નિવૃત્તિ એટલે નિષ્ક્રિયતા નહીં; કારણ કે આપણી સક્રિયતા જ આપણો ઑક્સિજન છે, આપણું શ્વસન છે

પ્રતીકાત્મક તસવીર
છેલ્લા શ્વાસ સુધી ગમતી પ્રવૃત્તિઓ કર્યા કરવી, એ મૃત્યુને પોસ્ટપોન કરવાનો શ્રેષ્ઠ રસ્તો છે. વ્યસ્ત અને સક્રિય લોકોના જીવનમાં પ્રવેશતા પહેલાં યમરાજે પણ અપૉઇન્ટમેન્ટ લેવી પડે છે. જ્યાં સુધી આપણી અંદર રહેલો જીવ જિંદગીથી છલોછલ અને ખીચોખીચ ભરેલો રહેશે ત્યાં સુધી આ જામ છલકાયા કરશે.
મારી હૉસ્પિટલના ઍક્વેરિયમની એક માછલીને હું છેલ્લા થોડા દિવસોથી ઑબ્ઝર્વ કરતો હતો. એની પ્રવૃત્તિઓ અને હલનચલન ઘટી ગયેલાં. ઍક્વેરિયમના એક ખૂણામાં પડી રહેતી એ માછલી અચાનક એના બાહ્ય જગત અને સાથી માછલીઓ પ્રત્યે નીરસ બની ગઈ.
પાણીમાં રહેલી માછલીઓનાં આંસુઓ નથી દેખાતાં અને એમ છતાં એમની ઉદાસી જોઈ શકાય છે. ઍક્વેરિયમના ખૂણામાં રહેલી એ માછલી જિંદગીથી હતાશ થઈ ગયેલી. પાણીમાં નાખેલા ખોરાક પર તરાપ મારતી અન્ય માછલીઓની સરખામણીમાં ખૂણામાં રહેલી આ માછલી તદ્દન અલગ તરી આવતી. એને ન તો ખાવામાં રસ હતો, ન તો જીવવામાં.
જાણે એણે એવું નક્કી કરી લીધેલું કે હવે જીવવું નથી. જો એ મનુષ્ય હોત તો નક્કી એણે કોઈ ઊંડા તળાવ કે દરિયામાં ડૂબકી મારી દીધી હોત. એને દુર્ભાગ્ય ગણીએ કે સદનસીબ, પણ સાલું પાણીમાં રહેતા જીવ માટે તો ડૂબી મરવું પણ અશક્ય છે.
માછલીને એ સમજાતું નહોતું કે જળચર પ્રાણી માટે આત્મહત્યા કરવાની પદ્ધતિ કઈ હોઈ શકે. એ ઇમોશનલ દુર્ઘટનાને કારણે હોય, ઉંમર કે પછી માંદગીને કારણે પરંતુ ધારો કે કોઈ માછલીને જીવનમાંથી રસ ઊડી જાય તો એણે શું કરવાનું ?
ઍક્વેરિયમના ખૂણામાં રહેલી એ માછલી આજે સાંજે મૃત્યુ પામી.
આમ તો આટલી જ ઘટના આપણા માટે એક બહુ મોટો સંદેશો છે. હું મારી વાત અહીં જ પૂરી કરી દઉં તો ચાલે, પણ આપણે થોડા આ ઘટનાના ઊંડાણમાં જઈએ.
જીવન તરછોડવા માટે આત્મહત્યા કરવી જરૂરી છે. જીવન પ્રત્યેની નીરસતા જ પર્યાપ્ત છે.
એક ડૉક્ટર તરીકે અમે એવું અનેક વાર ઑબ્ઝર્વ કર્યું છે કે ખૂબ મોટી ઉંમરે પહોંચી ગયેલી વૃદ્ધ વ્યક્તિ પણ ક્યારેક ગંભીરમાં ગંભીર બીમારીમાંથી બહાર આવી જાય છે અને ક્યારેક સાવ સ્વસ્થ લાગતી યુવાન વ્યક્તિ કોઈ એક સામાન્ય બીમારીમાં શરણાગતિ સ્વીકારી લે છે.
આ બહુ મોટો વિરોધાભાસ છે જે મારા જેવા અનેક તબીબોએ અનુભવ્યો હશે. કોઈ વ્યક્તિ હજીયે શું કામ જીવે છે? અથવા તો કોઈ વ્યક્તિ અકાળે શું કામ ચાલી ગઈ? એ પ્રશ્નોના કોઈ ચોક્કસ જવાબો નથી હોતા, પણ એક વાત તો નક્કી છે. જિંદગી જીવી લેવાની તાલાવેલી, દરેક ક્ષણને માણી લેવાની ઝંખના અને આ સુંદર વિશ્વને અનુભવતા રહેવાની ઇચ્છા દરેક ‘જીવ’ને જીવતો રાખે છે.
જે ક્ષણે જિંદગી ફીકી અને બેસ્વાદ લાગવા માંડે એ જ ક્ષણથી આપણે મૃત્યુની નજીક સરકતા જઈએ છીએ. જેને આપણે ‘Will power’ કે ‘Zest’ કહીએ છીએ એ જિજીવિષા જ આપણને સહુને જીવતા રાખે છે.
ઇચ્છા સમાપ્ત તો જીવન સમાપ્ત.
ઍક્વેરિયમના ખૂણામાં રહેલી એ માછલી મને એટલો સંદેશો તો આપતી ગઈ કે જીવતા રહેવું હોય તો ક્યારેય આપણી પ્રવૃત્તિઓ પર વિરામ ન મુકવો. નિવૃત્તિ એટલે નિષ્ક્રિયતા નહીં. આપણી સક્રિયતા જ આપણો ઑક્સિજન છે.
છેલ્લા શ્વાસ સુધી ગમતી પ્રવૃત્તિઓ કર્યા કરવી, એ મૃત્યુને પોસ્ટપોન કરવાનો શ્રેષ્ઠ રસ્તો છે. વ્યસ્ત અને સક્રિય લોકોના જીવનમાં પ્રવેશતા પહેલાં યમરાજે પણ અપૉઇન્ટમેન્ટ લેવી પડે છે. જ્યાં સુધી આપણી અંદર રહેલો જીવ, જિંદગીથી છલોછલ અને ખીચોખીચ ભરેલો રહેશે ત્યાં સુધી આ જામ છલકાયા કરશે. જે ક્ષણે આ અદ્ભુત દુનિયાને પીવાની દાનત અને તરસ ખૂટી જશે, એ જ ક્ષણે આ જીવ આપોઆપ શરીર ખાલી કરી દેશે.
રોમન ફિલોસૉફર સેનેકાએ કહેલું, ‘You are scared of dying—and, tell me, is the kind of life you lead really any different from being dead?’ જે જિંદગી આપણે જીવી રહ્યા છીએ, એ મૃત્યુથી બદતર તો નથીને? જિંદગી સાથેનો પ્રેમ ક્યારેય એકતરફી નથી હોતો. જિંદગી આપણા પ્રેમમાં તો જ પડશે જો આપણે એના પ્રેમમાં પડીશું.
રોજ સવારે સૂર્યોદયને જોઈને આપણા ચહેરા પર સ્માઇલ આવે છે? રાતના ગાઢ અંધકાર પછી સવારનો કોમળ તડકો ઘરમાં પ્રવેશે તો એ ચમત્કાર આપણને રાજી કરે છે? ચાલતાં-ચાલતાં અટકી જઈને ગુલાબની સુંદરતા અને સુગંધ માણવાનો સમય છે આપણી પાસે? આપણને સ્પર્શીને પસાર થઈ જતા ઠંડા પવનની નોંધ લઈએ છીએ આપણે? સંધ્યા સમયે આકાશમાં કોઈ મહાન ચિત્રકારથી ઢોળાઈ ગયેલા રંગો જોઈને આપણને વિસ્મય થાય છે? ફૂલ અને ભમરાનું લવ-અફેર જોઈને આપણે કુદરતની અદૃશ્ય હાજરી અનુભવી શકીએ છીએ? પર્વતો, ટેકરીઓ, નદીઓ, ખુલ્લા મેદાન, અફાટ રણ, ઘૂઘવતા સમંદર કે ગાઢ જંગલને જોઈને ત્યાં જ વસવાટ કરી લેવાનું મન થાય છે?
જો હા, તો આપણામાં હજીયે ક્યાંક જિંદગી બાકી છે.
મુઠ્ઠીઓ વાળીને દોડવાનું, ખુલ્લા પગે ભીના ઘાસ પર ચાલવાનું. નદી-તળાવમાં ડૂબકીઓ મારવાની, જંગલોની સફર ખેડવાની. રોજ રાતે તારાઓથી મઢેલું આકાશ જોવાનું, દરિયાકિનારે ભીની રેતીની ઢગલીઓ બનાવવાનું. આ કુદરત, જગત અને આ ચમત્કારને મન ભરીને માણી લેવાનું. અને રોજ સવારે અરીસામાં જોઈને જાતને પૂછી લેવાનું કે ઍક્વેરિયમના ખૂણામાં રહેલી પેલી માછલી ક્યાંક આપણે તો નથીને?