Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ગુજરાતી મારી ભાષા, વતન મારું ગુજરાત છે સંસ્કૃત જેની જનની, મા સરસ્વતી સોગાદ છે

ગુજરાતી મારી ભાષા, વતન મારું ગુજરાત છે સંસ્કૃત જેની જનની, મા સરસ્વતી સોગાદ છે

24 August, 2022 02:35 PM IST | Mumbai
Pravin Solanki | pravin.solanki@mid-day.com

અંગ્રેજી ‘એ’ ઍપલથી શરૂ થાય છે અને ‘ઝેડ’  ઝીબ્રા જાનવરથી પૂરું થાય છે.  ગુજરાતી એ ભાષા છે જે અનુભવના ‘અ’થી શરૂ થાય છે અને જ્ઞાનના ‘જ્ઞ’થી  પૂરી થાય છે.’

ગુજરાતી મારી ભાષા, વતન મારું ગુજરાત છે સંસ્કૃત જેની જનની, મા સરસ્વતી સોગાદ છે

માણસ એક રંગ અનેક

ગુજરાતી મારી ભાષા, વતન મારું ગુજરાત છે સંસ્કૃત જેની જનની, મા સરસ્વતી સોગાદ છે


બારગાઉએ ભલે બોલી બદલાતી બાપલિયા પણ હર બોલીમાં એક અખંડ ગુજરાત છે (પ્ર. સો.)

૨૪ ઑગસ્ટ! ગુજરાતી દિન. આજે ઠેર-ઠેર, શાળાએ-શાળાએ, સંસ્થાએ-સંસ્થાએ, ગુજરાતી અખબારો, સામયિકોના પાને-પાને ગુજરાતી ભાષા પર ચર્ચા થશે; નિબંધો વંચાશે, કવિતાઓ ગવાશે, પરંપરા જળવાશે. આયોજકોને ‘ભાષા’ માટે કંઈક કર્યું એનો સંતોષ થશે, નર્મદને યાદ કરાશે, મેઘાણીના રાસડા લેવાશે, નરસિંહ મહેતાનાં ભજન ગવાશે, પછી? પછી બધું પૂર્વવત્, યથાવત્ શાંત થઈ જશે. 



એક દિવસ તો એક દિવસ, ગુજરાતી ભાષાનાં ગુણગાન તો ગવાશે. એ બહાને નર્મદ, મેઘાણી અને નરસિંહ મહેતાને યાદ તો કરાશે. 
ક્યારેક એથી પણ આગળ વધ્યાનું મને યાદ છે. રમેશ પારેખ, કલાપિ, શયદા, અમૃત ઘાયલ, બરકત વીરાણી, ચિનુ મોદી ઉપરાંત ઉમાશંકર જોષી, સુંદરમ વગેરેને પણ કોઈ ને કોઈ કારણસર લોકોને યાદ આવી જાય છે. 
ગુજરાતી ભાષા દિન તો છે જ, પણ વર્ષમાં બે-ચાર દિવસ એવા પણ આવી જાય જ્યારે ઉપરોક્ત કવિને યાદ કરીને કાર્યક્રમ યોજાય છે અને ‘વકરો’ પણ કરી લેવાય છે. ત્યારે પણ વળી આપણે એ જ સંતોષ લેવાનો કે ચાલો, આ નિમિત્તે કવિને યાદ તો કરાય છે. 
આજે મારે વાત એવા સર્જક કવિની કરવી છે જે તેની ક્ષમતા હોવા છતાં ઉપેક્ષિત રહ્યો છે. સાહિત્યરસિકો સિવાય આમજનતા માટે તેનું નામ ગુમનામ રહ્યું છે. વાત એવા કવિની કરવી છે જેણે ગુજરાતી કવિતાને નવો આયામ આપ્યો, જેની ગળથૂથીમાં ગામની માટીની સુગંધ હતી, પ્રકૃતિ સાથે જીવ સમો લગાવ હતો, તેની કવિતામાં આવતા તળપદા શબ્દો કવિતાને નવો શણગાર આપતા હતા. 


જે જનપદમાં ઊછર્યો, નગર સંસ્કૃતિ તેને ક્યારેય રાશ ન’તી આવી. પંખી, જળ, ધારા, શેઢો, ખેતર, દખણાદી પરશાળ, લહલહ ડોલ્યો જતો ડાયરો, ઠાગાઠૈયા, ઢોલિયો, છોગા જેવા તળપદા શબ્દો તેની કવિતામાં સહજ હતા. યાદ આવ્યો એ કવિ? ન આવ્યો હોય તો તેની કેટલીક પંક્તિઓ પરથી અંદાજ લગાવો. ‘ઈશાની પવન મારા છાપરાને ઊંચું-નીચું કર્યા કરે’, ‘કાગળ પર ધ્રૂજે છે હાથ આંબાની ડાળ જેવો’, ‘હું તો ચુડેલની પીઠ જેવો પોલો’, ‘કાળજકૂણા કાંટા વાગ્યા’, ‘અમેરે અધવચ રણના વીરડા થોડા-થોડા ખારા રે છઈયે - ખાટા રે છઈયે....’
‘તમે રે તિલક રાજા રામના અમે વગડાના ચંદન કાષ્ઠ રે...’
‘રણની વચ્ચે લીલોતરી ને લીલોતરીમાં કાળો નાગ, જૂના ટેબલ પરનું નકશીકામ મારી કવિતાના અક્ષર બને એની વાટ જોઉં છું’, ‘મઘ મઘ મેષ જોઈ મેં રાતી’, ‘મખમલના જળમાં મધરાતે એક પરી ન્હાતી, મેષ જોઈ મેં રાતી...’ યાદ આવ્યું? અચ્છા હવે જો યાદ ન આવે તો સમજી લેજો તમે સાહિત્યરસિક નથી જ નથી. 

‘દેહમાં પુરાયેલું અસ્તિત્વ મને ગમતું નથી, 
મને કોઈ રાવજીથી ઓળખે એય હવે ગમતું નથી’ 


અથવા 
‘મારા રવજીએ અમોને કૂવે પાણી મોકલ્યાં 
 અમારે ન’તું જવું તોય તમે ધકેલ્યા’
કે 
‘મારી આંખે કંકુના સૂરજ આથમ્યા 
 મારી વેલ શણગારો, વીરા સગને સંકોરો 
રે અજવાળા પહેરીને ઊભા શ્વાસ...’ 
મને ખાતરી છે કે આ પંક્તિથી નામ હોઠે નહીં, પણ હૈયે પણ વાગ્યું જ હશે!!
 જી હા, રાવજી પટેલ!! હરીન્દ્ર દવેએ જેને ‘ગુજરાતી કાનાનો લીલો ટહુકો’ તરીકે ઓળખાવ્યા હતા. 
રાવજીની ઓળખાણ મને મારા લંગોટિયા મિત્ર મણિલાલ દેસાઈએ કરાવેલી, જે મણિલાલે મને કવિ બનાવવાના નિષ્ફળ પ્રયત્ન કર્યા હતા. રાવજી અને મણિલાલ બન્ને ખાસ મિત્રો. બન્ને વચ્ચે એક સમાનતા એ પણ હતી કે બન્ને ભરયુવાનીમાં કવિતાને અમર કરી અલવિદા કહી ગયા. મણિલાલને યાદ કરી તે લખે છે, 
‘મણિલાલ, તું કવિતા થઈને લયલોહ્યું દિલ ખોલ 
ડાંગરના ખેતરમાં તડકો થઈને તું પ્રગટેલો 
અષાઢના પહેલા વાદળનો રેલો 
પીળલાં બાવળનાં ફૂલ થઈને મારું શૈશવ ગાતો 
અંધારામાં ઊકલી પડતો 
કોયલનું ટોળું થઈ મારી આંખે ઢળતો 
અડતા-અડતામાં તું તડાક દઈને ઊઘડી પડતો તું મારી માટીનો જાયો, માટીના સ્તનમાં ક્યાં સંતાયો? મીઠા લયના સર્પ મણિધર ડસવાનું તું છોડ હું ક્યાં છું દુર્ભાગી માતા કે ફરી-ફરી મારા મનમાં જન્મી-જન્મી શ્વાસ છોડતો. 

અહીં મને રાવજીની સાથોસાથ મણિલાલ દેસાઈને યાદ કરતાં એટલા માટે રોકી નથી શકતો કે બન્નેના જીવન-કવનમાં ઘણું સામ્ય છે. બન્ને મૃત્યુના આભાસ-ઓછાયા હેઠળ જીવ્યા, બન્ને અલ્પ આયુષ્યના ધણી હતા. બન્નેની રચનાઓમાં નગરજીવન કરતાં ગામડાની માટીની સુગંધ વધારે અનુભવાતી. 

મણિલાલનો જન્મ ૧૯૩૯માં વલસાડ જિલ્લાના એક ગામમાં થયો હતો અને મૃત્યુ ૧૯૬૬માં અમદાવાદમાં. રાવજીનો જન્મ પણ ૧૯૩૯માં આણંદ જિલ્લાના ભાતપુર ગામમાં થયો અને મૃત્યુ ૧૯૬૮માં. મણિલાલનું શિક્ષણ ઘાટકોપરની વી. સી. ગુરુકુળ હાઈ સ્કૂલમાં થયું, જ્યાં હું પણ ભણ્યો હતો. હું નવમા ધોરણમાં હતો ત્યારે મણિલાલ ૧૧મા ધોરણમાં હતો. રાવજી પટેલનું પ્રાથમિક શિક્ષણ ડાકોરમાં અને પછી એસએસસી અમદાવાદમાં. આર્થિક પરિસ્થિતિને કારણે અભ્યાસ છોડવો પડ્યો. 
ખેર વાત તો રાવજીની જ કરવી છે. ‘મારી આંખે કંકુના સૂરજ આથમ્યા’ એ એક જ કવિતા લખી હોત તો પણ કવિ તરીકે તેને જરૂર પ્રતિષ્ઠા મળી હોત. આ અમર રચના અને તેના અંગત જીવન વિશે વિસ્તારથી આવતા સપ્તાહે. 

સમાપન

અંગ્રેજી ‘એ’ ઍપલથી શરૂ થાય છે અને ‘ઝેડ’  ઝીબ્રા જાનવરથી પૂરું થાય છે. 
ગુજરાતી એ ભાષા છે જે અનુભવના ‘અ’થી શરૂ થાય છે અને જ્ઞાનના ‘જ્ઞ’થી  પૂરી થાય છે.’

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

Whatsapp-channel Whatsapp-channel

24 August, 2022 02:35 PM IST | Mumbai | Pravin Solanki

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK