° °

આજનું ઇ-પેપર
Tuesday, 06 December, 2022


યોગથી સત્ત્વ જગાડો અને આંતરશત્રુઓને હરાવો

05 October, 2022 12:01 PM IST | Mumbai
Ruchita Shah | ruchita@mid-day.com

વિજયાદશમીના દિવસે આટલું જો સમજાઈ જાય તો યોગ તમને તન, મન અને ધનથી દરેક ક્ષેત્રમાં વિજય અપાવવા માટે સક્ષમ છે જ

પ્રતીકાત્મક તસવીર રોજેરોજ યોગ

પ્રતીકાત્મક તસવીર

શ્રીમદ્ ભગવદ્ગીતામાં સોળમા અધ્યાયના છઠ્ઠા શ્લોકમાં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે, ‘હે અર્જુન, આ લોકમાં બે જ પ્રકારના મનુષ્યો છે. એક દૈવી પ્રકૃતિવાળા અને બીજા આસુરી પ્રકૃતિવાળા.’ 
શ્રીકૃષ્ણ દૈવી અને આસુરી પ્રકૃતિનું વિસ્તારપૂર્વક વર્ણન પણ કરે છે. આજે દેવનો અસુર પરના વિજયનો દિવસ છે. આજના દિવસનું નામ જ વિજયાદશમી પણ ક્યાંક ને ક્યાંક એ જ સૂચવે છે કે આસુરી શક્તિ ગમે તેટલી ખોફનાક અને પાવરફુલ હોય એ પછીયે જે સત્ય છે, જેમાં સત્ત્વ છે એને તમે હરાવી નથી શકતા. વિજયાદશમીથી આપણે શું શીખી શકીએ અને યોગના માધ્યમે વિજયાદશમીના પર્વને આપણે કઈ રીતે સાર્થક કરી શકીએ એ વિષય પર મુંબઈ યુનિવર્સિટીના ફિલોસૉફી વિભાગમાં અને મલાડની ‘DTSS કૉલેજ ઑફ લૉ’માં અસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કામ કરતાં ડૉ. રક્ષા વાઢૈયા સાથે આ વિષય પર ચર્ચા કરીએ. 

ઉત્સવ પાછળનું ધ્યેય

આપણી સંસ્કૃતિમાં ડગલે ને પગલે ઉત્સવો વણાયેલા છે એની પાછળનું ધ્યેય જ આપણી અંદરની દૈવીય સંપત્તિ વધારવાનું છે. ડૉ. રક્ષા કહે છે, ‘સંસ્કૃતમાં એક સુભાષિત છે, ‘ઉત્સવ ખલુ પ્રિય નરઃ। એટલે કે ઉત્સવ પ્રત્યેક વ્યક્તિને પ્રિય હોય છે, કારણ કે ઉત્સવ ઉત્સાહપ્રેરિત હોય છે. જીવનની કોઈ પણ સાધનામાં આગળ વધવું હોય તો ઉત્સાહ વિના વધી ન શકો. તમે હાઇએસ્ટ ગોલ પામવા માગતા હો, મોક્ષ તરફની તમારી ગતિ હોય તો એ સમયે તમારામાં સત્ત્વ ગુણ જોઈએ. આનંદ, ઉત્સાહ અને હકારાત્મક ઊર્જા હોય ત્યારે જીવનનાં સત્યોને પામવા માટેની દિશા ઝડપથી ખૂલતી હોય છે. એને બદલે જો બહુ જ દુખી, ડિસ્ટર્બ અને સફરિંગમાં હો ત્યારે તમસ ગુણનો વધુપડતો પ્રભાવ તમને આગળ વધવા નથી દેતો. નવરાત્રિના નવ દિવસની શક્તિની સાધના પછી મનમાં રહેલા દશ માથાના રાવણનો ખાતમો બોલાવવાનો તહેવાર એટલે દશેરો. રામનો રાવણ પર વિજય થયો એની પાછળનું મેટાફર પણ સમજવા જેવું છે. રામ રાવણની જેમ બહુ બધી શક્તિઓના ધણી નહોતા. તેમની પાસે રાવણ જેવી વેલ ટ્રેઇન્ડ સેના અને શાતિર સેનાપતિ નહોતા. બળ, શક્તિ, સૈન્ય અને શસ્ત્રસરંજામની દૃષ્ટિએ રાવણ સમૃદ્ધ હતા છતાં જીત રામની થઈ. રાવણની આસુરી, માયાવી ભૌતિક શક્તિઓ કામ ન લાગી. એના માટે સંસ્કૃતમાં એક સરસ શ્લોક છે. ‘ક્રિયા સિદ્ધિ સત્ત્વે ભવતી, મહત્તા ન ઉપકરણે’ એટલે કે કોઈ પણ કાર્યની સિદ્ધિ સત્ત્વશીલતાને કારણે, એ કરવા માટેની તમારી ઇચ્છાશક્તિ કેવી દૃઢ છે અને તમારા મનના ભાવ કેવા છે, તમારા ભાવમાં કેટલું સત્ત્વ છે એના પરથી મળે છે; નહીં કે ઉપકરણો. રાવણને હેલ્પ કરનારા ઘણા હતા અને બધા જ પાવરફુલ હતા પણ એમાં સત્ત્વની કમી હતી, જે તેને નડી. દશેરાને સાર્થક બનાવવો હોય તો આ પહેલો અને સૌથી મહત્ત્વનો મેસેજ તમારા મનમાં ઠસાવી દો કે કાર્યની સિદ્ધિ સત્ત્વશાળી બનવાથી મળે છે, માત્ર ઉપકરણોથી નહીં.’

ક્રિયા સિદ્ધિ સત્ત્વે ભવતી, મહત્તા ન ઉપકરણે એટલે કે કાર્યની સિદ્ધિ સત્ત્વશીલતાને કારણે મળે છે, નહીં કે ઉપકરણોથી. દશેરા આપણી અંદર રહેલા માનસિક રાવણોનો ખાતમો કરવાનો ઉત્સવ છે. યોગ પાસે છે એનો ઇલાજ. ડૉ. રક્ષા વાઢૈયા

યોગ શ્રેષ્ઠ માધ્યમ

એક વખત એક વ્યક્તિને એક હાથમાં તલવાર અને બીજા હાથમાં ઢાલ આપી દીધી અને કહેવામાં આવ્યું કે હવે તું લડ. પેલો માણસ કહે, અરે તમે તો મારા બન્ને હાથ તો ઓક્યુપાય કરી દીધા, હવે લડું શેનાથી. ઇન્સ્ટ્રુમેન્ટનું મહત્ત્વ આટલું જ છે તેમના માટે જેઓ એની પાછળના ભાવાર્થને નથી સમજતા. ડૉ. રક્ષા વાતને આગળ વધારતાં કહે છે, ‘દશેરો આંતરશત્રુનો નાશ કરવાનો, આપણી અંદર રહેલા માનસિક રાવણોનો ખાતમો બોલાવવાનો ઉત્સવ છે. પરંતુ કેવી રીતે અને અંદરના અસુરો એટલે કોણ? આ બધી સમજણ તમને યોગ પાસેથી મળી શકે. સત્ત્વ, રજસ અને તમસ આપણા સહુમાં છે, માત્ર એના પ્રપોર્શનમાં ફરક છે. દરેક વ્યક્તિ વચ્ચે જે જુદાપણું છે એ આ દરેક વ્યક્તિમાં રહેલી સત્ત્વ, રજસ અને તમસની જુદી માત્રાને કારણે છે. આસુરી બાબતો એટલે તમસ. આપણામાં રહેલી આળસ, કંટાળો, બેધ્યાનપણું, ક્રોધ, લોભ, ઈર્ષ્યા, અસુરક્ષિતતા, અહંકાર, માયા આ બધાં જ તમસનાં લક્ષણો છે. યોગના વિવિધ અભ્યાસો તમને તમારામાં રહેલા સત્ત્વને પ્રગટ કરવા માટે મદદરૂપ થાય છે. જે સત્ત્વની તમારામાં રહેલી ક્વૉલિટી આ તમસના અંધકારમાં ઢંકાઈ ગઈ છે એને બહાર કાઢવાનું કામ યોગ કરે છે. કોઈ પણ કાર્યમાં વિજયી બનવા માટે ઇચ્છા, પ્રેરણા, મનની પ્રબળતા હોવી એ પહેલી શરત છે. બાકી તો દરરોજ ડેલીએ હાથ દઈને આવનારા અને કામને અધૂરું રાખનારાઓની જ ફોજ તૈયાર થશે. રામ બનવું હશે તો પોતાની અંદરના એ સત્ત્વને જગાડવું પડશે અને એ જાગી શકે છે યોગાભ્યાસથી.’

કેવી રીતે શક્ય?

માટીનો ગરબો એટલે આપણું શરીર અને એની અંદર ઝળહળતો દીવો એટલે આપણો આત્મા, આપણી અંદર રહેલું સત્ત્વ તત્ત્વ. ગરબો આપણને પૉઝિટિવ એનર્જીને ઍક્ટિવેટ કરવાની અને એને ચૅનલાઇઝ કરવાની શીખ આપે છે. યોગ એ કામ સ્થિરતા સાથે કરે છે. ડૉ. રક્ષા કહે છે, ‘એક સિમ્પલ સ્થિતપ્રજ્ઞાસન એટલે કે બન્ને પગ એકબીજાની નજીક હોય એ રીતે રાખીને ઊભા રહેવાનું, હાથ જોડીને અને આંખો બંધ કરીને. આ એક આસનમાં જ્યારે તમે સ્થિર થાઓ છો ત્યારે ધીમે-ધીમે મનની સ્થિરતા આવશે. યોગ કહે છે, વૃત્તિ નિરોધ કરો એટલે કે સ્થિર થાઓ. વૃત્તિ એટલે કે મનનાં ડિસ્ટર્બન્સ. જો મનનાં ડિસ્ટર્બન્સ ઓછાં થઈ જાય તો નૅચરલી સત્ત્વ ગુણ પ્રગટ થાયને? મન એકાગ્ર થાય એ પછી અપનેઆપ એને એકાકાર થતાં વાર નથી લાગતી. એ પરમ બ્રહ્મ સાથે એકાકાર થવાની યાત્રામાં યોગાભ્યાસ અદ્ભુત મદદ કરી શકે છે. તમે જોયું હશે કે ઘણા લોકોએ માત્ર વજન ઘટાડવા માટે યોગ શરૂ કર્યા હોય પણ પછી વજન ઘટ્યું કે ન ઘટ્યું એ ગૌણ થઈ ગયું પણ એ વ્યક્તિ ઓવરઑલ પોતે ખૂબ શાંત થઈ હોય કે તેનો ગુસ્સો ઓછો થયો હોય એવો અનુભવ તે શૅર કરશે. સત્ત્વ ગુણ વધ્યું એનું પરિણામ છે આ. ઘણી વાર તમે પણ અનુભવ્યું હશે કે કોઈક વાત પર તમને ખૂબ ગુસ્સો આવેલો પણ પછી તમે થોડીક મિનિટ માટે પ્રાણાયામ કર્યા અને પછી જેની સાથે ઝઘડો કરવાનું વિચારેલું એને તમે જતું કર્યું. આ લેટ ગોનો ભાવ જે આવ્યો એ પ્રૂફ છે કે તમારી અંદરની આસુરી તાકાત ઘટી અને સત્ત્વ પ્રગટ થયું. આસન, પ્રાણાયામ, મુદ્રા, ધ્યાન જેવાં આઠેય યોગના અંગના નિયમિત અભ્યાસથી વ્યક્તિ વધુ સત્ત્વશાળી બનતી હોય છે. યોગની બહારના સંજોગો ન બદલાય પણ તમારી મનઃસ્થિતિ બદલાઈ જાય. આપણાં સુખદુઃખનો આખરે તો તમામ આધાર મનઃસ્થિતિ પર જ છેને?’

આ ધ્યાન ધરો

નવરાત્રિ દરમ્યાન મંત્રોને વેહિકલ બનાવીને એના માધ્યમથી તમે જાત સાથે સરળતાથી એકાકાર થઈ શકો છો. ઓમ અથવા તો વિવિધ ચક્રોના બીજ મંત્રનું મનમાં જ રટણ કરવાથી સત્ત્વગુણની વૃદ્ધિ થશે. દરેક બીજ મંત્ર ખૂબ પાવરફુલ સાઉન્ડ ગણાય છે. બીજમાં વૃક્ષ સમાયેલું છે, બીજમાં જ આખું જંગલ સમાયેલું છે. જ્યારે પણ તમે કોઈ બીજ મંત્રનું રટણ કરો છો ત્યારે આખા બ્રહ્માંડના સાઉન્ડને ઍક્ટિવેટ કરો છો. અત્યારના સમયમાં કોઈ પણ આલંબન વિના આપણું મન સ્થિર રહે એમ નથી ત્યારે મનમાં સિમ્પલ ૐ મંત્રનો જપ કરતાં-કરતાં મનને સ્થિર કરવાનો અભ્યાસ પણ દશેરાના દિવસે મનના અસુરોના નાશ માટે મદદરૂપ બની શકે છે.

નાડીશુદ્ધિ પ્રાણાયામ

યોગ સાધનાનો સાર ગણાતા આ પ્રાણાયામને તમે દશેરાના દિવસે તો ખાસ કરજો. તમારી સૂર્ય અને ચંદ્ર નાડી એટલે કે ઇડા અને પીંગળા નાડીમાં વહેતી ઊર્જાના અસંતુલનથી જ મન અને તન ડિસ્ટર્બ રહેતાં હોય છે. નાડીશુદ્ધિ તમને સંતુલન શીખવશે આ દિવસોમાં. તમારા ગુણોમાં પણ સંતુલન આવશે.

05 October, 2022 12:01 PM IST | Mumbai | Ruchita Shah

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK