Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > યોગીઓની સિદ્ધિ આધ્યાત્મિક વિજ્ઞાન કે પછી માત્ર હાથચાલાકી?

યોગીઓની સિદ્ધિ આધ્યાત્મિક વિજ્ઞાન કે પછી માત્ર હાથચાલાકી?

29 January, 2023 03:06 PM IST | Mumbai
Ruchita Shah | ruchita@mid-day.com

બહુચર્ચિત બાગેશ્વરના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને કારણે અત્યારે શ્રદ્ધા કે અંધશ્રદ્ધા પરનો વિવાદ આસમાને છે ત્યારે ભારતીય પરંપરામાં અનેકાનેક સિદ્ધિઓ ધરાવતા સિદ્ધયોગીઓના પરચા પણ શું ફેક અને હમ્બગ હતા?

યોગીઓની સિદ્ધિ આધ્યાત્મિક વિજ્ઞાન કે પછી માત્ર હાથચાલાકી?

યોગીઓની સિદ્ધિ આધ્યાત્મિક વિજ્ઞાન કે પછી માત્ર હાથચાલાકી?


જો નહીં તો એની પાછળ શું વિજ્ઞાન હતું? તેમ જ સિદ્ધિઓના નામે લોકોને બુદ્ધુ બનાવનારા આજના જમાનાના કેટલાક સો-કૉલ્ડ બાબાઓ કેવી ટ્રિક અજમાવતા હોય છે? સાચું કોણ અને ખોટું કોણ એની પરખ કેવી રીતે કરવી? જેવા અઢળક પ્રશ્નોના રોચક જવાબો આ ક્ષેત્રના કેટલાક નિષ્ણાતો પાસેથી મેળવીએ...

‘શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર? કુરાનમાં તો ક્યાંય પયગંબરની સહી નથી.’ અત્યારે આપણે જે વિશ્વમાં જીવીએ છીએ ત્યાં જલન માતરીની આ ગઝલ પ્રમાણે ચાલીએ તો ચાલે એમ નથી. ઠગભગતોની વસ્તીમાં સાચી વ્યક્તિની શોધ એ ખરેખર દિવસે તારા શોધવા જેવું છે. ૨૫ વર્ષના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના ચમત્કારોએ અત્યારે ભારે ચર્ચા જગાવી છે. મધ્ય પ્રદેશના છત્તરપુર જિલ્લાના એક નાનકડા ગામ પાસે બાગેશ્વર ધામ સરકાર મંદિર આવેલું છે. આ બાગેશ્વર હનુમાનજીની છત્રછાયામાં દરબાર ભરાય છે, જેમાં લાખોની મેદની ભેગી થાય છે અને પોતાની સમસ્યાના નિરાકરણ માટે અરજી મૂકે અને તેમની મનોકામના પૂરી થાય છે. અહીં સુધી તો ઠીક છે, પરંતુ આ અરજી માટે આવતા લાખો લોકોમાંથી કોઈ વ્યક્તિને તેના નામ સાથે બોલાવવો અને એ વ્યક્તિ સ્ટેજ સુધી પહોંચે એ પહેલાં તેની સમસ્યા, કારણો અને સમાધાન તેના હાથમાં એક પરચીમાં લખીને આપી દેવાં અને ‘આ બધું હું નથી કરતો, પણ મારા દાદાગુરુ શ્રી સંન્યાસીબાબા અને બાલાજી કરાવે છે’ એવું પણ આ ધીરેન્દ્ર શાસ્ત્રી બોલતા હોય છે. કંઈ પણ કહ્યા વિના બાબા બધું જ જાણી લે છે એ વાતે તેમની પૉપ્યુલરિટી વધારી છે ત્યારે અંધશ્રદ્ધા નિર્મૂલન માટે કામ કરતી સંસ્થાઓ દ્વારા એવો આક્ષેપ મુકાયો છે કે બાબા હનુમાનજીના નામે કેટલીક મૅજિક ટ્રિકનો ઉપયોગ કરીને લોકોને ઠગી રહ્યા છે. ‘બાલાજીની કૃપા છે અને મને આભાસ થાય છે અને એના આધારે વ્યક્તિને ન ઓળખતો હોવા છતાં તેના વિશે બધું લખી જાણું છું.’ સ્વાભાવિક રીતે જ પહેલી નજરે આ વાત માન્યામાં ન આવે એવી છે. હવે પ્રશ્ન થાય છે કે શું આ ચમત્કાર છે? આવું ખરેખર સંભવ છે કોઈ દૈવીય કૃપાથી કે પછી આજકાલ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની રહેલા મેન્ટલિસ્ટ દ્વારા ઉપયોગમાં લેવાતી વૈજ્ઞાનિક પદ્ધતિ છે? સિદ્ધિ અને વિજ્ઞાન વચ્ચેના ભેદને સમજવા અમે આ જ ક્ષેત્રના જુદા-જુદા લોકો સાથે ચર્ચા કરી અને જાણવાના પ્રયાસ કર્યા કે હકીકત શું હોઈ શકે?



વિજ્ઞાન છે દરેક સ્થાને


ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીજીના ગુરુ છે જગદ્ ગુરુરામભદ્રાચાર્યજી, જેઓ પોતે પ્રજ્ઞાચક્ષુ છે અને બહુ બધાં શાસ્ત્રો તેમને કંઠસ્થ છે. કોઈના મનની વાત જાણવી અને બાલાજી આભાસ દ્વારા આ વાત કરે એ કેટલું જસ્ટિફાય થાય છે એના જવાબમાં છેલ્લાં ઘણાં વર્ષોથી વેદિક સાયન્સ પર રિસર્ચ કરી રહેલા, લાઇફ કોચ અને ઇન્ડિયન સબલાઇમ ફાઉન્ડેશનના સ્થાપક ડૉ. અભિલાષા દ્વિવેદી કહે છે, ‘જેને તમે અવિશ્વસનીય ઘટના કહો છો એની પાછળનું કાર્ય અથવા તર્ક ન સમજાય એને માણસ ચમત્કાર કહી દે છે. વાસ્તવમાં કોઈ પણ કાર્ય વિજ્ઞાનથી જુદું નથી. જે થઈ રહ્યું છે એની પાછળ કોઈ ને કોઈ કાર્ય કારણ સિદ્ધાંત છે અને સૌથી મહત્ત્વની બાબત એટલે ભારતીય જ્ઞાન પરંપરામાં આપણી પાસે અઢળક એવી વિદ્યાઓ છે જે વિજ્ઞાન સાથે સંકળાયેલા સિદ્ધાંતો પર કામ કરે છે. એની ટેક્નૉલૉજી હજી આપણે નથી સમજી શક્યા એટલે એ અંધવિશ્વાસ છે એવું કહેવું તો ઉચિત નહીં ગણાયને? મજાની વાત એ છે કે ભૌતિક વિજ્ઞાનની બહારની વસ્તુ હોવાથી તેને સમજવા માટે પશ્ચિમી દેશો હવે ક્વૉન્ટમ ફિઝિક્સની શાખામાં ઊંડા ઊતરવાના પ્રયાસ કરી રહ્યા છે. પ્રકાશ એ તરંગોથી ચાલે છે એવું કહેનારા આલ્બર્ટ આઇન્સ્ટાઇને જ ક્વૉન્ટા અથવા તો ફોટોન (પ્રકાશનો એક અણુ જે લાઇટ અને ધ્વનિથી બનેલો છે અને એટલે જ એને ફોટોન નામ આપ્યું.) શબ્દ આપ્યો. આઇન્સ્ટાઇનના ક્વૉન્ટમ ફિઝિક્સ અને ઊર્જા સતત ગતિમાન છે એવો સિદ્ધાંત આપનારા મૅક્સ પ્લાન્ક એ જ કહે છે જે ભારતના આધ્યાત્મિક વિજ્ઞાને સેંકડો હજારો વર્ષ પહેલાં સંશોધન કરીને જાણ્યું છે.’

ડૉ. અભિલાષા


ભારતનું આધ્યાત્મિક વિશ્વ સ્થૂળને બદલે સૂક્ષ્મનો અભ્યાસ કરે છે એમ જણાવીને ડૉ. અભિલાષા ઉમેરે છે, ‘તેમણે સદીઓથી મનનાં ઊંડાણો પર સંશોધન કર્યું છે અને જાણવા મળ્યું છે કે મનની ઊર્જા માત્ર પોતાની જાતને જ નહીં, પરંતુ એની આસપાસના વાતાવરણને પણ અસર કરે છે. બરાબર એ જ રીતે મૅક્સ પ્લાન્ક દ્રવ્ય વિશે વાત કરે છે. મનમાં શાંતિ કે અશાંતિ હોય એ આસપાસના વાતાવરણને પણ અસર કરે છે. એવું જ વિચારોનું છે. આપણે જે વિચારીએ છીએ એનાથી નકારાત્મક અથવા સકારાત્મક ઊર્જા ઉત્પન્ન થાય છે. જેકોઈ એના પ્રભાવ હેઠળ આવશે તે એને અનુભવી શકશે. એક સિદ્ધ, સાધક અથવા યોગી જે ચેતનાના શુદ્ધ તળ પર હોય તો તે સહજપણે એની આસપાસ આવનાર વ્યક્તિ વિશે જાણે છે. તેને અનુભૂતિ થાય છે. તેનું વર્ણન ભારતીય શાસ્ત્રોમાં જોવા મળે છે. શાસ્ત્રોમાં કારણ અને કાર્યના સંબંધમાં પણ અપવાદ કહેવામાં આવ્યા છે. વર્તમાનમાં ભવિષ્યની અનુભૂતિ થાય છે એવું પણ કહેવામાં આવ્યું છે. આજનું વિજ્ઞાન જેને ફોટોન કે ક્વૉન્ટા કહી રહ્યું છે એ પણ એ જ પ્રકાશ છે, જેને અહીં દિવ્ય ધાતુથી બનતા દેવતા શબ્દ દ્વારા સંબોધવામાં આવ્યા છે. વિવિધ ફ્રીક્વન્સી પર વહેતા પ્રકાશના કિરણનું સનાતનના દેવતા તરીકે અર્થઘટન કરવામાં આવે છે. એની લોક જગ્યાએ અંતરીક્ષમાં એટલે કે સ્પેસમાં છે. આવી સૂક્ષ્મ ઊર્જા જે પ્રકૃતિમાં બનતી ઘટનાઓનું કારણ છે. આપણે એને દેવતા કહીએ છીએ, એને આધુનિક વિજ્ઞાન ફોટોન ઊર્જા કહે છે. આધુનિક વિજ્ઞાન જેમ સ્થૂળમાંથી સૂક્ષ્મ તરફ આગળ વધી રહ્યું છે એમ એ ભારતના આધ્યાત્મિક વિજ્ઞાન તરફ આવી રહ્યું છે. આવી સ્થિતિમાં જો કોઈ વ્યક્તિ વિજ્ઞાનનો અભ્યાસ કર્યા વિના વિજ્ઞાન પર ટિપ્પણી કરી શકતો નથી, તો પછી આધ્યાત્મિક અનુભવ વિના વ્યક્તિને આધ્યાત્મિક વિજ્ઞાન પર ટિપ્પણી કરવાનો અધિકાર કેવી રીતે મળે?’

વ્યક્તિગત અનુભવ

દીપક ગાવડે

આજથી પચીસ વર્ષ પહેલાં મહારાષ્ટ્રમાં ગોવા પાસે એક ગામ છે ત્યાં જેજે સ્કૂલ ઑફ આર્ટ્સમાં ગોલ્ડ મેડલિસ્ટ એવા દીપક ગાવડેએ ગુરુની અસીમ કૃપા વચ્ચે આવી સિદ્ધિઓનો પ્રત્યક્ષ અનુભવ કર્યો છે. ૬૬ વર્ષના દીપક ગાવડે પોતાના ગુરુ દ્વારા પોતે અનુભવેલા એ રોચક ચમત્કારની વાત કરતાં કહે છે, ‘સદ્ગુરુ બાલદત્ત નાથને હું નાનપણથી ઓળખતો હતો. ગોવા પાસેના ગામમાં હું ગુરુજી પાસે હતો ત્યારે તેમણે એક રાતે મને કહ્યું કે તું આજે રાતે કલર લઈને આવી જજે. શું કરવાનું છે કલરનું કે કેવું પેઇન્ટિંગ બનાવવું છે કે કંઈક બીજું કરવું છે એમાંનું મને કંઈ જ ખબર નહીં છતાં ગુરુની આજ્ઞા હોય એટલે ગયો. ગુરુજી મારાથી લગભગ ૨૦ ફુટ અંતરે બેસી ગયા અને તેમણે આસપાસના તમામ લોકોને સૂચના આપી દીધી કે હવે કોઈએ અહીં વચ્ચેથી પસાર થવું નહીં. પછી મેં કલર હાથમાં લીધા અને લગભગ ૧૨X૨૫ ફુટની દીવાલમાં ધીમે ધીમે પેઇન્ટિંગ કરતો ગયો. આખી રાતમાં આખું મોટું પેઇન્ટિંગ તેમણે મારી પાસે બનાવડાવ્યું. જએને બહુ બધા આર્ટિસ્ટ ભેગા થઈને જે અઠવાડિયે પૂરું કરે એ એક રાતમાં અને પેઇન્ટિંગમાં હું શું કરી રહ્યો છું, કેમ કરી રહ્યો છું એની મને કંઈ જ ખબર નહોતી પડી. બસ મને ગુરુજીનો આભાસ મનમાં હતો અને જાણે તેઓ મારા કાનમાં બોલતા હોય અથવા તો મારા હાથની પીંછીને તેઓ ચલાવતા હોય એ રીતે આખું ચિત્ર પૂરું થયું. જેવું પેઇન્ટિંગ પત્યું કે તરત હું બેહોશ થઈ ગયેલો. લગભગ ત્રણ કલાક પછી મને ભાન આવ્યું. આખી રાત કામ કર્યા પછી જાગ્યો ત્યારે જાણે કંઈ થયું જ નથી એવી ફ્રેશનેસ અને તાજગી હતી. ત્યારે ગુરુ હયાત હતા, પણ હવે તેઓ હયાત નથી છતાં તેમનો મને આભાસ થાય અથવા તો તેમની પ્રેરણા થતી હોય છે અને એના આધારે અત્યાર સુધી પચાસથી વધુ અધ્યાત્મને લગતાં પદો, ગીતો અને ભજનો મેં લખ્યાં છે. યોગ, પ્રાણાયામ, ધારણા, ધ્યાન અને સમાધિથી શું થઈ શકે એને શબ્દોમાં વર્ણન કરવું કે બુદ્ધિથી સમજવું જ અઘરું છે. આત્મતત્ત્વ કોઈ જુદી બાબત છે અને એનું સત્ત્વ પણ જુદું છે. ગુરુની કૃપા હોય તો બધા જ અસંભવ સંભવ થઈ જાય. બે-ત્રણ વાર ક્યાંક બહારગામ જવાનું હોય અને મને મનમાં પ્રેરણા થાય કે આજે નહીં જા અથવા તો આ રીતે નહીં જા અને હું એનું પાલન કરું. પછી મોડેથી ખબર પડે કે એ રૂટ પર અકસ્માત થયો છે કે ઘરમાં કોઈની હેલ્થ સિરિયસ થઈ હતી. વિજ્ઞાન અધ્યાત્મથી ઉપર નથી એટલું હવે આપણને સમજાવું જોઈએ.’

અહીં ઉલ્લેખનીય છે કે દીપક ગાવડેએ ગોવા નજીક આવેલા શિરોડા ગામમાં જે પેઇન્ટિંગ બનાવ્યું છે એની થીમ પણ અધ્યાત્મ છે. દિવસના જુદા-જુદા પ્રહરમાં કયા કામ કરવાં અને ભક્તિ કરવી એનું ચિત્રમાં રૂપાંતરણ કર્યું છે તેમણે અથવા તો તેમના ગુરુએ કરાવ્યું છે. અત્યારે પણ એને હાઈ એનર્જી પ્લેસ મનાય છે અને ઘણા ફૉરેનરો આ સ્થળની શક્તિનો અભ્યાસ કરવા માટે અહીં આવે છે.

વાય નૉટ પૉસિબલ?

ડૉ. મોહીનીશ ભટ્ટજીવાલે

આપણું બ્રેઇન વેવ્સ એટલે કે તરંગો પર કામ કરે છે અને આપણી આસપાસ પણ તરંગોનું જ વિશ્વ છે. આ સ્પષ્ટતા સાથે જાણીતા ન્યુરો સર્જ્યન ડૉ. મોહીનીશ ભટ્ટજીવાલે કહે છે, ‘બાગેશ્વરમાં જે થઈ રહ્યું છે એ સાચું છે કે હમ્બગ એની મને નથી ખબર, પરંતુ વિજ્ઞાનની દૃષ્ટિએ જો કોઈ વ્યક્તિની બ્રેઇનની કૅપેસિટી એવી વિકસિત થયેલી હોય કે તે બહારના વેવ્સની ફ્રીક્વન્સી પકડી શકે તો તેને તેના મનમાં જે ચાલી રહ્યું હોય એની ખબર પડી શકે. જેમ કે એક રેડિયો તમારી પાસે છે અને જો એને ચાલુ કરીને અમુક ફ્રીક્વન્સી સાથે એને ટ્યુન કરો તો તમને જો એ ફ્રીક્વન્સી પર સંગીત ચાલતું હોય તો એ તમને સંભળાય છે. એ જ રીતે દરેક વ્યક્તિ પણ એક ટ્રાન્ઝિસ્ટર છે. તેઓ જો પોતાને અમુક ફ્રીક્વન્સીમાં ટ્યુન કરવાની સાધના કરી શકે તો એમાં વિજ્ઞાન તો છે જ. ભારતીય સંસ્કૃતિમાં આવી સાધના કરનારા સાધકો છે, જેમ કે એક માળામાંથી ધારો કે ૧૦૮ મોતીના દાણા પસાર થયા છે તો એ પ્રત્યેક મણકા જુદા છે છતાં એકબીજાથી એ ધાગાને કારણે જોડાયેલા તો છે જ. મોતી બહારથી જુદા છે, પણ અંદરથી તો પરસ્પર સંકળાયેલા જ છે. જોકે એનું બીજા સાથેનું કનેક્શન જાણવા માટે એણે અંદર ઝાંકવું પડે.’

ઈશ્વરથી દૂર કરે સિદ્ધિઓ

સ્વામી વિવેકાનંદના જીવનનો એક પ્રસંગ છે. સ્વામીજી તેમના એક શિષ્ય સાથે મદ્રાસ હતા. સ્વામીજીને લાગ્યું કે તેમનાં મમ્મી ગુજરી ગયાં છે. તેમણે તેમના શિષ્યને ટેલિગ્રામ કરીને તપાસ કરવાનું કહ્યું. જોકે ટેલિગ્રામનો જવાબ તો તરત ન આવે એટલે તેમના શિષ્યએ તેમને સજેશન આપ્યું કે સામે પેલું તળાવ છેને ત્યાં એક તાંત્રિક રહે છે. તેણે કર્ણ પિશાચીની સિદ્ધ કરી છે. આપણે તેમને પૂછીએ તો તરત જ ખબર પડી જાય. વિવેકાનંદજી શિષ્યના કહેવાથી એ તાંત્રિકની ઝૂંપડીની બહાર ગયા તો પહેલાં તો તાંત્રિકે પથ્થર માર્યા, પણ પછી વધુ નજીક ગયા એ પછી તેણે સ્વામીજીને હાથ જોડ્યા. તેઓ કંઈ બોલે એ પહેલાં જ તાંત્રિકે સ્વામીજીને વિનવણી કરી કે મને સખત તાવ છે અને તમે જો મારા માથે હાથ મૂકો તો મારો તાવ ઊતરી જશે. સ્વામીજી કહે, ‘આમ હાથ મૂકવાથી થોડો તાવ ઊતરે. ઔષધ લેવાથી ઊતરશે.’ છતાં પેલાએ જીદ કરી એટલે સ્વામીજીએ હાથ મૂક્યો. હાથ મૂક્યો ત્યારે શરીર ખરેખર ગરમીથી ધખધખતું હતું. હાથ પાછો લીધા પછી પેલાને પસીનો થયો અને તાવ ઊતરી ગયો. હવે તાંત્રિકે સ્વામીજી કંઈ પૂછે એ પહેલાં જ કહી દીધું કે ‘તમારાં મમ્મી જીવતાં છે અને હજી દસ વર્ષ તેમને કશું થવાનું નથી. તમે જે ચિઠ્ઠી લખી છે એનો આ જવાબ છે’ એમ કહીને ફ્રેંચ ભાષામાં જ ચિઠ્ઠીનો જવાબ લખેલો. પાછી તેણે સ્પષ્ટતા કરી કે ‘મને ફ્રેંચ ભાષા આવડતી નથી, પણ માતાજીની કૃપા છે.’

પૂજ્ય શ્રી મૌલીસ્વામીજી

પોતે એમબીબીએસ ડૉક્ટર એવા પરિવ્રાજક પૂજ્ય શ્રી મૌલીસ્વામીજી આ કિસ્સો વર્ણવતાં આગળ કહે છે, ‘સિદ્ધિઓ હોય છે અને ઘણા એવા યોગીઓ વ્યક્તિગત જીવનમાં પણ મળ્યા છે, પણ એની આવી જાહેરાત તેઓ ક્યારેય કરતા ન હોય. આ અચેતન મનની સાધનાનું પરિણામ છે. રામકૃષ્ણ પરમહંસના કથનામૃતમાં કહેવાયું છે કે આઠમાંથી એક પણ સિદ્ધિ મળશે તો એ તમને પરમાત્માથી દૂર લઈ જશે. બીજો એક પ્રસંગ છે જેમાં રામકૃષ્ણ પાસે બેડશીટ મગાવવાના પૈસા નહોતા. ચાદર સાવ મેલી થઈ ગઈ હતી એટલે એક દિવસ તેમના શિષ્યએ તેમને મહેણું માર્યું કે તમે તો કાલીમાના આવા ઉપાસક છો અને તમારા પોતાના આટલા ભક્ત છે. કોઈને કહીને એક બેડશીટની વ્યવસ્થા તો કરી શકાયને. રામકૃષ્ણએ રાતે કાલીની પ્રાર્થના કરી અને કાલીમાને કહ્યું કે મારો શિષ્ય કહે છે કે માતાજી પાસેથી ઇચ્છીએ એ મળી જાય એવી સિદ્ધિ માગી લો. એટલે કાલીમાએ તેમને એક પ્રોસ્ટિટ્યુટની વિષ્ટા દેખાડી અને કહ્યું કે સિદ્ધિઓ આવી હોય. જોઈએ છે તારે? રામકૃષ્ણ ભોંઠા પડી ગયા અને બીજા દિવસે તેમણે પોતાના શિષ્યને ઠપકો આપતાં કહ્યું પણ ખરું કે ‘મને બહુ શરમ આવી. તારા કારણે મારે આવું જોવું પડ્યું.’ અધ્યાત્મ માર્ગમાં સિદ્ધિઓ ભગવાનથી દૂર લઈ જાય. સાધનામાર્ગમાં સિદ્ધિઓ સહજ આવે તો પણ મહાપુરુષો એ સિદ્ધિઓનું પ્રદર્શન નથી કરતા. મારા ગુરુજી કહેતા કે દુનિયાના દરેક ચમત્કારમાં સૌથી મોટો ચમત્કાર ઈશ્વરપ્રાપ્તિ છે. કદાચ આ જ કારણે સિદ્ધિઓ માટે અમે ફેસિનેટ થતા નથી. જેમ હાથીના પગલાનાં નિશાનમાં બધાં પ્રાણીઓનાં નિશાન આવી જાય છે એમ મારે માટે તો મારા ગુરુ અને પરમાત્માપ્રાપ્તિની ઝંખનામાં જ બધું આવી ગયું.’

કયું રાષ્ટ્રહિત કર્યું બાબાએ?

જયંત પંડ્યા

બાબા કરે છે એમાંથી બહુ મોટા ષડ્‍યંત્રની ગંધ આવે છે. આવતા દિવસોમાં લોકોમાં હિન્દુત્વનું મોજું ઊભું કરીને લોકોની ભાવના સાથે ખિલવાડ કરવાના આશયથી જ કદાચ આ બાબાને ચગાવવામાં આવ્યા હોય એવું બની શકે એવી સ્પષ્ટતા સાથે અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિના ગુજરાત શાખાના પ્રમુખ અને છેલ્લાં ૩૧ વર્ષમાં લોકોમાંથી અંધશ્રદ્ધાને કારણે લોકોને ઠગતા બાબાઓનો પર્દાફાશ કરવા ૧૦,૦૦૦ કરતાં વધુ શો દેશ-વિદેશમાં કરી ચૂકેલા જયંત પંડ્યા કહે છે, ‘બાગેશ્વર ધામનો પ્રચાર અને એની પાછળ રહેલી અંધશ્રદ્ધા પૂરતી વાત હોત તો હજી સમજાત, પણ અહીં તો રાજકારણીઓની પણ કોઈ મોટી રમત ચાલતી હોય એવું લાગે છે એટલે જ તો આટલું બેફામ લાખો લોકો સામે બાબા બોલતા હોય અને છતાં પોલીસ તરફથી તેને ક્લીન ચિટ મળી. આ ૧૦૦ ટકા હમ્બગ છે અને આમાં પડવા જેવું નથી કોઈએ. ધારો કે તમે કોઈ કૃપા કે અંતઃપ્રેરણાની વાત કરતા હો તો લાખો લોકોને ભેગા કરનારા આ બાબાએ રાષ્ટ્રના કયા પ્રશ્નો હલ કરી દીધા? આપણા દેશમાં ગરીબી, ભૂખમરો, બેરોજગારી જેવા બહુ પાયાના પ્રશ્નો છે. તેમની યોગસિદ્ધિએ આ દેશની ગંભીર અવસ્થાને બહેતર બનાવવાની દિશામાં કોઈ કામ કર્યું? ધારો કે એ સાચો છે તો પણ તેના કયા ચમત્કારે રાષ્ટ્રહિત કર્યું કે રાષ્ટ્રના વિકાસ માટે યોગદાન આપ્યું? લોકોને આકર્ષવા માટે માત્ર વાર્તાઓ કરો અને સિદ્ધિઓના નામે સ્થાપિત હિતો પૂરાં કરો એ કોણે કહ્યું? આજે આ દેશમાં લોકો ઊંચનીચ અને નાતજાતના ભેદને કારણે પીડાય છે. જાતિવાદ, કોમવાદ, અસમાનતા, મોંઘવારીના પ્રશ્નો માટે તેમની સિદ્ધિઓ કામ ન આવવાની હોય તો શું કામની એ સો કોલ્ડ સિદ્ધિઓ? આને માત્ર આત્મશ્લાઘા કહેવાય. તમે રાષ્ટ્રવાદ, પુરુષાર્થવાદ અને વાસ્તવવાદનો પ્રચાર કરો, નહીં કે આવા તુચ્છ ધર્મના નામે લોકોને ભડકાવતા અને સંવિધાનનું અપમાન કરતા લોકોનો.’

મૅજિશ્યન પણ આવું કરે?

અત્યારે ઘણા મૅજિશ્યન અને મેન્ટલિસ્ટ બાગેશ્વરબાબાના વિવાદમાં ટીવી-ચૅનલો પર તમે જોઈ રહ્યા હશો. બાગેશ્વરબાબાની મનની વાત કહેવાની બાબત કોઈ અધ્યાત્મિક સિદ્ધિ નહીં, પણ એક કલા છે. મેન્ટલિસ્ટ અને મૅજિશ્યન પોતાના ત્રીસ વર્ષના અનુભવને આધારે કહે છે, ‘અત્યારે ધીરેન્દ્રબાબા જે કરે છે એ પ્યૉર માર્કેટિંગથી વધારે કંઈ નથી. અમે ૫૦૦૦ની જનમેદની વચ્ચે સ્ટેજ પર જે શો કરીએ છીએ એવો જ શો જુદી ભાષાનો પ્રયોગ કરીને તેઓ કરી રહ્યા છે, પણ તેને તેમણે ‘દરબાર’ નામ આપી દીધું છે. બસ, એક અગરબત્તીથી તમે ભગવાનની પૂજા કરો અને એ જ અગરબત્તીથી કોઈ વિસ્ફોટકથી આગ પણ લગાડી શકો. વિજ્ઞાન અને આર્ટના કૉમ્બિનેશનથી મનની વાત જાણવાથી શું તમે આખેઆખી ઇમારતો ગાયબ કરી શકો છો. બૉડી-લૅન્ગ્વેજ, ન્યુરોલિન્ગ્વિસ્ટિક પ્રોગ્રામિંગ અને સ્ટ્રૉન્ગ ઑબ્ઝર્વેશનમાં જો તમે પાંચેય ઇન્દ્રિયોને કામે લગાડો તો છઠ્ઠી ઇન્દ્રિયો અપનેઆપ જાગી જાય છે. આ પણ એક ટ્રિક છે.’

ચંદ્રેશ પંચમતિયા

લેજન્ડરી જાદુગર કે. લાલ સાથે વર્ષો સુધી કામ કરી ચૂકેલા અને અત્યારે પોતાનો મૅજિક સ્ટુડિયો ધરાવતા ચંદ્રેશ પંચમતિયા તો બહુ સ્પષ્ટ ભાષામાં કહે છે, ‘આ તો લોકોને ઉલ્લુ બનાવવાના ધંધા છે. આ આખો પ્રેઝન્ટેશનનો ખેલ છે. હું પણ માઇન્ડ રીડિંગ કરું છું. પોતાના લોકોને બેસાડવા, પહેલેથી જ તમને કલ્પના ન હોય એ રીતે તમારા વિશે માહિતી જાણી લેવી. આખી સભાના પાંચ વ્યક્તિની ઍડ્વાન્સ માહિતી જે-તે રીતે મેળવી લીધી હોય, જેને અમારી ભાષામાં મિલનમાવઠી કહેવાય. ચાર લોકો વિશે બોલો એટલે બાકીના ૪૦,૦૦૦ લોકો ભોળવાઈ જાય, પણ તેમને ખબર નથી હોતી કે આખો પ્લૉટ તેમને ભોળવવા માટે બાકાયદા ઊભો કરવામાં આવ્યો છે. હવે તો આ દિશામાં એવાં-એવાં મશીન આવ્યાં છે કે તમારી અક્કલ કામ ન કરે. જેમ કે એક એવું ગૅજેટ છે જેમાં પેનથી તમે પેપર પર લખો એ સામી વ્યક્તિને પોતાના ફોનમાં દેખાય. એ દોઢ લાખનું ગૅજેટ છે જેમાં તમારે તમારા મનમાં ગીત ગાવાનું છે અને સામેવાળો એ ગૅજેટના આધારે તમે શું ગાયું એ કહી આપે.’

Whatsapp-channel Whatsapp-channel

29 January, 2023 03:06 PM IST | Mumbai | Ruchita Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK