Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > સૂર્યાસ્તનો પણ સ્વીકાર સન્માનપૂર્વક કરી લેવો

સૂર્યાસ્તનો પણ સ્વીકાર સન્માનપૂર્વક કરી લેવો

25 January, 2021 02:08 PM IST | Mumbai
Falguni Jadia Bhatt | feedbackgmd@mid-day.com

સૂર્યાસ્તનો પણ સ્વીકાર સન્માનપૂર્વક કરી લેવો

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


કોઈ પણ કાર્ય કે વ્યવસાયમાંથી નિવૃત્ત થવાનો નિર્ણય લેવાનું કપરું હોય છે. મહત્તમ અને ડાહ્યા લોકો આવીને આપણને રિટાયર થઈ જવાની સલાહ આપવા માંડે એ પહેલાં જ વ્યક્તિએ સ્વયંભૂ સન્માનપૂર્વક છૂટા થઈ જવામાં સાર હોય છે. પછી આ વિષય સ્પોર્ટ્સનો હોય, બૉલીવુડનો હોય, રાજકારણનો હોય કે સામાજિક સંસ્થાઓનો, માનભેર છૂટા થઈ જવામાં જ ડહાપણ હોય છે...

અંગ્રેજીમાં ‘રાઇડિંગ ઇન્ટુ ધ સનસેટ’ કરીને એક પ્રસિદ્ધ મુહાવરો છે. સરળ ભાષામાં કહીએ તો આ વાક્યનો અર્થ થાય છે ‘કોઈ પણ ક્ષેત્રમાંથી નિવૃત્તિ લેવાની કવાયત.’ જાણીતા ફિલસૂફો કહે છે કે ગ્રેસફુલી રાઇડિંગ ઇન્ટુ ધ સનસેટ ઇસ મોર ઇમ્પોર્ટન્ટ. અર્થાત્ કોઈ વસ્તુમાંથી કે કાર્યમાંથી માત્ર નિવૃત્તિ જ લેવી નહીં, બલકે ક્યારે નિવૃત્તિ લેવી એ નિર્ણય વધારે મહત્ત્વનો છે. ઘણી વખત મહાન કાર્ય કરનારા લોકો પણ યોગ્ય સમયે આ નિર્ણય લેવામાં ચૂકી જતા હોય છે અને જ્યારે-જ્યારે એવું થાય છે ત્યારે-ત્યારે તેઓ પોતાને અને ઘણી વખત આસપાસના લોકોને પણ કપરી પરિસ્થિતિમાં મૂકી દેતા હોય છે.



કોઈ જવાબદારીમાંથી નિવૃત્ત કરવું તથા વસ્તુ જતી કરી દેવી એ બન્ને અલગ વસ્તુઓ છે, પરંતુ બન્ને સ્થિતિમાં વ્યક્તિની માનસિક સ્થિતિ મુખ્ય ભૂમિકા ભજવે છે. વસ્તુ જતી કરવા માટે ઉદાર દિલ, અહંકારને બાજુ પર રાખવો તથા મન મોટું કરીને આગળ વધી જવું જરૂરી છે, જ્યારે નિવૃત્તિનો સ્વીકાર કરી આગળ વધવાનો અર્થ એ થાય છે કે તમે એ વાતનો સ્વીકાર કરો છો કે એ નિશ્ચિત કાર્ય કે કર્તવ્ય બજાવવા માટે તમે હવે કદાચ શ્રેષ્ઠ વિકલ્પ કે વ્યક્તિ રહ્યા નથી. જે પણ કારણ હોય, પરંતુ કદાચ હવે તમારે એ પદ, જવાબદારી કે કર્તૃત્વની ભાવના જતી કરવી પડશે. એને કહે છે રાઇડિંગ ઇન્ટુ ધ સનસેટ. જરૂરી નથી કે વ્યક્તિ માત્ર વધતી ઉંમરને કારણે જ નિવૃત્તિની સ્થિતિમાં આવે. ઘણી વખત પરિસ્થિતિ તમને ઉંમર પહેલાં પણ આ સ્થિતિમાં લાવીને મૂકી શકે છે. બદલાયેલા સંજોગો, બદલાયેલી જરૂરિયાતો કે બદલાયેલી વિચારધારા સાથે આ નિવૃત્તિનો ભાવ યોગ્ય સમયે આત્મસાત્ કરવો આવશ્યક બની જાય છે. આપણી આસપાસ આવા અનેક દાખલા મોજૂદ છે. ઘણી વખત સૌથી શક્તિશાળી કે સૌથી સફળ દોર જ વ્યક્તિને આ રાઇડિંગ ઇન્ટુ ધ સનસેટ તરફની ગતિને રોકી લે છે.


વિશ્વની સૌથી બળવાન વ્યક્તિ ડોનાલ્ડ ટ્રમ્પનું જ ઉદાહરણ લો. અમેરિકન પ્રમુખને વિશ્વની સૌથી શક્તિશાળી વ્યક્તિ તરીકે જોવાય છે, પરંતુ જે રીતે તેમણે પોતાના શાસનના અંતિમ દિવસોમાં વાઇટ હાઉસ પર પોતાનો કબજો જમાવી રાખવાની કોશિશ કરી, સામ-દામ-દંડ-ભેદ વગેરે સર્વ માધ્યમોનો ઉપયોગ કરી અમેરિકાની સત્તા પોતાની પાસે સાચવી રાખવાના પ્રયત્નો કર્યા એ દર્શાવે છે કે તેમને રાઇડિંગ ઇન્ટુ ધ સનસેટનો અર્થ જ નથી ખબર. વિશ્વની સૌથી શક્તિશાળી વ્યક્તિ આટલી નાસમજ કેવી રીતે હોઈ શકે?

ઇતિહાસ તપાસી જોઈએ તો આવા તો કંઈ બીજા કેટલાય દાખલા મળી આવે. બલકે એને માટે વધુ ભૂતકાળમાં જવાની જરૂર પણ નથી. હાલના સમયની જ વાત લઈએ તો ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કપ્તાન એમ. એસ. ધોનીની આગેવાનીમાં ભારતે ટેસ્ટ મૅચથી લઈને વર્લ્ડ કપ સુધી ક્રિકેટના પ્રત્યેક પ્રકારમાં જીત મેળવી. તેમની આવી ઝળહળતી કારકિર્દી બાદ મુશ્કેલીના સમય દરમ્યાન તેમણે રીતસરનો સંઘર્ષ કરવો પડ્યો છતાં તેમણે ક્રિકેટમાંથી પોતાની નિવૃત્તિ જાહેર કરવામાં ઘણો સમય લગાડી દીધો.


રાજકારણના અસંખ્ય નેતાઓ પણ આનું જીવંત ઉદાહરણ છે. ખરી મુશ્કેલી તો ત્યારે થાય છે જ્યારે વ્યક્તિ નિવૃત્ત થવાના કે વાસ્તવિકતા સ્વીકારી લેવાના સ્થાને પોતાના પદ કે સ્થાન પર ચોંટી રહેવાનો પ્રયત્ન કરે છે અને એને કારણે આસપાસના અન્ય લોકો પણ મુશ્કેલીમાં મુકાઈ જાય છે. ટ્રમ્પની જ વાત લઈએ તો પોતાના પદને પકડી રાખવાની લાલચમાં તેઓ ઓચિંતા કોઈ દેશ પર અણુહુમલો કરી યુદ્ધ જાહેર ન કરી દે એ માટે ત્યાંની સરકારે લશ્કરને ખાસ સૂચના મોકલવી પડી હતી. રશિયા અને ચીન જેવા દેશો પણ નેતાઓ દ્વારા લાંબા સમય સુધી પોતાના પદને પકડી રાખવાનો ઇતિહાસ ધરાવે છે.

બૉલીવુડના સિતારાઓ પણ સમયના વળતા પ્રવાહને ઓળખવામાં થાપ ખાઈ જાય છે અને વર્ષો સુધી મુખ્ય હીરો કે હિરોઇનની ભૂમિકા ભજવવા માટે મરણિયા પ્રયાસ કરતા રહે છે. અમિતાભ બચ્ચનની કારકિર્દીમાં એક સમય એવો આવ્યો હતો જ્યારે તેમની ‘જાદુગર’ અને ‘તૂફાન’ જેવી એક પછી એક સતત બધી જ ફિલ્મો રૂપેરી પડદે ફ્લૉપ થઈ રહી હતી ત્યારે ઘણા લોકોનું કહેવું હતું કે હવે તેમણે રિટાયર થઈ જવું જોઈએ, પરંતુ આજે તેમને સદીના મહાનાયક તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે ભલે મોડા-મોડા પણ તેમણે પોતાની ભૂલ સુધારી લીધી અને અસ્થાયી નિવૃત્તિ લઈને થોડા સમય માટે પોતાના મનને કર્તૃત્વભાવ તથા અહમમાંથી બ્રેક આપ્યો.

આજે એવી સ્થિતિ છે કે અમિતાભ બચ્ચન દેશના સૌથી સફળ બ્રૅન્ડ-ઍમ્બૅસૅડર અને સૌથી સફળ સોશ્યલ ઇન્ફ્લ્યુઅન્સર છે. તેમને ધ્યાનમાં રાખીને ફિલ્મોની કથાના પ્લૉટ લખાય છે.
નાના-મોટા બધા જ કલાકારો તેમની સાથે કામ કરવા એકપગે તૈયાર થઈ જાય છે. તેમનાથી અનેકગણી નાની ઉંમરના કલાકારો ઘરે સાવ નવરા બેઠા છે, પરંતુ તેઓ આ ઉંમરે પણ દેશના સૌથી વ્યસ્ત કલાકાર છે અને આજે પણ તેઓ અન્ય અનેક યુવા કલાકારોને માત આપીને અવૉર્ડ્સ જીતી લાવે છે. ક્યારેય વિચાર્યું છે કે તેઓ આવું કેવી રીતે કરી શક્યા? માત્ર પોતાના અહમને માત આપીને ઍન્ગ્રી યંગ મૅનની ઇમેજમાંથી નિવૃત્તિ લઈને અને એક કલાકાર તરીકે પોતાની જાતને રીઇન્વેન્ટ કરીને.

જીવનને સમજવા માટે બહુ કપરાં લખાણો કે ફિલસૂફીની જરૂર નથી. આપણી આસપાસના સમાજ, વ્યક્તિ તથા ઘટનાઓનું નિરીક્ષણ કરીને પણ ઘણું સમજી શકાય છે. દરેક ભૂલ જાતે જ કરીને શીખવું જરૂરી નથી. પારખુ દૃષ્ટિ અને યોગ્ય સમજશક્તિ હોય તો આપણી આસપાસના લોકોની ભૂલ પણ આપણા માટે બોધપાઠનું કામ કરી શકે છે. પ્રત્યેક વ્યક્તિએ ક્યારે અને કેવા સંજોગોમાં નિવૃત્તિ લઈ લેવી એ સમજી જવું અતિઆવશ્યક છે. વળી નિવૃત્તિનો અર્થ દરેક વખતે રિટાયરમેન્ટ જ નથી થતો. બલકે મોટા ભાગે એનો અર્થ કોઈ એક પ્રકારની સ્થિતિ, કાર્યપ્રકાર કે વાતાવરણ થતો હોય છે. જ્યારે આપણે જૂનાનો ત્યાગ કરવા તૈયાર થઈએ છીએ ત્યારે જ કંઈક નવાનું સર્જન કરી શકાય છે. આ જ સંસારનો નિયમ છે. જે વ્યક્તિ આ નિયમને સમજી લે છે તેને ક્યારેય નિવૃત્તિનો થાક નથી લાગતો કે કંટાળો પણ નથી આવતો. તેને ક્યારેય કોઈએ રાઇડ ઇન્ટુ ધ સનસેટ ગ્રેસફુલી કહેવું પડતું નથી. તે પોતે જ સમય આવ્યે સૂર્યાસ્તની દિશામાં આગળ વધી જાય છે અને ખરેખર તો નવા સૂર્યોદયની શોધનો આરંભ પણ ત્યાંથી જ શરૂ થાય છે.

(આ લેખમાં રજૂ થયેલા મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝપેપરના નહીં.)

Whatsapp-channel Whatsapp-channel

25 January, 2021 02:08 PM IST | Mumbai | Falguni Jadia Bhatt

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK