Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > પ્રેમરોગ : ફૂલ તો લે ગયા રાજકુંવર

પ્રેમરોગ : ફૂલ તો લે ગયા રાજકુંવર

01 January, 2022 08:31 AM IST | Mumbai
Raj Goswami

મનોરમાની ભૂમિકામાં પદ્મિનીનું કામ લાજવાબ હતું. કોઈ પણ નવી ઍક્ટ્રેસ માટે એ એક પડકારભર્યો રોલ હતો. મનોરમાની જિંદગીના બે પડાવ હતા; એકમાં તે ચુલબુલી, નિર્દોષ અને તોફાની કિશોરી હતી, બીજામાં તે અચાનક મોટી થઈ ગયેલી, શાપિત, કલંકિત વિધવા હતી

‘પ્રેમરોગ’ની બિહાઇન્ડ ધ સીન તસવીરો

‘પ્રેમરોગ’ની બિહાઇન્ડ ધ સીન તસવીરો


સમાચાર છે કે ઍક્ટ્રેસ પદ્‍મિની કોલ્હાપુરેએ ૧૯૮૨ની તેની હિટ ફિલ્મ ‘પ્રેમરોગ’ના મશહૂર ગીત ‘યે ગલિયાં યે ચૌબારા’ને રીક્રીએટ કર્યું છે. આ ગીતમાં તેણે સરસ ડાન્સ તો કર્યો જ હતો, પરંતુ તેને ગાતાં પણ સારું આવડે છે એટલે આ ગીત તેણે પોતાના અવાજમાં રિલીઝ કર્યું છે. મૂળ ગીત લતા મંગેશકરે ગાયું હતું. પદ્‍મિનીનો સંબંધ સંગીત અને લતાદીદી બન્ને સાથે છે. તે કોલ્હાપુરમાં વ્યાવસાયિક સંગીતકાર પંઢરીનાથ કોલ્હાપુરે અને નિરુપમા કોલ્હાપુરેને ત્યાં જન્મી હતી. 
તેના પિતા ગાયક અને વીણાવાદક હતા. પદ્‍મિનીના દાદા પંડિત કૃષ્ણરાવ કોલ્હાપુરે નાટ્યસંગીતના પ્રચારક હતા અને તેમને ગાયકવાડના બરોડા દરબારનો આશ્રય હતો. પદ્‍મિનીની દાદી એટલે કે પિતા પંઢરીનાથની માતા પંડિત દીનાનાથ મંગેશકરની સાવકી બહેન થાય. એ રીતે તે લતા મંગેશકર અને આશા ભોસલેની ભાણી કહેવાય. એ ભૂમિકા યાદગાર હતી.
ફિલ્મોમાં આવતાં પહેલાં પદ્‍મિની અને તેની બહેન શિવાંગી (શક્તિ કપૂરની પત્ની) પ્લેબૅક ગાતાં હતાં. એમાં આશા ભોસલેએ એક વાર પદ્‍મિનીને ‘ઇશ્ક, ઇશ્ક, ઇશ્ક’ ફિલ્મ માટે દેવ આનંદનો ભેટો કરાવ્યો હતો. એમાં તેની નાનકડી ભૂમિકા હતી. એ પછી એક વાર તે સ્ટેજ-ડાન્સ કરતી હતી ત્યારે મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રાજ કપૂરે તેને જોઈ હતી. એમાંથી તેને ૧૯૭૮માં ‘સત્યમ્, શિવમ્, સુંદરમ્’માં ઝિનત અમાનની બાળપણની ભૂમિકા મળી હતી. 
‘સત્યમ્, શિવમ્, સુંદરમ્’ મહત્ત્વાકાંક્ષી ફિલ્મ હતી. એ અર્થમાં કે તેનો હીરો પછી હિરોઇનના સુરીલા અવાજને સાંભળીને તેના પ્રેમમાં પડે છે, જ્યારે અસલમાં હિરોઇન બદસૂરત છે. રાજ કપૂર શારીરિક પ્રેમ અને આધ્યામિક પ્રેમના તફાવત પર ફિલ્મ બનાવવા માગતા હતા. એવું કહેવાય છે કે ફિલ્મની પ્રેરણા લતા મંગેશકર હતાં અને રાજજી લતાને જ હિરોઇન તરીકે લેવા માગતા હતા, પરંતુ લતા સહિત અનેક હિરોઇનોએ અંગપ્રદર્શનનો વાંધો ઉઠાવીને ના પાડી દીધી હતી. ફિલ્મની કહાની સરસ હતી, સંગીત ઉત્કૃષ્ટ હતું, પરતું ઝિનતનું અંગપ્રદર્શન એટલું હાવી થઈ ગયું કે પારિવારિક દર્શકોને આ ફિલ્મ અશ્લીલ લાગી હતી. ફિલ્મમાં દર્શકોને ઝિનતની જવાની અને પદ્‍મિનીનું બાળપણ જ યાદ રહ્યું.
‘સત્યમ્, શિવમ્, સુન્દરમ્’નો વિવાદ રાજજીને ખટક્યો હોવો જોઈએ. એક તો આ ફિલ્મ બૉક્સ-ઑફિસ પર પિટાઈ ગઈ. બીજું, વિતરકોએ ભવિષ્ય ભાખ્યું કે આરકે બૅનરના વાવટા સંકેલાઈ જશે અને ત્રીજું, વિવેચકોએ કહ્યું કે મહાન રાજ કપૂરમાં હિરોઇનોને ઉઘાડી બતાવ્યા સિવાય કશું રહ્યું નથી.  
ચાર વર્ષ પછી તેઓ ડિરેક્ટર તરીકે સાફસૂથરી ‘પ્રેમરોગ’ લઈને આવ્યા. તેમને જાણે સાબિત કરવું હતું કે તેઓ હજી અર્થપૂર્ણ ફિલ્મો બનાવી શકે છે અને હિરોઇનોના અંગ સિવાય પણ તેમને ઘણું આવડે છે. આવી જ જીદ તેમણે ‘બૉબી’ વખતે બતાવી હતી. વાર્તા, ખર્ચા અને સમયના સ્કેલ પર ખાસી તોતિંગ કહેવાય એવી ‘મેરા નામ જોકર’ બૉક્સ-ઑફિસ પર પિટાઈ ગઈ, તો તેમણે રાજ કપૂર જેવા દેખાતા રિશી કપૂર અને નર્ગિસ જેવી દેખાતી ડિમ્પલ કાપડિયાને લઈને કચકચાવીને ‘બૉબી’ બનાવી હતી, જેણે ‘મેરા નામ જોકર’ની નિષ્ફળતાને ધોઈ નાખી હતી. 
‘પ્રેમરોગ’માં તેમણે બેટા રિશી સામે પદ્‍મિનીને હિરોઇન તરીકે પેશ કરી હતી. ‘સત્યમ્..’માં ફાટફાટ થતી ઝિનત હતી, તો ‘પ્રેમરોગ’માં મેકઅપ વગરની, જવાનીમાંય બાળકી દેખાતી પદ્‍મિની હતી. ‘પ્રેમરોગ’ શુદ્ધ રૂપે સામાજિક પ્રેમકહાની હતી. એના કેન્દ્રમાં વિધવાવિવાહની વકાલત, ઊંચ-નીચના ભેદ અને પુરુષપ્રધાન સમાજની નીતિરીતિઓ પર આકરા પ્રહાર હતા. ‘પ્રેમરોગ’ ફિલ્મ ‘સત્યમ્, શિવમ્, સુન્દરમ્’ના ધબડકાનો જવાબ હતી. એમાં તેઓ સફળ રહ્યા. બૉક્સ-ઑફિસ પર ફિલ્મ સફળ તો રહી, સાથે રાજજીને બેસ્ટ ડિરેક્ટર, બે બેસ્ટ એડિટર અને પદ્‍મિનીને બેસ્ટ ઍક્ટ્રેસનો ફિલ્મફેર અવૉર્ડ પણ અપાવી ગઈ. 
એક સારો ફિલ્મસર્જક એક સારો વાર્તાકાર હોય છે. રાજ કપૂર તેમની પૂરી કારકિર્દીમાં એક ઉત્તમ વાર્તાકાર હતા. તેઓ અવનવી વાર્તા લાવતા અને એને ફિલ્મી વાઘા ચડાવતા હતા. એમાં તેમની માસ્ટરી હતી. ‘પ્રેમરોગ’માં તેમણે એક સશક્ત વાર્તાને હાથમાં લીધી હતી. એટલા માટે જ શમ્મી કપૂર, તનુજા, નંદા, રઝા મુરાદ અને કપૂર-ખાનદાનના રિશી કપૂર જેવાં ધરખમ નામો સામે એકદમ યુવાન અને બાળકલાકાર ગણાતી પદ્‍મિનીને ઊભી કરી દીધી હતી. પદ્‍મિની ત્યારે ૧૭ વર્ષની હતી. બીજો કોઈ ફિલ્મસર્જક હોય તો થોડો ગભરાય, પણ રાજજીને તેમની વાર્તામાં વિશ્વાસ હતો. 
રાજ કપૂરે રિશીને ૬ કલાક સુધી ફિલ્મની વાર્તા સંભળાવી હતી. રિશીને એક સરળ અને આદર્શવાદી યુવાનની ભૂમિકા આકર્ષક લાગી હતી. ફિલ્મમાં તેના પાત્રનો એક સંવાદ છે, ‘રીતિરિવાજ ઇન્સાન કી સહુલિયત કે લિએ બનાએ જાતે હૈં, ઇન્સાન કે રીતિરિવાજ કે લિએ નહીં.’ પૂરી ફિલ્મનો કેન્દ્રીય સૂર આ સંવાદમાં હતો. શરૂઆતમાં એવો વિચાર હતો કે ‘બૉબી’ના લેખક જૈનેન્દ્ર જૈન એનું નિર્દેશન સંભાળે, પરંતુ વિષય નાજુક હતો અને પદ્‍મિની નવીસવી હતી એટલે એવું નક્કી થયું કે રાજજી એની કમાન સંભાળે. 
‘પ્રેમરોગ’ની વાર્તા હિન્દી લેખિકા કામનાપ્રસાદે લખી હતી. ઑલ ઇન્ડિયા રેડિયો માટે નાટકો અને પ્રોગ્રામ લખતી કામનાજી પતિની નોકરીના ભાગરૂપે મુંબઈ આવેલાં. તેમને રાજ કપૂરની ફિલ્મો બહુ ગમતી હતી. એક વાર તેમણે સીધો જ આરકે સ્ટુડિયો પર ફોન ઘુમાવ્યો. ફોન રાજજીના સહાયક હરીશે ઉઠાવ્યો. કામનાજીએ કહ્યું કે ‘મારે રાજજીને વાર્તા સંભળાવવી છે.’ હરીશે કહ્યું કે ‘રાજજી વ્યસ્ત છે, મને સંભળાવો.’ કામનાજીએ ફોન મૂકી દીધો. 
અઠવાડિયા પછી કામનાપ્રસાદ પર રાજ કપૂરનો ફોન આવ્યો. તેમને વાર્તા સાંભળવી હતી. વાર્તા સરસ હતી. કામનાજીએ તેમની માતાના મોઢે આ અસલી કિસ્સો સાંભળ્યો હતો, જેમાં છોકરી ઘર છોડીને નાસી જાય છે. રાજજીએ કહ્યું કે ‘હું આર્ટફિલ્મો નથી બનાવતો. હું વાર્તામાં થોડા ફેરફાર કરીશ. અમારી હિરોઇનો ઘર છોડીને નાસી નથી જતી.’ 
વાર્તા કંઈક આવી હતી ઃ
 ગામના ઠાકુર (કુલભૂષણ ખરબંદા)ની સગીર દીકરી મનોરમા (પદ્‍મિની) તેના બાળપણના મિત્ર અને ગામના પૂજારીના અનાથ દીકરા દેવધર (રિશી કપૂર)ને ગમી જાય છે, પણ જાતપાતના તફાવતને કારણે તે પ્રેમ જાહેર નથી કરી શકતો. 
ઠાકુર મનોરમાનાં લગ્ન ધનવાન ઠાકુર સાથે કરી દે છે. ચાર દિવસ પછી ઠાકુરનું ઍક્સિડન્ટમાં મૃત્યુ થઈ જાય અને મનોરમા વિધવા થઈ જાય છે. સાસરીમાં બેબસ મનોરમા પર તેનો જેઠ બળાત્કાર કરે છે એટલે મનોરમા પિતાના ઘરે પાછી ફરે છે. દેવધરને મનોરમાની પરિસ્થિતિની ખબર પડે છે એટલે તે ઠાકુર અને પૂરા ગામના વિરોધ વચ્ચે મનોરમાની જિંદગીમાં ખુશીના રંગ ભરવાનું બીડું ઉપાડે છે. 
મનોરમાની ભૂમિકામાં પદ્‍મિનીનું કામ લાજવાબ હતું. કોઈ પણ નવી ઍક્ટ્રેસ માટે એ એક પડકારભર્યો રોલ હતો. મનોરમાની જિંદગીના બે પડાવ હતા; એકમાં તે ચુલબુલી, નિર્દોષ અને તોફાની કિશોરી હતી; બીજામાં તે અચાનક મોટી થઈ ગયેલી, શાપિત, કલંકિત વિધવા હતી. પદ્‍મિનીની એ કાયાપલટ જોવા જેવી હતી. જે સહજતાથી તે સગીરમાંથી વયસ્ક અને સુખમાંથી દુઃખમાં પ્રવેશ કરી ગઈ હતી. એ એક પરિપક્વ કલાકારની નિશાની હતી. 
પછીથી એક ઇન્ટરવ્યુમાં તેણે કહ્યું કે ‘હું એક નિષ્ણાત કુંભારના હાથમાં માટીના લોચા જેવી હતી.’ પદ્‍મિનીનું એવું કહેવું હતું કે ‘મારું ચાલ્યું હોત તો મેં આખી જિંદગી તેમની સાથે કામ કર્યું હોત. હું જેકંઈ શીખી છું એ તેમને જોઈને શીખી છું.’
‘પ્રેમરોગ’માં રાજ કપૂરની ફિલ્મોની એક જ વિશેષતાનું સામ્ય હતું; તેમનું સંગીત. આરકેની એક પણ ફિલ્મ એવી નથી જેનું સંગીત લાજવાબ ન હોય. ‘પ્રેમરોગ’ એમાંય મેદાન મારી ગઈ હતી. ‘યે ગલિયાં યે ચૌબારા’ની પ્રેરણા રાજજીને દીકરી રિતુ કપૂરનાં લગ્નમાંથી મળી હતી. તે તેનાં લગ્નમાં આ ગીત પર નાચી હતી. 
‘બૉબી’ અને ‘સત્યમ્, શિવમ્, સુન્દરમ્’થી આરકે-કૅમ્પમાં આવેલા લક્ષ્મીકાંત-પ્યારેલાલે ‘પ્રેમરોગ’નું જે ગ્રામર હતું એને પૂરતો ન્યાય આપ્યો હતો. પ્યારેલાલ એક જગ્યાએ કહે છે, ‘ફિલ્મ એક એવી છોકરી વિશે હતી જે એક યુવાનને ચાહે તો છે, પણ તેને એ ભાવનાનો અહેસાસ નથી. અમારે આ દ્વિધાને સંગીતમાં ઢાળવાની હતી. એનું મહત્ત્વનું ગીત ‘ભંવરે ને ખિલાયા ફૂલ’ હતું. અમે એમાં જે પ્રયોગ કર્યો હતો એ રાજજીને ગમ્યો હતો.’
‘પ્રેમરોગ’માં ત્રણ લોકોનું સર્વોત્તમ કૉમ્બિનેશન હતું; ડિરેક્ટર તરીકે રાજ કપૂરની પ્રતિભા, મનોરમા તરીકે પદ્‍મિનીનો ઝગારો અને દેવધર તરીકે રિશી કપૂરનો આદર્શવાદ. રિશીએ આ ફિલ્મમાં હિરોઇન કરતાં એક ડગલું પાછળ રહેવાનું સ્વીકાર્યું એ પણ સાહસ જ કહેવાય. રિશી ત્યારે ‘બૉબી,’ ‘કર્ઝ’ અને ‘અમર અકબર ઍન્થની’ જેવી ફિલ્મો સાથે મોટા સ્ટાર તરીકે સ્થાપિત થઈ ચૂક્યો હતો, પરંતુ તેનેય ડિરેક્ટર રાજ કપૂરની વાર્તાકળામાં એટલો જ વિશ્વાસ હશે. એટલા માટે જ ‘પ્રેમરોગ’નો દેવધર રિશીની કારકિર્દીની સૌથી શાનદાર ભૂમિકા છે. 
ફિલ્મના અંતે એક દૃશ્ય છે, જેમાં દેવધર મનોરમાના કાકા સામે ઊભો રહીને બોલે છે, ‘યે આપકા નિજી મામલા નહીં હૈ. યે ગૈરઇન્સાની તૌરતરીકે આપકે આલીશાન મહેલોં સે નિકલકર રીતિરિવાજ ઔર પરંપરા બનકર સારે સમાજ મેં નાસૂર કી તરહ ફૈલ જાતે હૈં...યે આપકા નિજી મામલા નહીં હૈ.’ 
આ ‘નિજી મામલા’ એટલે મનોરમાના પુનઃ વિવાહની વાત.

જાણ્યું-અજાણ્યું...



- ૧૭ વર્ષની વયે બેસ્ટ ફિલ્મનો ફિલ્મફેર અવૉર્ડ જીતનારી પદ્‍મિની પહેલી ઍક્ટ્રેસ હતી. ‘બૉબી’ માટે ડિમ્પલને પણ ૧૭ વર્ષની વયે જ અવૉર્ડ મળ્યો હતો, પણ ‘અભિમાન’ માટે જયા બચ્ચને પણ એમાં ભાગ પડાવ્યો હતો.


- શમ્મી કપૂરે પહેલી વાર રાજજીના નિર્દેશનમાં કામ કર્યું હતું

- લક્ષ્મી-પ્યારેની આરકે માટે આ છેલ્લી ફિલ્મ હતી. ૧૫ વર્ષ પછી ‘પ્રેમગ્રંથ’માં તેઓ પાછા આવ્યા હતા.


- ફિલ્મ બનતી હતી ત્યારે રિશી અને પદ્‍મિની નાસિર હુસેનની ‘ઝમાને કો દિખાના હૈ’માં પણ કામ કરતાં હતાં, જેને કારણે ‘પ્રેમરોગ’ મોડી પડી હતી.

- શૂટિંગ વખતે રાજીવ કપૂર પદ્‍મિનીના પ્રેમમાં પડી ગયો હતો અને રાજ કપૂરે પદ્‍મિનીને ધમકી આપી હતી કે રાજીવને તે સખણો નહીં રાખે તો ફિલ્મમાંથી કાઢી મૂકશે.

પદ્‍મિની સાથે અલપઝલપ

‘મને થપ્પડ મારવાનો સીન હજીય યાદ છે. મારે ચિન્ટુ (રિશી)ને થપ્પડ મારવાની હતી. સામાન્ય રીતે એમાં થપ્પડની ઍક્શન હોય છે, પણ રાજઅંકલ સાચે જ થપ્પડ મારવાનું ઇચ્છતા હતા. તેમણે કહ્યું કે ‘નહીં, નહીં, તુમ થપ્પડ મારો. મારે અસલી શૉટ જોઈએ છે.’ ચિન્ટુએ પણ મને આગળ વધવાનું કહ્યું હતું. પહેલા ટેકમાં મારો હાથ જોરથી વીંઝાય છે અને ગાલ પાસે આવીને ધીમો થઈ જાય છે, પણ રાજઅંકલે કહ્યું, ‘ના, મારે આવી હળવી થપ્પડ નથી જોઈતી.’ અમારે સાત-આઠ વાર એ શૉટ લેવો પડ્યો. કોઈ ને કોઈ ભૂલ થતી હતી અને મારે સાત-આઠ વખત તેને થપ્પડ મારવી પડી હતી. આજે મને વિચાર આવે છે કે મારે જો આટલી બધી થપ્પડ ખાવાની આવે તો મારું શું થાય!’

Whatsapp-channel Whatsapp-channel

01 January, 2022 08:31 AM IST | Mumbai | Raj Goswami

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK