ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

shot-button

હોમ > કૉલમ > > > લાલ રંગ, રેડ અલર્ટ!

લાલ રંગ, રેડ અલર્ટ!

12 December, 2021 05:20 PM IST | Mumbai
Hiten Anandpara

આમ તો દરેક રંગ પોતાની આગવી છટા ધરાવે છે, પણ રાજકારણ એમાં સંકળાય એટલે રંગમાં ભંગ પડવાનો

લાલ રંગ, રેડ અલર્ટ!

લાલ રંગ, રેડ અલર્ટ!

આમ તો દરેક રંગ પોતાની આગવી છટા ધરાવે છે, પણ રાજકારણ એમાં સંકળાય એટલે રંગમાં ભંગ પડવાનો. સમાજવાદી અખિલેશ યાદવની લાલ ટોપી નરેન્દ્ર મોદીની ભગવીની અડફેટે આવી ગઈ. સંમત થાવ કે ન થાવ, કેટલાંક વિધાનો એવાં સટિક હોય કે કોઈનાં ભવાં ઊંચાં થઈ જાય અને કોઈના હોઠે સ્મિત ફરકી ઊઠે. આપણે ભવાંને ઉન્નત કરતાં પહેલાં નિનાદ અધ્યારુના શેર પર એક નાજુક-નમણી નજર નાખી લઈએ...
બાબત એ ગૌણ છે કે, એમાં લખેલ શું છે
રાખે ગુલાબ જેમાં, એ ચોપડી ગમે છે
નિનાદ લાગણીના એ કાર્ડનું કરે શું?
એને તો લાલ-લીલી કંકોતરી ગમે છે
મોદીસાહેબે રંગનું કાર્ડ ખેલ્યું. તેમની સણસણતી રિમાર્ક પછી અખિલેશ યાદવે લાલ રંગની મહત્તા સમજાવવી પડી. પ્રિય નાગરિકો, એવા-એવા વાહિયાત લોકો રાજકારણમાં મોટાભા બનીને ફરે છે કે ચક્કરભમ થઈ જવાય. આવડતવાળાઓ ઘરે બેઠા હોય અને અણઘડો ખુરસી માટે તાગડધિન્ના કરે એ સબળી લોકશાહીની નબળી નિશાની છે. આપણે ત્યાં પ્યુનની નોકરી માટે ઇન્ટરવ્યુ લેવાય છે, પણ પ્રધાનોની નિમણૂક માટે કોઈ ઇન્ટરવ્યુ લેવાતા નથી. ગની દહીંવાળા આપણા વિષાદનો ઉકેલ દર્શાવે છે...
અમને હસી જ કાઢજો એ છે અતિ ઉચિત
ઠલવાય લાગણી, તો નીપજ વેદનાય થાય
આદિથી એ જ આગના સંચયની લાલસા
સૂરજ ન હોય તો અહીં દિનકર ઘણાય થાય
ખરેખર જેમની પાસે પોતીકા સૂરજનું તેજ છે એવા દિનકર જોષી જેવા પચ્ચીસેક વિદ્વાનો જો રાજકારણમાં હોય તો દેશની સિકલ ધીરે-ધીરે બદલાઈ શકે. કમનસીબે આપને ત્યાં નિષ્ઠા મિસિંગ હોય એની ક્યાંય જાહેરાત નથી થતી. જે-તે ક્ષેત્રના નિષ્ણાતો જે-તે વિભાગમાં નિર્ણાયક પોસ્ટ પર હોય તો દેશને નીચાજોણું ન થાય. રેડ સિગ્નલ લાંબા સમય સુધી ચાલુ રહે તો વિકાસ અટકી પડે. લાલ ફિતાશાહીનો કડવો અનુભવ આ દેશના ઉદ્યોગો કરી ચૂક્યા છે. એનાથી ટોટલ વિપરીત કેજરીવાલ અને ચન્ની એવા મહાશયો છે જે ફ્રીની ખેરાત બાંટતા ફરે છે. ઉદયન ઠક્કરની ઇકૉનૉમિક્સ દૃષ્ટિ સમજવા જેવી છે... 
ઊજળો ધંધો તો સોમાલાલનો
વેચે રોકડમાં ને લે ઉધારમાં
આ અમાસો તો હવે કોઠે પડી
અમને મોટો લાડવો દેખાડ મા
પંજાબમાં તો લાડવાના લટૂડા અને ગાજરનાં લટકણિયાં ક્યારનાં શરૂ થઈ ગયાં છે. કરોડોની મિલકત હોય એવા માલેતુજાર કિસાનોને પણ વીજળી ફ્રી જ જોઈએ છે. દસ-વીસ હજાર કમાતો મધ્યમ વર્ગનો માણસ બિચારો કોની પાસે ફ્રી માગે? માગે તોય તેની પિપૂડી સાંભળવાનું કોણ? અહીં તો જે જોર દર્શાવે તેનાં બોર વેચાય. આક્રોશને કારણે તમારું લોહી જો ઊકળી ઊઠે તો રઈશ મનીઆરની આ મનોચિકિત્સક પંક્તિઓ વાંચીને ટાઢું કરજો... 
લોહીનો રંગ લાલ નહીં, કાળો હોય છે
એવી પ્રતીતિ થઈ અને કાગળ સુધી ગયો
આખા જીવનમાં દુઃખની મળી એક પળ રઈશ
એનો જ પ્રત્યાઘાત પળેપળ સુધી ગયો
શાંત જળમાં કાંકરી નાખીએ તો એના તરંગો દૂર-દૂર સુધી પ્રસરી જાય. એમાં ઉમંગ છે કે ઉદાસી એના આધારે એનું મૂલ્યાંકન થાય. જિંદગી નટબજાણિયાની જેમ આપણને નચાવે અને અવનવી કોરિયોગ્રાફી કરતી જાય. એમાંથી કયું સ્ટેપ કામનું છે એ શોધતાં આપણે શીખી લેવું પડે. રાકેશ હાંસલિયા વ્યાપક થવાની વાત કરે છે...
જિંદગીના તાર છોને તંગ થાતા
થાય તો એના વડે સિતાર કરજે
જેમનું પણ લાલ છે રાકેશ લોહી
એ ગમે તે હોય પણ સ્વીકાર કરજે
સ્વીકાર એક એવી વૅક્સિન છે જે સદાય અકસીર રહી છે. દીવાલો પર મુઠ્ઠી પછાડવાથી કંઈ ન વળે તો એના પર ચિત્રકામ કરતાં શીખી જવું પડે. દીવાલો બદલાવાની નથી, પણ તમારા હાથ તો બદલાઈ શકે છે. સમજણની અવગણના કાયમ ભારે પડવાની. વર્ષો વેડફાઈ જાય અને હાથમાં માત્ર રેતી રહી જાય. પ્રવીણ શાહ અધ્યાત્મનો મિજાજ પકડે છે... 
જિંદગી ત્યારે અધૂરી લાગી છે
એક પણ ઘટના ઉમેરી ના શક્યા
લાલ-લીલા રંગ બદલાતા રહ્યા
વસ્ત્ર બે ભગવા પહેરી ના શક્યા
ક્યા બાત હૈ
છેક છેલ્લે સુધી લડેલો છું 
માંડ ત્યારે જ હું બચેલો છું
કોઇ સ્પર્ધા નથી સિતારાથી
જાત બળતાં હું ઝગમગેલો છું
હોઠના સ્પર્શ હુંય પામ્યો છું
હુંય પ્યાલો છું પણ ફૂટેલો છું
સાવ થડિયું નથી પ્રથમથી હું
ડાળખી જેમ પણ ઝૂકેલો છું
સેંકડો ભોંયરાં છે મારામાં
આમ પર્વત બની ઊભેલો છું
વાટ તેથી જુએ છે સૌ આતુર
હું ટપાલીનો એક થેલો છું

બાબુલાલ ચાવડા આતુર


12 December, 2021 05:20 PM IST | Mumbai | Hiten Anandpara

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK