Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > આપ કી કદરદાની કો ઇસ તરહ ના છિપાઇએ અગર પ્રસ્તુતિ પસંદ આઇ હો તો તાલિયાં બજાઇયે!

આપ કી કદરદાની કો ઇસ તરહ ના છિપાઇએ અગર પ્રસ્તુતિ પસંદ આઇ હો તો તાલિયાં બજાઇયે!

21 September, 2022 05:09 PM IST | Mumbai
Pravin Solanki | pravin.solanki@mid-day.com

આજનો લેખ વાંચીને સમગ્ર નાટ્યજગત અને પ્રેક્ષકો મનોમન તાળીઓના ગડગડાટથી વધાવી લેશે એવી મને ખાતરી છે

પ્રવીણ સોલંકી

માણસ એક રંગ અનેક

પ્રવીણ સોલંકી


મુંબઈની વસ્તી જોતાં નાટ્યગૃહોની સંખ્યા ખૂબ ઓછી છે એ હકીકત છે. નાટક ભજવનારા ઝાઝા અને નાટ્યગૃહો ઓછાં. વૈકુંઠ એક, વૈષ્ણવો ઝાઝા.

મુંબઈમાં છેલ્લાં કેટલાંય વર્ષોથી ભાગ્યે જ કોઈ નવાં નાટ્યગૃહો બંધાયાં છે, જ્યારે તૂટવાની કે બંધ થવાની સંખ્યા વિશેષ છે. નાટ્યગૃહોના શિરમોર જેવું ‘ભાઈદાસ’ છેલ્લાં બે-ત્રણ વર્ષથી બંધ છે અને ક્યારે ચાલુ થશે એ ભગવાન જાણે, કાં સંચાલકો જાણે. 



વર્ષો પહેલાં ‘ભુલાભાઈ’ની ખોટ પડી, ‘હિન્દુજા’ હાથમાંથી ગયું, બિરલા ક્રીડા કેન્દ્ર વર્ષોથી બંધ પડ્યું છે, સડી રહ્યું છે, જર્જરિત થઈ ગયું છે છતાં કોણ જાણે કેમ મ્યુનિસિપાલિટીના પેટનું પાણી હલતું નથી. કોઈને સમજ નથી પડતી કે શહેરના ‘પૉશ’ એરિયામાં, દરિયાકિનારે, ચોપાટી જેવા સ્થળે આવેલા આ થિયેટરને ચાલુ કરવા કેમ કોઈ પ્રયત્ન નથી થતા? અઢળક કમાણી કરી આપે એવા થિયેટરને ચાલુ કરવા માટે કયું વિઘ્ન નડે છે? વ્યક્તિગત રીતે મેં અનેક નગરસેવકો પાસે આ બાબતે ધા નાખી છે, વારંવાર નાખી છે, છતાં એ બહેરા કાને કેમ અથડાય છે? એવું કયું પરિબળ છે જે આ થિયેટરને ચાલુ કરતાં રોકે છે? 


પાટકર સભાગૃહની હાલત ધોબીના કૂતરા જેવી છે. ન ઘરનું ન ઘાટનું. આઇએનટીનો ગઢ ગણાતા જયહિન્દ કૉલેજના થિયેટરને આઇએનટીએ ‘જયહિન્દ’ કરી દીધા પછી કોઈ હાથ નથી લગાડતું. એવું જ કે. સી. કૉલેજના થિયેટરનું છે. 

એક જમાનામાં ‘તારાબાઈ’, ‘સુંદરાબાઈ’માં ક્વચિત નાટકો ભજવાતાં. હવે નાટકોની તાસીર એવી થઈ છે કે આ સભાગૃહો કામ ન આવે. એનસીપીએ કે હોમી ભાભા વીઆઇપીનાં ગણાય છે, અમરજ્ઞાન ગ્રોવર હાજી અલી, રંગશારદા અને સેન્ટ ઍન્ડ્રુઝ, રવીન્દ્ર નાટ્ય મંદિર, લોકેશનની દૃષ્ટિએ પ્રેક્ષકોની પહોંચ બહાર નીવડ્યાં છે. ટૂંકમાં નાટ્યગૃહોની અછત છે. એવા સમયે જ્યારે સમાચાર મળે કે એક અદ્યતન થિયેટર ૧૦૦ કરોડ રૂપિયાના ખર્ચે ઊભું થઈ ગયું છે, એટલું જ નહીં, એના ઉદ્ઘાટનનાં ઢોલ-નગારાં વાગી રહ્યાં છે એ સાંભળીને કોને હર્ષ ન થાય. 


એક પ્રસંગનું આમંત્રણ દેવા હું અને મારો દીકરો દર્શન અમારા ઘાટકોપરના લોકપ્રિય વિધાનસભ્ય અને કૉર્પોરેટર પરાગભાઈ શાહને ત્યાં ગયા અને તેમણે જાણે અમને રિટર્ન ગિફ્ટ આપતા હોય એવા સમાચાર આપ્યા, ‘પ્રવીણભાઈ, મેં એટલે કે ‘મન’ ગ્રુપે દહિસર ચેકનાકા પર ૧૦૦ કરોડ રૂપિયાના મબલક ખર્ચે એક અદ્યતન, આલીશાન થિયેટર બાંધ્યું છે, જે અમારે મ્યુનિસિપાલિટીને સોંપી દેવાનું છે. અત્યારે કોઈને એ જોવા જવા દેતા નથી, પણ તમારે જો જોવું હોય તો હું બંદોબસ્ત કરી દઉં. જોઈને મને કહો કે તમે એમાં શું પ્રદાન આપી શકો છો?’ 
આવો મોકો કેમ ચુકાય? ૧૬ સપ્ટેમ્બરે શુક્રવારે હું અને મારા મિત્ર લલિત શાહ (ભવન્સ કલ્ચલ સેન્ટર) બપોરે દહિસર જવા રવાના થયા. અમારા સ્વાગત માટે ત્યાંના કર્તાહર્તા પરિકર અને તેમના સાથી અરુણ કસબે પરાગ શાહના કહેવાથી હાજર હતા. 

દોઢ કલાક સુધીમાં અમે થિયેટરનો ખૂણેખૂણો ખૂંદી વળ્યા પછી મોઢામાંથી શબ્દ સરી પડ્યા, ‘અદ્ભુત... આલાગ્રૅન્ડ...’ થિયેટરને લતા મંગેશકરનું નામ આપવામાં આવ્યું છે. બે થિયેટર છે. એક મોટું ને એક નાનું. મોટું પહેલા માળે છે, નાનું ત્રીજે માળે. જવા-આવવા માટે લિફ્ટની સગવડ છે. મોટા થિયેટરમાં ૮૬૩ સીટ્સ છે (૬૨૨+૨૪૧ બાલ્કની). નાના થિયેટરમાં ૩૪૨ સીટ છે. બન્નેમાં વિશાળ ફોયર, સ્ટેજ છે. સ્ટેજની ૪૫X૩૫ની લંબાઈ-પહોળાઈ છે. બન્ને થિયેટર મળીને અદ્યતન ૧૫ ગ્રીનરૂમ છે, આધુનિક સજ્જતા સાથે. સ્ટેજ પર સાઇક્લોરામા, કૅટવૉક અને સ્ક્રીનની પણ સગવડ છે. લેટેસ્ટમાં લેટેસ્ટ સાઉન્ડ અને લાઇટ સિસ્ટમ છે. જોઈને મજા પડી ગઈ. જાણે નંદ ઘેર આનંદ ભયો.

આ બન્ને થિયેટરનું સંચાલન મ્યુનિસિપાલિટીના હાથમાં રહેશે એવું અત્યારે લાગે છે. નગરપાલિકાને એવું પણ અભિપ્રેત છે કે બન્ને થિયેટરનો ઉપયોગ ધંધાધારી રીતે ન કરવો. 
કેટલીક અડચણો છે, પરંતુ પરાગભાઈના કહેવા પ્રમાણે એ અનિવાર્ય તો નથી જ. અને એ માટે જ પરાગભાઈએ અમારી પાસે એક વિગતવાર પ્રપોઝલ માગી છે, જે ટૂંક સમયમાં અમે આપીશું.  ક્ષુલ્લક બાબત જવા દઈએ. મહત્ત્વની બાબત છે રંગકર્મીઓને એક નવું, નોખું, અદ્યતન થિયેટર મળ્યું. આ માટે આપણે સૌ પરાગભાઈને હૃદયપૂર્વક અભિનંદન આપીએ. 

 
પાટકર સભાગૃહની હાલત ધોબીના કૂતરા જેવી છે. ન ઘરનું ન ઘાટનું. આઇએનટીનો ગઢ ગણાતા જયહિન્દ કૉલેજના થિયેટરને આઇએનટીએ ‘જયહિન્દ’ કરી દીધા પછી કોઈ હાથ નથી લગાડતું. એવું જ કે. સી. કૉલેજના થિયેટરનું છે. 

સમાપન

રંગભૂમિ પર 
હમ ચેહરે મેં એક નયા ચેહરા દેખતે હૈં 
હમ દુનિયા કો જરા ગેહરા દેખતે હૈં!

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

Whatsapp-channel Whatsapp-channel

21 September, 2022 05:09 PM IST | Mumbai | Pravin Solanki

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK