Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > વિઘ્નહર્તા

વિઘ્નહર્તા

22 January, 2023 12:42 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

‘તે તમે વિપુલભાઈ પાસે જઈ આવોને. દોઢ લાખ તો તેમને રમતવાત ગણાય! વળી આપણે ક્યાં મહિનો દિવસ રાખવા છે. અઠવાડિયાનો તો સવાલ છે. ઑફિસમાંથી પૈસા મળે એટલે તરત જ તેમને આપણે પાછા આપી દઈશું.’ ચિંતાગ્રસ્ત ચહેરે નિરુએ પંકજને સલાહ આપી

વિઘ્નહર્તા

શૉર્ટ સ્ટોરી

વિઘ્નહર્તા


‘જુઓ પંકજભાઈ, હવે બહુ ન ખેંચતા. આ તો તમે જાણીતા એટલે હું થોડી શરમ ભરું. બાકી મારે અત્યારે ખૂબ જ નાણાભીડ છે એટલે મોડામાં મોડું તમે સાતમી તારીખ સુધીમાં પતે એવું કરજો.’ 
‘બધું તૈયાર છે. તમે મારા પર ભરોસો રાખજો. એ મકાન મારા ઘરના બધાને ગમી ગયું છે. અમારે એ વેચાણ રાખવાનું જ છે. બસ, સાતમી સુધીમાં તો હું આપને બાકીના રૂપિયા પૂરેપૂરા શ્યૉર આપી દઈશ.’ પંકજે તેમને ખાતરી આપેલી.
lll
પતિ-પત્ની બંને મળતાવડા સ્વભાવનાં. મહોલ્લાના ઘણા લોકોને કે બાળકોને કોર્ટ-કચેરી કે શાળાના કામમાં મદદ કરે. એમ માનોને કે પંકજે બહારથી આવીને સુરૈયાની ખડકીમાં પોતાની આગવી દુનિયા ઊભી કરી હતી. તેમનાં બાળકો પણ ખડકીના ભાઈબંધ-મિત્રો સાથે એવાં હળી-મળી ગયાં હતાં કે તેમને પણ આ જગ્યા છોડીને બીજે રહેવા જવાની ઇચ્છા નહોતી. રૂપિયાની સગવડ થઈ જશે એવા પૂરા વિશ્વાસથી મકાનનું સાતમી તારીખનું બાનાખત પણ કરાવી નાખ્યું.
ઘર એટલે દુનિયાનો છેડો! જ્યાં હા...શ બોલીને લાંબા થઈ શકાય એ ઘર! એવી જ રીતે પંકજ-નિરુનું ઘર હતું, પણ ભાડાનું ઘર.
તેમણે સપનું સેવ્યું, ‘સુરૈયાની ખડકીવાળું આ ભાડાનું ઘર જો આપણું પોતાનું થાય.’
મકાન સસ્તામાં મળતું હતું એટલું જ નહીં, એના બાંધકામની સ્થિતિ સારી હતી. લોકાલિટી પણ એટલી સરસ કે શહેરના મધ્ય ભાગમાં. શાળા, કોર્ટ-કચેરી, બસ-સ્ટેશન, રેલવે-સ્ટેશન અને બજાર સમાન અંતરે નજીકમાં.
lll
મોટા ભાગના રૂપિયા આપી દીધા હતા. હવે સવાલ હતો માત્ર દોઢ લાખ રૂપિયાનો. એની વ્યવસ્થા પણ થઈ ગઈ હતી. પંકજે જીપી ફન્ડ ઉપાડ માગ્યો હતો. પૈસા મળવાના જ હતા, પણ પ્રોસીજર થોડી લાંબી હતી.
‘અરે યાર પંકજ, તારા માટે કંઈ ના હોય? આવજેને તું તારે. તારા માટે આપણા દરવાજા ઉઘાડા જ છે.’ આવું ઘણા મિત્રો કહેતા.
આથી હૈયે થોડી હામ હતી. સવાલ હતો ફક્ત દોઢ લાખનો. 
‘પેલા વિપુલિયાને પકડીશ તો આટલી રકમ તો તે હસતાં-હસતાં આપી દેશે. આપણે ક્યાં તેના ઘાલવાના છે.’ તે ઘરે આવે ત્યારે ઘણી વખતે કહેતો, ‘ભાભી, તમે જો મદદ ન કરી હોત તો એ બરફના કારખાનાના સોદામાં હું પડ્યો જ ન હોત. એ જમાનાના તમારા પંદર હજાર રૂપિયા અત્યારના પંદર લાખ કરતાંય વધી જાય. તમારી પાસેથી ઉછીના લીધેલા રૂપિયાથી તો મારા નસીબનાં દ્વાર ઊઘડી ગયાં. બસ, ત્યારથી તો હું બે પાંદડે થયો.’ 
પંકજને વિશ્વાસ હતો કે આવા એક-બે જણને પકડીશને તોય દોઢ લાખ તો રમતાં-રમતાં ભેગા થઈ જશે.
lll
વળી પાછો એક દિવસ ગુણવંતભાઈનો ફોન આવ્યો, ‘અરે પંકજભાઈ, જુઓ તમારા વાયદાને ત્રણ દિવસ આડા રહ્યા. મામલો સાંભળી લેજો એટલે હું આગળ ખોટો ન પડું. આજે એ મકાનનું પૂછવા બે ઘરાક આવ્યા હતા. હાર્ડ કૅશની ઑફર હતી, પણ આપણે જૂની ઓળખાણ અને તમે સાતમી તારીખ સુધીનું બાનાખત કરાવી લીધું છે એટલે મેં તેમને પાછા મોકલી દીધા. આ પેલો રાધે નઈ? મકાનનો લે-વેચનો દલાલ. તે મારી પાછળ પડી ગયો છે. પાંચ-દસ હજાર વધુ આપવાની તેણે ઑફર કરી હતી. મેં હાલ કોઈને મચક આપી નથી. હવે મારાથી વધુ ટકી શકાય એમ નથી એટલું ધ્યાન રાખજો.’ 
lll
પૈસા ચૂકવાઈ જશે એવી તેણે સામેવાળાને હૈયાધારણ તો આપી, પણ સમય તો જાણે દોડતો હોય એવું તેને લાગ્યું. જીપીએફ ઉપાડની દરખાસ્તવાળું આખું પ્રકરણ ઉપલી ઑફિસથી પાછું આવ્યું હતું. એમાં એક-બે પુર્તતાઓ માગી હતી. પુર્તતા કરીને દરખાસ્ત ઉપલી કચેરીએ મોકલવામાં આવી હતી, પણ પૈસા હાથમાં આવતાં બીજા દસ-પંદર દિવસ તો સહેજેય નીકળી જાય એમ હતા. રાતભર તેને ઊંઘ ન આવી. તેની પત્ની પણ તેને પડખાં બદલતો જોઈને જાગતી રહી.
lll
‘તે તમે વિપુલભાઈ પાસે જઈ આવોને. દોઢ લાખ તો તેમને રમતવાત ગણાય! વળી આપણે ક્યાં મહિનો દિવસ રાખવા છે. અઠવાડિયાનો તો સવાલ છે. ઑફિસમાંથી પૈસા મળે એટલે તરત જ તેમને આપણે પાછા આપી દઈશું.’ ચિંતાગ્રસ્ત ચહેરે નિરુએ પંકજને સલાહ આપી.
‘તારી વાત સાચી નિરુ, પણ સાલું કોઈ દિવસ કોઈની સામે હાથ લાંબો કરેલો નથી એટલે માગતાં જીભ ઊપડશે કે કેમ એ સવાલ છે!’ તેણે પોતાની મૂંઝવણ બતાવી.
પગ ઊપડતો નહોતો. એમ છતાં તે વિપુલ પાસે જવા તૈયાર થયો. બહાર નીકળતો જ હતો ને મકાનમાલિક ગુણવંતભાઈ સામેથી દેખાયા.
ઘરમાં આવ્યા. પાણી પીધું, પણ ભારે ચિંતામાં હોય એવું લાગ્યું. 
‘જુઓ પંકજભાઈ, હું ઘણો ટેન્શનમાં છું.’ તે હાંફતા હોય એ રીતે બોલ્યા.
‘ટેન્શન તો તમારાથીયે મારે વધારે છે વડીલ. મારી ગણતરી થોડી ખોટી પડી એટલું જ...’
‘પંકજભાઈ જુઓ, એમ કરો. તમારા પૈસા હાલ તમને પાછા કરું છું. એ તમે મને કાલ સાંજ સુધીમાં એકસામટા આપજો. જો તમે ન આપી શકો તો પછી બાનાખતની શરત મુજબ આપણો સોદો રદ સમજવાનો.’ પૈસાની બૅગ પંકજને પાછી આપતાં તેઓ બોલ્યા. 
‘પણ... પણ... ગુણવંતભાઈ!’ તે કંઈ આગળ બોલે એ પહેલાં વાતને કાપતાં ગુણવંતભાઈ બોલ્યા, ‘મકાન ખાલી કરવાનું ટેન્શન રાખતા નહીં. હું જે બીજી વ્યક્તિને મકાન વેચવાનો છું તે તમને આ મકાનમાં મહિનો દિવસ રહેવા દેશે. બહુ ઉતાવળ કરશો નહીં.’ આટલું બોલીને તે ચાલતા થયા. 
નાછૂટકે પછી તે વિપુલ પાસે જવા નીકળ્યો. પૈસા માગવાની શરૂઆત કેવી રીતે કરવી એવી અવઢવમાં તે તો બરફના કારખાને પહોંચી ગયો.
તેણે અચકાતાં-અચકાતાં વિપુલને પૈસા બાબતે વાત કરી.
‘યાર પંકજ, તેં આજે પહેલી વખત આ માગણી મૂકી, પણ મારી હાલત કફોડી છે. જો બે દિવસ પહેલાં જ જીઈબીનો ચાર લાખ રૂપિયાનો દંડ ભર્યો એટલે હું તો સાવ ખાલી થઈ ગયો. સીઝન પણ જોને મંદી ચાલી રહી છે. ઉપરથી પછી અમારા ધંધાની હરીફાઈ.’ આવો ગોળ-ગોળ જવાબ આપ્યો. થોડી આડીઅવળી વાત કરીને તે ઘરાક પતાવવા કાંટા પર ગયો અને પંકજે ચાલતી પકડી. 
બીજા એક-બે મિત્રો યાદ આવ્યા, પણ સૌથી સારા આસામીએ હાથ અધ્ધર કરી દીધા એટલે બીજા મિત્રો પાસે હાથ લાંબો કરવાની તેની હિંમત ન ચાલી.
કામમાં મન લાગતું નહોતું. હતાશ થઈને તેણે આજે નોકરીની પણ રજા પાડી. તેને ઉદાસ ચહેરે બેસેલો જોઈને પત્ની પણ કંઈ પૂછવાની હિંમત ન કરી શકી. સાંજે વાયદાની અવધિ પૂરી થતી હતી. તેણે હેડ ઑફિસમાં ફોન કર્યો તો જાણવા મળ્યું કે તેની નાણાં ઉપાડવાની માગણી મંજૂર થઈ ગઈ છે. 
બિલ બને, સરકારી તિજોરીમાં દાખલ થાય ત્યાં સુધીમાં સહેજેય ચાર-પાંચ દિવસ નીકળી જાય. પછી પૈસા હાથમાં આવે એમ ગણતરી કરતો હતો ત્યાં મહોલ્લાની એક નાની છોકરી દરવાજે આવીને બોલી, ‘આ તેમનું ઘર ને આ બેઠા તે પંકજ અંકલ.’ તે ગામડાના લાગતા એક અજાણ્યા માણસને તેનું ઘર બતાવતાં બોલી.
‘આવો.’ તેણે મહેમાનને આવકાર આપ્યો.
‘રંગપુરથી આવ્યો.’ મહેમાન બેઠક લેતા બોલ્યા. ‘એક સંબંધીને દવાખાને દાખલ કર્યા હતા તેમની ખબર કાઢવા આવ્યો હતો ને બીજું થોડું કામ હતું. નીરવભાઈ આપની માસીના દીકરા થાયને. તેમણે તમારું સરનામું આપેલું.’
 રંગપુર અને નીરવનું નામ પડ્યું એથી થોડો તે ચમક્યો. મનમાં વહેમ આવ્યો કે વળી આ ગામડિયો ઉછીના લેવા આવ્યો.
‘પંકજભાઈ, આ શહેરના ડૉક્ટરો જેવા-તેવાની કેડ ભાગી નાખે હોં! માણસને ચીરી નાખે એવી તેમની ફી.’ ચાની રકાબી હાથમાં લેતાં તે બોલ્યા. 
પંકજને લાગ્યું કે મહેમાન ઉછીના માગવાની પૂર્વભૂમિકા બાંધતા લાગે છે.
‘ગામડાના ડૉક્ટરો સારા. અહીં અવાય નહીં.’
એક તો ટેન્શન ને આ લપ જલદી ઊઠે તો સારું એવું તે વિચારી રહ્યો. 
તેણે પૂછ્યું, ‘જમવાનું કેમ છે વડીલ?’ 
‘જમીને નીકળ્યો છું. એ તકલીફ ન લેતા. આ તો નીરવ કહેતો હતો કે પતિ-પત્ની બહુ માયાળુ માણસ છે. તમારે કંઈ કામ હોય તો મળજો.’ મહેમાન ખુશ થતા બોલ્યા. નિરુને ફાળ પડી. તેને ડર હતો કે આટલામાં પેલા ગુણવંતભાઈ આવી ન જાય તો સારું.
જે કામ હોય એ જલદી પતાવીને ઊઠે એવા આશયથી તે બોલ્યો, ‘મારા લાયક કંઈ કામ હોય તો બોલો વડીલ...’
‘કામ તો હતું... પૈસાનું.’ મહેમાન ધીમેથી બોલ્યા.
તેના શરીરમાં એક ધ્રુજારી છૂટી ગઈ. તેની માસીના દીકરા નીરવને તેણે મનમાં એક ગાળ બોલી દીધી. એટલામાં બહાર બાઇકનો અવાજ આવ્યો. તે સફાળો ઊભો થઈને કોણ આવ્યું છે એ જોવા બારણે આવ્યો. 
‘હાશ!’ અનાયાસ તેનાથી એક હાશકારો નીકળી ગયો.
 ‘આ જુઓને દવાખાનું અને બીજું એક કામ હતું.’ મહેમાન અટક્યા.
પંકજની ધીરજ ખૂટવા લાગી હતી. નિરુ સ્તબ્ધ થઈને બધું સાંભળી રહી હતી. તેના ધબકારા વધતા જતા હતા. થોડી-થોડી વારે તેની નજર બહાર રસ્તા પર પહોંચી જતી હતી. ક્યારેક વળી બીજાની નજર ચૂકવીને દીવાલે ટીંગાતા વિઘ્નહર્તાના ફોટો સામે હાથ જોડી લેતી હતી. દુકાળમાં અધિક માસ! કોઈ દિવસ નહીં ને આજે આ મહેમાન બોજા જેવો લાગી રહ્યો હતો. 
 ‘અમે બાપ-દીકરો બેય આવ્યા હતા ટ્રૅક્ટરની ટ્રૉલી લેવા. મનુ ઘેર ગયો ને મને એમ કે આ પૈસાનું જોખમ લઈને વારેઘડીએ શહેરના પાવઠીએ ચડવું સારું નહીં. ટ્રૉલીનું બાનું દસ હજાર આપી દીધું. ટ્રૉલીવાળો દસ દિવસે ટ્રૉલી તૈયાર કરી આપશે.’ મહેમાન થેલીમાંથી રૂપિયાનાં બંડલ કાઢતાં બોલ્યા.
‘પંકજભાઈ, તમને વાંધો ન હોય તો ખાલી દસ દિવસ આ બે લાખ રૂપિયા સાચવો તો તમારો ઉપકાર.’ મહેમાને પૈસા ટિપોય પર મૂક્યા. વળી બોલ્યા, ‘ગણો. જુઓ બધી બે હજારવાળી નોટો છે. વાર નહીં લાગે. બસમાં વારેઘડીએ જોખમ લઈને આવતાં મારો જીવ નથી ચાલતો.’ 
‘પણ એ નીરવને લેતા આવજો ફરી આવો ત્યારે.’ પંકજ ઉત્સાહમાં આવીને પૈસા ગણવા લાગ્યો.
‘લો રજા લઉં ત્યારે. અમે દસેક દિવસમાં ટ્રૉલી લેવા આવીશું. ત્યાં સુધી સાચવજો. આ શહેરમાં તમારા જેવા માણસની ઓળખાણ અમને કેટલી કામ લાગી!’ બોલતાં-બોલતાં મહેમાન ઊઠ્યા. પંકજ તેમને રિક્ષામાં વળાવીને પાછો આવ્યો ત્યારે તેની પત્ની વિઘ્નહર્તાની છબિ સામે હાથ જોડીને ઊભી હતી.

- સરદાર ખાન મલેક



નવા લેખકોને આમંત્રણ


તમે પણ જો શૉર્ટ સ્ટોરી લખવા માગતા હો તો લગભગ ૧૩૦૦ શબ્દોમાં રોમૅન્ટિક અથવા સંબંધોના તાણાવાણાને સુંદર રીતે રજૂ કરતી નવલિકા ટાઇપ કરીને featuresgmd@gmail.com પર મોકલો.

સાથે તમારું નામ અને કૉન્ટૅક્ટ નંબર અને ફોટો પણ મોકલશો. જો વાર્તા સિલેક્ટ થશે તો જ પબ્લિશ થશે. એ બાબતે પૂછપરછ ન કરવી.


Whatsapp-channel Whatsapp-channel

22 January, 2023 12:42 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK