° °

આજનું ઇ-પેપર
Wednesday, 14 April, 2021

ભૂતકાળ જ્યારે મોટો ને ભવિષ્ય જ્યારે ઓછું રહ્યું છે ત્યારે...

05 March, 2021 12:15 PM IST | Mumbai | Jamnadas Majethia

ભૂતકાળ જ્યારે મોટો ને ભવિષ્ય જ્યારે ઓછું રહ્યું છે ત્યારે...

પપ્પા-મમ્મીને લઈને નૅશનલ પાર્કની સફરે ગયા પછી મન થયું લાવને જે ઘરમાં વર્ષોનાં સંભારણાં છે એ બિલ્ડિંગ તૂટે એ પહેલાં એને નજર ભરીને જોઈ લઈએ

પપ્પા-મમ્મીને લઈને નૅશનલ પાર્કની સફરે ગયા પછી મન થયું લાવને જે ઘરમાં વર્ષોનાં સંભારણાં છે એ બિલ્ડિંગ તૂટે એ પહેલાં એને નજર ભરીને જોઈ લઈએ

રીડેવલપમેન્ટ.

આ શબ્દથી આજે મોટા ભાગના લોકો અજાણ નથી. પહેલાંના જમાનામાં આપણે ડેવલપમેન્ટની વાતો કરતા હતા, પણ હવેના સમયમાં આપણે રીડેવલપમેન્ટની વાતો કરીએ છીએ. મુંબઈની દરેકેદરેક ગલીમાં એક તો એવું મકાન મળશે જ મળશે, જેમાં રીડેવલપમેન્ટ થયું હોય કે થવાનું હોય. આ રીડેવલપમેન્ટમાં ઘણું બધું સમાયેલું છે. કેટલાક લોકોની બ્રૅન્ડની લાઇફ-સ્ટોરી છે તો કેટલાક ઘણા સમયથી અટવાઈ ગયા છે અને આ પોતાના જીવન બદલાવાની રાહ જોઈને બેઠા છે. કમાલ હોય છેને આ રીડેવલપમેન્ટ. જૂના, જર્જરિત બિલ્ડિંગ તોડીને એની જગ્યાએ લાઇફ-સ્ટાઇલવાળી વધુ સગવડ સાથે અને વધારે ચોક્સાઈથી બનાવેલા ટાવર. મુંબઈ આડું વધતાં-વધતાં છેક વિરાર, થાણે, ડોમ્બિવલી, બોઇસર અને ક્યાંનું ક્યાં પહોંચી ગયું; પશ્ચિમમાં સમુદ્રકિનારે અને ખાડી પર તો પૂર્વમાં પહાડ અને જંગલોમાં. પછી ત્યાં જગ્યા ઓછી પડવા માંડી એટલે આકાશ તરફ હાથ લંબાવ્યો અને એમાંથી જન્મ્યો હશે આ રીડેવલપમેન્ટનો કન્સેપ્ટ.

પહેલાંના જમાનામાં ચાલ હતી અને એની આગળ રમવા માટે માટીનું મેદાન હતું, જેમાં ચોમાસામાં પાણી ભરાય એ પછી ઘાસ ઊગી નીકળે. પછી શિયાળામાં એ ઘાસ કાપી ત્યાં દુનિયાભરની રમતો રમાય. આવું હતું મારું બાળપણ. હજી તો ડેવલપેમન્ટ પણ નહોતું આવ્યું. ચાર રૂમની ચાલ, નામ એનું ભાનુ મૅન્શન. એમાં એક સાવ નાનકડા ઘરમાં રહેતાં શાંતાબહેન અને નાગરદાસ મજીઠિયા અને તેમનાં ૬ સંતાનો - ઉત્સવ, કમલ, રસિક, અમૂલ, ચંદ્રિકા અને બાબુલ એટલે હું, જમનાદાસ, તમારો જેડી.

મધ્યમ વર્ગનું આ કુટુંબ. સુખેથી રહેતું હતું. આ બધી વાત હું ભૂતકાળમાં કરી ચૂક્યો છું એટલે આજે એને બહુ નથી લંબાવતો. લગભગ બધાના જીવનમાં બાળપણની આવી વાતોનો ખજાનો હોય જ છે, પણ એક બહુ મહત્ત્વની વાત મારી સાથે થઈ, જે તમારી સાથે શૅર કરીને તમને કંઈક કહેવા માગું છું અને તમને પણ તમારા ભૂતકાળમાં ડોકિયું કરાવવા માગું છું. તમને પણ તમારી એક નૉસ્ટાલ્જિક જર્નીમાં લઈ જવા માગું છું.

લગભગ પથારીવશ એવા મારા વહાલા બાપુજીને મને બહાર લઈ જવાની બહુ ઇચ્છા થાય, પણ આજના હજી માથે તોળાઈ રહેલા કોરોનાકાળમાં તેમની તબિયતનું ધ્યાન રાખવું પણ જરૂરી છે અને તો પણ તેમને ઊંચકીને તેમને ગાડીમાં બેસાડીને અમે ગયા બોરીવલીના નૅશનલ પાર્કમાં.

મને ઘણા વખતથી ઇચ્છા હતી એટલે આ પ્લાનિંગ કર્યું હતું. આમ તો મારાં પન્નાભાભી અને અમૂલ બહુ જ ધ્યાન રાખે. બધું જ કરે માબાપ માટે. કોઈ ન કરી શકે એવું અને એટલું, જેને માટે હું લખું એટલું ઓછું.

હવે હું વાત કરું નૅશનલ પાર્ક જવા વિશે. મારી એક ફ્રેન્ડ છે વૈભવી જોષી, જે તેના નૅશનલ પાર્કમાં પાડેલા ફોટો સોશ્યલ મીડિયા પર મૂક્યા કરે અને એ જોઈને મને મારા બાળપણની બહુ યાદ આવે. મારાં બા-બાપુજી અમને ૬ ભાઈ-બહેનોને બોરીવલી-ઈસ્ટ સુધી લઈ જાય અને ત્યાંથી ચાલતાં-ચાલતાં આખા નૅશનલ પાર્કમાં ફેરવે. પેલી ગામદેવ ટેકરી પર જઈએ. બગીચામાં રમીએ, ખૂબ ધમાલ કરીએ. ધમાલ કરીને થાકી જઈએ એટલે ઘરેથી લાવેલી બાના હાથની બનાવેલી સેવ અને બહારથી ખરીદેલા મમરા બધાં ભેગાં બેસીને ખાતાં. બા-બાપુજી તો બહારનું ખાય નહીં એટલે ઘરની સેવથી કે પછી ઘરેથી જે બીજી વસ્તુ લાવ્યા હોય એ ખાઈને ચલાવી લે.

મને ત્યારે પણ એમ જ થતું કે મારા ભાગની સેવ પણ એ લોકો ખાઈ લે અને મને બહારનું કંઈક અપાવે તો મજા પડી જાય. મોંઘવારી બહુ હતી ત્યારે પણ. જ્યારે તમારી કમાણી બહુ ન હોય ત્યારે મોંઘવારી રહેવાની જ અને તમે ગમે એટલું કમાશોને તો પણ ઓછું જ પડશે એટલે આજીવન મોંઘવારી લાગવાની જ. આપણે બધા મનથી મધ્યમવર્ગીય જ છીએ. મૂળ વાત પર આવીએ.

૧૦ પૈસાની બસની ટિકિટ અને લગભગ ૪ આના એટલે કે પચીસ પૈસામાં મળતો શેરડીનો રસ. બહુ મજા કરતાં અમે નૅશનલ પાર્કમાં. સેવ-મમરા ખાઈને પસાર કરેલી એ પિકનિક જેવી પિકનિક આજે નથી થતી. એ મજા જ જુદી હતી. ભાઈઓ-બહેનો અને બા-બાપુજી. રવિવારે ભેગાં મળીને બહાર જવાનો એ આનંદ જુદો હતો. ભેગાં રહીને સહકુટુંબ એકબીજા સાથે જ સ્નેહથી રહી, રમી અને મજા કરીને મોટા થવાનો આનંદ અને સંસ્કારસિંચન એવું હતું કે આજે પણ અમે બધાં એકબીજાથી બહુ જોડાયેલાં છીએ, એકબીજા સાથે જોડાયેલી યાદો સાથે એકમેક માટેનો સ્નેહ, પ્રેમ અકબંધ છે.

બા-બાપુજી સાથે એ જૂની વાતો કરતાં-કરતાં એટલો આનંદ આવ્યો કે ન પૂછો વાત. હમણાં નૅશનલ પાર્કમાં હરણ આવી ગયાં છે અને એ પણ ઘણાં બધાં અને મારી બાએ તો જીવનમાં પહેલી વાર હરણ જોયાં. નાનું બાળક રાજી થઈ જાય એવી બા રાજી થઈ ગઈ. હું હરણનો વિડિયો લેતો હતો અને એમાં બાનો પાછળ અવાજ આવતો હતો. બા હરખાઈને બોલતી હતી,

‘એ જો જો જો, કેટલાં બધાં ચાંદલાવાળાં હરણ...’

બધાના બાળપણની ખૂબ વાતો થઈ. બાળપણની વાતો જ એવી હોયને કે આપણે ભૂતકાળમાં ડોકિયું નાખીએ તો સૌથી સુંદર, સૌથી સારો કાળ આ બાળપણ લાગે. બાળપણની વાતો થઈ તો એ વાતોમાંથી ભાનુ મૅન્શન અને એમાંથી ડેવલપ થયેલા ‘જતીન વિલા’ની વાત થઈ. આ ‘જતીન વિલા’ એટલે અમારી જે ચાર રૂમની ચાલ તોડીને બનેલું બિલ્ડિંગ. એ વાતોમાંથી ખબર પડી કે હવે એ ડેવલપ થયેલું જતીન વિલા પણ રીડેવલપમેન્ટમાં જવાનું છે અને આજે એનો છેલ્લો દિવસ છે એટલે કાલથી કદાચ તૂટવાનું શરૂ થઈ જશે. બધાએ આજે એ ખાલી કરી દેવાનું હતું.

એ વાતોને લીધે બાની ઇચ્છા થઈ એ જોવાની એટલે બા-બાપુજી અને નિપા સાથેની સવારી પહોંચી ‘જતીન વિલા’. મારું બાળપણ, મારી જુવાની અને બીજી કેટકેટલી યાદો, કેટકેટલી વાતો, વાર્તાઓ. મારા જીવનનો જ નહીં, અમારા સહકુટુંબનો શ્રેષ્ઠ સમય વિતાવ્યો છે અમે ત્યાં. લગભગ અમારા ઘરના બધાનાં લગ્નો એ જ ઘરમાં થયાં અને  કેટલયે ગ્રૅન્ડ ચિલ્ડ્રનનો જન્મ પણ ત્યાં જ થયો. કેટલાયે વૈષ્ણવોએ ત્યાં પ્રસાદ લીધો છે. કેટકેટલા મિત્રો ત્યાં આવ્યા છે. કેટકેટલા લોકોએ ત્યાંથી જ દુનિયામાંથી વિદાય લીધી છે. યાદોનો ખજાનો છે એ જગ્યા સાથે.

અમે તો બહુ નાના ઘરમાં રહેતાં, પણ અમારી નીચેનો ફ્લૅટ થોડો સમય ખાલી હતો. બાબુભાઈ શાહ નામના બિલ્ડર એ જગ્યાના માલિક. બાબુભાઈ અને મારા બાપુજીની મિત્રતા એવી કે તેમણે અમને એમનેમ એ જગ્યા રહેવા માટે આપી દીધી અને એ પણ વર્ષો સુધી. બાકી તો અમે લોકો એક ઘરમાં ભેગાં રહી શકીએ એવડું ઘર જ નહોતું. ત્યારના જમાનાના સંબંધો, વિશ્વાસ અદ્ભુત હતા. આવા લોકો તો હવે જોવા પણ નથી મળતા. બાબુભાઈ શાહને ફરી એક વાર થૅન્ક્સ. અમારા એ બિલ્ડિંગની નીચે ચક્કી, ઇસ્ત્રીવાળો અને આજકાલ જોવા નથી મળતી એવી કેટકેટલી ચીજો. આંબાનું ઝાડ અને એ ઝાડની ફરતે ગોઠવાયેલી યાદોનો ખજાનો જે ‘જતીન વિલા’ ધરાશાયી થવા સાથે ખતમ થઈ જશે. જતીન વિલાની જગ્યાએ હવે ટાવર આવી જશે. મેં નાનપણમાં વાવેલું બદામનું ઝાડ આજે પણ ત્યાં અકબંધ છે. કદાચ એ હવે એમનું એમ નહીં રહે.

જીવનમાં આપણે વાવેલું કેટકેટલું બદલાઈ જાય છે. એ ડેવલપ થાય અને એમાંથી રીડેવલપ થાય ત્યારે ખ્યાલ આવે કે કેટલો સમય વીતી ગયો. આપણે મોટા થઈ ગયા. ભૂતકાળ મોટો થઈ ગયો અને ભવિષ્ય ઓછું બચ્યું છે એનું રિયલાઇઝેશન થાય. ‘જતીન વિલા’ તો નટુભાઈ મામતોરા જેવા સજ્જન અને તેમની ટીમ નવી ઊંચાઈએ લઈ જશે અને સુંદર બનાવશે, પણ આપણે આપણા જીવનનું રીડેવલપમેન્ટ કેવી રીતે કરવાનું એ શીખવાનો સમય આવી ગયો છે. જૂનાં બિલ્ડિંગ જેમ ધરાશાયી થાય એમ કદાચ આપણું શરીર પણ ધરાશાયી થઈ જશે, પણ આપણા આત્માને, આપણી આત્મારૂપી જમીનને સારાં કર્મોથી જાળવી રાખીશું તો નવા ભવનો ટાવર બનશે.

ચેન્જ ઇઝ ધ કૉન્સ્ટન્ટ. બદલાવ એ જ એકમાત્ર સ્થિરતા છે.

આપણી જૂની યાદોની સાથે-સાથે રોજ નવી-નવી યાદો પણ પેદા થાય એવી જિંદગી દરેક પળે જીવતા રહેવાની છે અને જીવજો. તમારા દરેક દિવસને યાદગાર બનાવજો. તમને આ મારા લેખથી કશું જૂનું યાદ આવે તો તમારા એ જૂના મિત્રોનો સંપર્ક કરજો. ચા પીવા જજો અથવા ઘરે બોલાવજો. જે જૂના ગમતા એરિયા હતા ત્યાં વિઝિટ કરજો. હું તો જ્યાં જન્મ્યો હતો એ કાંદિવલીની દળવી હૉસ્પિટલે પણ જઈ આવ્યો. કેટકેટલી જગ્યાએ ફરવાનો અનેરો આનંદ આવે છે. એ અનેરો આનંદ માણજો અને જીવનમાં આનંદ ફેલાવતા રહેજો. જીવનનું ધ્યેય જ એ છે. આનંદ મેળવો અને આનંદ આપો, ફેલાવો એને જ સાચું ડેવલપમેન્ટ અને રીડેવલપેન્ટ કહેવાય.

(આ લેખમાં રજૂ થયેલા મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝપેપરના નહીં.)

05 March, 2021 12:15 PM IST | Mumbai | Jamnadas Majethia

અન્ય લેખો

ઓહ, સૉરી... બસ, એમ કહી અમિતાભ બહાર નીકળી જાય

ઓહ, સૉરી... બસ, એમ કહી અમિતાભ બહાર નીકળી જાય

15 March, 2021 01:24 IST | Mumbai | Sanjay Goradia

જોગાનુજોગ

જોગાનુજોગ

15 March, 2021 01:06 IST | Mumbai | Samit purvesh Shroff

બે સેક્સ-સાઇકલ વચ્ચે કેટલું અંતર હોવું જોઈએ?

બે સેક્સ-સાઇકલ વચ્ચે કેટલું અંતર હોવું જોઈએ?

15 March, 2021 01:04 IST | Mumbai | Dr. Mukul Choksi

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK