Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ના હું ગીરવી મુકાયો હતો કે ના હું હપ્તેથી વેચાયો હતો, બસ તેમણે ચૂપ રહેવા કહ્યું ને હું મૌનથી બંધાયેલો હતો

ના હું ગીરવી મુકાયો હતો કે ના હું હપ્તેથી વેચાયો હતો, બસ તેમણે ચૂપ રહેવા કહ્યું ને હું મૌનથી બંધાયેલો હતો

31 August, 2022 07:23 PM IST | Mumbai
Pravin Solanki | pravin.solanki@mid-day.com

રાવજી પટેલની વેદના-સંવેદના તેને ખુદને તો દઝાડે જ છે, સાથે વાચકને પણ દઝાડે છે. હૉસ્પિટલમાંથી રાવજી પટેલને થોડો સમય માટે જ્યારે બહાર નીકળવા મળે છે ત્યારે પણ માનસિક અસ્થિરતા, એકલતા એનો કેડો મૂકતી નહોતી.

પ્રતીકાત્મક તસવીર

માણસ એક રંગ અનેક

પ્રતીકાત્મક તસવીર


રાવજી ગીરવી પણ મુકાયો હતો ને હપ્તેથી પણ વેચાયો હતો, પણ ચૂપ ન રહી શક્યો. ક્યારેક કાળજાથી તો ક્યારેક કલામથી મોતના ઓથારને આલેખતો રહ્યો. મોતને માંડવે ગમની શહેનાઈ વગાડતો જ રહ્યો. ‘હુંશીલાલ’ નામના દીર્ઘ કાવ્યમાં પાત્રની સાથે પોતાની જાતને જોડી પોતાના મરસિયા ગાનારા આ કવિએ અલ્પ જીવનના મોટા ભાગના દિવસો મૃત્યુને શણગારવામાં જ ગાળ્યા હતા, એટલે જ તેઓ મૃત્યુના કવિ તરીકે ઓળખાય. ૨૯ વર્ષની વય સુધી તેમણે બહુ ઓછું લખ્યું, પણ જેટલું લખ્યું એમાં સ્વાનુભવની વેદનાને વૃંદાવન બનાવીને લખ્યું. 

રાવજીનો એકમાત્ર કાવ્યસંગ્રહ ‘અંગત’ તેમના મૃત્યુ પછી ત્રણ વર્ષે પ્રગટ થયો. ‘રાવજી પટેલનાં કાવ્યો’ રઘુવીર ચૌધરીસાહેબે સંપાદિત કરી પુસ્તકરૂપે પ્રગટ કર્યાં. ચૌધરીસાહેબ એ પુસ્તકમાં રાવજીના જીવન પર પ્રકાશ પાડતાં લખે છે, ‘ડૉક્ટરે જ્યારે પહેલી વખત કોઈ પણ જાતના સંકોચ રાખ્યા વગર કહ્યું કે તમે ૬ મહિનાથી વધુ નહીં જીવો ત્યારે રાવજીથી એ માની ન શકાય એમ નહોતું. હજી તો ઘણાં સપનાં પૂરાં કરવાનાં હતાં, એટલે થોડું જીવી લેવા આણંદના ક્ષય ચિકિત્સાલયમાં દાખલ થયા (ત્યાર પછી ૪ વર્ષ જીવ્યા). ૧૯૬૬માં ‘અશ્રુઘર’ નવલકથા લખી જે ગુજરાત સરકાર-પુરસ્કૃત નવલકથા બની. 



આ નવલકથાનો નાયક પણ ક્ષય રોગથી પીડાય છે. એ સમયે ક્ષય રોગ રાજરોગ ગણાતો, અસાધ્ય મનાતો. ક્ષયનું નામ પડે કે દરદી આજે જેમ કૅન્સરનું નામ પડતાં છળી મરે એમ જ છળી મરતા. ‘અશ્રુઘર’ પણ પોતાની વેદનાને વાચા આપવા માટે જ લખાયેલી હશે. 


રાવજીનાં લખાણમાં અને કાવ્યોમાં ગ્રામીણ જીવનનો ધબકાર અને મૃત્યુ વિશેનું સભાનપણું સતત જોવા મળે છે. ક્ષય સાથે ડાયાબિટીઝ પહેલેથી જ હોવાથી ફેફસાં-કિડનીને અસર થઈ. ઑપરેશન શક્ય નહોતું. રઘુવીર ચૌધરીસાહેબ આગળ લખે છે કે ‘પછી એક ખતરનાક વસ્તુ ઉમેરાઈ, માનસિક અસ્થિરતા. વૉર્ડમાં તેઓ કપડાં વગર દોડતા, તેમનો ખ્યાલ રાખતા સાથી-દરદીઓ પર પાણીનો કોગળો કરી તેમના પર થૂંકતા. 

આવી સ્થિતિનું કારણ સતત મનમાં ચાલતા મોતના વિચારો જ હશે. ખુદ રાવજી પટેલે જ લખ્યું છે કે ‘મને એમ થયું કે હું મરી ગયો છું, લોકોએ મને બાળી નાખ્યો છે, બળી ગયા પછી જગતના બધા કૉન્ટૅક્ટ્સ કપાઈ જાય છે. હું હું નથી રહેતો, તમે તમે નથી રહેતા. તમે મને ગાંડો કહેશો તો હું તમને ડાહ્યો સમજીશ, પરંતુ ડાહ્યા-ગાંડામાં એક જ ફરક પડવાનો છે કે હું સમજું છું એ (તમે) નથી સમજતા અને હું તમે જે સમજો છો એ નથી સમજતો. 


રાવજી પટેલની વેદના-સંવેદના તેને ખુદને તો દઝાડે જ છે, સાથે વાચકને પણ દઝાડે છે. હૉસ્પિટલમાંથી રાવજી પટેલને થોડો સમય માટે જ્યારે બહાર નીકળવા મળે છે ત્યારે પણ માનસિક અસ્થિરતા, એકલતા એનો કેડો મૂકતી નહોતી. શરીર સાવ ફિક્કું પડી ગયું હતું, ચહેરો ચીમળાઈ ગયો હતો. એ હાલતમાં પણ તેઓ લખે છે, ‘દેહમાં પુરાયેલું આ અસ્તિત્વ મને ગમતું નથી, મને કોઈ રાવજીથી ઓળખે એ પણ ગમતું નથી.’ 

‘મારી આંખે કંકુના સૂરજ...’ રાવજીના આ અમરગીત વિશે અસંખ્ય વિદ્વાનોએ પોતપોતાની રીતે અર્થઘટન કર્યું છે, પણ મારી દૃષ્ટિએ એ બધા જળ સુધી ગયા છે, તળ સુધી નહીં. એનું કારણ એ પણ છે કે એ સમયે રાવજીના મનમાં ઊર્મિઓનો જે પ્રચંડ આવેગ છે એ આવેગને પોતાના મનમાં જે છે એ વ્યક્ત કરવાનું સરસંધાન નથી સાધી શકતો. 

‘મારી આંખે કંકુના સૂરજ આથમ્યા 
મારી વેલ શંગારો વીરા સગ ને સંકોરો 
રે અજવાળા પહેરીને ઊભા છે શ્વાસ! મારી આંખે...
પીળા રે પાંદે લીલા ઘોડા ડૂબ્યા 
ડૂબ્યા અલકાતા રાજ, ડૂબ્યા મલકાતા રાજ 
રે હણહણતી મેં સાંભળી સુવાસ... મારી આંખે 
મને રોકે પડછાયો એક ચોકમાં 
અડધા બોલે ઝીલ્યો, અડધી ઝાંઝરથી ઝાલ્યો 
મને વાગે સજીવી હળવાશ! મારી આંખે...’

મને શ્રી રઘુવીર ચૌધરીએ કરેલું અર્થગઠન રાવજીની ઊર્મિના પ્રચંડ આવેગને સુપેરે વ્યક્ત કરતું લાગે છે. ૨૯ વર્ષની વયે અમરગઢના જીંથરી રુગ્ણાલયના ખાટલે આ ગીત લખાયું છે. મૃત્યુ સમયે સૌથી પહેલો વિચાર પત્નીનો આવે છે. પત્નીના સૌભાગ્યનું પ્રતીક ચાંદલો, સૂરજ જેવો ચાંદલો, પોતાનું મરણ થતાં જ પત્નીના કપાળમાં રહેલો સૂરજ જેવો ચાંદલો ભૂંસાતો નજરે પડે છે. કવિ લગ્નમાં થતી તૈયારીની જેમ મૃત્યુની તૈયારી કરવા કહે છે, ‘મારી વેલ શંગારો વીરા, સગને સંકોરો રે અજવાળા પહેરીને ઊભા છે શ્વાસ...’ આપણા લગ્નગીતમાં ને ‘વીરા’ અને ને ‘રે’નો ઉપયોગ જાણીતો છે. 

સૂરજ આથમે ત્યારે અંધારું થાય, પણ દેહ આથમે ત્યારે શ્વાસ અજવાળા પહેરીને ઊભા રહે છે. કવિ કહે છે, ‘પીળા રે પાંદે લીલા ઘોડા ડૂબ્યા, ડૂબ્યા અલકાતા રાજ, ડૂબ્યા મલકાતા રાજ. પીળાં પાંદડાં એ પાનખરનો રંગ અને લીલો રંગ ઇચ્છાઓનો, વસંતનો. ઘોડો એ શક્તિ-યુવાનીનું પ્રતીક છે. યુવાની એટલે અગણિત સપનાંઓ, બેલગામ ઘોડાની જેમ ડૂબી રહ્યાં છે, આયુષ્યની પાનખર આંગણે આવી ગઈ છે. હળહળતી સુવાસ સંભળાય છે. અહીં શ્રાવ્ય ઇન્દ્રિયોનું ઘ્રાણેન્દ્રિયોમાં રૂપાંતર થાય છે. 

સુવાસને કોઈ આકાર નથી હોતો. દેહ પણ નિરાકાર થઈ જવાનો છે અને આ બધી મથામણ વચ્ચે પત્નીનો પડછાયો કવિને રોકતો લાગે છે. અડધાં ઝાંઝર એટલે અધૂરા ઓરતા. કવિને ચોકમાં રોકતાં ભાસે છે. આમ અહીં કવિ એક વેદનામાંથી બીજી સંવેદનામાં ઢળતાં-ઢળતાં દેહ છોડીને હળવાશ અનુભવે છે. દરેક વિવેચકે ‘હળહળતી સુવાસ’ અને સજીવી હળવાશ માટે જુદાં-જુદાં અર્થઘટન કર્યાં છે. અહીં કોઈ તર્ક કે બુદ્ધિ કામ કરતી નથી. રાવજીની અસ્થિર માનસિક દશામાં પણ તેનું હૈયાવલોણું મૃત્યુ અને લગ્ન સમયે દીવાલ પર લાગેલા કંકુના થાપા કે પત્નીના કપાળનો કંકુના ચાંદલા વચ્ચે ઝોલાં ખાય છે. કવિને શું અભિપ્રેત છે એ તે પોતે જ જાણે છે. આપણે તો ફક્ત કલ્પના જ કરવાની. અસ્તુ. 

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

Whatsapp-channel Whatsapp-channel

31 August, 2022 07:23 PM IST | Mumbai | Pravin Solanki

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK