Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > રાવણ કામદેવ જેવો સ્વરૂપવાન હતો?

રાવણ કામદેવ જેવો સ્વરૂપવાન હતો?

16 October, 2022 04:20 PM IST | Mumbai
Kana Bantwa

દેવી-દેવતાની જે છબિ આપણા મનમાં ઊપસે છે એ કોની દેન છે? પૌરાણિક કથાઓને જૂના વર્ણન મુજબ જ રજૂ કરવી અનિવાર્ય છે? એમનું નવસર્જન ન થઈ શકે?

રાવણ કામદેવ જેવો સ્વરૂપવાન હતો?

કમ ઑન જિંદગી

રાવણ કામદેવ જેવો સ્વરૂપવાન હતો?


મોટા ભાગનાં ચિત્રોમાં રામને શ્યામ અને લક્ષ્મણને ગોરા વર્ણના દર્શાવાયા છે અને અમુકમાં બન્ને શ્યામ વર્ણના. દશરથ મહારાજ મૂછોવાળા અને ક્યાંક-ક્યાંક દાઢીધારી પણ છે. સત્તરમી અને અઢારમી સદીનાં પેઇન્ટિંગ્સમાં દરબારીઓ વગેરેના પહેરવેશ પર મુગલ પહેરવેશની છાંટ પણ જોઈ શકાય છે.

હમણાં ફિલ્મ ‘આદિપુરુષ’માં હનુમાન અને રાવણનાં પાત્રોના દેખાવ બાબતે વિરોધ થઈ રહ્યો છે. હનુમાનને મૂછ વગરના, મુસલમાન જેવી દાઢીમાં, જનોઈને બદલે ચામડાનો પટ્ટો પહેરેલા દેખાડાયા છે અને દશાનન રાવણ અલાઉદ્દીન ખીલજી જેવો લાગે છે. ફિલ્મોમાં આવી છૂટ લઈ શકાય કે નહીં એ બાબતે બહુ ચર્ચા થઈ ચૂકી છે. આપણે વાત કરવી છે આ પૌરાણિક પાત્રોની છબિ આપણા મનમાં કઈ રીતે ઊપસી છે એની અને પૌરાણિક કથાઓને નવા સ્વરૂપમાં રજૂ કરી શકાય કે નહીં એની. રામનું નામ પડતાં જ રામ હાથમાં ધનુષ-બાણ લઈને ઊભા હોય એવી જ છબિ કેમ આપણા મનમાં ઊપસે છે? રાવણ વિશાળ શરીરવાળા રાક્ષસ જેવો જ કેમ આપણા કલ્પનાપટલ પર ધસી આવે છે? હનુમાન કેમ જનોઈ પહેરેલા જ કલ્પી શકાય છે? હકીકતમાં આપણે જે કલ્પના કરીએ છીએ એવા રામ, હનુમાન કે રાવણ હતા? બીજો મુદ્દો, પૌરાણિક કથાઓને જૂના વર્ણન મુજબ જ રજૂ કરવી અનિવાર્ય છે? એમનું નવસર્જન ન થઈ શકે?
 રાવણ અત્યંત સુંદર હતો. કામદેવ જેવો સુંદર. વાલ્મીકિ રામાયણમાં રાવણને જોઈને હનુમાન પણ પ્રભાવિત થઈ જાય છે અને કહે છે, ‘સાક્ષાત્ કામદેવ જેવો દેખાય છે આ રાવણ. તેનામાં રૂપ, સૌંદર્ય, કાંતિ, ધૈર્ય એવાં બધાં જ લક્ષણો છે. જો તેનામાં અધર્મ ન હોત તો દેવલોકનો પણ સ્વામી બનવા માટે રાવણ યોગ્ય હતો.’ 
હનુમાન જ્યારે લંકામાં પહોંચીને રાત્રે લઘુરૂપ ધરીને રાવણના મહેલમાં પહોંચ્યા ત્યારે રાવણ પોતાના અંત:પુરમાં રાણીઓની સાથે નિદ્રાધીન હતો. તેને જોઈને હનુમાને આ વિચાર્યું. મહર્ષિ વાલ્મીકિ લખે છે કે રાવણની મોટા ભાગની રાણીઓ તેનાં રૂપ અને સામર્થ્યથી મોહિત થઈને તેને પરણી હતી. રામચંદ્રનું વર્ણન પણ વાલ્મીકિએ સુંદર શબ્દોમાં કર્યું છે. મેઘની ઘટા જેવા, શ્યામ, સપ્રમાણ માંસલ શરીર, ચાર હાથ લાંબા, દંતપંક્તિ સપ્રમાણ અને ચમકદાર સફેદ. ભુવન મોહન રૂપ હતું રામનું. હનુમાનનું વર્ણન સીતાએ તેમને અશોક વાટિકામાં જોયા ત્યારે કરવામાં આવ્યું છે. આછા ભૂરા રંગના, સફેદ વસ્ત્રો પહેરેલા, શાંત અને મીઠાબોલા. રામ, લક્ષ્મણ, હનુમાન, સીતા વગેરેનાં વર્ણન તો ચિત્રોમાં, કથાઓમાં, આપણા માનસપટ પર રામાયણ મુજબનાં જ રહ્યાં છે. જોકે રાવણ વગેરે ખલ પાત્રોનાં વર્ણન બદલાઈ ગયાં છે. કંસનું ચિત્રણ પણ રાવણની જેમ બદલાયું છે. તેમને ખલનાયક બતાવવા માટે નાટકો અને ચિત્રોમાં તેમનાં પાત્રોને રાક્ષસી લુક આપવાની શરૂઆત થઈ અને એ પાત્રોને એવાં જ બનાવી દેવામાં આવ્યાં. રાવણ કામદેવ જેવો રૂપાળો હતો એવું અત્યારે કોણ માને?
 આપણા મનમાં દેવી-દેવતાઓની જે છબિઓ જડાઈ ગઈ છે તે રાજા રવિ વર્માનાં ચિત્રોને કારણે છે. રાજા રવિ વર્માએ હિન્દુ દેવ-દેવીઓનાં ચિત્રો બનાવ્યાં જે ભારતમાં ખૂબ જ પ્રખ્યાત થયાં. તેમના સમયમાં, દોઢસો વર્ષ પહેલાં, લીથોગ્રાફની શોધ થઈ ચૂકી હતી એટલે તેમણે દેવી-દેવતાઓનાં ચિત્રો વિપુલ પ્રમાણમાં લીથોગ્રાફ કરાવીને જનસામાન્ય સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરી અને એ પછી દેવી-દેવતાઓનાં ચિત્રો રાજા રવિ વર્માનાં ચિત્રોથી પ્રભાવિત થઈને એના પ્રતિબિંબ જેવા બનતાં રહ્યા. તેમણે જ રાવણને મોટી મૂછવાળો, કાળોભઠ અને ક્રૂર ચહેરાવાળો રાક્ષસ ચીતર્યો હતો. રવિ વર્માનાં પેઇન્ટિંગની સ્ટાઇલ યુરોપિયન શૈલી જેવી હતી. તેમના સમય સુધીની ભારતીય ચિત્રકળા અલગ પ્રકારની હતી. એમાં પરસ્પેક્ટિવ, કૉમ્પોઝિશન વગેરે નહોતાં. રવિ વર્મા ભારતમાં સૌપ્રથમ વખત પેઇન્ટિંગમાં આ ચીજો લાવ્યા જેથી તેમનાં ચિત્રો જીવંત બન્યાં, ફોટોગ્રાફ જેવા લાગવા માંડ્યાં. આ જ કારણ હતું કે તેમના પ્રેસમાં છપાયેલાં ચિત્રો દાયકાઓ સુધી ધૂમ વેચાતાં રહ્યાં. ભારતનું એક પણ એવું હિન્દુ ઘર નહીં હોય જેમાં રાજા રવિ વર્માનાં ચિત્રો પરથી પ્રેરિત દેવી-દેવતાઓનાં ચિત્રો નહીં હોય.
ભગવાન રામની મૂર્તિઓ ભારતનાં મંદિરોમાં મોટા પ્રમાણમાં મળી આવે છે. લગભગ છઠ્ઠી સદીથી રામની મૂર્તિઓ અને ચિત્રો બનાવવાનું પ્રચલન વધ્યું હોય એવું લાગે છે. સત્તરમી અને અઢારમી સદીમાં ભારતમાં ચિત્રો બનાવવાની વિવિધ શૈલીઓ એના સુવર્ણકાળમાં હતી અને ત્યારની દરેક શૈલીમાં રામનાં ચિત્રો મળી આવે છે. મોટા ભાગનાં ચિત્રોમાં રામને શ્યામ અને લક્ષ્મણને ગોરા વર્ણના દર્શાવાયા છે અને અમુકમાં બન્ને શ્યામ વર્ણના. દશરથ મહારાજ મૂછોવાળા અને ક્યાંક-ક્યાંક દાઢીધારી પણ છે. સત્તરમી અને અઢારમી સદીનાં પેઇન્ટિંગ્સમાં દરબારીઓ વગેરેના પહેરવેશ પર મુગલ પહેરવેશની છાંટ પણ જોઈ શકાય છે.
જગતમાં બે પ્રકારના ધર્મ (એમને સંપ્રદાય જ કહેવા યોગ્ય છે) છે. પ્રથમ છે પોતાના સ્વરૂપમાં પરિવર્તનની છૂટ આપનાર અને બીજો, હજારો વર્ષ પહેલાં જે લખાઈ ગયું, કહેવાઈ ગયું, વર્ણવાઈ ગયું એમાં કોઈ પણ પરિવર્તનનો વિરોધ કરનાર. હિન્દુ દર્શન હંમેશાં પરિવર્તન અને આલોચનાને આવકારનાર રહ્યું છે. એટલે જ હિન્દુ ધર્મના કોઈ પણ ગ્રંથની સમીક્ષા કરી શકાય અને આ સમીક્ષાને, વ્યાખ્યાને ટીકા કહેવામાં આવે છે. ટીકાને પણ સહર્ષ સ્વીકારીને એને ઉત્તમ પદ આપવાની હિન્દુ દર્શનની પરંપરા છે. અહીં ભગવદ્ગીતાનું ભાષ્ય થઈ શકે છે અને ભાષ્યકાર જ્યારે ભાષ્ય કરે છે ત્યારે નવી જ ગીતાનું સર્જન થાય છે. બ્રહ્મસૂત્ર, ગીતા અને ઉપનિષદો પર સેંકડો ભાષ્યો લખાઈ ચૂક્યાં છે અને છતાં આ મૂળ ગ્રંથોની આભા તથા તેજ યથાવત્ રહ્યાં છે. વાલ્મીકિ ઋષિએ રામાયણ લખ્યું એ પછી તુલસીદાસે એનું અવધી ભાષામાં નવસર્જન કર્યું રામચરિત માનસરૂપે. બન્ને રામાયણ એટલાં જ લોકપ્રિય અને આદરપાત્ર છે. રામાયણ તો ભારતમાં જ વિવિધ સ્વરૂપે અને સંખ્યાબંધ લખાયાં છે અને ભારત બહાર પણ એ અલગ રીતે લખાયાં છે. છતાં મૂળ રામકથાને કશી આંચ આવી નથી. ગુજરાતમાં આદિવાસીઓમાં જે રામાયણ પ્રચલિત છે એ મૂળ રામાયણ કરતાં ખૂબ જ અલગ છે. લોકબોલીમાં કહેવાતા આ લોકરામાયણમાં તો રામને પણ એકવચનમાં સંબોધવામાં આવે છે. ભારતીય દર્શન ક્યારેય નવું કરવા પર રોક લગાવતું નથી. પાત્રોને ખરાબ રીતે ચિત્રિત કરવામાં આવે એ યોગ્ય નથી, પણ રામાયણ કે મહાભારતને નવા રૂપરંગમાં રજૂ કરી શકાય એવું નથી. વાસ્તવમાં આ બંને મહાકાવ્યો દેશમાં વિવિધ લોકનૃત્યો અને લોકનાટ્યોમાં અલગ-અલગ સ્વરૂપે સદીઓથી રજૂ થતાં આવ્યા છે.
સનાતન હિન્દુ ધર્મ દસ હજાર વર્ષ પછી પણ તરોતાજા રહ્યો એનું કારણ જ એ છે કે એ નવું-નવું સ્વીકારતો રહ્યો છે. હિન્દુ ધર્મના સૌથી કટ્ટર વિરોધી તથાગત બુદ્ધને સનાતન ધર્મએ વિષ્ણુના દસમા અવતાર ગણાવી દીધા. હિન્દુ દર્શન અને ઈશ્વરનો ઇનકાર કરનાર નાસ્તિકવાદી ચાર્વાકને ઋષિ તરીકે સ્થાન આપ્યું, કપિલ અને બૃહસ્પતિને ગુરુ ગણ્યા. વિરુદ્ધ મત ધરાવનારાઓનો સમાવેશ કરી લેવો એ પણ વિરોધીની તાકાત ઓછી કરી દેનારો વ્યૂહ જ ગણાય. બૌદ્ધધર્મીઓ એટલે જ બુદ્ધને વિષ્ણુનો અવતાર ગણાવવા સામે વિરોધ કરે છે. તેમને સમજાય છે કે આનાથી બૌદ્ધ ધર્મને નુકસાન થાય છે. એટલે જ જ્યારે હિન્દુઓનું બૌદ્ધ ધર્મમાં ધર્માંતરણ કરાવવામાં આવે ત્યારે જે બાવીસ જેટલા શપથ લેવડાવવામાં આવે છે એમાં એક એ હોય છે કે હું બુદ્ધને વિષ્ણુનો અવતાર માનીશ નહીં. સનાતન હિન્દુ ધર્મના મૂળમાં જ સમયની સાથે બદલાતા રહેવાની વ્યવસ્થા પડી છે. અન્ય મોટા ભાગના ધર્મોની જેમ હિન્દુ ધર્મ કોઈ એક વ્યક્તિ દ્વારા પ્રવર્તવાયો નથી. પેઢી દર પેઢી અવતારો, ઋષિઓ, ચિંતકો અને વિદ્વાનોએ હિન્દુ દર્શનને સીંચ્યું છે. વેદના હિન્દુ દર્શનમાં વેદાંતે ઉમેરો કર્યો, એ જ્ઞાનમાં પુરાણોએ અને ભાષ્યોએ યોગદાન આપ્યું. હજી એ જ્ઞાનમાં ચિંતકો, લેખકો, કૉમેન્ટરી કરનારાઓ દ્વારા ઉમેરો થઈ જ રહ્યો છે. એટલે રામાયણ કે મહાભારત કે અન્ય કોઈ હિન્દુ ટેક્સ્ટનું ફિલ્મમાં રૂપાંતર થાય, એમાં નવી ટેક્નૉલૉજીનો ઉપયોગ થાય એમાં કોઈ વાંધો હોવો જોઈએ નહીં. હા, એટલું ખરું કે પાત્રો અથવા મૂળ કથાને અન્યાય થાય, એને યોગ્ય રીતે ચિત્રિત કરવામાં ન આવે એ ચલાવી લઈ શકાય નહીં.


Whatsapp-channel Whatsapp-channel

16 October, 2022 04:20 PM IST | Mumbai | Kana Bantwa

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK