Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > સ્કાયવૉક પરનાં ગરીબ બાળકોને ભણાવવાનું બીડું ઝડપ્યું આ બહેને

સ્કાયવૉક પરનાં ગરીબ બાળકોને ભણાવવાનું બીડું ઝડપ્યું આ બહેને

30 November, 2022 04:50 PM IST | Mumbai
Ruchita Shah | ruchita@mid-day.com

‘જુનૂન’ ફાઉન્ડેશન અંતર્ગત શરૂ થયેલા કૅમ્પેનમાં જોડાઈને નીતા જરીવાલાએ છેલ્લાં પાંચ વર્ષમાં બાળકોને લખતાં-વાંચતાં કરવા માટે નિયમિત સેવાયજ્ઞ શરૂ કર્યો છે. દરેક હાઉસવાઇફ પોતાના ફ્રી ટાઇમમાં સમાજને ઉપયોગી કેવી રીતે થઈ શકે એનું તેઓ જીવંત ઉદાહરણ છે

સ્કાયવૉક પરનાં ગરીબ બાળકોને ભણાવવાનું બીડું ઝડપ્યું આ બહેને વાહ વડીલ

સ્કાયવૉક પરનાં ગરીબ બાળકોને ભણાવવાનું બીડું ઝડપ્યું આ બહેને


જીવનમાં ક્યારેક પણ સારો સંકલ્પ કર્યો હશે તો એ વહેલોમોડો અમલમાં મુકાય એવા સંજોગો ઊભા થતા જ હોય છે. ગ્રૅજ્યુએશન પૂરું કર્યા પછી તરત જ લગ્ન અને પછી ઘર-પરિવારની જવાબદારીમાં જોડાઈ ગયેલાં કાંદિવલીમાં રહેતાં નીતા મયંક જરીવાલાના જીવનમાં યુવાનીમાં કરેલો સંકલ્પ ૫૫ વર્ષે પૂરો થયો. ‘કોઈક માટે કંઈક કરવું છે અને ટીચિંગ મારું ફેવરિટ હતું, પણ એવી કોઈ તક ત્યારે મળી નહીં. લગ્ન પછી ઘર-પરિવારની જવાબદારીમાં જોડાઈ ગઈ. સાથે જ હસબન્ડના બિઝનેસમાં મદદ કરતી હતી. ધીમે-ધીમે ઉંમર વધતી ગઈ. પરિવાર પોતપોતાની રીતે સેટલ થઈ ગયો અને હવે નવરાશનો સમય મળવા માંડ્યો એ દરમ્યાન ફુટઓવર બ્રિજ પર રહેતાં બાળકોને ભણાવવાની તક મળી અને લાગ્યું કે જીવનને જાણે મકસદ મળી ગઈ.’

નીતાબહેનના આ શબ્દો છે. છેલ્લાંક ચાર વર્ષથી તેઓ ‘જુનૂન’ નામની સંસ્થા સાથે જોડાયાં છે અને સોમથી શુક્ર દરરોજ બપોરે એકથી દોઢ દરમ્યાન ગરીબ બાળકોને ભણાવવા માટે કાંદિવલીના સ્કાયવૉક પર જાય છે. કેવી રીતે તેમની યાત્રા શરૂ થઈ અને તેમનો અનુભવ કઈ રીતે યાદગાર છે એ જાણીએ તેમની જ પાસેથી. 



હાઉસવાઇફમાંથી ટીચર | ‘દરેક હાઉસવાઇફનો બપોરનો સમય ફ્રી હોય છે. મારો દીકરો બહારગામ કામ માટે ગયો એ પછી તો મારી પાસે સમય જ સમય હતો. હવે આ ટાઇમમાં શું કરવું એ સમજાતું નહોતું, એ દરમ્યાન અનાયાસ જ રસ્તા પર રહેતાં બાળકોને ભણાવતા એક ગ્રુપનો પરિચય થયો.’ એમ જણાવીને નીતાબહેન આગળ કહે છે, ‘પાંચ વર્ષ પહેલાં રજિસ્ટર્ડ સંસ્થા ‘જુનૂન ફાઉન્ડેશન’ દ્વારા કાંદિવલી-બોરીવલીનાં ગરીબ બાળકોને એજ્યુકેશન આપવાની પહેલ કરવાની વાત એક મૅગેઝિનમાં વાંચી હતી. એના માટે ઇન્સપાયર્ડ થયા પછી મને લાગ્યું કે હું પણ આમાં જોડાઉં. એના માટે સંસ્થાના સ્થાપક હેમંતી સેન સાથે વાત કરી અને પછી તો કાંદિવલીના સ્કાયવૉક પર જવાનું શરૂ કર્યું. બેઝિક વાંચતાં લખતાં બાળકોને શીખવવાનું મુખ્ય ધ્યેય હતું. કોવિડનાં બે વર્ષ ન જઈ શકાયું. એ સિવાય રેગ્યુલરલી બાળકોને મળું છું અને તેમને ઇંગ્લિશ, મૅથ્સ, હિન્દી શીખવાડું છું. લગભગ દસથી બાર બાળકો હોય. તેમને ઇન્ટરેસ્ટ પડે અને તેઓ ભણવા માટે આકર્ષાય એટલે ક્યારેક ખાવાનું પણ રાખીએ. તેમનું હોમવર્ક થયું હોય તો ગિફ્ટ અને ચૉકલેટ્સ પણ રાખીએ.’


રસ્તા પર રહેતા મજૂરો, ભીખ માગતા લોકોનાં આ બાળકો હોય છે અને હવે તો તેમને એવી આદત પડી ગઈ છે કે તેઓ પણ નીતાબહેનની રાહ જોતાં હોય છે. 

ઘણું શીખી છું | થોડાક સમય પહેલાં એક બહેનનું શ્રીમંત કરવાનું હતું. તેમને તામઝામભર્યું ફંક્શન રાખવાને બદલે આ બાળકોને મૅક્ડોનલ્ડમાં લઈ જઈને ત્યાં બેસાડીને બર્ગર ખવડાવ્યાં. આ બાળકો માટે આ લાઇફટાઇમ ઑપોર્ચ્યુનિટી હતી. તેમના ચહેરા પર આનંદનો પાર નહોતો. નીતાબહેન કહે છે, ‘આ બાળકો માટે આ તો ખરેખર ખૂબ મોટી બાબત હતી, પરંતુ તેઓ નાની-નાની બાબતોથી પણ ખૂબ ખુશ થઈ જતાં હોય છે. એક નાનકડું લાકડું મળી જાય તો પણ એને કાર બનાવીને રમવા માંડે. અમુક બાળકોને ભણવું ન ગમે તો પણ તેમને મારા તરફથી અટેન્શન અને પ્રેમ મળશે એને કારણે તેઓ આવે. ઘણાં બાળકોના પેરન્ટ્સ તેમને આવવામાં રોકતા હોય ત્યારે અમે સમજાવીએ કે થોડું વાંચતાં-લખતાં શીખી જશે તો તેમને આગળ કામ આવશે. પેરન્ટ્સની આર્ગ્યુમેન્ટ એવી હોય કે અત્યારે એક કલાક જો તે ભીખ માગે તો સો રૂપિયા કમાઈ શકે એમ છે.’


નીતાબહેન પાસે ચાર વર્ષથી બાર વર્ષનાં બાળકો અત્યારે ભણે છે. તેઓ ક્યારેક આ બાળકોને સ્પેશ્યલ પરમિશન લઈને ગાર્ડનમાં ફરવા પણ લઈ જતાં હોય છે. બાળકો ભણે એના માટે તેમણે બીજો એક નુસખો અપનાવ્યો છે એની વાત કરતાં તેઓ કહે છે, ‘બાળકોને હું દસ મિનિટ બાલવીરનો એપિસોડ મારા ફોનમાં દેખાડું જો તેમણે બરાબર અભ્યાસ કર્યો હોય તો. એ દસ મિનિટનો એપિસોડ પણ તેમને એટલો આનંદ આપે કે વાત ન પૂછો. જુનૂન ફાઉન્ડેશન અંતર્ગત અત્યારે આવાં સો જેટલાં બાળકોને એજ્યુકેશન આપવાનું કામ સરસ રીતે ચાલી રહ્યું છે. લગભગ દસ-પંદર મહિલાઓ અને કૉલેજ-સ્ટુડન્ટ્સ પણ આ કૅમ્પેનમાં જોડાયેલા છે. બોરીવલીમાં બે બ્રાન્ચ છે. માગાઠાણે અને કાંદિવલીમાં બ્રાન્ચ છે. અત્યારે આ કામ કરતી વખતે ખરેખર એમ લાગે છે કે આપણે ધારીએ તો આપણા સ્તર પર પર ઘણું કરી શકીએ એમ છીએ.’ 

Whatsapp-channel Whatsapp-channel

30 November, 2022 04:50 PM IST | Mumbai | Ruchita Shah

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK