Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > અસ્તિત્વની સુગંધ પાથરી જનારા ખલીલ ધનતેજવી

અસ્તિત્વની સુગંધ પાથરી જનારા ખલીલ ધનતેજવી

11 April, 2021 03:13 PM IST | Mumbai
Hiten Anandpara

ખલીલસાહેબ એટલે મુશાયરો લૂંટી લેવાનું સહજ કૌશલ્ય ધરાવતા શાયર અને અસ્તિત્વની સુગંધ પાથરી જનાર એક નાયાબ વ્યક્તિત્વ

ફાઈલ તસવીર

ફાઈલ તસવીર


ખલીલ ધનતેજવી નામના એક બેમિસાલ ગઝલકાર ચોથી એપ્રિલે બેનમૂન સિતારો બની ગયા. સાહેબ નામે તેમને માનાર્થે સંબોધન કરતી શાયરોની એક પેઢી તેમના અવસાનના આઘાતથી અવાક થઈ ગઈ. ખલીલસાહેબ એટલે મુશાયરો લૂંટી લેવાનું સહજ કૌશલ્ય ધરાવતા શાયર અને અસ્તિત્વની સુગંધ પાથરી જનાર એક નાયાબ વ્યક્તિત્વ. જેટલા મોટા ગજાના સર્જક એટલા જ સરળતાના સાધક. તેમના ખુશમિજાજ સ્વભાવને ધ્યાનમાં રાખીને આજની મહેફિલ સખેદ નહીં પણ સસ્નેહ તેમના જ કલામથી સજાવીએ.

છૂટા પડી સવારે, સાંજે ફરી મળીશું 



સાંજે ન શક્ય હો તો કાલે ફરી મળીશું 


તમને ખલીલ કાલે આ શહેરના છેવાડે 

ધનતેજ ગામ જાતી વાટે ફરી મળીશું 


વતન ધનતેજ ગામ પરથી તેમણે પોતાની અટક ધનતેજવી રાખી. મૂળ નામ ખલીલ ઇસ્માઇલ મકરાણી. વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ધનતેજ ગામમાં પ્રારંભિક ગાળામાં તેઓ ખેતી કરતા. ગામમાં યોજાતી બળદગાડાની દોડમાં લાગલગાટ દસેક વર્ષ તેઓ જ પહેલા આવ્યા. એનાથી વિપરીત નિયતિએ તેમને એવા મહેફિલ-એ-શાન શાયર બનાવ્યા કે તેમને પૂરા સન્માન સાથે મુશાયરામાં કાયમ છેલ્લા જ રજૂ કરવા પડે. તેમની ફટકાબાજી પછી કોઈ ન ચાલે.

હું ય દિલ પર હાથ ફેરવતો રહ્યો તો રાતભર  

એણે પણ ભીની થતી આંખોને સમજાવી હશે 

આમ ઝટ ઊઘડે નહીં તો પણ ખલીલ ઊઘડી ગયો 

યાર પાસે કળ હશે અથવા કોઈ ચાવી હશે 

તેમની પાસે એવી અકળ કળ હતી કે સકળ સભાગૃહ તેમના વશમાં આવી જતું. તેમના ઘેઘુર અવાજમાં પહેલો શેર રજૂ થાય અને પ્રેક્ષકોનું વશીકરણ થતું જાય. ઊંચી ગઝલ જેવી જ વાસ્તવિક ઊંચાઈ. એટલે પોડિયમ પર આવે ત્યારે માઇક ઊંચું કરવું પડે.

મારી આવક સાથે ના કરશો કદી સરખામણી 

હું દુવાઓ પણ કમાયો છું, એ જાણો છો તમે? 

આ ખલીલ અમથો નથી ચળકાટ મારા નામનો 

કેટલું ક્યારે ઘસાયો છું, એ જાણો છો તમે?

ખલીલભાઈની કલમ ઘસાઈ-ઘસાઈને ઊજળી થતી ગઈ. તેમણે પત્રકારત્વમાં વર્ષો ગાળ્યાં. ફિલ્મી પત્રકારત્વમાં સ્ટોરી મેળવવા તેઓ અવારનવાર મુંબઈ આવતા. રાજેશ ખન્નાનાં લગ્ન તેમણે કવર કરેલાં. અનેક હીરો-હિરોઇનની મુલાકાત લીધેલી. એ માટે સેટ પર અવારનવાર જવાનું થતું. એને કારણે ફિલ્મમેકિંગમાં રસ પડતો ગયો જે તેમને ગુજરાતી ફિલ્મો ખાપરો-ઝવેરી, તુલસી જેવી દીકરી મારી, નગરવધૂ અને ચૂંદડી ચોખાના લેખન-દિગ્દર્શન તરફ દોરી ગયો. ડૉ. રેખા ફિલ્મમાં બરકત વીરાણીના પુત્ર હીરો હતા. છૂટાછેડા ફિલ્મને પારિતોષિક પણ મળ્યું. 

એની આંખોમાં હું સમાયો છું 

ત્યારથી ચોતરફ છવાયો છું  

મારી ઓળખ હું ખોઈ બેઠો ખલીલ 

એટલી નામના કમાયો છું 

આપણે તેમને ગઝલકાર તરીકે વિશેષ જાણીએ છીએ, પણ લેખક તરીકે પણ તેમની લેખિની વિસ્તરી હતી. સુવાળો ડંખ, તરસ્યાં એકાંત, કોરી કોરી ભીનાશ, સન્નાટાની ચીસ, નગરવધૂ, સળગતો બરફ વગેરે. પચીસ વધારે નવલકથાઓ તેમણે આપી. કલમ તેમનો શ્વાસ હતી.

જીતનું કારણ કશું બીજું નથી 

શત્રુઓને સાવ અવગણતો રહ્યો 

જો ખલીલ આ જિંદગી પણ છે ગઝલ 

એને હું ગાતો ને ગણગણતો રહ્યો 

તેમની સાથે અનેક મુશાયરાઓમાં સહભાગી થવાનું બન્યું એ વાત તેમની હયાતીમાં પણ અમારા માટે ગૌરવવંતી હતી. તેમને અમે લિવિંગ લેજન્ડ તરીકે જ જોયા છે. પ્રવાસમાં તેમનો સામાન ઊંચકવાનું સહર્ષ સૌજન્ય અમે દાખવીએ તો પણ તે બહુ જ કચવાય. તેમના ગઝલસંગ્રહ tસાદગી જેવી જ સાદગી તેમના વર્તનમાં વણાયેલી. આજે તેમની સાથે સમય વિતાવનાર પ્રત્યેક કવિ કે તેમને અફાટ ચાહનાર ચાહકોની આંખો તેમના આ શેરથી જરૂર નમ થશે...

કાલનું નક્કી નહીં આજે છું તારા શહેરમાં 

હું મુસાફિર છું, ગમે ત્યારે સફર લાગે મને 

હું ખલીલ આજે ભરી મહેફિલમાં બેઠો છું છતાં 

સૂનું-સૂનું કેટલું એના વગર લાગે મને 

ખરેખર, ખલીલસાહેબ વગરની મહેફિલો હવે સૂની થશે. તેમના સાથીકવિઓ અને કદરદાનો મિસ કરશે એક એવો યુગ જે તેમની સાથે આથમી ગયો. કોઈ ડાયરી કે કાગળ રાખ્યા વગર વહેતી તેમની અસ્ખલિત વાણી મિસ થશે. તેમના શેરોથી ગુંજી ઊઠતું વાતાવરણ પોતાનો સાંવરિયો મિસ કરશે. શેરની બે પંક્તિમાં આવો જતો સારાંશ મિસ થશે. તેમની સાથે સધાયેલું સગપણ મિસ થશે. તેમણે આપેલી યાદગાર ગઝલોની સોગાત મિસ થશે. સૂર્યમુખીની જેમ સૂરજ તાકતી આ સાહ્યબાની આંખોનું વિશાળ સરોવર મિસ થશે. ગયેલી વ્યક્તિ પાછી આવતી નથી એ વાત સાચી, પણ ખલીલભાઈ તમારા શેર સાથે જ તમને જન્નતમાં આ કહેણ મોકલવું છે.

જાવ છો, પણ જીવ ના લાગે તો પાછા આવજો 

ફાવે તો રહેજો ને ના ફાવે તો પાછા આવજો 

ક્યા બાત હૈ

એક પગદંડી જે મેં પાડી હતી

કેટલા રસ્તાઓમાં વહેંચાઈ ગઈ

 

એની આંખો વાંચવાની લાખ મેં કોશિશ કરી

હું નથી સમજી શક્યો, પણ એ મને સમજી ગયાં

 

હા, ખલીલ એને આંતરવી મુશ્કેલ છે

ખુશ્બૂઓનો કદી પહેરો ભરશો નહીં

 

શું ફરક છે ખલીલ આપણને?

શંખમાં કે અઝાનમાં રહીએ

 

સાચા હૃદયની ભાવના પહોંચે ખુદા સુધી

ટૂંકી દુવામાં લાંબી અસર હોવી જોઈએ

 

આ ખલીલ ઉર્દૂ ગઝલને ખૂબ ચાહે છે છતાં

થઈ ગયો છે તારા પર કુરબાન ગુજરાતી ગઝલ

 

 - ખલીલ ધનતેજવી

(૧૨.૧૨.૧૯૩૫ – ૪.૪.૨૦૨૧)

Whatsapp-channel Whatsapp-channel

11 April, 2021 03:13 PM IST | Mumbai | Hiten Anandpara

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK