° °

આજનું ઇ-પેપર
Wednesday, 26 January, 2022


આસમાં હૈ તેરા પ્યારે, હૌસલા બુલંદ કર

14 January, 2022 12:11 PM IST | Mumbai | RJ Dhvanit Thaker

‘હમ દિલ દે ચુકે સનમ’ નું ‘કાઇપો છે...’ પહેલું એવું ગીત જેમાં ગુજરાતીત્વ ભારોભાર ભર્યું છે અને એ પછી પણ ક્યાંય ઉત્તરાયણને અને પતંગની ફિલોસૉફીને ભૂલવામાં નથી આવી

આસમાં હૈ તેરા પ્યારે, હૌસલા બુલંદ કર Uttaran

આસમાં હૈ તેરા પ્યારે, હૌસલા બુલંદ કર

ઉત્તરાયણ આવે ત્યારે ઘણી ફિલ્મોના પતંગોત્સવનાં ગીતો કાનમાં વાગવા માંડે, પણ એ બધામાં જો કોઈ શિરમોર હોય, મારું ફેવરિટ હોય તો એ છે ‘હમ દિલ દે ચુકે સનમ’ નું ‘કાઇપો છે...’ પહેલું એવું ગીત જેમાં ગુજરાતીત્વ ભારોભાર ભર્યું છે અને એ પછી પણ ક્યાંય ઉત્તરાયણને અને પતંગની ફિલોસૉફીને ભૂલવામાં નથી આવી

હૅટ્સ ઑફ સંજય લીલા ભણસાલી.
હૅટ્સ ઑફ,
‘હમ દિલ દે ચુકે સનમ’ જેવી ફિલ્મ આપવા બદલ. હૅટ્સ ઑફ ઇકબાલ દરબાર અમને અદ્ભુત ગીતો આપવા બદલ અને સૅલ્યુટ મેહબૂબ સર એ અદ્ભુત ગીતો લખવા બદલ. જ્યારે પણ ‘હમ દિલ દે ચુકે સનમ’ મને યાદ આવે ત્યારે એનાં બધાં ગીતો એકસાથે કાનમાં ગુંજવા માંડે અને ફિલ્મમાં ગીતો પણ કેટલાં, ૧૧. એક્ઝૅક્ટ ૩ કલાક અને ૮ મિનિટની ફિલ્મ અને એમાં પ૪ મિનિટનાં એટલે કે અંદાજે એક કલાકનાં ગીત અને એ પછી પણ તમને એક પણ સૉન્ગ ખટકે નહીં, ફિલ્મ જોતાં ખૂંચે નહીં. જરા પણ નહીં. ઘણા કહે છે કે સંજય લીલા ભણસાલીનું માસ્ટરપીસ ‘દેવદાસ’ છે, ઘણાને ‘સાંવરિયા’ લાગ્યું છે તો ‘બ્લૅક’ પર પણ સેંકડો લોકો સમરકંદ બુખારા ઓવારી ગયા છે, પણ ના, એ બધાથી પણ જો કોઈ ઉપર હોય તો ‘હમ દિલ દે ચુકે સનમ.’ ફિલ્મની એકેક ફ્રેમ કવિતાની એકેક પંક્તિ જેવી છે. સર્વાંગસંપૂર્ણ કહેવાય એવી ફિલ્મો ભાગ્યે જ બનતી હોય છે અને એ ભાગ્યે જ બનતી ફિલ્મોમાં ‘હમ દિલ દે ચુકે સનમ’ આવે છે.
ઉત્તરાયણ આવે એના થોડા દિવસ પહેલેથી મને ‘હમ દિલ દે ચુકે સનમ’ યાદ આવી જાય. ફિલ્મ યાદ આવે એના એક ગીતને કારણે, ‘કાઇપો છે...’ 
કચ્છના માંડવી શહેરના વિજય વિલાસ પૅલેસની ટેરેસ પર મકરસંક્રાન્તિનો ઉત્સવ ચાલે છે અને એ ઉત્સવ વચ્ચે ઇટલીથી આવેલો સમીર પણ ટેરેસ પર જાય છે અને તેની પતંગ તેના જ ગુરુ પંડિત દરબાર કાપે છે. સમીર નારાજ થઈ જાય છે એટલે પંડિત તેને નાસીપાસ થવાને બદલે નવા પ્રયાસ માટે ઉત્સાહ આપે છે. લાઇફમાં પહેલી વાર પતંગ ઉડાડતો સમીર ફરીથી ઊભો થાય છે અને નવેસરથી પતંગ ઉડાડીને પંડિત દરબારની એટલે કે પોતાના જ ગુરુની પતંગ કાપે છે. ગુરુ-શિષ્ય બન્ને એવા પ્રેમથી ભેટે છે જાણે બાપ-દીકરો હોય.
‘એ ઢીલ દે, ઢીલ દે દે રે ભૈયા
ઉસ પતંગ કો ઢીલ દે, જૈસે હી મસ્તી મેં આયે
ઉસ પતંગ કો ખીંચ દે...
તેઝ તેઝ તેઝ હૈ, માંઝા અપના તેઝ હૈ
ઉંગલી કટ સકતી હૈ બાબુ,
ઉંગલી કટ સકતી હૈ બાબુ, તો પતંગ ક્યા ચીઝ હૈ...’
ઉપર કહ્યું એ જેકંઈ બને છે એ બધું ગીત દરમ્યાન બને છે અને સૉન્ગનું કૅન્વસ જુઓ તમે, ઓછામાં ઓછા ૫૦ આર્ટિસ્ટ અને એમાં લીડ સ્ટાર્સ પણ બધા. ફિલ્મનું પ્રિમાઇસ શાસ્ત્રીય મ્યુઝિકનું રાખવામાં આવ્યું છે અને એ પ્રિમાઇસ પણ ક્યાંય આ સૉન્ગ દરમ્યાન છૂટતું નથી તો સાથોસાથ જે તહેવાર છે, જે દિવસ છે એ ઉત્તરાયણ પણ સૉન્ગ દરમ્યાન ક્યાંય પણ ચુકાતું નથી. મેહબૂબે જે શબ્દો લખ્યા છે, ઇસ્માઇલ દરબારે જે પ્રકારે આખું સૉન્ગ કમ્પોઝ કર્યું છે અને સંજય ભણસાલીએ જે રીતે એને પિક્ચરાઇઝ કર્યું છે એ જોઈને સામાન્યમાં સામાન્ય કહેવાય એવા ઑડિયન્સથી લઈને સૌથી આકરામાં આકરા ક્રિટિક્સ પણ આફરીન પોકારી જાય.
ગીતમાં ડાન્સ છે અને ડાન્સમાં ગરબાના જ તાલ છે. આમ પણ ગુજરાતીઓનો સ્વભાવ છેને, ક્રિસમસ હોય કે ધુળેટી, ગરબા તો જોઈએ જ. દુબઈના ડાઉ-ક્રૂઝમાં ગરબા લેતા ગુજરાતીઓ પણ તમને જોવા મળે અને પૅરિસના આઇફલ ટાવરની નીચે ગરબા લેતા ગુજરાતી પણ તમને જોવા મળી જાય. આ જ તો મજા છે સંસ્કૃતિની. ઉત્તરાયણના દિવસે તમે અમદાવાદની ટેરેસ પર જુઓ તો દરેક ત્રીજી ટેરેસ પર તમને ગરબા રમતા પતંગવીરો દેખાઈ આવે. એ જ વાતને આ ગીતમાં પણ સામેલ કરવામાં આવી છે. ગીતની પ્રૉપર્ટીમાં તમને તલ-મમરાના લાડુ પણ દેખાય અને આકાશમાં ઊડતી પતંગમાં તમને આંખારી, બીજ, ચીલ ને પૂંછડિયો પતંગ પણ દેખાય છે. નાનામાં નાની વાતને આ સૉન્ગમાં કવર કરવામાં આવી છે અને કવર કરવામાં આવેલી એ દરેક વાત સાથે ગીતના શબ્દો અને મ્યુઝિક પણ ઓળઘોળ થાય છે.
આ ગીત લખતાં પહેલાં મેહબૂબજી ચાર વખત અમદાવાદ આવ્યા હતા અને એમાંથી એક વખત તો ઉત્તરાયણ હતી એ વખતે આવ્યા હતા. ઉત્તરાયણ અને ગુજરાતી શબ્દો સાથે તેમનો ઘરોબો સ્વાભાવિક રીતે નહોતો, પણ મેહબૂબને એ ઘરોબો કરાવવાનું કામ ઇસ્માઇલ દરબારે કર્યું. ‘કાઇપો છે’ સૉન્ગ માટે જેટલો જશ મેહબૂબને આપીએ એટલો જ જશ ઇસ્માઇલ દરબારને પણ મળવો જોઈએ, કારણ કે આખા સૉન્ગમાં ગુજરાતીત્વ ભરવાનું કામ ઇસ્માઇલ દરબારના મ્યુઝિકે પણ ભારોભાર કર્યું છે. તમામ દેશી ઇન્સ્ટ્રુમેન્ટ્સ વાપરવામાં આવ્યાં છે અને એ તમને સૉન્ગ સાંભળતાં જ સમજાઈ જાય છે, કોઈએ કહેવું નથી પડતું.
તમને નવાઈ લાગશે, પણ મેહબૂબે આ ફિલ્મનાં મોટા ભાગનાં સૉન્ગ્સ પહેલેથી લખી રાખ્યાં હતાં. આપણે એ બીજાં ગીતોની વાત અત્યારે નથી કરવી, કારણ કે દિવસ ઉત્તરાયણનો છે અને ટેરેસ પર જઈને પતંગ ચડાવવાની છે એટલે વાત કરીએ આજના આ દિવસના સ્પેશ્યલ સૉન્ગની, ‘કાઇપો છે...’
ગુજરાતની ઉત્તરાયણ માણ્યા પછી, માહોલ જોયા પછી મેહબૂબે ‘કાઇપો છે’ લખ્યું અને લિરિક્સ પહેલાં લખાયું, એ પછી એનું કમ્પોઝિશન તૈયાર થયું. આ સૉન્ગમાં આપણાં ગુજરાતી લેજન્ડરી સિંગર દમયંતી બરડાઈએ પણ ગીત ગાયું છે તો એમાં સાથે શંકર મહાદેવન, કેકે પણ છે. કેકેની એક વાત કહું તમને. સંજય ભણસાલી અને કેકેની ઓળખાણ કરાવવાનું કામ મેહબૂબે કર્યું હતું. ‘હમ દિલ દે ચુકે સનમ’નું એક સૉન્ગ જબરદસ્ત હિટ છે. ‘તડપ તડપ કે ઇસ દિલ સે, આહ નિકલતી રહી...’ આ સૉન્ગ મેહબૂબે ઑલરેડી બીજી એક ફિલ્મ માટે લખી રાખ્યું હતું, પણ એ ફિલ્મ બની નહીં. ભણસાલી સાથે મીટિંગ થઈ ત્યારે પોતે કેવું કામ કરે છે એ દેખાડવા માટે મેહબૂબે અગાઉથી લખી રાખ્યું હતું એ ‘તડપ તડપ કે...’ સંભળાવ્યું અને સંજય ભણસાલીને એ ગીત ગમી ગયું. સૉન્ગના રેકૉર્ડિંગનો સમય આવ્યો ત્યારે મેહબૂબ સરે સંજય ભણસાલીને કહ્યું કે ‘એક બહુ મસ્ત સિંગર છે, તમે તેને એક વાર મળો અને કેકે સંજય ભણસાલીને મળ્યા અને આમ કેકે ‘હમ દિલ દે ચુકે સનમ’ના બોર્ડ પર આવ્યો.
‘કાઇપો છે’ સૉન્ગમાં પહેલાં કેકેને સિંગર તરીકે નહોતો લેવાના, પણ પછી નક્કી થયું કે આખી ફિલ્મમાં આપણે સલમાનના સિગ્નેચર-વૉઇસ તરીકે કેકેને રાખીએ અને કેકે આ સૉન્ગમાં પણ સામેલ થયો. ‘કાઇપો છે’ એક અદ્ભુત અનુભવ કરાવે છે. ઉત્તરાયણનો પણ અને જીવનનો પણ. એનો સેકન્ડ અંતરો સાંભળો તમે. એ અંતરામાં આવતી કેટલીક લાઇન તમને પથારીમાં પણ જોશ ચડાવી દેશે અને હારને પચાવી શકવાની ક્ષમતા આપશે. 
‘ઓ ગમ ના કર, 
ઘુમા ફિરકી તૂ ફિર સે ઘર્ર ઘર્ર
આસમાં હૈ તેરા પ્યારે, હૌસલા બુલંદ કર
લડા લે પેચ ફિર સે, તૂ હોને દે જંગ
નજર સદા હૈ ઉંચી
સિખાતી હૈ પતંગ, સિખાતી હૈ પતંગ...’
બસ, એ જ કહેવાનું આજના આ ઉત્તરાયણના દિવસે. ‘આસમાં હૈ તેરા પ્યારે, હૌસલા બુલંદ કર...’

ત્તરાયણના દિવસે અમદાવાદની દરેક ત્રીજી ટેરેસ પર તમને ગરબા રમતા પતંગવીરો દેખાઈ આવે. ટેરેસ પર તમને તલ-મમરાના લાડુ પણ દેખાય છે, હાથમાં દોરો પકડીને ઘીસી કરતી ફૅમિલીની મહિલાઓ પણ દેખાય છે અને આકાશમાં આંખારી, બીજ, ચીલ ને પૂંછડિયા પતંગ પણ તમને દેખાય છે.

14 January, 2022 12:11 PM IST | Mumbai | RJ Dhvanit Thaker

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK