાની. જો યોગ્ય કાસ્ટિંગ ન મળે તો નાટકને સાઇડ પર રાખી દેવાનું, પણ થૂંકના સાંધા મારીને એને આગળ નહીં ધપાવવાનું.


ઍની વેઝ, નાટકના પ્રોગ્રેસ પર આવીએ. નાટકનું કાસ્ટિંગ થયું.

તમને કહ્યું એમ પલ્લવી પ્રધાન, સૌનિલ દરુ, શીતલ પંડ્યા, શીતલના ફ્રેન્ડના રોલમાં કરણ નામનો છોકરો, શીતલની દાદીના રોલમાં વૈશાલી ત્રિવેદી, કુકુલ તારામાસ્તર, સુનીલ વિશ્રાણી અને હેતલ દેઢિયા કાસ્ટ થયાં તો ટેક્નિકલ ટીમમાં કલાની જવાબદારી છેલ-પરેશ, પ્રકાશ રોહિત ચિપલૂણકર, પ્રચાર દીપક સોમૈયાએ સંભાળ્યો. નાટકમાં એક ગીત પણ હતું, જે દિલીપ રાવલે લખ્યું અને અને સંગીત આપ્યું ઉત્તંક વોરાએ. 

નાટકનાં રિહર્સલ્સ શરૂ થયાં. નક્કી એવું થયું કે ઘણા સમયથી અમે વિશાલ ગોરડિયાની કંપની ઇન્ડિયન થિયેટર કંપનીમાં નાટક નથી કર્યું એટલે આ નાટક એમાં કરવું. વિશાલની વાત હમણાં જ મેં તમને કરી. હવે તે પ્રસ્તુતકર્તા બની ગયો છે અને અત્યારે તેનું ‘ગોળકેરી’ નામનું નાટક સરસ ચાલે છે.

નાટક તૈયાર થયું અને તમને કહ્યું એમ, નાટકની જે ઇમ્પૅક્ટ હતી એ સાવ ડાયલ્યુટ થઈ ચૂકી હતી. નાટક ઍવરેજ બન્યું પણ હવે શું, જબ ચીડિયા ચૂગ ગઈ ખેત. તમામ ભૂલોને ઢાંકી દે એવું ટાઇટલ નાટકને આપ્યું, ‘હરખપદૂડી હંસા’. હંસા એ છોકરીની માનું એટલે કે પલ્લવી પ્રધાનના કૅરૅક્ટરનું નામ હતું. ટાઇટલ સેલેબલ હતું.

૨૦૧૦ની ૧૦ જાન્યુઆરી.

અમે અમારું પ૩મું નાટક ઓપન કર્યું. અગાઉ બાવનમું નાટક ‘ભાભુ રિટાયર થાય છે’ અમે ૯ ડિસેમ્બરે ઓપન કર્યું હતું અને એક મહિના પછી આ નાટક ઓપન કર્યું. ધારણા મુજબ જ નાટક ઍવરેજ રહ્યું અને અમે એના ૭૧ શો કર્યા. અમારા પ્રોડક્શન-હાઉસ માટે આ શો ઠીક-ઠીક કહેવાય, પણ ‘હરખપદૂડી હંસા’માંથી મને જે શીખ મળી એને ગાંઠે બાંધીને હું આગળ વધ્યો.
જ્યારે ‘હરખપદૂડી હંસા’નાં રિહર્સલ્સ ચાલતાં હતાં એ દરમ્યાન એક ઘટના ઘટી, જે એ સમયે સાવ જ સામાન્ય હતી.

આ દિવસોમાં ફિરોઝ ભગતે જે નાટક વિપુલને લખવા આપ્યું હતું એ વિપુલે શરૂ કરી દીધું હતું. એ નાટકનો સેન્ટ્રલ આઇડિયા ફિરોઝભાઈનો હતો. વિપુલનો એક નિયમ, એ એક સીન લખે અને પછી મને સંભળાવે. વિપુલે મને ફિરોઝભાઈવાળા નાટકનો પહેલો સીન સંભળાવ્યો અને મેં એ જ કહ્યું કે સરસ લખાયો છે અને ખરેખર વિપુલે સરસ લખ્યું હતું. એ પછી તો વિપુલે બીજો સીન પણ લખી લીધો, મને સંભળાવ્યો, એ પણ સરસ હતો. એમ કરતાં-કરતાં વિપુલે ઇન્ટરવલ સુધીનું નાટક લખી નાખ્યું. આ વાત મારી અને વિપુલ માટે નવાઈની વાત હતી. નાટક ઇન્ટરવલ સુધી લખાઈને તૈયાર હોય, સારી સ્ક્રિપ્ટ હોય અને એ પછી પણ હજી એ ફ્લોર પર ન ગયું હોય. નાટકના સીન આગળ વધતા જાય અને હું એને તાળીઓથી વધાવતો જાઉં. 

હવે ફરી આવીએ આપણે મૂળ વાત પર.

અમારા રાબેતા મુજબના નિયમ પ્રમાણે ‘હરખપદૂડી હંસા’નાં ગ્રૅન્ડ રિહર્સલ્સ સમયે જ અમારી વાત શરૂ થઈ ગઈ કે હવે આપણે કયું નાટક કરીશું.

અમારી આ વિચારણા ચાલતી હતી એવામાં એક દિવસ વિપુલ મારી પાસે આવ્યો અને મને કહે કે ફિરોઝભાઈ હવે નાટક કરવાની ના પાડે છે. મારી પાસે આખી સ્ક્રિપ્ટ લખાવડાવી. મેં પહેલો અંક લખી નાખ્યો, બીજા અંકનો મારો સ્ક્રીનપ્લે આખો રેડી છે, પણ ફિરોઝભાઈ કહે છે કે આ નાટક મારે ધર્મેશ વ્યાસ અને પ્રણોતી પ્રધાન સાથે કરવું હતું, પણ એ બન્ને અવેલેબલ નથી એટલે એ જ્યારે ફ્રી થશે ત્યારે હું આ નાટક કરીશ.

વિપુલ બરાબરનો ફ્રસ્ટ્રેટ થયો હતો. વિપુલ મને કહે કે આ નાટક લખવા માટે કોઈ પૈસા પણ આપવામાં નથી આવ્યા. આ કોઈ રીત છે?
એ નાટકનું પછી શું થયું અને વિપુલનો પ્રશ્ન સૉલ્વ કરવા જતાં મારા માટે નવી કઈ મડાગાંઠ ઊભી થઈ એની વાત હવે આપણે કરીશું દિવાળીએ એટલે કે આવતા સોમવારે.

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

Whatsapp-channel Whatsapp-channel

17 October, 2022 06:02 PM IST | Mumbai | Sanjay Goradia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK