Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > આસમાને પહોંચ્યા ભાવ : સમય પસાર થયા પછી દરેક મોંઘવારી સોંઘવારીમાં પરિણમતી હોય છે

આસમાને પહોંચ્યા ભાવ : સમય પસાર થયા પછી દરેક મોંઘવારી સોંઘવારીમાં પરિણમતી હોય છે

06 December, 2022 04:05 PM IST | Mumbai
Manoj Joshi | manoj.joshi@mid-day.com

ગુજરાતમાં અત્યારે ઇલેક્શનનો દોર ચાલે છે ત્યારે જાતજાતના અને ભાતભાતના વાણીવિલાસનો અનુભવ કર્યો અને એ દરેક વાતમાં એક વાત મુખ્યત્વે હતી

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

મેરે દિલ મેં આજ ક્યા હૈ?

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


લોકશાહીમાં વાણીસ્વતંત્રતા સૌકોઈને હોય, પણ મહત્ત્વનું છે કે વાણીસ્વતંત્રતા અને વાણીવિલાસ વચ્ચેનો ભેદ માણસ સમજે. ગુજરાતમાં અત્યારે ઇલેક્શનનો દોર ચાલે છે ત્યારે જાતજાતના અને ભાતભાતના વાણીવિલાસનો અનુભવ કર્યો અને એ દરેક વાતમાં એક વાત મુખ્યત્વે હતી, મોંઘવારી. કૉન્ગ્રેસ અને બીજેપીના શાસન દરમ્યાન થયેલા ભાવવધારા અને મોંઘવારીની વાત દરેક કૉન્ગ્રેસીના પ્રવચનમાં સાંભળવા મળી અને દરેક આમ આદમી પાર્ટીવાળાના મોઢે એવી વાત સાંભળવા મળી કે તમે જેકંઈ કરશો એ બધું મફત હશે! મફત, માય ફુટ.

કૉન્ગ્રેસે જ્યારે પણ કંઈ આપ્યું છે ત્યારે એનો ભાર દેશની તિજોરી પર આવ્યો જ છે. બીજેપીએ એ ભાર હળવો કર્યો કે પછી એ ભાર વધારવાનું બંધ કર્યું એટલે મોંઘવારીની અસર દેખાઈ, પણ હકીકત એ છે સાહેબ કે આ મોંઘવારી તમારું જીવવાનું હરામ કરવાની નથી, પણ હકીકત એ છે કે આ મોંઘવારી સમયનો તકાજો છે.  તમે પોતે જુઓ, જુઓ અને વિચારો કે જગતમાં ક્યાંય એવું બન્યું છે ખરું કે ૧૦૦ રૂપિયાનું પેટ્રોલ એકાએક ૪૦ રૂપિયામાં મળવા માંડ્યું હોય? ના, ક્યારેય નહીં અને એ ક્યારેય સંભવ પણ નથી, કારણ કે દુનિયામાં ક્યાંય સોંઘવારીનું પુનરાવર્તન થયું હોય એવી કલ્પના કોઈનાથી થઈ ન શકે. દરેક તબક્કે અને દરેક સમયે મોંઘવારી જ લાગી છે. મોંઘવારીના કાળને પસાર કર્યા પછી જ એ સમયમાં રહેલી સોંઘવારી દુનિયાને દેખાય છે. જે સમયે ૧૦ ગ્રામ સોનાનો ભાવ ૧૦૦ રૂપિયા હતો એ સમયે પણ સોનું મોંઘું લાગતું હતું અને જે સમયે વાલકેશ્વરમાં સ્ક્વેરફુટ જગ્યા ૫૦૦૦ રૂપિયામાં મળતી ત્યારે લોકોના ખિસ્સામાં ૫૦૦૦ રૂપિયા નહોતા. આજે બે લાખની સૅલેરી હોય એ મોટી વાત નથી લાગતી, પણ જે સમયે લોખંડવાલામાં બે લાખમાં ફ્લૅટ મળતો એ સમયે બૅન્કમાં બે લાખ હોય એ સપનેય વિચારી નહોતું શકાતું. નૅશનલ પાર્કની સામે ફ્લૅટ હોય અને વિન્ડો ખોલો ત્યારે વનરાજી દેખાય એ સપનું હતું, પણ એ સપનું સાકાર કરવાના પૈસા નહોતા અને બિલ્ડર ૬ લાખ રૂપિયા ફ્લૅટના માગતો ત્યારે માર્કેટમાં કોઈ પાસે ૬ લાખ પણ નહોતા, પણ આજે માગવા જાઓ તો ૬૦ લાખ આપનારાઓ પડ્યા છે, પણ ફ્લૅટની કિંમત અઢી કરોડ થઈ ગઈ છે. મોંઘવારી ગઈ કાલે હતી, આજે છે અને આવતી કાલે પણ રહેવાની છે. જે દાળ આજે ૧૪૦ની કિલો મળે છે એ દાળ પાંચ વર્ષ પહેલાં ૭૦ રૂપિયાની કિલો હતી અને પાંચ વર્ષ પછી ૨૪૦ રૂપિયાની એક કિલો હશે એ પણ નક્કી છે. જગતમાં ક્યાંય તમે જોયું છે કે ભાવો ઊંધી દિશામાં ચાલવાનું શરૂ થાય અને રાતોરાત લોકો કહેવા માંડે કે અમારે ત્યાં સોંઘવારી છે? ક્યાંય એવું સાંભળ્યું છે કે ઇલેક્ટ્રિસિટીના ભાવમાં પ૦ ટકાનો ઘટાડો થયો અને જાદુ થતાં ડીઝલ ૪૦ રૂપિયામાં મળવા માંડ્યું? અશક્ય છે. હકીકત એટલી જ છે કે મોંઘવારી હોય નહીં એવું બની ન શકે અને સોંઘવારી ક્યારેય યથાવત્ રહે એવું બની ન શકે. ૧૦ વર્ષ પછી બોરીવલીમાં ફ્લૅટની કિંમત પાંચ કરોડ પર પહોંચશે ત્યારે અત્યારનો તબક્કો સોંઘવારીમાં કન્વર્ટ થશે અને ૧૫ વર્ષ પછી તુવેરદાળના કિલોના ૪૦૦ રૂપિયા હશે ત્યારે તુવેરદાળનો આજનો ભાવ સોંઘો લાગશે.


Whatsapp-channel Whatsapp-channel

06 December, 2022 04:05 PM IST | Mumbai | Manoj Joshi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK