Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > રેવડી કલ્ચર : ગરીબ દેશની મજબૂરી કે નેતાઓનો શોખ?

રેવડી કલ્ચર : ગરીબ દેશની મજબૂરી કે નેતાઓનો શોખ?

21 August, 2022 06:59 PM IST | Mumbai
Raj Goswami

વાસ્તવમાં રેવડી એટલે કે ફ્રીબીઝ (મફતિયા માલ)ની કોઈ કાનૂની વ્યાખ્યા નથી. ચૂંટણી પંચને આ પરંપરાની ખબર છે અને એ કહે છે કે ફ્રીબીઝ શું કહેવાય એની જેટલાં માથાં એટલી વાતો છે

પ્રતીકાત્મક તસવીર. તસવીર/આઈસ્ટોક

ક્રૉસલાઇન

પ્રતીકાત્મક તસવીર. તસવીર/આઈસ્ટોક


વાસ્તવમાં રેવડી એટલે કે ફ્રીબીઝ (મફતિયા માલ)ની કોઈ કાનૂની વ્યાખ્યા નથી. ચૂંટણી પંચને આ પરંપરાની ખબર છે અને એ કહે છે કે ફ્રીબીઝ શું કહેવાય એની જેટલાં માથાં એટલી વાતો છે. જેમ કે કોરોનાની મહામારીમાં મફત રસી આપવી જનહિતની યોજના કહેવાય, પરંતુ બિહાર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ એના ચૂંટણીઢંઢેરામાં એવું વચન આપે કે ભાજપ સત્તામાં આવશે તો તમામને મફત રસી આપશે તો એ રેવડી કહેવાય

આમ તો પુરાતત્ત્વ વિદ્વાનોએ ગુજરાત-કચ્છમાં પાંચ હજાર વર્ષ જૂની હડપ્પા સંસ્કૃતિના સ્થળેથી એને શોધી કાઢી હતી અને આજે પણ ભારતીય સમાજમાં ‘મોઢું મીઠું’ કરવાની પરંપરામાં એનું ચલણ છે, પરંતુ ભારતીય રાજનીતિમાં રેવડીનો અલગ જ દબદબો છે. તાજેતરમાં વડા પ્રધાનના એક નિવેદન અને પછી સુપ્રીમ કોર્ટના નિરીક્ષણ પછી રેવડી કલ્ચરને લઈને દેશમાં ચર્ચા છેડાઈ છે. રેવડી એટલે ચૂંટણીમાં મતદારોને આકર્ષવા માટે મફત સેવા-સુવિધા આપવાની રાજકીય પક્ષોની ઘોષણાઓ. ભારતમાં રેવડીની વાત નવી નથી. નાની-મોટી, હાલની અને ભૂતકાળની તમામ પાર્ટીઓ મતદારોને રીઝવવા માટે અલગ-અલગ રીતે રેવડીઓ વહેંચતી રહી છે, પરંતુ તાજેતરમાં ‘રેવડીઓ બંધ કરો’નું કોરસગાન શરૂ થવા પાછળ મુખ્ય બે ‘મહેમાન’ છે : વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ.
તાજેતરમાં ઉત્તર પ્રદેશમાં બુંદેલખંડ એક્સપ્રેસવેનું ઉદ્ઘાટન કરવા માટે મહેમાન બનેલા વડા પ્રધાને રેવડી કલ્ચરનો મુદ્દો ઉછાળતાં કહ્યું હતું કે ‘આજે આપણા દેશમાં મફત રેવડી વહેંચીને મત ઉઘરાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. આ રેવડી કલ્ચર દેશના વિકાસ માટે જોખમી છે. આ દેશના લોકોએ, ખાસ કરીને યુવાનોએ, આ રેવડી કલ્ચરથી સાવધ રહેવું જોઈએ. રેવડી કલ્ચરવાળા માણસો તમારા માટે એક્સપ્રેસવે, ઍરપોર્ટ કે ડિફેન્સ કૉરિડોર નહીં બાંધે. રેવડી કલ્ચરવાળા લોકોને લાગે છે એ લોકોમાં મફત રેવડી વહેંચીને તેમને ખરીદી શકે છે. આપણે બધાએ ભેગા થઈને આ માનસિકતાને તોડવી જોઈએ. દેશની રાજનીતિમાંથી રેવડી કલ્ચરને દૂર કરવું જોઈએ.’
વડા પ્રધાનની ‘અકળામણ’નું તાત્કાલિક કારણ આમ આદમી પાર્ટીના કેજરીવાલ હતા જે ‘મફત વીજળી, મફત પાણી, મુસાફરીમાં સબસિડી’ના મૉડલ પર પંજાબની ચૂંટણી જીત્યા છે અને ગુજરાતમાં એનો પ્રચાર કરી રહ્યા છે. કેજરીવાલે વડા પ્રધાને નહોર ભર્યા એને જવા ન દીધા અને વળતા જવાબમાં કહ્યું, ‘મારી સામે આરોપ છે કે કેજરીવાલ મફત રેવડી વહેંચે છે. મારું અપમાન કરવામાં આવે છે અને મજાક ઉડાવવામાં આવે છે. હું આ દેશના લોકોને પૂછવા માગું છું કે હું શું ખોટું કરી રહ્યો છું? હું દિલ્હીના મધ્યમવર્ગીય અને ગરીબ પરિવારોનાં બાળકોને મફત અને ગુણવત્તાવાળું શિક્ષણ આપી રહ્યો છું. હું લોકોને પૂછવા માગું છું કે હું મફત રેવડી આપી રહ્યો છું કે પછી દેશ માટે પાયો નાખી રહ્યો છું? દિલ્હીમાં કોઈને અકસ્માત થાય તો ફરિશ્તે યોજના હેઠળ હૉસ્પિટલમાં તેની મફત સારવાર થાય છે. અમે ૧૩ લાખ લોકોના જીવ બચાવ્યા છે. તેમને પૂછો કે કેજરીવાલ મફત રેવડી આપે છે કે ઉમદા કામ કરે છે? લોકો કહે છે કે કેજરીવાલ મફત વીજળી કેમ આપે છે? હું તેમને પૂછવા માગું છું કે તમારા પ્રધાનો કેટલી વીજળી મફત મેળવે છે? તમારા પ્રધાનો ૪૦૦૦થી ૫૦૦૦ યુનિટ વીજળી મફત મેળવે એ ચાલે, પણ ગરીબને હું ૨૦૦થી ૩૦૦ યુનિટ મફત વીજળી આપું તો તમને તકલીફ છે.’
એમાં ભાજપના નેતા અને વકીલ અશ્વિન ઉપાધ્યાયે સુપ્રીમ કોર્ટમાં જનહિતની અરજી કરીને રાજકીય પક્ષોને મફત ઘોષણાઓ કરતા અટકાવવા માટે કોર્ટનું નિર્દેશન માગ્યું એટલે મુખ્ય ન્યાયાધીશ એન. વી. રમન્નાએ પણ અરજી સ્વીકારતાં મૌખિક નિરીક્ષણ કરીને ચર્ચાને વેગ આપ્યો. તેમણે કહ્યું, ‘મફતની રેવડી અને કલ્યાણકારી યોજનાઓ વચ્ચે ફરક છે. દેશની અર્થવ્યવસ્થાનું નુકસાન અને કલ્યાણકારી યોજનાઓ વચ્ચે સંતુલન જરૂરી છે.’
વાસ્તવમાં રેવડી એટલે કે ફ્રીબીઝ (મફતિયા માલ)ની કોઈ કાનૂની વ્યાખ્યા નથી. ચૂંટણી પંચને આ પરંપરાની ખબર છે અને તે કહે છે કે ફ્રીબીઝ શું કહેવાય એની જેટલાં માથાં એટલી વાતો છે. દાખલા તરીકે કોરોનાની મહામારીમાં મફત રસી આપવી જનહિતની યોજના કહેવાય, પરંતુ બિહાર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ એના ચૂંટણીઢંઢેરામાં એવું વચન આપે કે ભાજપ સત્તામાં આવશે તો તમામને મફત રસી આપશે તો એ રેવડી કહેવાય.
રેવડી કલ્ચર અર્થતંત્ર માટે નુકસાનકારક છે એ વાત બિલકુલ સાચી છે; પરંતુ વડા પ્રધાનને આ જ્ઞાન અચાનક લાધ્યું છે એની પાછળ અર્થતંત્ર માટેની ચિંતા નથી, આમ આદમી પાર્ટી ગુજરાતમાં ભાજપની બેઠકોમાં સેંધ મારે એની ફિકર છે. એમાં તો પાંચ મહિના પહેલાં ઑગસ્ટ મહિનામાં વડા પ્રધાનની સરકારના તમામ વિભાગોના સચિવોની સાથેની ચાર કલાકની બેઠકમાં વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું કે રાજ્ય સરકારો લોકોને ખુશ કરવા માટે જે યોજનાઓ જાહેર કરે છે એ આર્થિક દૃષ્ટિએ ટકાઉ નથી. અધિકારીઓએ તો એવી ચિંતા વ્યક્ત કરી હતી કે આ રીતે તો રાજ્યોના હાલ શ્રીલંકા જેવા થશે. 
વડા પ્રધાને આ બાબતમાં કોઈ પહેલ કરી કે નહીં એ ખબર નથી, પરંતુ પંજાબમાં આપ પાર્ટીની સરકાર આવી ઘોષણાઓ પર બની અને ગુજરાતમાં એને જ દોહરાવવાનું શરૂ થયું ત્યારે તેમણે રેવડી કલ્ચર યાદ આવ્યું તો એનો અર્થ એ છે કે રેવડી કલ્ચર માત્ર વિરોધ પક્ષો માટે છે? વડા પ્રધાન જો સાચે જ આ મુદ્દા પર ગંભીર હોય તો તમામ રાજકીય પક્ષો, રાજ્ય સરકારો, ચૂંટણી પંચ અને સિવિલ સોસાયટીને એક મંચ પર લાવીને તેઓ એક એવી પહેલ શરૂ કરી શકે જેમાં જનકલ્યાણ કોને કહેવાય અને મફતનો માલ કોને કહેવાય એની દેશવાસીઓને સ્પષ્ટ સમજ પડે.
એવું તો છે નહીં કે કેજરીવાલે તેમના ગજવામાંથી રેવડી કાઢી છે. ભારત સદીઓથી ગરીબ રાષ્ટ્ર રહ્યું છે અને તે આઝાદ થયું ત્યારે નેતાઓ અને સરકારોનું એકમાત્ર ધ્યેય વંચિત લોકોને સુખ-સુવિધાઓ આપવાનું હતું. એમાંથી જ એક કલ્યાણકારી રાજ્ય (વેલ્ફેર સ્ટેટ)ની રચના થઈ હતી. આજે ૭૫ વર્ષ પછી પણ સરકારનો એકમાત્ર ઉદ્દેશ જનકલ્યાણ માટેની યોજનાઓ લાગુ કરવાનો છે. રાજકીય પક્ષો એ જ રીતે તેમની નીતિઓ ઘડે છે અને એના જ આધારે ચૂંટણીઓ લડે છે. 
મતદારો જ્યારે પાયાની સુવિધાઓથી વંચિત હોય ત્યારે સ્વાભાવિક રીતે જ રાજકારણ એની આસપાસ જ રચાય છે. દાખલા તરીકે અમેરિકા એટલો બધો વિકસિત દેશ છે કે એનું રાજકારણ આંતરરાષ્ટ્રીય બાબતોમાં અમેરિકાની ભૂમિકાને લઈને રમાય છે. ત્રીજા વિશ્વના તમામ દેશોમાં ગરીબી એટલી છે કે ત્યાંનું રાજકારણ એ મુદ્દાઓની આસપાસ હોય છે. રેવડી કલ્ચરનાં મૂળિયાં વેલ્ફેર સ્ટેટની ધારણામાં છે.
ભારતમાં એની શરૂઆત એક જમાનાના મદ્રાસ રાજ્યમાં તત્કાલીન મુખ્ય પ્રધાન કુમારસ્વામી કામરાજે કરી હતી. તેમણે ૧૯૫૪થી ૧૯૬૩ વચ્ચે સ્કૂલના વિદ્યાર્થીઓ માટે મફત શિક્ષણ અને મફત ભોજનની યોજના દાખલ કરી હતી. ૧૯૬૭માં દ્રવિડ મુન્નેત્ર કઝગમ (ડીએમકે)ના સ્થાપક સીએન અન્નાદુરાઈ એક પગલું આગળ ગયા અને ચૂંટણીપ્રચાર દરમિયાન તેમની સરકાર આવશે તો એક રૂપિયે ૪.૫૦૦ કિલો ચોખા આપશે એવી જાહેરાત કરી હતી. ૨૦૦૬ની ચૂંટણીઓમાં આ જ ડીએમકેએ મતદારોને રંગીન ટેલિવિઝનની ખાતરી આપી હતી. એ પછી તો તમામ પાર્ટીઓ રેવડીઓ વહેંચતી આવી છે.
આ આખી ચર્ચામાં ઘણા મુદ્દા છે. રેવડી એટલે શું? સબસિડી એટલે શું? કલ્યાણકારી યોજના એટલે શું? એમાં સારી યોજના શું અને ખરાબ યોજના શું એ કોણ નક્કી કરે? ભારત જેવો વિવિધતાભર્યો અને અસમાન સમાજ એક લાકડીએ હાંકી શકાય એમ નથી. વિકાસના નામે દેશમાં એટલી અસમાનતા છે કે એક કેન્દ્રીય મૉડલ અનુસરવું અઘરું છે. 
રેવડીનો મુદ્દો ગંભીર છે અને એને ઉચિત મંચ પર, ઉચિત ગંભીરતા અને દૂરંદેશી સાથે ઉઠાવવો જોઈએ. બાકી ચૂંટણીઓ વખતે રેવડી દાણાદાણ કરવાના હેતુથી જ જો એને ઉછાળવાનો હોય તો એ એક જુમલાથી વિશેષ કશું નથી.


Whatsapp-channel Whatsapp-channel

21 August, 2022 06:59 PM IST | Mumbai | Raj Goswami

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK