Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > અહીં થાય છે બારેય માસ ગરબા, એ પણ યોગ સાથે

અહીં થાય છે બારેય માસ ગરબા, એ પણ યોગ સાથે

28 September, 2022 11:34 AM IST | Mumbai
Ruchita Shah | ruchita@mid-day.com

યોગાભ્યાસ અને ગરબાનો સમન્વય કેવી રીતે શક્ય બન્યો અને એનાથી લોકોને કેવા લાભ થયા છે એ વિષય પર વાત કરીએ

અહીં થાય છે બારેય માસ ગરબા, એ પણ યોગ સાથે

રોજેરોજ યોગ

અહીં થાય છે બારેય માસ ગરબા, એ પણ યોગ સાથે


યસ, છેલ્લાં થોડાંક વર્ષથી ગરબા યોગનો જબરદસ્ત ક્રેઝ વધ્યો છે. સુરતથી એની શરૂઆત થઈ હતી પણ આજે આખા ગુજરાતમાં અને મુંબઈમાં ઘણે ઠેકાણે ગરબા યોગની ફ્રી ટ્રેઇનિંગ ચાલે છે. યોગાભ્યાસ અને ગરબાનો સમન્વય કેવી રીતે શક્ય બન્યો અને એનાથી લોકોને કેવા લાભ થયા છે એ વિષય પર વાત કરીએ



યોગમાં નવાં-નવાં ‌ગિમિક ઉમેરીને પૉપ્યુલર થવાનો ટ્રેન્ડ વિદેશમાં તો પ્રચલિત છે જ પરંતુ હવે આપણે ત્યાં પણ યોગ સાથે કંઈક નવું જોડીને એને લોકો સુધી પહોંચાડવાના અખતરા કરતા લોકોની સંખ્યા વધી રહી છે. ગરબામાં યોગને અથવા તો યોગમાં ગરબાને મર્જ કરીને એને લોકો સુધી પહોંચાડવાની સુરતના ગ્રુપે શરૂ કરેલી ઍક્ટિવિટી આજકાલ ખૂબ પોપ્યુલર થઈ રહી છે. ગુજરાત અને મુંબઈમાં સંખ્યાબંધ સેન્ટરોમાં સેંકડો લોકોએ આ ઍક્ટિવિટીમાં જોડાઈને લાભ લીધો છે. શું છે ગરબા યોગ અને કઈ રીતે થાય છે એ વિશે વિગતવાર વાતો કરીએ.


સરળ અને આકર્ષક

ગરબા એ તો ગુજરાતીઓના લોહીમાં વહે છે એટલે જો ગરબા સાથે ફિટનેસ સાથે સંકળાયેલી બાબત જોડાયેલી હોય તો દેખીતી રીતે જ એ વધુ પ્રભાવક નીવડે. યોગાસનો હોય, જેને ગરબાનાં અમુક સ્ટેપ્સ અને શ્વાસની પ્રક્રિયા સાથે જોડી દેવાથી અને સાથે ગરબાનું મ્યુઝિક હોવાથી એ વધુ આકર્ષક બની જાય છે. બોરીવલીના સાવરકર ગાર્ડનમાં ૨૦૧૭થી ગરબા યોગ શીખવી રહેલા મુકેશ સવાણી કહે છે, ‘અમારી સંસ્થા સરદાર પટેલ સોશ્યલ ગ્રુપ દ્વારા સુરતના મનુભાઈ ધોલાની એક વર્કશૉપ યોજવામાં આવી હતી. યોગાનુયોગ મેં પણ છ દિવસની એ વર્કશૉપ અટેન્ડ કરેલી. બહુ જ મજા આવી એમાં. ગરબાની સાથે ફિઝિકલ ટ્રેઇનિંગને કારણે શરીરમાં ઊર્જાનું પ્રમાણ જાણે વધી ગયું હતું. આખો દિવસ ‌સ્ફૂર્તિ લાગી હતી એટલે થયું કે આપણે લોકોને પણ આમાં જોડીએ. માતાજીની આરતી અને ગરબા આમ પણ આપણી અંદર સાત્ત્વિક ઊર્જા વધારવાનું કામ કરતા હોય છે, એમાં પાછું જો પ્રાણાયામ અને યોગાસનો જોડી દો તો ઇફેક્ટ બેવડાઈ જાય. આ સ્વાનુભવ પછી લોકોને પણ આ અભ્યાસમાં જોડવા માટે અમે શરૂઆતમાં વનવિહાર ગાર્ડનમાં નિઃશુલ્ક ક્લાસનું આયોજન કરતા, પણ પછી સંખ્યા વધતી ગઈ એમ સાવરકર ગાર્ડનમાં શિફ્ટ થઈ ગયા. ઍવરેજ ચાલીસથી પચાસ લોકો સવારે છ વાગ્યાથી સાડાસાત વાગ્યા દરમ્યાન યોજાતા આ ફ્રી ક્લાસમાં ભાગ લે છે.’


માત્ર બોરીવલીના સાવરકર ગાર્ડનમાં જ નહીં પણ જુહુ, દહિસર, મલાડ, પીડીપી ગાર્ડન અને ‌મીરા રોડ જેવાં મુંબઈનાં અન્ય પરાંઓમાં પણ આ ક્લાસ યોજાય છે. ગુજરાતના લગભગ દરેક શહેરમાં ગરબા યોગના ક્લાસ થાય છે. આ ટ્રેઇનિંગ સંપૂર્ણ રીતે નિઃશુલ્ક હોય છે. યસ, કોઈ જ પ્રકારનો ચાર્જ લેવામાં નથી આવતો અને એટલે જ વધુને વધુ લોકો એનો હિસ્સો થઈ રહ્યા છે. 

એક અલગ અનુભવ

આઇટી એન્જિનિયરની ડિગ્રી ધરાવતી અને વ‌ર્કિંગ પ્રોફેશનલ રૂપલ ઠુમ્મર છેલ્લાં ત્રણ વર્ષથી ટીચર તરીકે ગરબા યોગ લોકોને શીખવે છે. તે કહે છે, ‘આ એક અલગ અનુભવ છે. તમે આનંદ મનાવતા-મનાવતા કસરત કરી લો. મન પણ પ્રફુલ્લિત હોય અને ફિઝિકલી કૅલરી બર્ન પણ સરસ થાય. ભાઈઓ અને બહેનો બન્ને આ ક્લાસમાં જોડાતાં હોય છે અને ક્લાસના અંતે તેઓ ખુશખુશાલ હોય છે. એક જાતનું સૅટિસ્ફૅક્શન ફીલ થતું હોય છે આ પ્રકારના યોગ દ્વારા. હું પહેલેથી જ ફિઝિકલી ઍક્ટિવ છું પણ આ ગરબા યોગનો મારા માટે પણ એક જુદો જ અનુભવ હતો. મ્યુઝિક આમ પણ મનને પ્રફુલ્લિ કરતું હોય છે એમાં માતાજીના ગરબાનું સૂધિંગ મ્યુઝિક હોય તો એનો પણ પોતાનો પ્રભાવ પડતો હોય છે. ઍરોબિક્સનો ભાગ હોવાથી ફુલ બૉડી વર્કઆઉટ થઈ જાય છે. લોકોનો સ્ટૅમિના ડેવલપ થયો છે. વેઇટલૉસ, ઘૂંટણના દુખાવામાં આરામ, ફ્રોઝન શોલ્ડરમાં આરામ જેવા ઘણા લાભ લોકોને થયા છે. અમારે ત્યાં વીસ વર્ષથી લઈને ૭૮ વર્ષની ઉંમરના લોકો આવે છે અને દરેક એજના લોકોને આરામ અનુભવાયો છે. અત્યારે નવરાત્રિના નવ દિવસ અમે ચાલીસ મિનિટનું ગરબા યોગનું સેશન તો કરીએ જ છીએ પણ પછી છેલ્લી પંદર મિનિટ માત્ર ગરબા પણ રમીએ છીએ, એય સવાર-સવારમાં. માનસિક રીતે પણ ફુલ્લી ચાર્જ થઈ જવાય છે.’

શું હોય છે પ્રૅક્ટિસમાં?

મોટા ભાગે દોઢ કલાકના ક્લાસમાં ચાલીસ મિનિટ ગરબા યોગ હોય, એ પછી સૂઈને સ્ટ્રેચિંગ હોય અને વીસેક મિનિટ પ્રાણાયામ હોય. મુકેશભાઈ કહે છે, ‘ગરબા યોગનાં સ્ટેપ્સમાં ભસ્ત્રિકા અને કપાલભાતિ પ્રાણાયામને વણી લેવાયું છે. ગરબા યોગના સ્ટેપ્સ પણ ‌અલગ હોય છે. ફિઝિકલી તો કાર્ડિયો થાય જ પણ બ્રીધિંગની દૃષ્ટ‌િએ પણ કાર્ડિયો થતું હોય છે. એ પછી સ્ટ્રેચિંગને કારણે લગભગ શરીર આખાના જૉઇન્ટ્સમાં હળવાશ આવી જતી હોય છે એટલે એમાં રહેલા બ્લૉકેજિસ દૂર થઈ જતા હોય છે. ભસ્ત્રિકા અને કપાલભાતિને કારણે નાડીઓમાં રહેલા બ્લૉકેજિસ દૂર થવાથી દોઢ કલાકના સેશન પછી લોકોને સારું જ લાગે. મોટા ભાગે ગરબા, ભજનો માતાજીની પ્રાર્થના છે. એ પૉઝિટિવ અને દિવ્ય શબ્દોની પણ પોતાની અસર વ્યક્તિના ચેતાતંત્ર પર પડતી હોય છે. પ્રાણાયામને કારણે ફેફસાંની ક્ષમતા વધે, ઝડપી મૂવમેન્ટને કારણે કૅલરી બર્ન થાય. જોકે આ ગ્રુપ ક્લાસ હોય એ પછી પણ અમુક લોકોએ પોતાના રોગને અનુરૂપ આ પ્રૅક્ટિસ ન કરવી એવી સૂચના અમે આપતા રહેતા હોઈએ છીએ. જોકે ચમત્કારિક રીતે જેમને ડૉક્ટરોએ ચાલવાની પણ મનાઈ કરી હોય કે હાથ પણ હલાવવાની ના પાડી હોય તેમને આ ગરબા યોગથી સંપૂર્ણ ફાયદો થયો હોય એવા કેસ પણ છે અમારી પાસે. સ્ટુડન્ટ્સ પાસેથી કોઈ ફી લેવાતી નથી અને શિક્ષકો પણ વૉલન્ટરી સેવા આપે છે એ પણ બહુ જ મોટી લાક્ષણિકતા છે આ કલાસની.’

કેવો લાભ થાય?

હાર્ટ હેલ્થ માટે ઉપયોગી છે. 
પીસીઓડી, મેનોપૉઝ અને પિરિયડ્સને લગતી સમસ્યામાં લાભ થઈ શકે છે. 
સાંધાના દુખાવામાં આરામ થઈ શકે. 
વજન ઘટાડવામાં મિરૅક્યુલસ પરિણામ આવે છે.
શ્વસન સુધારે. ઘણા અસ્થમાના દરદીઓને લાભ થયો હોવાના દાખલા ગરબા યોગશિક્ષકો પાસે છે. 
માનસિક રોગોમાં લાભ થાય. મન પ્રફુલ્લિત થાય.

પાર્ટિસિપન્ટ્સ શું કહે છે?

બોરીવલીમાં રહેતાં કવિતા શાહ છેલ્લા એકાદ વર્ષથી ગરબા યોગ કરે છે. પોતાનો અનુભવ શૅર કરતાં તેઓ કહે છે, ‘મને ગરબાનો શોખ છે. આ ટેક્નિક હું પહેલાં યુટ્યુબ પર જોઈને ફૉલો કરતી હતી. ૫૧ વર્ષની ઉંમરે મને આ અભ્યાસથી ઘણો ફરક પડ્યો છે. લગભગ છ કિલો વજન ઘટ્યું. ફ્રોઝન શોલ્ડરની સમસ્યામાં આરામ થયો. ડાઇજેશન પણ સુધર્યું છે. મારા માટે આ ગમતી પ્રવૃત્તિ છે એટલે એક્સરસાઇઝ કરવાનો ક્યારેય કંટાળો નથી આવતો. ઇન ફૅક્ટ રોજ સવારે હું એની રાહ જોતી હોઉં છું.’

માતાજીની આરતી અને ગરબા આમ પણ આપણી અંદર સાત્ત્વિક ઊર્જા વધારવાનું કામ કરતાં હોય છે એમાં પાછું જો પ્રાણાયામ અને યોગાસનો જોડી દો તો ઇફેક્ટ બેવડાઈ જાય. ઘણા લોકોને આ જ કારણે ઘણી બીમારીમાં લાભ થયા છે. : મુકેશ સવાણી

Whatsapp-channel Whatsapp-channel

28 September, 2022 11:34 AM IST | Mumbai | Ruchita Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK