Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > રૅટ રેસ : શાંતિ માટે ક્યાંક જતા રહેવું છે?

રૅટ રેસ : શાંતિ માટે ક્યાંક જતા રહેવું છે?

15 January, 2023 03:17 PM IST | Mumbai
Kana Bantwa

વાસ્તવમાં તો આ ધમાચકડી, ધક્કામુક્કી, ભાગમભાગી વગર આપણને ગમે પણ નહીં એટલું એનું વ્યસન થઈ ગયું છે

રૅટ રેસ : શાંતિ માટે ક્યાંક જતા રહેવું છે?

કમ ઑન જિંદગી

રૅટ રેસ : શાંતિ માટે ક્યાંક જતા રહેવું છે?


તમને ઘણી વાર વિચાર આવતો હશે કે આ દોડધામભરી જિંદગીમાંથી છૂટીને ક્યાંક શાંતિથી રહેવું છે. રોજેરોજ સવારથી સાંજ ઢસરડા કરવા, ટ્રાફિકમાં હડદોલા ખાતાં-ખાતાં ઘરે જવું, થાકીને લોથ થઈ જવું. આ ઘોંઘાટ, આ ભાગાદોડી, આ હરીફાઈ, આ એકબીજાને ઓવરટેક કરી લેવાની સ્પર્ધા, આ સફળ થવા માટેની ધક્કામુક્કી અને ટાંટિયાખેંચ... આ બધાથી મુક્ત થઈને કોઈ શાંત જગ્યાએ સાવ શાંતિથી રહેવું છે એવું થતું હશેને તમને? માત્ર તમને જ નહીં, મોટા ભાગના લોકોને આવું થાય છે અને આવું અનાદિકાળથી થતું આવ્યું છે.

મુષકલૅન્ડ નામની એક જગ્યામાં ઘણાબધા ઉંદરો વસે. નામ ભલે મુષકલૅન્ડ, પણ રાજ તો ત્યાં બિલાડીનું જ ચાલે. બિલાડાં ગમે ત્યારે મુષકલૅન્ડમાં હાહાકાર મચાવી દે એટલે મુષક મહારાજોએ તો સતત ભયમાં જ જીવવાનું. ઉંદરોની વસ્તી પણ ત્યાં ખૂબ સારી એટલે ભોજન માટે, જગ્યા માટે, પસંદગીના જીવનસાથી માટે એમ બધે જ ખૂબ સ્પર્ધા. ચૂંચું-ચાંચાં અને ધમાચકડી તો સતત ચાલતાં જ હોય. સેંકડો ઉંદરો ત્યાં આવીને હાડમારી વચ્ચે રહે. એ મુષકલૅન્ડ અસ્સલ આપણા મુંબઈ જેવું જ. એ ઉંદરોમાંના મોટા ભાગના ઉંદરો ક્યારેક તો એવું ઇચ્છતા જ કે કોઈ શાંત જગ્યાએ જઈને શાંતિથી રહેવું છે, પણ મુષકલૅન્ડ છોડવાનું કોઈને મન થતું નહીં. એમાંના એક ઉંદરભાઈને જરા વધુ પડતી ઇચ્છા થઈ ગઈ શાંતિ માટેની. એ તો પેલો પૂંછડી કપાયેલો ઉંદર ભાગ્યો હતો એ જ રીતે પૂંછડી કપાયા વગર જ ભાગ્યો. એનાં નસીબ સારાં કે દૂરસુદૂર એક સાવ શાંત જગ્યા એને મળી ગઈ. મુષકલૅન્ડ જેવો ઘોંઘાટ કે ભાગમભાગી કે દોડધામ નહીં. ઉંદરો તો શું, અન્ય પ્રાણી-પક્ષીઓની પણ વસ્તી સાવ જ ઓછી એટલે ખોરાક-પાણી વિપુલ પ્રમાણમાં તથા બિલાડી જેવાં પ્રાણીઓનો શિકાર બની જવાનું જોખમ તો સાવ ઓછું. ઉંદરભાઈને મજા પડી ગઈ. એ તો એયને ખાય, પીએ અને મોજ કરે. ખોરાક શોધવા માટે મુષકલૅન્ડમાં જે સંઘર્ષ કરવો પડતો હતો એવું અહીં નવી જગ્યામાં નહોતું. એનું દર જ ચીઝના ગોડાઉનમાં હતું એટલે ખાવા માટે બે ડગલાં પણ ચાલવું પડતું નહોતું. કોઈ અનિશ્ચિતતા નહીં, કોઈ અસલામતી નહીં. નહોતી કોઈ હરીફાઈ કે નહોતું કોઈ ટેન્શન કામનું ને ટાર્ગેટનું. અને આગળ નીકળી જવાનું ટેન્શન તો જરાય નહીં, કારણ કે કામ કરવું પડતું નહોતું અને આપણા ઉંદરભાઈ પોતે જ ગોડાઉનમાં એકલા હતા એટલે કોઈની આગળ નીકળવાનો તો સવાલ જ નહોતો. થોડા દિવસોમાં તો ઉંદરભાઈ ખાઈ-ખાઈને તગડા થઈ ગયા. બસ, ભૂખ લાગે ત્યારે ખાઈ લેવાનું, મન થાય ત્યારે ઊંઘી જવાનું, ઇચ્છા થાય તો બિલાડીનો શિકાર બની જવાનો ડર રાખ્યા વગર બહાર રહેવાનું, મોજ પડે તો તાજી હવા ખાવાની અને કુદરતનો નયનરમ્ય નજારો નિહાળવાનો. સ્વર્ગ જેવી જિંદગી. એકાદ-બે મહિના તો ઉંદરને આ બહુ ગમ્યું, પણ પછી એને આ શાંતિનો કંટાળો આવવા માંડ્યો. જીવનમાં કશું બનતું જ નહોતું. કોઈ સમસ્યા નહોતી, કોઈ સંઘર્ષ નહોતો. જરા પણ અસલામતી નહોતી, કોઈ અનિશ્ચિતતા જ નહોતી. એ પેલી ધમાચકડીવાળી, અનિશ્ચિતતાવાળી જિંદગીને મિસ કરવા માંડ્યો. જે શાંતિ માટે તે આ નવી જગ્યામાં આવ્યો હતો એ શાંતિ જ તેને કઠવા માંડી અને એક દિવસ એ ઉંદર ફરીથી મુષકલૅન્ડ ભેગો થઈ ગયો, ફરી એ જ હાડમારીવાળા જીવનમાં ગોઠવાઈ ગયો. આ વાર્તાનું મૂળ તો આપણા પંચતંત્ર જેવી વાર્તાઓ ફ્રાન્સમાં લખનાર જૉન દે લા ફોન્તેઇનની વાર્તામાં છે. જોકે આપણો પ્રશ્ન એ છે કે તમે ભલે ઇચ્છતા હો કે આ હાડમારીથી છૂટીને કોઈ શાંત જગ્યાએ જતા રહેવું છે, પણ એવી કોઈ જગ્યાએ ગયા પછી તમને ત્યાં ફાવશે ખરું? જેના માટે રૅટ રેસ, ઉંદરદોડ જેવા શબ્દપ્રયોગ થાય છે એ જિંદગી તમે છોડી શકે એમ છો ખરા?



ફરી શકે એવા એક વ્હીલમાં ચીઝનો એક ટુકડો લટકાવવામાં આવ્યો અને એક ઉંદરને એ પૈડામાં મૂકવામાં આવ્યો. ઉંદર ચીઝ તરફ આગળ વધે એટલે વ્હીલ ફરે. ઉંદર ચીઝ સુધી પહોંચી ન શકે અને ઠેરનો ઠેર રહે. થોડા સમય સુધી ચીઝ માટે વ્હીલમાં દોડ્યા પછી ઉંદરે થાકીને પ્રયાસ પડતો મૂક્યો. ચીઝ ખાવાની ઇચ્છા તેણે જાણે છોડી દીધી. થોડી વાર પછી બીજા એક ઉંદરને પણ એ વ્હીલમાં મૂકવામાં આવ્યો. બંને ઉંદરો વચ્ચે ચીઝનો ટુકડો મેળવી લેવા માટે સ્પર્ધા જાગી. બંને જીવ પર આવીને દોડવા માંડ્યા. પૈડું ફરતું રહ્યું. આ વખતે દોડ માત્ર ચીઝનો ટુકડો મેળવવા માટે નહોતી, અન્યને હરાવીને ચીઝ મેળવી લેવાની ઇચ્છા એમાં ભળી હતી એટલે વધુ ઝનૂનપૂર્વક બંને ઉંદરો દોડ્યા. એટલી તાકાત લગાવી દીધી કે તેમનામાં ચાલવાના પણ હોશ ન રહ્યા. કોઈ વસ્તુ મેળવવા માટે એના મૂલ્ય કરતાં પણ વધુ ગુમાવવા માટે પ્રયત્ન કરવાને, દોડવાને રૅટ રેસ નામ આપવામાં આવ્યું છે. રૅટ રેસને સમજવા માટે આ બંને ઉંદરોની દોડની વાર્તા ચોટડૂક છે. આપણે બધા જ આવી રૅટ રેસમાં સામેલ છીએ. દોડી રહ્યા છીએ અન્યથી આગળ નીકળી જવા માટે, વિજેતા બનવા માટે, પરાજિત ન થવા માટે. રૅટ રેસને વખોડવાની ફૅશન થઈ ગઈ છે, પણ એ સર્વથા વખોડી કાઢવા યોગ્ય નથી. એ રૅટ રેસને કારણે જ માણસનો વિકાસ થયો છે અને નિરંતર થઈ રહ્યો છે. રૅટ રેસ અટકી જશે તો વિકાસ પણ અટકી જશે. એટલે ઉંદરદોડ હોવી તો જોઈએ જ અને આપણે નહીં ઇચ્છીએ તો પણ જ્યાં સુધી પૃથ્વી પર માણસ છે ત્યાં સુધી આ સ્પર્ધા રહેવાની જ છે. માણસની પ્રકૃતિ જ અન્યથી ચડિયાતા બનવાની, દેખાવાની છે. આપણો મૂળ મુદ્દો રૅટ રેસનો નથી, એની બહાર નીકળી જવા મળે તો ત્યાં ફાવે એમ છે ખરું એ છે.


તમે લૉન્ગ વેકેશન પર ગયા હશો તો અનુભવ્યું હશે કે થોડા દિવસ પહાડોમાં, સમુદ્રની વચ્ચે, ફૂલોની ખીણોમાં અને ચાના બગીચાઓમાં રહ્યા પછી આપણી દોડધામવાળી જિંદગી યાદ આવવા માંડે છે. ઑફિસનું કામ અને ત્યાંનું પ્રેશરવાળું વાતાવરણ યાદ આવે છે. વ્યવસાયનું સ્થળ અને ધંધાના ટેન્શન વગર મજા આવતી નથી. જે શાંતિ માટે આટલા તરસતા હતા એ શાંતિ બોજ લાગવા માંડે છે. કોઈ પડકાર, કોઈ મુશ્કેલી, કોઈ અગવડ ન હોય તો એમાં મજા શું રહે? આ જિંદગી મજાની અને રોમાંચક જ એટલા માટે લાગે છે કે એમાં અનિશ્ચિતતા, જોખમ, સમસ્યા, હાડમારી અને સ્પર્ધા છે. માણસ જ્યારે કોઈ મુશ્કેલીમાંથી ઉકેલ શોધે, કોઈની સાથે હરીફાઈમાં આગળ નીકળી જાય, વિજેતા બને, સફળતા મેળવે ત્યારે તેનું આત્મગૌરવ વધે છે, તેને ગર્વની અનુભૂતિ થાય છે, તેનો અહમ્ સંતોષાય છે અને એ મજા સામે દુનિયાનાં તમામ દુ:ખ નાનાં છે. જીવનમાં કોઈ ચૅલેન્જ જ ન હોય તો જીવન જીવવામાં મજા કઈ વાતની આવે? આપણે ત્યાં સ્વર્ગની કલ્પના એવી છે કે ત્યાં કોઈ મુશ્કેલી નથી, ખાવા-પીવાની અને આનંદ ઉપભોગની ચીજોની ભરમાર છે. એવું સ્વર્ગ પણ કેટલાને ફાવે જ્યાં કોઈ રોમાંચ જ ન હોય? કોઈ પ્રયત્ન વગર અપ્સરાઓ મળી જતી હોય તો એ પણ ફિક્કી જ લાગે.

જીવનમાં શાંતિ જરૂરી છે એ સાચું, પણ શાંતિ માટે ક્યાંય ભાગી જવું અનિવાર્ય નથી. ભાગવાથી શાંતિ મળતી પણ નથી. શાંતિ અને અશાંતિ તો મનની સ્થિતિ છે. એ જ્યાં ભાગશો ત્યાં સાથે જ આવશે. મૂળ મુદ્દો જ્યાં છો ત્યાં શાંત, સ્થિર રહેવાનો છે. રૅટ રેસમાં શાંત અને સ્થિર રહેતા કેટલાય લોકો તમે જોયા હશે. મન શાંત તો દુનિયા શાંત. તમે શાંત હશો તો ઘર, ઑફિસ, દુકાનનું વાતાવરણ આપોઆપ શાંત થઈ જશે.


Whatsapp-channel Whatsapp-channel

15 January, 2023 03:17 PM IST | Mumbai | Kana Bantwa

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK