° °

આજનું ઇ-પેપર
Monday, 17 January, 2022


હૈ તૈયાર હમ

11 January, 2022 01:15 PM IST | Mumbai | Varsha Chitaliya

મુંબઈમાં કોવિડના કેસ વધતાં નાઇટ કરફ્યુ અને કેટલાંક પ્રતિબંધો મૂકવામાં આવ્યા છે. ધારો કે આવનારા દિવસોમાં સ્થિતિ વધુ કથળે તો થર્ડ વેવ સામે લડવા અને પોતાના પરિવારને સુરક્ષિત રાખવા ગૃહિણીઓની કેવી તૈયારી છે એ જોઈ લો

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

કોવિડની થર્ડ વેવ અને ઓમાઇક્રોન વેરિઅન્ટના લીધે ફરીથી આખી દુનિયા લૉકડાઉન તરફ આગળ વધી રહી છે અને ભારત પણ એમાંથી બાકાત નથી. મુંબઈમાં અત્યારે નાઇટ કરફ્યુ છે અને જે ઝડપથી કેસ વધી રહ્યા છે એ જોતાં આવનારા દિવસોમાં સરકાર આકરાં પગલાં લઈ શકે છે. છેલ્લાં બે વર્ષથી આપણે કોરોના સાથે જીવતાં શીખી ગયા છીએ તેમ છતાં મનમાં ફડકો તો રહેવાનો જ. ધારો કે મુંબઈમાં ફરીથી લૉકડાઉન જેવી સ્થિતિ આવે તો તમે એનો સામનો કરવા સજ્જ છો? ગૃહિણીઓ માટે આ પ્રશ્ન અગત્યનો છે; કારણ કે ભૂતકાળમાં અચાનક દુકાનો, સર્વિસ સેન્ટરો, સ્કૂલો અને કામધંધા ઠપ થઈ જતાં તેમણે ઘણી યાતનાઓ વેઠી હતી. કામવાળાની ગેરહાજરી, બાળકોને સંભાળવાં, હસબન્ડનું વર્ક ફ્રૉમ હોમ અને વડીલોની કાળજી લેવી ચૅલેન્જિંગ હતું. સંભવિત લૉકડાઉનને નજરમાં રાખી મહિલાઓને પૂછીએ કે આ વખતે તેઓ કેટલી સજાગ છે અને કેવી તૈયારી કરી રાખી છે. 
ઘરેલુ ઓસડિયાં રેડી છે
પહેલી લહેરમાં આ રોગે આપણને એવા ડરાવી દીધા હતા કે મિત્રો, સગાંસંબંધીઓ અને આડોશપાડોશમાં કોઈને કોવિડ થયો હોય તો અછૂતની જેમ વર્તન કર્યું હતું. વૅક્સિન આવ્યા બાદ ભય ઓછો થઈ ગયો અને હવે તો આપણે બધી રીતે સજ્જ છીએ એમ જણાવતાં બોરીવલીનાં પૂર્ણિમા પટેલ કહે છે, ‘મને લાગે છે કે થર્ડ વેવ પીક ટાઇમ પર હશે ત્યારે થોડા દિવસનું લૉકડાઉન આવશે. પહેલાં બે લૉકડાઉનનો સામનો કર્યા બાદ રોગચાળા સામે લડવા ગૃહિણીઓ સક્ષમ બની ગઈ છે. કોવિડ ગાઇડલાઇન્સ અને આયુષ મંત્રાલયનાં સૂચનોને સારી રીતે સમજી લીધાં છે. સાવચેતી ચોક્કસ રાખવાની છે પરંતુ ઘરમાં કોઈને તાવ, શરદી, ખાંસી થાય તો ગભરાઈને ડૉક્ટર પાસે દોડી જવા કરતાં ઘરેલુ ઉપચારો બેસ્ટ છે એવું આપણે શીખ્યા છીએ. શિયાળાની મોસમ હોવાથી આદું, લીલી હળદર, વિવિધ પ્રકારનાં ઑઇલ લાવીને મૂકી દીધાં છે. બહારથી લાવેલી ચીજવસ્તુઓને સૅનિટાઇઝ કરવાનું પણ સ્ટાર્ટ કરી દીધું છે. રોજિંદા જીવનને ખાસ અસર નહીં થાય, કારણ કે માર્કેટ ખુલ્લાં રહેશે અને જરૂરિયાતનો સામાન સહેલાઈથી મળી જશે. લૉકડાઉનમાં અનેક લોકોએ સ્ટાર્ટઅપ શરૂ કર્યાં છે. તેઓ પણ ગૃહિણીઓની મદદ કરશે. પરિવારના સભ્યો ઘડિયાળના કાંટા સાથે ઍડ્જસ્ટ થઈ ગયા છે. હા, સ્કૂલ અને ક્લાસિસ ઘડીકમાં ઑફલાઇન અને ઘડીકમાં ઑનલાઇન થતાં ટેન્થમાં અભ્યાસ કરતી દીકરીનું શેડ્યુલ થોડું ખોરવાઈ ગયું છે ખરું પણ વાંધો નહીં આવે.’
રૂટીનમાં ફેરફાર કર્યો
ફર્સ્ટ વેવ દરમિયાન મારો ફોન બગડી ગયો હતો. આજના જમાનામાં ત્રણ મહિના સ્માર્ટફોન વગર વિતાવ્યા બાદ દુકાનના શટર પર લખેલા ફોન-નંબર પર કૉન્ટૅક્ટ કર્યો. શૉપકીપર પોલીસની નજરથી બચીને ઘરે આવીને ફોન આપી ગયો હતો. હવે ધારો કે લૉકડાઉન આવે અને કિચન અપ્લાયન્સિસ કે ફોન બગડી જાય તોય ચિંતા કરવાની જરૂર નથી. કોરોનાએ દરેક વ્યક્તિને ઍડ્જસ્ટ કરતાં અને સબસ્ટિટ્યુટ (અન્ય વિકલ્પો) શોધી લેતાં શીખવાડી દીધું છે એવો જવાબ આપતાં ભાઈંદરનાં સુચિતા જોશી કહે છે, ‘થર્ડ વેવ દરમિયાન રોજબરોજના વપરાશની વસ્તુઓની અછત નહીં સરજાય એવી ખાતરી છે તેમ છતાં લૉકડાઉનના ભણકારા વાગી રહ્યા હોવાથી થોડો વધુ સામાન સ્ટોર કરી લીધો છે. વચ્ચે થોડો સમય મુંબઈની ગાડી પાટે ચડી જવાથી આપણે બિન્દાસ થઈ ગયા હતા. હવે ફરીથી રૂટીન લાઇફમાં ફેરફાર કર્યા છે. સૅનિટાઇઝર વાપરવું, બહારથી આવ્યા બાદ બાથ લેવો, સ્ટીમ લેવી, કાઢા પીવા વગેરે સ્ટાર્ટ કરી દીધું છે. ઘરના પુરુષો ટ્રેઇન થઈ ગયા છે તેથી ચિંતા નથી. જોકે અત્યારે પણ પરિવારના સભ્યો ઍડ્જસ્ટ કરે જ છે, કારણ કે હસબન્ડનું વર્ક ફ્રૉમ હોમ છે અને મારી ઑફિસ ચાલુ છે. દીકરાની કૉલેજ પાછી બંધ થઈ જતાં તેને કંટાળો આવશે. વડીલોની કાળજી રાખવી ટાસ્ક છે. તેમને ઇન્ફેક્શન લાગવાની શક્યતા વધારે હોય તેથી એક્સ્ટ્રા કૅર લેવાની સાથે તેમને મોબાઇલ અને ટીવીમાં વ્યસ્ત રાખવા પડશે.’
જાત મહેનત ઝિંદાબાદ
મુંબઈમાં લૉકડાઉન જેવો માહોલ બની જ ગયો છે એવો મત વ્યક્ત કરતાં વિલે પાર્લેનાં હેમા ગાંધી કહે છે, ‘મારી પૌત્રી નવ વર્ષની છે. આ એજનાં બાળકો માટે વૅક્સિન આવી નથી તેથી ધ્યાન રાખવું પડે. અમે લોકોએ બહાર જવાનું ઓછું કરી નાખ્યું છે અને મહેમાનોની સંખ્યા પણ મર્યાદિત કરી છે. જોકે વર્તમાન પરિસ્થિતિને સમજીને સગાંસંબંધીઓ અને મિત્રો એકબીજાના ઘરે જવાનું ટાળવા લાગ્યાં છે. દીકરો-વહુ અત્યારે ઑફિસમાં જાય છે, પરંતુ લાગે છે કે બહુ જલદી તેમનું વર્ક ફ્રૉમ હોમ આવશે અથવા પચાસ ટકા સ્ટાફના નિયમ પ્રમાણે ઑલ્ટરનેટ ડે જવાનું થશે. અમારા ઘરે બે ડોમેસ્ટિક હેલ્પર આવતા હતા એમાંથી એકને ટેમ્પરરી પિરિયડ માટે ના પાડી દીધી છે અને બીજાને બોલાવવાનું જોખમ લીધું છે. જો એ પણ આવતી બંધ થઈ જશે તો જાતે કામ કરીશું. નવા કામવાળાનું રિસ્ક નથી લેવું. જાત મહેનત ઝિંદાબાદનો મંત્ર ફર્સ્ટ વેવથી અપનાવી લીધો છે. ક્યારે શું બંધ થઈ જશે એની ખબર પડતી નથી તેથી રસોડામાં ચીજવસ્તુઓ ભરી 
લીધી છે. ગરમ પાણી, ઉકાળા, સ્ટીમ વગેરે શરૂ કરી દીધાં છે. તમામ પ્રિકૉશનની સાથે પૉઝિટિવ ઍટિટ્યુડ ખૂબ જરૂરી છે. પહેલી બે લહેરમાં જે લોકો ડરી ગયા તેમને કોરોના થયો હતો અને પૉઝિટિવ માઇન્ડ રાખવાવાળા ટકી શક્યા.’

પૅનિક નહીં થઈએ

મુંબઈમાં કેસ વધી રહ્યા છે, પરંતુ ગભરામણ થતી નથી એનાં કારણો જણાવતાં ઘાટકોપરનાં તેજલ દેસાઈ કહે છે, ‘ફર્સ્ટ વેવના દિવસો ક્યારેય નહીં ભુલાય. જીવન જરૂરિયાતની વસ્તુઓની અછત સર્જાશે તો? આવા ડરથી જેવું લૉકડાઉન ખૂલતું ખૂબ સામાન ભરી લેતા. મને યાદ છે, દૂધ, આઇસક્રીમ, શાકભાજી વગેરે સ્ટોર કરી રાખ્યાં હતાં અને ફ્રિજ બગડી ગયું. સર્વિસ સેન્ટરો બંધ હતાં તેથી તાત્કાલિક બધી વસ્તુ કારમાં ગોઠવીને મમ્મીના ઘરે મૂકવા જવું પડ્યું. રાતના નવ વાગ્યે રસ્તામાં સોપો પડી ગયો હતો. બે દિવસે માંડ ટેક્નિશ્યન મળ્યો અને ફ્રિજ રિપેર થયું. વડીલોની સ્થિતિ એકદમ નાજુક હતી. ઘરમાં કેદ થઈ જવાના કારણે તેમનું માનસિક સંતુલન ખોરવાઈ ગયું હતું. સેકન્ડ વેવમાં તકલીફો ઓછી થઈ હતી. જોકે ત્યારની અને હાલની પરિસ્થિતિ તદ્દન જુદી છે. ધારો કે થોડા દિવસનું લૉકડાઉન આવે તોય બિલકુલ પૅનિક નહીં થઈએ. હવે આપણે ડબલ વૅક્સિનેટેડ છીએ એ સૌથી મોટો પ્લસ પૉઇન્ટ છે. ભૂતકાળના અનુભવમાંથી એટલું શીખવા મળ્યું કે સરકાર આપણી પડખે છે. કોઈ પણ સંજોગોમાં જરૂરિયાતની વસ્તુઓ માટે પ્રજાને ટળવળવું નહીં પડે. ઑનલાઇન ગ્રોસરી ઍપ પણ એટલી બધી છે કે આંગળીના ટેરવે ઘેરબેઠાં સામાન આવી જશે. અગાઉની તુલનામાં પ્રતિબંધો હળવા હશે અને વડીલો સોસાયટીના બગીચામાં આંટો મારવા જઈ શકશે. મને લાગે છે કે કોવિડ ગાઇડલાઇનને સ્ટ્રિક્ટ્લી ફૉલો કરવા સિવાય બીજી કોઈ આગોતરી તૈયારીની જરૂર નથી.’

11 January, 2022 01:15 PM IST | Mumbai | Varsha Chitaliya

અન્ય લેખો

તું પતંગ હું દોર

ઉતરાણમાં લોકોની નજર આકાશ પર મંડાયેલી હોય ત્યારે ધાબા પર પ્રેમીપંખીડાઓ વચ્ચે પ્રેમની પતંગ હિલોળા લેતી હોય એવા અઢળક કિસ્સાઓ છે. અગાસીમાં પતંગબાજીના શોખથી શરૂ થયેલી આવી જ સાચુકલી પ્રેમકહાણીને આજે માણીએ

14 January, 2022 12:13 IST | Mumbai | Varsha Chitaliya

પૌત્રીના નાદે આ દાદી પણ બની ગયાં રુબિક્સ ક્યુબ ચૅમ્પિયન

એશિયા બુક ઑફ રેકૉર્ડ્સ દ્વારા આયોજિત સ્પર્ધામાં ભાગ લેનારાં સૌથી મોટી ઉંમરનાં સ્પર્ધક બન્યાં અને ઇનામ પણ મળ્યું. હવે તેમના જીવનમાંથી નિરાશા છૂમંતર થઈ ગઈ છે

12 January, 2022 10:37 IST | Mumbai | Varsha Chitaliya

આ ભાઈ ઘરમાં હોય ત્યારે પત્નીને કિચનમાં નો એન્ટ્રી

લેફ્ટઓવર ફૂડમાંથી બેસ્ટ ડિશ બનાવવામાં માહેર તિલકનગરના પ્રેમલ મહેતા ઘરે હોય ત્યારે રસોડામાં મસ્ત એક્સપરિમેન્ટ્સ કરે ને એનું રિઝલ્ટ પણ એટલું ટેસ્ટી હોય કે પત્ની અને પુત્રીને જલસો પડી જાય

10 January, 2022 08:39 IST | Mumbai | Varsha Chitaliya

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK