° °

આજનું ઇ-પેપર
Friday, 21 January, 2022


રાજ કપૂર કહેતા, ‘જીનકે ઘર છોટે હોતે હૈં, ઉનકી ફિલ્મેં બડી હોતી હૈ’

05 December, 2021 07:33 AM IST | Mumbai | Rajani Mehta

એક દિવસ ખૂબ નજીકથી ક્લૅપ આપવા જતાં બુઢ્ઢા રાજાનો રોલ કરતા અભિનેતાની દાઢી ક્લૅપર-બોર્ડમાં ફસાઈ ગઈ અને એ દૃશ્ય કટ કરવું પડ્યું. એને કારણે કેદાર શર્માને ગુસ્સો આવ્યો અને તેમણે રાજ કપૂરને તમાચો ઠોકી દીધો.

પરિવાર સાથે પૃથ્વીરાજ કપૂર

પરિવાર સાથે પૃથ્વીરાજ કપૂર

હિન્દી ફિલ્મોના ઇતિહાસ તરફ નજર કરીએ તો જે મહારથીઓએ હિન્દી ફિલ્મોને નવી દિશા અને દશા આપી હતી એમાં વી. શાંતારામ, બિમલ રૉય, રાજ કપૂર અને ગુરુ દત્તનાં નામ આગળ પડતાં છે. એક સમય હતો જ્યારે રાજ કપૂર માટે કહેવાતું, ‘He is the greatest showman of the hindi film industry.’ તેમની ફિલ્મોમાં મનોરંજન સાથે એક સોશ્યલ મેસેજ પણ હતો. એ ફિલ્મો, તેમના અભિનય અને ડાયરેક્શન વિશે ઘણું લખાયું છે અને લખાતું રહેશે. આજે તેમના જીવનની ઓછી જાણીતી, પરંતુ રસપ્રદ વાતો તમારી સાથે શૅર કરું છું... 
૧૯૨૪ની ૧૪ ડિસેમ્બરે પેશાવર (હાલ પાકિસ્તાન)માં રાજ કપૂરનો જન્મ થયો હતો. પિતા પૃથ્વીરાજ કપૂર અને માતા રામસરની કપૂરના પરિવારમાં સૌથી મોટા રાજ કપૂર. શમ્મી કપૂર અને શશી કપૂર ઉપરાંત બીજા બે ભાઈઓ હતા વીરેન્દ્ર અને અને દેવેન્દ્ર. એ બન્નેનાં નાનપણમાં જ મૃત્યુ થયાં હતાં. એ સિવાય તેમની એક બહેન હતી જેનું નામ હતું ઊર્મિલા.
પૃથ્વીરાજ કપૂર પેશાવરથી મુંબઈ આવ્યા એ પહેલાં થોડાં વર્ષ કલકત્તામાં રહ્યા હતા એ દિવસોની આ વાત છે. રાજ કપૂરની ઉંમર ૯-૧૦ વર્ષની હતી. ખાવાના ખૂબ શોખીન. એક દિવસ સવારે સ્કૂલ જવા નીકળતી વખતે તેમણે માની વાત સાંભળી. તે નોકરને કહેતી હતી કે બપોરે સાહેબના કેટલાક મિત્રો જમવા આવવાના છે, તો તેમને માટે બજારમાંથી સારી મરઘી લઈ આવજે. 
આ સાંભળીને બાળકના મોઢામાં પાણી આવી ગયું. વિચાર કર્યો કે જો સ્કૂલ જઈશ તો સ્વાદિષ્ટ ભોજન ગુમાવીશ એટલે ઘરેથી નીકળીને આમતેમ ભટકી બપોરના ભોજનના સમયે ઘરે પહોંચી ગયો. ઘરે આવતાં જોયું કે મહેમાનો ખાઈ-પીને ગપ્પાં મારતા પરિવારના સભ્યો સાથે હંસી-મજાક કરતા હતા અને એમાં એક નાજુક, મીઠો, કર્ણપ્રિય અવાજ સામેલ હતો.
અવાજની દિશામાં જોયું તો એક શુભ્ર શ્વેત સાડી પહેરેલી સુંદર ગૌરવર્ણી યુવતી દેખાઈ. તેનું  સૌંદર્ય અભિભૂત કરે એવું હતું. બાળકને લાગ્યું જાણે તે મહાશ્વેતાનાં દર્શન કરે છે. તે યુવતી તેને એટલી ગમી ગઈ કે તેના ચહેરા પરથી નજર બીજે ખસતી જ નહોતી. ઢળતી સાંજે જ્યારે મહેમાનો વિદાય લેતા હતા ત્યારે તેનું મન ઉદાસ થઈ ગયું. અચાનક નજીકના બાગમાંથી મોગરાનાં સફેદ ફૂલ તોડીને તેણે વિદાય લેતી ગોરી સામે, મનમાં એક અજાણી બેચેની સાથે, પોતાના હાથમાંનાં ફૂલ ધર્યાં અને કહ્યું, ‘આપને મારા તરફથી એક નાનકડી ભેટ.’
યુવતીએ હસીને એ ભેટ સ્વીકારી લીધી. પ્રેમથી એક નાની ટપલી બાળકના ગાલ પર મારી, સફેદ દાંત ચમકાવી, એક આછું સ્મિત આપ્યું અને ચાલવા માંડી. ક્યાંય સુધી બાળક તેને જતી જોઈ રહ્યો અને ઘરમાં આવ્યો, પણ સાથે લઈ આવ્યો એ મહાશ્વેતાની વેદના, શુભ્ર શ્વેત રંગની વેદના. નાનપણમાં બાળક રાજ કપૂરને સફેદ રંગની ઘેલછા લગાડનાર એ મહાશ્વેતા હતી દમયંતી સાહની, જેઓ હતાં અભિનેતા બલરાજ સાહનીનાં પત્ની અને પરીક્ષિત સાહનીનાં મમ્મી.
સફેદ રંગની આ ઊંડી છાપ રાજ કપૂરના મનમાં એટલી તીવ્ર હતી કે આર. કે. ફિલ્મ્સની નાયિકાઓની ઓળખ આ સફેદ સાડી બની ગઈ જે પછીથી ‘women in white’ તરીકે  જાણીતી થઈ. 
૧૯૨૭માં પૃથ્વીરાજ કપૂર મુંબઈ આવ્યા. અહીં નાટક અને ફિલ્મોમાં નાના-મોટા રોલ કરીને પોતાની કારકિર્દી જમાવવામાં તેઓ વ્યસ્ત હતા. નાનપણથી રાજ કપૂર ફિલ્મોથી પ્રભાવિત હતા. ભણતરમાં જરાય રુચિ નહોતી. મેટ્રિક નાપાસ થયા બાદ પિતાને કહ્યું કે ફિલ્મોમાં જોડાવું છે અને એ પણ અભિનેતા તરીકે નહીં, નિર્માતા તરીકે. અનિચ્છાએ પિતાએ તેમને મિત્ર કેદાર શર્મા પાસે મોકલ્યા અને કહ્યું કે પહેલાં થોડો અનુભવ લઈ લે. કેદાર શર્માની એક શરત હતી કે  રાજ કપૂરે છેક નીચલા હિસ્સાના મદદનીશની હેસિયતથી કામની શરૂઆત કરવાની છે. આમ કેદાર શર્માના ચોથા સહાયક તરીકે, ક્લૅપર-બૉયની હેસિયતથી રાજ કપૂરની ફિલ્મ-કારકિર્દીની શરૂઆત થઈ. 
રાજ કપૂરના નાના ભાઈ શમ્મી કપૂર એક ઇન્ટરવ્યુમાં કહે છે, ‘અમે ત્યારે માટુંગા રહેતા હતા. રાજ કપૂરની ઉંમર હતી ૧૮-૧૯ વર્ષની. તેની રૂમમાં એક કબાટ હતો. એની ચાવી હંમેશાં તેની પાસે જ રાખે. કોઈને પણ એ કબાટ ઉઘાડવાની મનાઈ હતી. હું વિચારતો કે એવું તે શું હશે એ કબાટમાં? એક દિવસ મને મોકો મળ્યો. મેં જોયું કે કબાટમાં અનેક ફિલ્મ મૅગેઝિન, પોસ્ટર્સ, ડ્રેસ–ડિઝાઇનની બુક્સ, હૉલીવુડની ફિલ્મોનાં પુસ્તકો અને બીજી અનેક સામગ્રી હતી, જે ફિલ્મ-નિર્માણમાં કામ લાગે. યુવાન વયથી તેમને ફિલ્મો બનાવવાની લગની હતી.’
કેદાર શર્મા સાથે કામ કરવાની રાજ કપૂરની મૂળ મકસદ હતી ફિલ્મ-નિર્માણના પાઠ ભણવાની, પરંતુ એ પહેલાં તેઓ હીરો બની ગયા. ક્લૅપર-બૉય તરીકે શૂટિંગમાં દરેક દૃશ્ય પહેલાં રાજ કપૂર કૅમેરા સમક્ષ આવીને ક્લૅપ આપતા. તેઓ પહેલાં અરીસામાં જોઈ, સરસ વાળ ઓળીને આવતા, જેથી તેમનો સુંદર ગોળમટોળ ચહેરો ક્લોઝ-અપમાં આવે. યેનકેન પ્રકારેણ પોતાનો ચહેરો ફિલ્મોમાં આવે એવી રાજ કપૂરની ઘેલછા કેદાર શર્માથી છાની નહોતી. 
એક દિવસ ખૂબ નજીકથી ક્લૅપ આપવા જતાં બુઢ્ઢા રાજાનો રોલ કરતા અભિનેતાની દાઢી ક્લૅપર-બોર્ડમાં ફસાઈ ગઈ અને એ દૃશ્ય કટ કરવું પડ્યું. એને કારણે કેદાર શર્માને ગુસ્સો આવ્યો અને તેમણે રાજ કપૂરને તમાચો ઠોકી દીધો. એ આખી રાત કેદાર શર્માને ઊંઘ ન આવી. પસ્તાવો થયો. બીજા દિવસે સવારે તેમણે રાજ કપૂરને કહ્યું, ‘બેટા, માફ કરજે. કાલે હું તારી સાથે સખતાઈથી વર્ત્યો. મને ખબર છે કે તું ફિલ્મોમાં કામ કરવા કેટલો ઉત્સુક છે. લે આ  ૫૦૦ રૂપિયાનો ચેક. મારી આગામી ફિલ્મ ‘નીલકમલ’માં હું તને હીરોનો રોલ ઑફર કરું છું.’ આમ ૧૯૪૪માં ૧૯ વર્ષની ઉંમરે રાજ કપૂરે ૧૩ વર્ષની મધુબાલા સાથે અભિનયની કારકિર્દીની શરૂઆત કરી. 
૧૯૪૮માં ફિલ્મ ‘આગ’થી આર. કે. ફિલ્મ્સની શરૂઆત થઈ. રાજ કપૂરની એક ખાસિયત હતી કે જીવનની અનેક સાચી ઘટનાઓનું તેઓ પ્રભાવશાળી રીતે ફિલ્માંકન કરીને રજૂઆત કરતા. ‘આવારા’, ‘બૂટ પૉલિશ’, ‘શ્રી ૪૨૦’, ‘જાગતે રહો’, ‘અબ દિલ્હી દૂર નહીં’, ‘જિસ દેશ મેં ગંગા બહતી હૈ’ જેવી ફિલ્મોમાં એ સમયની સામાજિક સમસ્યાને મનોરંજનક રીતે વણી લેવામાં આવી હતી. 
ફિલ્મ ‘આગ’ માટે સૌપ્રથમ રાજ કપૂરે સુરૈયાનો વિચાર કર્યો હતો. સુરૈયા એ જમાનાની ટોચની હિરોઇન હતી અને નાનપણમાં રાજ કપૂર સાથે મુંબઈ રેડિયો પર બાળકોના કાર્યક્રમમાં ભાગ લેતી. આને કારણે સુરૈયાનો સઘળો કારોબાર સંભાળતાં મા અને દાદી સાથે રાજ કપૂરની નિકટતા હતી. રાજ કપૂરને ચોક્કસ ખાતરી હતી કે તેઓ સુરૈયા માટે ના નહીં પાડે, પરંતુ તેમણે ના પાડી, કારણ કે ૨૧ વર્ષનો છોકરો ફિલ્મ બનાવશે એ વાત તેમના માનવામાં જ નહોતી આવતી. 
એ સમયે સુરૈયા બાદ જે અભિનેત્રી લોકપ્રિય હતી તેનું નામ હતું નર્ગિસ. દિલીપકુમાર સાથે તેની ‘જોગન’ અને ‘મેલા’ લોકપ્રિય થઈ હતી. જ્યારે રાજ કપૂરે તેની મા જદ્દનબાઈને વાત કરી તો તે પણ આવું જ માનતી. જોકે એમ છતાં તેણે રાજ કપૂરને ચકાસવા માટે કહ્યું, ‘નર્ગિસ એ શરતે ‘આગ’માં કરશે જો તું ફી તરીકે ૫૦૦૦ રૂપિયા ઍડ્વાન્સ આપે. અને હા, કેવળ ૧૦ દિવસમાં જ તારે કામ પૂરું કરવું પડશે. એ પછી વધારે પૈસા આપવા પડશે.’ 
રાજ કપૂરે ગમે એમ કરીને ઍડ્વાન્સ ચૂકવ્યા અને દરેક શરતો માન્ય રાખી. આમ રાજ કપૂરના જીવનમાં નર્ગિસનું આગમન થયું. 
રાજ કપૂરના વ્યક્તિત્વમાં અભિનેતા, નિર્માતા અને દિગ્દર્શક એમ ત્રણ પાસાંનો સમન્વય હતો. એક પણ સ્વરૂપ બીજા સ્વરૂપ પર ‘હાવી’ થવાની કોશિશ નહોતું કરતું. તેઓ જ્યારે અભિનય કે દિગ્દર્શન કરતા ત્યારે નિર્માતાનું ગણિત ભૂલી જતા. ફિલ્મ ‘મેરા નામ જોકર’ની એક હિરોઇન સિમી ગરેવાલ કહે છે, ‘તેમને કદી ઉતાવળમાં કામ કરવાની આદત નહોતી. દરેક વસ્તુ એક ધીમી મંદ ગતિથી પણ ચોકસાઈથી કરવાનો તેમનો આગ્રહ રહેતો. સંપૂર્ણતાનો આ આગ્રહ મને ખૂબ ગમતો. ‘મેરા નામ જોકર’ના શૂટિંગ વખતે મૈસૂરમાં અમે કલાકો સુધી રખડ્યા બાદ એક નાની નદીની આસપાસની જગ્યા તેમને પસંદ પડી. ચાર દિવસ એ જગ્યાને રળિયામણી બનાવતાં થયા. ઝાડ, પાન, ફૂલ અને રંગ વાપરીને એને લીલીછમ બનાવી. મેં જોયું કે કૃત્રિમ રીતે નૈસર્ગિક વાતાવરણ બનાવવા માટે આ જગ્યાની પસંદગીમાં તેઓ કેટલા દૂરંદેશી હતા.
આ જ ફિલ્મમાં સૂર્યાસ્તનું એક દૃશ્ય ફિલ્માંકન કરવા અમારી પૂરી ટીમ પહાડ પર ચડી. એ દૃશ્ય શૂટ થયા બાદ તેમને પસંદ ન આવ્યું એટલે બીજા દિવસે ફરી પાછાં ગયાં. લગભગ એક અઠવાડિયા સુધી અમે આમ કર્યું ત્યારે તેમને સંતોષજનક શૉટ મળ્યો. 
ફિલ્માંકન વખતે એક દૃશ્ય શૂટ કરવા તેઓ હજારો ફુટ ફિલ્મ વાપરી નાખતા, કારણ કે તેમને ઘણાં રીશૂટની આદત હતી. તેમને દરેક ચીજ ભવ્ય, વિશાળ, મોટા ફલક પર જોઈતી; પછી ભલે એને માટે ગમે એટલો ખર્ચ કરવો પડે. આમ છતાં તમે તેમને ઉડાઉ ન કહી શકો. આ તેમની લાક્ષણિકતા હતી.’
રિશી કપૂર એક ઇન્ટરવ્યુમાં કહે છે, ‘મેરા જૂતા હૈ જાપાની’નું શૂટિંગ મુંબઈ-પુણે રોડ પર કરવાનું હતું. ગીતની શરૂઆતમાં શૂટિંગ થયા બાદ તેમને થયું કે થોડા આગળ જઈએ તો સારાં લોકેશન્સ મળશે. જેમ-જેમ આગળ વધતા ગયા એમ તેમને થતું કે થોડા હજી આગળ જઈએ.  રાત પડ્યે યુનિટ રસ્તામાં કે આજુબાજુ જ્યાં સગવડ મળે ત્યાં રોકાઈ જાય. તમે માનશો, એમ કરતાં-કરતાં જ્યારે ગીતનું શૂટિંગ પૂરું થયું ત્યારે આખું યુનિટ કોલ્હાપુર સુધી પહોંચી ગયું હતું.’
ફિલ્મ ‘આવારા’નું લોકપ્રિય સ્વપ્નગીત ‘તેરે બિના આગ યે ચાંદની, તુ આ જા’ની ડ્રીમ સીક્વન્સના ફિલ્માંકન વખતે રાજ કપૂરે એ જમાનામાં અધધધ કહેવાય એટલો ૮ લાખ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. એ સમયે આટલા બજેટમાં લોકો આખી ફિલ્મ બનાવતા. એ માટે  તેમણે પત્ની કૃષ્ણા કપૂરનાં ઘરેણાં ગીરવી મૂક્યાં, ઘર પણ ગીરવી મૂક્યું. ભાડાના નાના મકાનમાં રહેતા ત્યારે ટીકાખોરોને એમ કહીને જવાબ આપ્યો હતો, ‘જીનકે 
ઘર છોટે હોતે હૈં, ઉનકી ફિલ્મેં બડી હોતી હૈ.’ 
રાજ કપૂર અને ગુરુ દત્ત સારા મિત્રો હતા. ગુરુ દત્તે જે રાતે આત્મહત્યા કરી હતી એ બપોરે તેમણે રાજ કપૂરને ફોન કર્યો કે ‘હું ખૂબ બેચેન છું. આજે સાંજે આપણે મળી શકીએ?’ રાજ કપૂરે કહ્યું, ‘આજે બિઝી છું, એક-બે દિવસમાં મળીએ.’ બીજા દિવસે સવારે ગુરુ દત્તની વિદાયના સમાચાર સાંભળીને રાજ કપૂર ભાંગી પડ્યા હતા. કહ્યું, ‘કાશ, હું કાલે તેને મળી શક્યો હોત, તો મેં આજે એક દોસ્ત ન ગુમાવ્યો હોત.’
એક કિસ્સો યાદ આવે છે. ‘કાગઝ કે ફૂલ’ રિલીઝ થઈ ત્યારે પ્રેક્ષકોનો રિસ્પૉન્સ જોવા ગુરુ દત્ત અને લેખક અબ્રાર અલવી થિયેટરમાં ફિલ્મ જોવા ગયા. ઇન્ટરવલમાં પ્રેક્ષકોના પ્રતિભાવ જોઈ ગુરુ દત્તે અબ્રારને કહ્યું, ‘We have delivered an unborn child, who will not survive long.’ ‘કાગઝ કે ફૂલ’ને સરિયામ નિષ્ફળતા મળી. આવું જ કંઈક રાજ કપૂર સાથે થયું. વર્ષો બાદ ૧૯૭૧માં આવેલી ‘મેરા નામ જોકર’ રાજ કપૂરના જીવનની એક મહત્ત્વાકાંક્ષી ફિલ્મ હતી, જેના નિર્માણ પાછળ તેમણે સર્વસ્વ હોડમાં મૂકી દીધું હતું. તન-મન-ધનથી બનાવેલી આ ફિલ્મ ‘સુપર ફ્લૉપ’ ગઈ. રાજ કપૂરના ‘Midas Touch’ જેવી આ અંતિમ ફિલ્મ હતી. આ નિષ્ફળતાથી હતાશ થઈને રાજ કપૂરે ત્યાર બાદ મજબૂરીથી ૧૯૭૩માં રિશી કપૂરને લઈને હાડોહાડ કમર્શિયલ ફિલ્મ ‘બૉબી’ બનાવી. ફાઇનૅન્સર્સ અને ડિસ્ટ્રિબ્યુટર્સના આગ્રહને કારણે ફિલ્મમાં સંગીતકાર શંકર-જયકિશન, ગીતકાર શૈલેન્દ્ર અને હસરત જયપુરીને (આ દરેક આર. કે. ફિલ્મ્સના ‘પેરોલ’ પર હતા) બદલે સંગીતકાર લક્ષ્મીકાન્ત–પ્યારેલાલ, ગીતકાર આનંદ બક્ષી, વિઠ્ઠલભાઈ પટેલ અને ઇન્દ્રજિત તુલસીની નવી ટીમ આવી. ફિલ્મે ખૂબ કમાણી કરી. રાજ કપૂર કરજમાંથી તો બહાર નીકળી 
ગયા હતા, પરંતુ દિલમાં ‘જૉબ સૅટિસ્ફૅક્શન’ નહોતું. તેમની જ મનોદશાનો પડઘો પડતો હોય 
એમ નર્ગિસે ફિલ્મ જોયા બાદ કહ્યું, ‘Bobby is a sit film.’
સમયથી પહેલાં બનેલી ‘કાગઝ કે ફૂલ’ અને ‘મેરા નામ જોકર’ની વિદેશમાં ખૂબ સરાહના થઈ.  આજે આ ફિલ્મોને ‘ક્લાસિક’ અને ‘માસ્ટરપીસ’ની શ્રેણીમાં મૂકવામાં આવે છે. કહેવાય છેને, ‘ભગવાન કે ઘર દેર હૈ, અંધેર નહીં હૈ.’
રાજ કપૂર અને દિલીપકુમારના સંબંધોની આંખમિચોલીની વાતો આવતા રવિવારે.

05 December, 2021 07:33 AM IST | Mumbai | Rajani Mehta

અન્ય લેખો

કેમ રાજકપૂરે બરસાતમાં સંગીતકાર તરીકે રામ ગાંગુલીને બદલે શંકર-જયકિશનને પસંદ કર્યા

ગૉસિપ કૉલમનિસ્ટોએ તીસરી કસમની નિષ્ફળતાના એક કારણરૂપે રાજ કપૂરની ફિલ્મ માટેની ઉદાસીનતાને જવાબદાર ગણાવી.

16 January, 2022 12:01 IST | Mumbai | Rajani Mehta

ચંદ્રવદન એક ચીજ, ગુજરાતે ના જડવી સ્હેલ

૧૯૩૮ની ૨૫ ફેબ્રુઆરીએ ચંદ્રવદન ચીમનલાલ મહેતા ઑલ ઇન્ડિયા રેડિયોના મુંબઈ સ્ટેશનની નોકરીમાં જોડાયા ત્યારથી ૧૯૫૨માં રેડિયો પરથી નિવૃત્ત થયા ત્યાં સુધી ચંચી મહેતાનું રેડિયો નાટકમાં એકચક્રી રાજ રહ્યું હતું

15 January, 2022 01:07 IST | Mumbai | Deepak Mehta

રાજ કપૂરની ફિલ્મ બનાવવાની ઘેલછા માટે પૃથ્વીરાજ કપૂરનો શું અભિપ્રાય હતો?

૪૦ના દસકામાં નૉર્થ વેસ્ટ ફ્રન્ટિયર પ્રાંતના મૂરી નામના હિલ-સ્ટેશન પર યોજેલા બાળકોના એક કાર્યક્રમમાં બાળક રાજ કપૂરે ‘હમારી બાત’ ફિલ્મનાં બે ગીત ગાયાં. એ રજૂઆત દર્શકોને એટલી પસંદ આવી કે ત્યાર બાદ દરેક સ્ટેજ-શોમાં રાજ કપૂરની ડિમાન્ડ વધતી ગઈ

09 January, 2022 03:13 IST | Mumbai | Rajani Mehta

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK