Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > આમિર નહીં, અજય દેવગન

આમિર નહીં, અજય દેવગન

01 July, 2022 09:34 PM IST | Mumbai
RJ Dhvanit Thaker

હા, ‘સરફરોશ’ માટે પહેલી પસંદગી અજય દેવગન હતો, પણ તેણે ના પાડી અને પછી જૉનની આ ફિલ્મ સુપરહિટ થઈ એટલે તેણે જૉને બનાવેલી ‘શિખર’ સાંભળ્યા વિના જ હા પાડી દીધી, જે સુપરફ્લૉપ થઈ

આમિર નહીં, અજય દેવગન

કાનસેન કનેક્શન

આમિર નહીં, અજય દેવગન


આપણે વાત કરતા હતા આમિર ખાન સ્ટારર ફિલ્મ ‘સરફરોશ’ની. ૨૩ વર્ષ પહેલાં આ ફિલ્મ ૩૦ એપ્રિલે રિલીઝ થઈ હતી. 
‘સરફરોશ’ મોટા ભાગના આપણી ઉંમરના બધા લોકોએ જોઈ હતી. મને એવો વિશ્વાસ એટલે છે કે એ દિવસોમાં બધા એકબીજાને પૂછતા કે ‘આમિર ખાનની ફિલ્મ જોઈ? જોઈ આવ, મજા આવશે.’ ‘સરફરોશ’ જોવા હું બસમાં ગયો હતો અને પાછો આવતી વખતે મને કોઈ વેહિકલ નહોતું મળ્યું. ખૂબ બધું ચાલવું પડ્યું હતું, પણ એ ચાલવામાં થાક નહોતો લાગ્યો, કારણ કે મેં એક મસ્ત ફિલ્મ જોઈ હતી. ફિલ્મની વાર્તા હતી આઇપીએસ ઑફિસર અજય રાઠોડની. ઘણા આઇપીએસ ઑફિસર આપણે સહેજ ઓછી હાઇટવાળા જોયા હોય અને એ સમયે સવાલ પણ થયો હોય કે બધા પોલીસોના સાહેબ જેવા આ સાહેબની હાઇટનો પ્રશ્ન નહીં આવ્યો હોય કે શું, પણ પછી સમય જતાં સમજાયું કે આ પ્રોફેશન માટે માત્ર તમે ફિઝિક્સથી જ પર્ફેક્ટ હશો તો નહીં ચાલે, આમાં તો ખૂબ બધું ભણવાનું પણ હોય છે. અજય રાઠોડ પણ એવો જ આઇપીએસ ઑફિસર હતો. સહેજ અમસ્તી ઓછી કે પછી કહો કે નૉર્મલ હાઇટ, નૉર્મલ બૉડી, પણ બુદ્ધિ એવી તીક્ષ્ણ કે કલ્પના પણ ન થઈ શકે. ‘સરફરોશ’ની આ જ ખાસિયત હતી. એક ઑફિસર કેવી રીતે પોતાની તીક્ષ્ણ બુદ્ધિનો ઉપયોગ કરીને આતંકવાદીઓને પકડવાની સ્ટ્રૅટેજી ડિઝાઇન કરે છે એ આ આખી ફિલ્મનું હાર્દ હતું.
ફિલ્મ કે એનાં સૉન્ગની વાત આગળ વધારું એ પહેલાં કહું કે આ ફિલ્મ જોયા પછી મને આઇપીએસ ઑફિસર માટે ગ્લૅમર જાગ્યું હતું. તેમને માટેનું મારું માન પણ જબરદસ્ત બેવડાઈ ગયું અને તેમને જોઈને મને એવું જ થતું કે આ લોકો કેવું ગ્રેટ કામ કરે છે અને આજે પણ મારા મનમાં એવું જ છે. આ જે માન વધ્યું એ બન્યું ફિલ્મ ‘સરફરોશ’થી. 
‘સરફરોશ’ની એક બીજી ખાસિયત કહું તમને. પ્યૉર મસાલા ફિલ્મ, પણ એટલી જ મૅચ્યોર્ડ ફિલ્મ હતી એ. ક્યાંય બીજા દેશના લોકો, ત્યાંના દેશવાસીઓ પ્રત્યે નફરત પેદા કરવામાં આવી અને એ નફરતનો લાભ લઈને આપણા દેશમાં ખોટાં પગલાં લેવાનું વિચારે છે બીજા દેશના લોકો. હા, આ જ પ્રકારે આખી વાતને રજૂ કરવામાં આવી હતી, કોઈ દેશનું નામ નહીં. ઈવન મેઇન વિલન માટે પણ કોઈ એવો હેટ-રેટ ફિલ્મમાં દર્શાવવામાં નથી આવ્યો, જે એની બીજી બેસ્ટ વાત હતી. તમે ખોટું કામ કરો છો તો તમને એ અયોગ્ય કામ માટે સજા મળી. બસ, આટલું જ. પૂરેપૂરી સંતુલિત માનસિકતા સાથેની વાત. મૅચ્યોર અપ્રોચથી ત્રાસવાદ દર્શાવ્યો અને એને લીધે જ ફિલ્મની મસાલા-ફ્લેવર અકબંધ રહી. આમિર અને સોનાલી બેન્દ્રેની લવસ્ટોરી બહુ ક્યુટ હતી. એક વાત કહીશ કે આજે પણ મને સોનાલી બેન્દ્રે એટલી જ ગમે અને એના મૂળમાં ‘સરફરોશ’ છે.
‘સરફરોશ’માં મ્યુઝિક જતીન-લલિતનું હતું અને ફિલ્મનું આ સૉન્ગ આજે પણ એટલું જ હિટ રહ્યું છે. ગીતકાર ઇસરાર અન્સારી અને ગાયક રૂપકુમાર રાઠોડ-સોનુ નિગમ. રૂપકુમાર રાઠોડનું તમે જુઓ, તે ક્યાંય તમને પોતાની છાપ છોડતા દેખાશે નહીં, પણ એ ગીત સાથે પૂરેપૂરો ન્યાય કરવાની માનસિકતા રાખે છે અને એને લીધે જ રૂપકુમાર રાઠોડના અવાજ માટે આજે પણ સંગીતકારોએ દોડીને પહોંચવું પડે છે. દેશભક્તિના સૉન્ગની વાત આવે ત્યારે તમારે રૂપકુમાર રાઠોડને જ યાદ કરવા પડે. આ જે સિદ્ધિ છે એ બહુ ઓછા ગાયકોને પ્રાપ્ત થતી હોય છે.
‘ઝિંદગી મૌત ન બન જાયે, સંભાલો યારોં 
ખો રહા ચેન-ઓ-અમન, મુશ્કિલોં મેં હૈ વતન 
સરફરોશી કી શમા, દિલ મેં જલા લો યારોં...’ 
રાગ કલાવતી પર આધારિત આ કવ્વાલીનો મેસેજ બહુ ક્લિયર હતો. યંગસ્ટર્સને સમજાવવાનો પ્રયાસ હતો કે ડ્રગ અબ્યુઝ દૂષણ છે અને આજના સમયને જોતાં હું કહીશ કે ઇન્ટરનેટ અબ્યુઝ પણ હવે મોટું દૂષણ બની ગયું છે.
‘ચંદ સિક્કોં કે લિયે, તુમ ન કરો કામ બુરા 
ના કરો કામ બુરા, 
હર બુરાઈ કા સદા હોતા હૈ અંજામ બુરા
અંજામ બુરા,
જુર્મવાલોં કી કહાં ઉંમર બડી હૈ યારોં...
ઇનકે રાહો મેં સદા મૌત ખડી હૈ યારોં 
ઝુર્મ કરને સે સદા ઝુર્મ હી હાંશિલ હોગા 
જો ન સચ બાત કરે વો કોઈ બુઝદિલ હોગા...
સરફરોશોં ને લહુ દેકે જિસે સીંચા હૈ
ઐસે ગુલશન કો બચા લો યારોં 
સરફરોશી કી શમા દિલ મેં જલા લો યારોં...’ 
અદ્ભુત લાઇન, અદ્ભુત સંદેશ અને એટલું જ અદ્ભુત પિક્ચરાઇઝેશન. આ કવ્વાલી દરમ્યાન સ્ક્રીન પર ત્રણ ઘટના ઘટી રહી છે. રણના રસ્તે દેશમાં હથિયાર ઘુસાડવામાં આવે છે, તો નસીરુદ્દીન શાહ મહેમાન બનીને કવ્વાલીની જ્યાફત માણે છે, જ્યારે ત્રીજી તરફ આવી રહેલાં હથિયારોને મિર્ચી શેઠ પોતાનાં સૂકાં મરચાં સાથે દેશમાં દાખલ કરી રહ્યા છે. નસીરુદ્દીન શાહે ફિલ્મમાં ગઝલગાયકનું કૅરૅક્ટર કર્યું હતું. મને પાક્કું યાદ છે કે એ સમયે એવી વાતો ચાલવા માંડી હતી કે મહેંદી હસન કે ગુલામ અલી પરથી આ કૅરૅક્ટર બનાવવામાં આવ્યું છે. હશે એવું, પણ એને લીધે એ બન્ને કલાકારોની ખુદ્દારી કે પછી તેમની પ્રામાણિકતા પર કોઈએ શક ન કરવો જોઈએ. એ તો આજે પણ એવી જ મહાન છે જેવી 
પહેલાં હતી.
‘સરફરોશ’ની એક ખાસ વાત કહું. આ ફિલ્મ સૌથી પહેલાં ડિરેક્ટર જૉન મૅથ્યુ મથાને અજય દેવગનને ઑફર કરી હતી, પણ અજયને એવું લાગ્યું કે આ રોલમાં ઍક્શનનો સ્કોપ નથી એટલે મારે એ ન કરવી જોઈએ. અજય દેવગને ત્યાર પછી ઘણી ફિલ્મો એવી કરી જેમાં ઍક્શન ન હોય છતાં તે ઍક્શન હીરો તરીકે ઊભરી આવે, પણ એ હકીકતમાં ‘સરફરોશ’નું પ્રાયશ્ચિત્ત હતું. અજય દેવગને ફિલ્મ સાંભળી લીધી અને એ પછી બેચાર મહિના કાઢીને છેલ્લે કહેવડાવ્યું કે જો એમાં ઍક્શન ઉમેરી શકાતી હોય તો હું કરવા માટે ફરીથી વિચારું, પણ જૉન સ્ક્રિપ્ટથી બિલકુલ સંતુષ્ટ હતો એટલે તેણે એ મેસેજનો કોઈ જવાબ આપ્યા વિના નવા હીરોની શોધ આદરી દીધી. જૉને આ ફિલ્મ પહેલાં રિચર્ડ ઍટનબરોની ‘ગાંધી’માં ચીફ અસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કરી હતી, જે આમિરને બહુ ગમી એટલે આમિર ખાને તેને સામેથી સારી સ્ક્રિપ્ટ હોય તો કૉન્ટૅક્ટ કરવા કહ્યું હતું. જૉનને વાત યાદ આવી અને તેણે આમિરને કૉન્ટૅક્ટ કર્યો. આમિરને આખી વાતમાં સૌથી ઇન્ટરેસ્ટિંગ વાત કઈ લાગી હશે ખબર છે તમને?
સાડાપાંચ ફુટનો આઇપીએસ ઑફિસર તું જુએ છે તો પછી ઑબ્વિયસ્લી ઑડિયન્સ પણ આ હાઇટના ઑફિસરને સ્વીકારશે અને આ જ વાત પર આમિર ફિલ્મ કરવા તૈયાર થયો. સંભળાય તો એવું પણ છે કે જૉન અને આમિર બન્ને ફરી સાથે મળીને ‘સરફરોશ’ની સીક્વલ બનાવવાના છે. જો સાચું હોય તો ખરેખર બહુ સારું, આજના આ સીક્વલ-બાદશાહોને ખબર પડે કે સીક્વલ કોને કહેવાય. બાય ધ વે, ‘સરફરોશ’ નહીં કરવાના પ્રાયશ્ચિત્ત રૂપે અજય દેવગને જૉનની ‘શિખર’ કરી, પણ એ ફિલ્મ સુપરફ્લૉપ થઈ.

‘સરફરોશ’ ડિરેક્ટર જૉન મૅથ્યુ મથાને સૌથી પહેલાં અજય દેવગનને ઑફર કરી, પણ અજયને લાગ્યું કે રોલમાં ઍક્શનનો સ્કોપ નથી એટલે મારે એ ન કરવી જોઈએ. અજય દેવગને ત્યાર પછી ઘણી ફિલ્મો એવી કરી જેમાં ઍક્શન ન હોય છતાં તે ઍક્શન હીરો તરીકે ઊભરી આવે, પણ એ હકીકતમાં ‘સરફરોશ’નું પ્રાયશ્ચિત્ત હતું.


Whatsapp-channel Whatsapp-channel

01 July, 2022 09:34 PM IST | Mumbai | RJ Dhvanit Thaker

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK