Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > વડા પ્રધાનનું બોલકું મૌન અને લાઉડસ્પીકરનો ઘોંઘાટ

વડા પ્રધાનનું બોલકું મૌન અને લાઉડસ્પીકરનો ઘોંઘાટ

08 May, 2022 06:31 PM IST | Mumbai
Raj Goswami

૧૦૦થી વધુ ભૂતપૂર્વ સનદી અધિકારીઓએ વડા પ્રધાનને એક પત્ર લખીને કહ્યું કે દેશના વિવિધ ભાગોમાં તાજેતરમાં કોમી હિંસાના બનાવોમાં તમારું મૌન અકળાવનારું છે અને તમે આ ‘નફરતની રાજનીતિ’ને અટકાવો એવી વિનંતી છે

રાજ ઠાકરે

સન્ડે-સરતાજ

રાજ ઠાકરે


આ અઠવાડિયે ત્રણ દિવસની યુરોપ-યાત્રામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી જર્મનીમાં એક કાર્યક્રમમાંથી બહાર નીકળી રહ્યા હતા ત્યારે અમુક (ભારતીય) મીડિયાવાળાઓએ તેમની સામે માઇક ધરી દઈને ફરિયાદ કરી કે ‘અમને અંદર નથી આવવા દીધા.’ તો વડા પ્રધાને ‘આશ્ચર્ય’ વ્યક્ત કરતાં કહ્યું, ‘ઓહ માય ગૉડ! મૈં ઇસકે બારે મેં બાત કરુંગા કિ યે કૈસે હો ગયા?’ તેમનો આ વિડિયો સોશ્યલ મીડિયા પર ખૂબ વાઇરલ થયો છે. જે લોકોને ખબર છે કે વડા પ્રધાનને પત્રકારોના માઇકનાં ‘નાળચાં’ ગમતાં નથી. તેમણે એ વિડિયોમાં બહુ મજાક-મશ્કરી કરી હતી. દિલીપ મંડલ નામના એક પત્રકારે વડા પ્રધાનને ટૅગ કરીને એમાં કમેન્ટ કરી હતી કે ‘પ્રધાનમંત્રી બનને કે બાદ નરેન્દ્ર મોદી કી યે પહલી પ્રેસ-કૉન્ફરન્સ થી. સાત સેકન્ડ તક ઉન્હોંને પત્રકારોં કે સવાલોં કે જવાબ દિએ. ઉન્હોંને ટેલિપ્રોમ્પ્ટર કા ઇસ્તેમાલ ભી નહીં કિયા. ઓહ માય ગૉડ!’

મજાકની વાત બાજુએ રાખીએ તો એ દિવસે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ પણ હતો. જર્મનીની રાજધાની બર્લિનમાં ભારત અને જર્મની વચ્ચે ૧૪ કરાર પર સહમતી થઈ હતી. એની જાહેરાત કરવા માટે વડા પ્રધાન અને જર્મન ચાન્સેલર શ્કોલ્ઝ પ્રેસ સામે ઉપસ્થિત હતા. રૉયટર સમાચાર સંસ્થાના સમાચાર મુજબ બન્ને પક્ષોએ સમજૂતીઓ વિશેનું નિવેદન વાંચ્યું, પરંતુ પ્રેસના કોઈ સવાલ ન લીધા.



વડા પ્રધાન પ્રેસ-કૉન્ફરન્સ નથી કરતા એ વાત હવે જૂની થઈ ગઈ છે. ૨૦૨૦માં ‘ઇન્ડિયા ટુડે’ મૅગેઝિને વડા પ્રધાનના કાર્યાલય (પીએમઓ) પાસે આરટીઆઇ કરીને જાણવા માગ્યું હતું કે અત્યાર સુધી વડા પ્રધાને કેટલી, ક્યાં અને ક્યારે પ્રેસ-કૉન્ફરન્સ યોજી છે, તો પીએમઓમાંથી જવાબ મળ્યો કે અમારી પાસે ‘ઑન રેકૉર્ડ’ આ માહિતી ઉપલબ્ધ નથી.


પ્રેસના સવાલના જવાબ આપવા કે ન આપવા એ તેમનો ‘અધિકાર’ હોઈ શકે (જોકે લોકોને એની પાછળનાં કારણો જાણવાનો હક છે), પરંતુ દેશને નુકસાન કરી રહેલી અમુક બાબતો વિશે પણ વડા પ્રધાન મૌન છે એ હકીકત સમજ બહારની છે. ગયા અઠવાડિયે ૧૦૦થી વધુ ભૂતપૂર્વ સનદી અધિકારીઓએ વડા પ્રધાનને એક પત્ર લખીને કહ્યું કે દેશના વિવિધ ભાગોમાં તાજેતરમાં કોમી હિંસાના બનાવોમાં તમારું મૌન અકળાવનારું છે અને તમે આ ‘નફરતની રાજનીતિ’ને અટકાવો એવી વિનંતી છે.

‘કૉન્સ્ટિટ્યુશનલ કન્ડકટ ગ્રુપ’ નામના બૅનર હેઠળ દિલ્હીના ભૂતપૂર્વ લેફ્ટનન્ટ ગવર્નર નજીબ જંગ, ભૂતપૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર શિવશંકર મેનન, ભૂતપૂર્વ વિદેશસચિવ સુજાથા સિંહ, ભૂતપૂર્વ ગૃહસચિવ જી. કે. પિલ્લઈ અને ડૉ. મનમોહન સિંહના ભૂતપૂર્વ મુખ્ય સચિવ ટી. કે. એ. નાયર સહિત ૧૦૮ અધિકારીઓએ લખ્યું હતું કે ભૂતપૂર્વ સિવિલ સર્વન્ટની રૂએ તેઓ આ સ્થિતિને આ પ્રકારના શબ્દોમાં વ્યક્ત કરવા નથી માગતા, પરંતુ જે રીતે બંધારણના માળખાને તોડવામાં આવી રહ્યું છે એ જોઈને બોલવા, ગુસ્સો અને પીડા વ્યક્ત કરવા માટે મજબૂર થવું પડ્યું છે. પાછલા અમુક મહિનાઓથી આસામ, દિલ્હી, ગુજરાત, હરિયાણા, કર્ણાટક, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ અને ખાસ કરીને બીજેપી જ્યાં સત્તામાં છે (દિલ્હી છોડીને) ત્યાં લઘુમતી સમુદાય અને ખાસ કરીને મુસ્લિમો વિરુદ્ધ નફરત જોવા મળી છે.


અધિકારીઓએ આગળ કહ્યું હતું કે બંધારણની ઐસી કી તૈસી કરીને જે થઈ રહ્યું છે એનાથી અમે પરેશાન છીએ. આટલા મોટા સામાજિક જોખમ સામે તમારું મૌન યોગ્ય નથી. ‘સબ કા સાથ, સબ કા વિકાસ, સબ કા વિશ્વાસ’ના તમારા વચનની યાદ આપવીને અમે તમને અપીલ કરીએ છીએ કે તમે તમારું મૌન તોડો અને આઝાદીના અમૃત મહોત્સવના આ વર્ષમાં તમે નફરતની આ રાજનીતિને બંધ કરવાનું આહવાન કરો.

પત્ર વિરુદ્ધ પત્ર
વડા પ્રધાને આ પત્રના જવાબમાં કશું કહેવાનું મુનાસીબ ન માન્યું; પરંતુ ૮ નિવૃત્ત જજ, ૯૭ નિવૃત્ત અધિકારીઓ અને ૯૨ સેવાનિવૃત્ત સશસ્ત્ર બળના અધિકારીઓએ વડા પ્રધાનને વળતો પત્ર લખીને કહ્યું કે કૉન્સ્ટિટ્યુશનલ કન્ડકટ ગ્રુપના પત્રનું અમે બિલકુલ સમર્થન કરતા નથી અને એ પત્ર એક એજન્ડા સાથે લખીને ખુદની તરફ ધ્યાન આકર્ષિત કરવાનો એક પ્રયાસ માત્ર છે. આ પત્ર મોદીવિરોધીઓનો છે. તેમને એવો વિશ્વાસ છે કે આ જનતાનો મત છે, જ્યારે જનતાનો મત તો વડા પ્રધાન મોદીની પાછળ છે.

બીજેપીએ પણ એ પત્રમાં વ્યક્ત કરવામાં આવેલી ચિંતાને ફેક ન્યુઝ ગણાવ્યા હતા. પક્ષના પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું કે ભૂતપૂર્વ અધિકારીઓએ ગેરમાહિતી ફેલાવવા અને દેશમાં અવિશ્વાસનું વાતાવરણ ઊભું કરવા માટે એ પત્ર લખ્યો હતો. પાત્રાએ એમ પણ કહ્યું કે મોદી સરકાર સકારાત્મક શાસન કરી રહી છે, જ્યારે ભૂતપૂર્વ અધિકારીઓનો આ સમૂહ નકારાત્મકતા ફેલાવવા ઇચ્છે છે.

હિન્દી પત્રકારત્વ જગતના વરિષ્ઠ સંપાદક શ્રવણ ગર્ગ એક જગ્યાએ કહે છે કે આ પત્ર લખ્યો ત્યારે સેવાનિવૃત્ત બ્યુરોક્રેટ્સને એવો ભ્રમ તો નહીં જ હોય કે વડા પ્રધાન તેમની વાત ધ્યાન પર લેશે. ગર્ગ લખે છે, ‘દેશના કામકાજમાં એક સમયે પ્રતિષ્ઠિત પદ પર રહેલા આ લોકોની ચિંતા પર વડા પ્રધાન ધ્યાન આપવા માગતા ન હોય તો એવું સમજવું જોઈએ કે એની પાછળ કોઈ મોટું કારણ અથવા અસમર્થતા છે અને જનતાએ એ જાણવાની જરૂર નથી.’

મજાની વાત એ છે કે બુધવારે હરિદ્વાર જિલ્લાના રુડકીમાં યોજાયેલી ધર્મસંસદમાં નફરતનાં ભાષણો થશે તો ઉત્તરાખંડના મુખ્ય સચિવને જવાબદાર ઠેરવવામાં આવશે એવી સુપ્રીમ કોર્ટની ચીમકી પછી હરિદ્વાર જિલ્લા મૅજિસ્ટ્રેટે કહ્યું કે વિસ્તારમાં ચાર કે એથી વધુ લોકોના ભેગા થવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને ગેરકાયદે કાર્યક્રમ કરવાનો પ્રયાસ કરતા ૩૫ લોકોને અટકમાં લેવામાં આવ્યા છે.

પાછલા કેટલાય સમયથી અલગ-અલગ ધર્મસંસદોમાં ભડકાઉ ભાષણો થઈ રહ્યાં છે અને એનાથી માહોલ બગડી રહ્યો છે.

ઠાકરે વિરુદ્ધ ઠાકરે
કંઈક એવી જ પરિસ્થિતિ મહારાષ્ટ્રમાં છે. બાળ ઠાકરેની શિવસેનાના વારસાની લડાઈમાં ‘નવનિર્માણ’ કરવા માટે અલગ પડેલા રાજ ઠાકરેએ આ વખતે મસ્જિદોનાં લાઉડસ્પીકર સામે હનુમાન ચાલીસા ગાવાનું આંદોલન શરૂ કરીને સરકારની ચિંતા વધારી દીધી છે. ચિંતાનું કારણ રાજકારણ નથી. એનું કારણ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ છે. રાજ ઠાકરે હોશિયારીથી કહે છે કે મસ્જિદો પર વાગતાં લાઉડસ્પીકરોનો મુદ્દો ધાર્મિક નથી, સામાજિક છે, પરંતુ સામાન્ય માણસને પણ સમજાય એવું છે કે નમાઝની અઝાન સામે હનુમાન ચાલીસાની ધૂન વાગે તો એનાથી આમ લોકોમાં શું પ્રતિભાવ પડે.

રાજ ઠાકરે તેમનું રાજકીય પ્રભુત્વ બતાવવા માટે ૨૦૦૬માં મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ની રચનાના સમયથી અલગ-અલગ મુદ્દાઓ પર આક્રમક રીતે બોલતા રહ્યા છે, પરંતુ એક મુશ્કેલી એ છે કે એનો રાજકીય ફાયદો તેમને મળ્યો નથી. વિધાનસભામાં તેમની એક જ બેઠક છે. એશિયાની સૌથી સમૃદ્ધ સુધરાઈ, બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં, ૨૦૧૭ની ચૂંટણીમાં મનસેને ૭ બેઠકો મળી હતી, પરંતુ એમાંથી ૬ કાઉન્સિલરો શિવસેનામાં જતા રહેતાં હવે એક જ બેઠક મનસે પાસે રહી છે. રાજ્યમાં અને બીએમસીમાં ઉદ્ધવ ઠાકરેની શિવસેનાનો દબદબો યથાવત્ છે. ત્યાં સુધી કે કેન્દ્ર સરકારનો સંપૂર્ણ ટેકો હોવા છતાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને વિધાનસભામાં વિપક્ષી નેતા દેવેન્દ્ર ફડણવીસ અનેક ઉધામા પછી પણ મહારાષ્ટ્ર વિકાસ આઘાડી સરકાર સામે મોરચો માંડી શક્યા નથી.

ગૉસિપ એવી થઈ રહી છે કે શિવસેનાએ એનો હિન્દુત્વનો એજન્ડા તડકે મૂક્યો એટલે એ જગ્યા ભરવા માટે રાજ ઠાકરેએ નમાઝમાં વાગતાં લાઉડસ્પીકર બાબતે ‘હાર્ડ સ્ટૅન્ડ’ અપનાવ્યું છે અને એને બીજેપીના છૂપા આશીર્વાદ છે. આ એક પ્રયોગ છે અને એનું પહેલું નિશાન બીએમસીની ચૂંટણી છે. એટલા માટે જ લાઉડસ્પીકર ઉતારી લેવાની ૩ મેની અંતિમ મહેતલ પછી ઠાકરેએ કહ્યું કે મસ્જિદો પર લાઉડસ્પીકર બંધ કરવાનું આંદોલન એક દિવસનું નહોતું, એ આગળ પણ ચાલતું રહેશે.

કેન્દ્રીય પ્રધાન અને મહારાષ્ટ્રના દલિત નેતા રામદાસ આઠવલે જોકે એમાં કોઈ રાજકીય લાભ જોતા નથી. ૩ મેએ પત્રકારો સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે ‘રાજ ઠાકરેએ આ જે મોરચો માંડ્યો છે એનાથી તેમને કોઈ રાજકીય લાભ નહીં થાય. સમય સમય પર તેઓ મોરચા માંડતા રહ્યા છે, પણ કશું વળ્યું નથી.’ આઠવલેએ ઠાકરેને સલાહ આપી હતી કે ‘આક્રમક અભિગમ’ અપનાવીને તમારે સમાજમાં ફૂટ પાડવી ન જોઈએ.’

Whatsapp-channel Whatsapp-channel

08 May, 2022 06:31 PM IST | Mumbai | Raj Goswami

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK