Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ‘ભાભુ રિટાયર થાય છે’માં શું કામ ડિરેક્ટર વિપુલ મહેતા નહીં?

‘ભાભુ રિટાયર થાય છે’માં શું કામ ડિરેક્ટર વિપુલ મહેતા નહીં?

03 October, 2022 05:57 PM IST | Mumbai
Sanjay Goradia | sangofeedback@mid-day.com

આ જ દિવસોમાં વિપુલને ફિરોઝ ભગતે નાટક લખવાની ઑફર આપી અને વિપુલ એમાં બિઝી થઈ ગયો. આ જ કારણે મારે ઘણાં વર્ષો પછી અમારા હોમ પ્રોડક્શનના નાટકમાં બીજા ડિરેક્ટર વિશે વિચારવું પડ્યું

ભાભુ રિટાયર થાય છે

જે જીવ્યું એ લખ્યું

ભાભુ રિટાયર થાય છે


ગુજરાતી રંગભૂમિ પર છેલ્લાં ૪૪ વર્ષથી કાર્યરત એવા ફિરોઝ ભગતનું પહેલું નાટક ‘છાને પગલે આવ્યું મોત’ પ્રવીણ સોલંકીએ લખ્યું હતું અને ફિરોઝ ભગતે ડિરેક્ટ કર્યું અને એમાં મુખ્ય ભૂમિકા પણ ભજવી. સોફિયામાં ઓપન થયેલું એ નાટક મેં જોયું હતું.

ગયા સોમવારે તમને ‘ભાભુ રિટાયર થાય છે’ની વનલાઇન કહી અને એ પણ કહ્યું કે નાટકનું પ્રકાશ-આયોજન રોહિત ચિપલૂણકર, કલા છેલ-પરેશ, મ્યુઝિક લાલુ સાંગો તો પ્રચારની જવાબદારી રાબેતા મુજબ જ દીપક સોમૈયા અને કોરિયોગ્રાફી કિંજલ ભટ્ટે સંભાળી. હવે વાત આવી કલાકારોની. નાટકમાં કલાકારોની બહુ મોટી ટીમ એટલે અમે બધાની સાથે વાત કરવાનું શરૂ કર્યું, પણ અમુક લોકોએ સમયના અભાવે અમને ના પાડી. તો ઘણા કલાકારોએ ખુશી-ખુશી કામ કરવાની તૈયારી દર્શાવી. જે કલાકારો અમારી સાથે જોડાયા એમાં આજની રંગભૂમિના સૌથી સિનિયર કલાકાર એવા અમિત દિવેટિયા હતા, તો સાથે તુષાર જોશી, જયંત ભગત, વૈભવ બિનીવાલે, સ્વપ્નિલ આશગાવકર, મેઘના સોલંકી, પૃથ્વીરાજ, શ્રેયાંસ, હરિકૃષ્ણ દવે, ફાલ્ગુની દવે, લીના પરમાર, વોડાફોન-આઇડિયાની ઍડમાં સતત દેખાતો વિનાયક કેતકર, આપણા લબ્ધપ્રતિષ્ઠિત સાહિત્યકાર એવા ગોવર્ધનરામ ત્રિપાઠીનો પ્રપૌત્ર અને ઍક્ટર-પ્રોડ્યુસર પ્રણવ ત્રિપાઠી, અજય પારેખ, શ્રીધર વત્સર, હેમંત ઝાનો દીકરો જય ઝા અને એ સિવાયના પણ બીજા બેચાર કલાકારો હતા જેમનાં નામ હું અત્યારે ભૂલી રહ્યો છું એટલે માફી. 



‘ભાભુ રિટાયર થાય છે’માં મેં અંદાજે પોણાબે લાખની નુકસાની કરી હતી, પણ નાટક કરવાની બહુ મજા આવી. અમારું આ નાટક કૉમ્પિટિશનના એલિમિનેશન રાઉન્ડમાં ફાઇનલ માટે સિલેક્ટ થયું. આ નાટકને કારણે ગુજરાતી રંગભૂમિ પર દેકારો મચી ગયો હતો, કારણ કે અમે બધાં પાત્રોનાં નામ પણ ઓરિજિનલ રહેવા દીધાં હતાં જેને લીધે કલાકારોએ પોતાના પર હસવાનું હતું. 
ફાઇનલ વખતે તો આખી ગુજરાતી રંગભૂમિ અંધેરી ભવન્સમાં નાટક જોવા આવી હતી. બધા અમારા ગેગ્સ પર પેટ પકડીને હસ્યા હતા. ફિલ્મ શરૂ થાય એ પહેલાં એક જાહેરાત આવતી હોય છે કે આમાંના કોઈને જીવંત વ્યક્તિ સાથે કાંઈ લાગતું-વળગતું નથી, પણ આ નાટકમાં અમે આ પ્રકારની જાહેરાત કરી હતી કે આ નાટકમાં ભજવાતાં દરેકેદરેક પાત્ર આ ગુજરાતી રંગભૂમિ પર હયાત છે, કાર્યરત છે, આ નાટક જોતાં જો કોઈ પ્રેક્ષકને પાત્ર કાલ્પનિક લાગે તો એને માત્ર ને માત્ર લેખક અને દિગ્દર્શકનો દોષ સમજવો. આ જાહેરાતથી ઑડિયન્સ ખડખડાટ હસી પડી હતી. બહુ એટલે બહુ મજા આવી આ નાટક કરવામાં. હું કહીશ કે આ નાટક નિજાનંદ માટેનું નાટક હતું તો સાથોસાથ એના અન્ડરકરન્ટમાં એ વાત પણ હતી કે નાટક કરો, નાટકના નામે છેતરપિંડી ન કરો.


આ કૉમ્પિટિશનમાં લેખક વિહંગ મહેતા ઉપરાંત બીજા બે જજ હતા, જેમને અમારું નાટક બહુ ગમ્યું નહીં. વિહંગ મહેતાએ તો અવૉર્ડ ફંક્શનમાં કહ્યું પણ ખરું કે આ નાટક કૉમેડી કરવા ખાતર કર્યું છે, પણ હું કહીશ કે જેમને કૉમેડી માટે સૂગ હતી એ લોકોને નાટક ગમ્યું નહીં. મને સમજાતું નથી કે કૉમ્પિટિશનમાં કેમ કૉમેડી નાટકને માનભેર જોવાતું નથી? જોકે સાચું કહું તો અમે કંઈ ઇનામ મેળવવા નાટક કર્યું નહોતું. જીવનમાં આટલું અચીવ કર્યા પછી એવો કોઈ આશય હોય એવું ધારી પણ ન શકાય, અમારો હેતુ ક્લિયર હતો, મુંબઈથી કૉમ્પિટિશનમાં કોઈ નાટક આવતું નથી એ ફરિયાદને અમારે દૂર કરવી હતી અને મુંબઈથી બીજા કલાકારો પણ નાટક લઈ કૉમ્પિટિશનમાં આવે એ બાબતે પ્રોત્સાહન આપવું હતું, જેમાં અમુક અંશે અમે સાર્થક પુરવાર થયા.
ભારોભાર સરપ્રાઇઝ વચ્ચે અમને વધારે હસવું ત્યારે આવ્યું જ્યારે અમિત દિવેટિયાને મેરિટ સર્ટિફિકેટ આપ્યું, આવું કરીને તેમણે અમિતભાઈનું જ નહીં, ગુજરાતી રંગભૂમિના દરેક સિનિયર ઍક્ટરનું અપમાન કર્યું છે અને આ અપમાનને કારણે બીજી વાર કોઈ મોટો ઍક્ટર આ કૉમ્પિટિશનમાં કામ કરવા તૈયાર નહીં થાય. એ ઍક્ટરો તૈયાર થયા હતા સંઘભાવનાને કારણે. સાથે રહેવાની, સાથે કામ કરવાની તેમનામાં સ્પિરિટ હતી એટલે તૈયાર થયા હતા, પણ એ જોવાને બદલે તમે આ રીતે અપમાન કરો, આવું અપમાન કરો? પણ આનો મતબલ એવો જરાય નહોતો કે અમે કૉમ્પિટિશનથી પર હતા. અમે મુંબઈનાં નાટકો એટલે સર્વશ્રેષ્ઠ અને બીજાં કન્ડમ એવું હું જરાય માનતો નથી.

ઍની વેઝ, કૉમ્પિટિશન પછી અમે ‘ભાભુ રિટાયર થાય છે’ નાટકના પબ્લિક શો પણ કર્યા અને સોલ્ડ-આઉટ શો પણ કર્યા, પણ દિવસે-દિવસે મારી લૉસ વધતી જતી હતી એટલે મેં ફાઉન્ટન મ્યુઝિક કંપનીને એના ડિજિટાઇઝેશન માટે ઑફર મૂકી અને આ નાટક ત્રણ કૅમેરાથી શૂટ કર્યું, જેથી મને થોડી ઘણી રિકવરી થાય અને લોકોને પણ નાટક જોવા મળે. અત્યારે આ નાટક યુટ્યુબ પર અવેલેબલ છે. હું ઇચ્છીશ કે આ નાટક તમે ભૂલ્યા વિના જુઓ. તમને દેખાશે કે એમાં કેવા-કેવા દિગ્ગજ કલાકારોએ કામ કર્યું છે અને એ પણ પાંચ પૈસાની અપેક્ષા વગર.
‘ભાભુ રિટાયર થાય છે’ મારું બાવનમું નાટક હતું. 


૨૦૦૯ની ૯ ડિસેમ્બરે અમે એને કૉમ્પિટિશનમાં ઓપન કર્યું. આ અમારું ૨૦૦૯ના વર્ષમાં બનાવેલું પાંચમું નાટક. આ નાટકનાં રિહર્સલ્સ ચાલતાં હતાં ત્યારે જ નવા વર્ષ એટલે કે ૨૦૧૦માં કયું નાટક પહેલાં શરૂ કરવું એનાં મૂળિયાં નખાઈ ગયાં હતાં. અલબત્ત, એ નાટક કયું હતું એ વિશે વાત કરતાં પહેલાં મારે કેટલાક વાચકોનો જવાબ આપવો છે. ‘ભાભુ રિટાયર થાય છે’ના ડિરેક્ટર તરીકે તમે વિનોદ સરવૈયાને કેમ પસંદ કર્યા? તમારા પ્રોડક્શન-હાઉસમાં હંમેશાં વિપુલ મહેતા જ ડિરેક્ટર તરીકે રહેતા તો પછી આ વખતે વિનોદ સરવૈયા શું કામ?
સરસ સવાલ છે અને એનો જવાબ મહત્ત્વનો છે એટલે આપી દઉં.

જેવું અમારું નાટક ‘આ કોકિલાનું કંઈક કરો’ ઓપન થયું કે તરત જ વિપુલ મહેતાને જાણીતા ડિરેક્ટર-પ્રોડ્યુસર-ઍક્ટર ફિરોઝ ભગતનો ફોન આવ્યો. ફિરોઝભાઈને ઑલમોસ્ટ બધા ઓળખે જ છે. ગુજરાતી રંગભૂમિ પર છેલ્લાં ૪૪ વર્ષથી કાર્યરત એવા ફિરોઝ ભગતનું પહેલું નાટક ‘છાને પગલે આવ્યું મોત’ પ્રવીણ સોલંકીએ લખ્યું હતું અને ફિરોઝ ભગતે ડિરેક્ટ કર્યું હતું તો સાથોસાથ એમાં મુખ્ય ભૂમિકા પણ તેમણે ભજવી હતી. એ નાટક ઓપનિંગ શોમાં મેં સોફિયામાં જોયું હતું. એ નાટક મને ગમ્યું હતું અને ફિરોઝભાઈનું કામ પણ મને ગમ્યું હતું. એ પછી તો ફિરોઝ ભગતે જાતમહેનતે ખૂબ જ સરસ નામના મેળવી. આજે ફિરોઝ ભગત ગુજરાતી રંગભૂમિનું બહુ મોટું નામ કહેવાય. 

ફિરોઝભાઈએ ફોન કરીને વિપુલને નાટક લખવાની ઑફર કરી. વિપુલે મારી સાથે વાત કરી. એ સમયે મેં વિપુલને કહ્યું કે મારાં બધાં નાટકમાં તું બહારનો લેખક માગે છે અને તું પોતે બીજા માટે નાટક લખવા તૈયાર થાય છે, એ પણ એવા નાટક માટે જે નાટક તું નહીં, ફિરોઝભાઈ ડિરેક્ટ કરવાના છે. મારી તો તને સ્ટૅન્ડિંગ ઑફર છે કે તું જે નાટક મારા માટે લખે એ હું કરવા તૈયાર છું છતાં તું બહાર નાટક લખવા જાય છે. એ સમયે વિપુલે મને કહ્યું કે મને ફિરોઝભાઈ સાથે કામ કરવાનો મોકો મળે છે એ જ કારણ છે એટલે મેં તેને ખુશી-ખુશી હા પાડી અને આમ પણ મારી અને વિપુલ વચ્ચે ક્યારેય કોઈ ઍગ્રીમેન્ટ તો હતું જ નહીં, પણ હા, મને એટલી ખબર છે કે જે કમ્ફર્ટ લેવલ મને વિપુલ સાથે કે વિપુલને મારી સાથે છે એ વિપુલને બીજે ક્યાંય મળવાનું નથી. કહેવાનો ભાવાર્થ એ કે વિપુલ એ સમયે ફિરોઝ ભગતનું નાટક લખવામાં બિઝી હતો અને એ જ સમયે મને લલિતભાઈએ કૉમ્પિટિશન માટે નાટક કરવા કહ્યું અને મેં વિનોદ સરવૈયાનો સંપર્ક કરી કહ્યું કે તું જ નાટક લખ અને તું જ નાટક ડિરેક્ટ કર.

જોક સમ્રાટ

હમણાં હું વાઇફ ચંદા સાથે શાક લેવા ગયો. 
ચંદા શાકભાજી ખરીદવામાં બહુ ભાવતાલ કરતી’તી, મેં કંટાળીને કહ્યું, ‘મહેરબાની કરીને જલદી કર, મોડું થાય છે.’ 
ચંદા : તમે શાંતિ રાખો, આવી ઉતાવળમાં જ તમને હા પડાઈ ગઈ’તી, હવે છેતરાવું નથી.
સાહેબ, મારી બોલતી બંધ થઈ ગઈ.

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

Whatsapp-channel Whatsapp-channel

03 October, 2022 05:57 PM IST | Mumbai | Sanjay Goradia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK