વયસ્ક લોકોમાં એવું કોઈ ભાગ્યે જ હશે જેમણે આ ગીત સાંભળ્યું ન હોય. ગાતાં ન આવડતું હોય છતાં ગાયું ન હોય. ૧૯૫૭માં રેડિયો પર બિનાકા ગીતમાલામાં એક વર્ષ સુધી ટોચના સ્થાને રહ્યું હતું.

પંડિત ભરત વ્યાસ
આ ગીત તમે સાંભળ્યું છે? વયસ્ક લોકોમાં એવું કોઈ ભાગ્યે જ હશે જેમણે આ ગીત સાંભળ્યું ન હોય. ગાતાં ન આવડતું હોય છતાં ગાયું ન હોય. ૧૯૫૭માં રેડિયો પર બિનાકા ગીતમાલામાં એક વર્ષ સુધી ટોચના સ્થાને રહ્યું હતું.
એ ગીત ‘જનમ જનમ કે ફેરે’નું છે. સંગીતકાર એસ. એન. ત્રિપાઠી, ગાયક લતાજી-મોહમ્મદ રફીસાહેબ, દિગ્દર્શક મનુ દેસાઈ (ગુજરાતી રંગભૂમિની પ્રસિદ્ધ અભિનેત્રી ઝંખના દેસાઈ ને ટીવી-પ્રોડ્યુસર શોભના દેસાઈના પિતા). મુખ્ય કલાકારોમાં નિરૂપા રૉય-મનહર દેસાઈ અને ગીતના રચયિતા પંડિત ભરત વ્યાસ.
આજની યુવાન પેઢીએ કદાચ પંડિત ભરત વ્યાસનું નામ નહીં સાંભળ્યું હોય, પણ તેમનાં રચેલાં ગીતો આબાલ-વૃદ્ધ સૌએ સાંભળ્યાં જ નહીં, માણ્યાં પણ હશે. દા.ત. ‘જ્યોત સે જ્યોત જલાતે ચલો, પ્રેમ કી ગંગા બહાતે ચલો’, ‘હરી હરી વસુંધરા પે નીલા નીલા યે ગગન’, ‘અય માલિક તેરે બંદે હમ’, ‘તેરે સૂર ઔર મેરે ગીત’, ‘આધા હૈ ચંદ્રમા રાત આધી’, ‘આ લૌટ કે આજા મેરે મીત’, ‘સારંગા તેરી યાદ મેં’, ‘હાં દીવાના હૂં મૈં’, ‘જીવન મેં પિયા તેરા સાથ રહે’, ‘યે માટી સભી કી કહાની કહેગી’, ‘તુ છૂપી હૈ કહાં... વગેરે વગેરે.
૧૯૫૦થી ૧૯૬૦ના દાયકામાં ભરત વ્યાસનાં ગીતોએ ધૂમ મચાવી હતી. સોહની, બહાર, મૈનપુરી અને યમન જેવા ચાર રાગોમાં ગવાયેલું ગીત ‘કુહુ કુહુ બોલે કોયલિયા’ તો સંગીતના દરેક કાર્યક્રમમાં આજે પણ પ્રેક્ષકોને ડોલાવે છે, તો ભજનના કાર્યક્રમમાં ‘જ્યોત સે જ્યોત જલાતે ચલો, પ્રેમ કી ગંગા બહાતે ચલો’નો સમાવેશ હોય જ. કમાલ તો ‘અય માલિક તેરે બંદે હમ’ ગીતે કરી. આ ગીત પ્રાર્થનાના પર્યાયરૂપે આજે પણ અનેક સમારંભોમાં ગવાય છે. એ તો ઠીક પણ એવી નોંધ મળે છે કે એ સમયે પાકિસ્તાનની શાળામાં દરરોજ આ ગીતથી જ શરૂઆત થતી હતી.
સંગીતનો મને બાળપણથી જ શોખ. ગીતો મારા એકાંતનું ધન છે, એકલતાનાં સાથી છે અને આત્માના આનંદનું સાધન છે. કેટલાય પ્રસિદ્ધ ગીતકારો-સંગીતકારોનું સાંનિધ્ય પામવા હું સદ્ભાગી રહ્યો છું. શાળાજીવન દરમ્યાન મારા સંગીતશિક્ષક કે. જી. ભગતસાહેબે મને પંડિત ઓમકારનાથજીની મુલાકાત કરાવી હતી. ભગતસાહેબ તેમના શિષ્ય હતા.
યુવાનીમાં શંકર-જયકિશનની જોડીના જયકિશન અને કલ્યાણજી-આણંદજી બેલડીના કલ્યાણજીભાઈ સાથે નાતો રહ્યો. કલ્યાણજીભાઈ સાથે ‘તહોમતનામું’ કાર્યક્રમ પણ કર્યો. મિત્ર અશોક ઠક્કરને કારણે સંગીતકાર ‘જયદેવ’ સાથે ઘરોબો કેળવાયો. મારા એક નાટકમાં તેમણે સંગીત પણ આપ્યું. મારાં નાટકોમાં સંગીત આપનાર બીજા સંગીતકારો એટલે સર્વશ્રી અજિતભાઈ મર્ચન્ટ, જેમને કારણે હું અને કાંતિ મડિયા જગજિત સિંહના પરિચયમાં આવ્યા, તો નાનાભાઈ ભટ્ટ (પ્રખ્યાત દિગ્દર્શક મહેશ ભટ્ટના પિતા)ને કારણે દિલીપભાઈ ધોળકિયાની ઓળખાણ થઈ, પછી મૈત્રીસંબંધ બંધાયો અને એ જ કારણે રજત ધોળકિયા સંપર્કમાં રહ્યા.
શ્રી પુરુષોત્તમ ઉપાધ્યાય, સોલી કાપડિયા, સુરેશ જોષી, ઉદય મઝુમદાર સાથે મૈત્રીભાવે અનેક મહેફિલો માણી. પુરુષોત્તમ ઉપાધ્યાયે તો કાંતિ મડિયા સાથે મેં કરેલાં ૨૬ નાટકોમાં સંગીત પીરસ્યું એ કદાચ એક રેકૉર્ડ હશે.
ખેર, આ બધી વાતો લખવાનો અર્થ એક જ છે કે લોકો મને માત્ર નાટ્યકાર તરીકે જ નહીં, સંગીતપ્રેમી તરીકે પણ ઓળખે છે અને એને કારણે જ વડોદરાના પત્રકાર-કલાકાર દીપક પ્રજાપતિએ એક ઇન્ટરવ્યુમાં મને પૂછ્યું, ‘ફિલ્મજગતમાં તમને કયા ગીતકારનાં ગીતો ગમે છે?’ ત્યારે મેં કહ્યું કે મારા ગમતા ગીતકાર ‘સાહિર લુધિયાનવી છે અને ગાવા માટે હું શૈલેન્દ્રનાં સરળ ગીતો પસંદ કરું, પણ સલામ હું પંડિત ભરત વ્યાસને કરું છું!’
પંડિત ભરત વ્યાસની રચનામાં શુદ્ધ સાહિત્યનાં દર્શન થાય છે, ભારતીય સંસ્કૃતિની પરંપરા જળવાય છે. રચનાના શબ્દો સ્વયંભૂ પ્રગટ થતા લાગે. ગીતમાં ઉપમા-વિશેષણો, કલ્પના અને જીવનની ફિલોસૉફી અનાયાસ વણાયેલી દેખાય. પ્રકૃતિવર્ણન તો અદ્ભુત.
દા.ત. ઃ
‘હરી હરી વસુંધરા પે નીલા નીલા યે ગગન
કે જિસપે બાદલોં કી પાલકી ઉડા રહા પવન
દિશાએં દેખો રંગ ભરી, ચમક રહી ઉમંગ ભરી
યે કિસને ફૂલ ફૂલ પે કિયા સિંગાર હૈ,
યે કૌન ચિત્રકાર હૈ, યે કૌન ચિત્રકાર...’
તપસ્વિયોં સી હૈં અટલ, યે પર્વતોં કી ચોટિયાં
યે સર્પ સી ઘૂમેરદાર, ઘેરદાર ઘાટિયાં
ધ્વજા સે યે ખડે હુએ હૈં વૃક્ષ દેવદાર કે
ગલીચે યે ગુલાબ કે, બગીચે યે બહાર કે
યે કિસ કવિ કી કલ્પના કા ચમત્કાર હૈ,
યે કૌન ચિત્રકાર હૈ...
કુદરત કી ઇસ પવિત્રતા કો તુમ નિહાર લો
ઇસકે ગુણોં કો અપને મન મેં તુમ ઉતાર લો
ચમકાઓ આજ લાલિમા, અપને લલાટ કી
કણ કણ સે ઝાંકતી તુમ્હેં, છબિ વિરાટ કી
અપની આંખ એક હૈ, ઉસકી હઝાર હૈ
યૈ કૌન ચિત્રકાર હૈ...’
ઈશ્વરની લીલાનો કેવો સરળ અને લયપૂર્વકના શબ્દોમાં ચિતાર?
ઈશ્વરની લીલા પર આવું જ એક ગીત કવિ પ્રદીપજીએ ‘મશાલ’ ફિલ્મ માટે લખ્યું હતું.
‘ઉપર ગગન વિશાલ, નીચે ગહરા પાતાલ
બીચ મેં ધરતી વાહ મેરે માલિક તૂને કિયા કમાલ.’
બન્ને ગીત અપ્રતિમ છે, પણ બારીકાઈથી નિરીક્ષણ કરશો તો થશે કે દ્વારિકા પણ સોનાની હતી અને લંકા પણ સોનાની હતી, છતાં સોના સોનામાં ફેર છે.
કવિ માત્ર કલ્પનાથી જ રચના નથી કરતા, કાળજાના ઘાને કલમથી પણ ચીતરે છે.
૧૯૫૦થી ૧૯૬૦નો દાયકો. ફિલ્મજગતમાં ગીતકાર પંડિત ભરત વ્યાસના નામના સિક્કા પડે. પ્રતિષ્ઠિત બૅનર્સ, મોટા-મોટા દિગ્દર્શકો, પ્રોડ્યુસરો ઇચ્છતા કે તેમની ફિલ્મનાં ગીતો ભરત વ્યાસ જ લખે. આવી નામના હોવા છતાં એકાએક ફિલ્મલાઇનમાંથી ‘ગુમ’ થઈ જાય છે. અચાનક તેમના જીવનમાં શૂન્યાવકાશ સર્જાય છે. હતાશા, નિરાશા ને દુર્દશા તેમને ઘેરી વળે છે. એવું તે શું બન્યું તેમના જીવનમાં? આવતા સપ્તાહે...