Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > કૉલમ > રામમંદિર બન્યું એ બંસી પહાડપુરનો પિન્ક પથ્થર રેતીમાં ઊભી થયેલી ઘનતાથી જન્મ્યો છે

રામમંદિર બન્યું એ બંસી પહાડપુરનો પિન્ક પથ્થર રેતીમાં ઊભી થયેલી ઘનતાથી જન્મ્યો છે

16 June, 2024 11:15 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સીઝનથી વિપરીત અસર દેખાડતા આ સૅન્ડસ્ટોનનું આયુષ્ય બેથી પાંચ હજાર વર્ષનું માનવામાં આવે છે

લાલ કિલ્લો પણ બંસી પહાડપુરના પથ્થરથી બનેલો છે, જે આજે આટલી સદીઓ પછી પણ મક્કમ ઊભો છે.

અરાઉન્ડ ધી આર્ક

લાલ કિલ્લો પણ બંસી પહાડપુરના પથ્થરથી બનેલો છે, જે આજે આટલી સદીઓ પછી પણ મક્કમ ઊભો છે.


પથ્થરની બાબતમાં કુદરતે રાજસ્થાનને બે હાથે આપ્યું છે એવું કહું તો ચાલે. મકરાણાના માર્બલની આપણે વાત કરી. તમને કહ્યું એમ નાગૌર જિલ્લાની આખી ઇકૉનૉમી મકરાણાના માર્બલ પર ટકી છે. જો તમે રાજસ્થાનની આવકને પણ ચકાસો તો તમને એમાં પણ મકરાણાના માર્બલ થકી થતી આવકનો મોટો હિસ્સો જોવા મળે. રાજસ્થાનમાંથી મળતા આરસપહાણ એટલે કે માર્બલ જેટલું જ મહત્ત્વ જો કોઈને મળતું હોય તો એ બંસી પહાડપુર પથ્થરોનું છે. પિન્ક પથ્થર તરીકે ઓળખાતા આ બંસી પહાડપુર સ્ટોનમાંથી જ અયોધ્યાનું મંદિર બનાવવામાં આવ્યું છે તો ગાંધીનગરનું અક્ષરધામ પણ એ જ પથ્થરમાંથી બનાવવામાં આવ્યું છે. ગાંધીનગરના અક્ષરધામ પછી તો જ્યાં પણ અક્ષરધામ બન્યાં એ તમામ બંસી પહાડપુર પથ્થરમાંથી જ બનાવવામાં આવ્યાં. ઇસ્કૉન સંપ્રદાયનાં પણ મોટા ભાગનાં મંદિરો બંસી પહાડપુર પથ્થરમાંથી બનાવવામાં આવ્યાં છે તો લાલ કિલ્લો પણ બંસી પહાડપુર પથ્થરમાંથી બનાવવામાં આવ્યો છે અને આ પથ્થરોને કારણે જ એનું નામ લાલ કિલ્લો પડ્યું છે.


રાજસ્થાનના ભરતપુર જિલ્લાના ઉપરવાસમાંથી મળતા આ પથ્થરની સૌથી મોટી ખાસિયત એ છે કે એ ઠંડીમાં ગરમાવો આપે છે તો ગરમીના દિવસોમાં ઠંડક આપે છે, જ્યારે ચોમાસાના દિવસોમાં એ ધોવાઈને આપોઆપ નવું રૂપ ધારણ કરી લે છે. તમે આ બધાં મંદિરો અને લાલ કિલ્લો જોઈ લો. એની કોઈ માવજત નથી કરવી પડતી કે પછી એને ક્યારેય સિમેન્ટ-ક્રૉન્કીટનાં મંદિરોની જેમ કલરકામ નથી કરવું પડતું. પિન્ક પથ્થરને સૅન્ડસ્ટોન પણ કહેવામાં આવે છે. રેતી પર દબાણ વધવાને કારણે ઉત્પન્ન થતા સ્ફટિકો દ્વારા એનું જોડાણ શરૂ થાય છે અને એ પથ્થરનું રૂપ લેવાનું શરૂ કરે છે. એની ઘનતા એ સ્તર પરની છે કે અમુક દેશોમાં એનું આયુષ્ય પાંચ હજાર વર્ષનું માનવામાં આવે છે, પણ આપણે ત્યાં દોઢથી બે હજાર વર્ષના આયુષ્યનો સ્વીકાર કરવામાં આવ્યો છે. જોકે એમ છતાં લાલ કિલ્લો સૌની આંખ સામે છે. સલ્તનતો ઊથલી ગયા પછી પણ લાલ કિલ્લો અકબંધ છે અને એને કોઈ કુદરતી હોનારત આજ સુધી નડી નથી.ટેક્નિકલી એ પણ પુરવાર થયું છે કે દરેક સીઝન સૅન્ડસ્ટોનને નવી પકડ આપવાનું કામ કરે છે તો સાથોસાથ નવી ઘનતા ઊભી કરવામાં પણ હેલ્પફુલ બને છે. સૅન્ડસ્ટોન માટે ઘણાને એવું લાગતું હોય છે કે એ બહુ કીમતી પથ્થર હોવાને લીધે મંદિરમાં એનો વપરાશ વધ્યો છે, પણ એ માન્યતા માત્ર છે. હકીકતમાં આ પથ્થરની ક્વૉલિટીને કારણે એ વધારે વપરાશમાં આવ્યો છે. અગાઉ કહ્યું છે એમ ઉનાળા અને શિયાળાની સીઝનમાં એ વિપરીત અસર દેખાડતો હોવાથી એનો વપરાશ વધ્યો છે તો સાથોસાથ એના ટકાઉપણાને કારણે પણ એનો વપરાશ વધ્યો છે. પહેલાંના સમયમાં સૅન્ડસ્ટોનનો વપરાશ માત્ર આપણા જ દેશમાં થતો હતો, પણ છેલ્લા થોડા દશકાઓથી સૅન્ડસ્ટોનની ડિમાન્ડ બહારના દેશોમાં પણ બહુ વધી છે. હમણાં-હમણાં તો અખાતના દેશોમાં પણ એ બહુ મગાવવામાં આવે છે. દુબઈમાં તો સૅન્ડસ્ટોનથી બનેલી અનેક નવી ઇમારતો ઊભી થઈ છે. હા, એ બનાવવાનું કામ મંદિર જેવું નથી હોતું. એ ઇમારતોમાં બહારના આવરણમાં સૅન્ડસ્ટોનનું ડેકોરેશન કરવામાં આવે છે જે ઇમારતને બહારથી વેધર સામે રક્ષણ આપવાનું કામ કરે છે, પણ એવું કરવાથી સૅન્ડસ્ટોનની જે વેધરપ્રૂફની અસરકારકતા છે એ ઓછી થઈ જાય છે. આવું આપણે ત્યાં બંગલામાં પણ થવા માંડ્યું છે. એનાથી ફાયદો ચોક્કસ થાય, પણ સાચું પરિણામ મળતું નથી એ પણ એટલું જ સાચું છે.


આપણે વાત કરતા હતા સૅન્ડસ્ટોનના ભાવની. સામાન્ય રીતે અઢાર રૂપિયાથી લઈને ૭૫થી ૧૦૦ રૂપિયે ફુટના ભાવે સૅન્ડસ્ટોન મળતો હોય છે તો એનાથી વધારે મોંઘો સ્ટોન પણ મળે છે. સ્ટોનનો ભાવ એ કેટલી ઊંડાઈમાંથી કાઢવામાં આવ્યો છે એના પરથી નક્કી થાય. પિન્ક પથ્થર જેટલો જમીન નીચેથી કાઢવામાં આવે એટલી એની આવરદા વધારે લાંબી. ઉપર હજારો કિલોનું વજન વેઠીને પણ જે સ્ટોને પોતાની મજબૂતાઈ અકબંધ રાખી એ સ્ટોનને બહારનું વાતાવરણ શું અસર કરવાનું?


Whatsapp-channel Whatsapp-channel

16 June, 2024 11:15 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK