° °

આજનું ઇ-પેપર
Monday, 06 December, 2021


ઝિંદગી કી પિચ પર ઝરા સંભલકર ખેલના દોસ્તોં, સ્ટમ્પિંગ કરનેવાલા પાસ ખડા રહતા હૈ!!

24 November, 2021 02:47 PM IST | Mumbai | Pravin Solanki

એ પણ દીવા જેવી ચોખ્ખી વાત છે કે આપણી ટીમ જ્યારે જીતે ત્યારે  ઢોલ-નગારાં વગાડીને નાચીએ છીએ અને હારે ત્યારે છાજિયા લઈએ છીએ. આ પણ દરેક દેશના પ્રેક્ષકો માટે સહજ છે. કોઈ અપવાદ નથી.

ઝિંદગી કી પિચ પર ઝરા સંભલકર ખેલના દોસ્તોં, ક્યોં કિ સ્ટમ્પિંગ કરનેવાલા સબસે પાસ હી ખડા રહતા હૈ!!

ઝિંદગી કી પિચ પર ઝરા સંભલકર ખેલના દોસ્તોં, ક્યોં કિ સ્ટમ્પિંગ કરનેવાલા સબસે પાસ હી ખડા રહતા હૈ!!

ટી૨૦ વર્લ્ડ કપની પુર્ણાહુતિ થઈ ગઈ. ઑસ્ટ્રેલિયા જીત્યું, ન્યુ ઝીલૅન્ડ હાર્યું! એ દિવસે  ફાઇનલ જોવાનો ખાસ ઉત્સાહ ભારતમાં દેખાયો નહીં. એના કરતાં વધારે ઉત્સાહ સેમી ફાઇનલ જોવામાં દેખાયો, કારણ કે મૅચ ઑસ્ટ્રેલિયા-પાકિસ્તાન વચ્ચે હતી. મેં ખાસ નોંધ્યું કે  મેદાનમાં ભારતીય પ્રેક્ષકો ઑસ્ટ્રેલિયાને વધારે પ્રોત્સાહિત કરતા હતા. ભારતમાં ટીવી પર મૅચ જોનારા કેટલાક દર્શકો પણ પાકિસ્તાનનો પરાજય ઝંખતા હતા. આ માનસિકતા ક્રિકેટ તો નથી  જ. દુર્ભાગ્યની વાત એ છે કે લગભગ દરેક દેશના પ્રેક્ષકોની માનસિકતા આવી જ હોય છે.
ભારત ટી૨૦ વર્લ્ડ કપમાંથી બહાર ફેંકાઈ ગયું. હાર્યા એના કરતાં જે રીતે હાર્યા એનો વધારે ગમ હતો. બાકી હાર-જીત તો રમતનો એક ભાગ છે. બે ટીમમાંથી એક જ ટીમ જીતે એ દીવા જેવી સ્પષ્ટ વાત છે. એ પણ દીવા જેવી ચોખ્ખી વાત છે કે આપણી ટીમ જ્યારે જીતે ત્યારે  ઢોલ-નગારાં વગાડીને નાચીએ છીએ અને હારે ત્યારે છાજિયા લઈએ છીએ. આ પણ દરેક દેશના પ્રેક્ષકો માટે સહજ છે. કોઈ અપવાદ નથી. 
 મૂળ વાત એ છે કે સ્પર્ધાનું વ્યાકરણ આપણે બરાબર સમજતા નથી. સ્પર્ધા એટલે બે સમાન   ટીમ વચ્ચેનો મુકાબલો જ નહીં, સ્પર્ધા બે બળિયા ટીમ વચ્ચે પણ હોય, એક નબળી અને એક  બળવાન ટીમ વચ્ચે પણ હોય અને બે નબળી ટીમ વચ્ચે પણ હોઈ શકે. ટીમ કોઈ પણ હોય, પરંતુ સ્પર્ધાના દિવસે જે ટીમ પોતાનું શ્રેષ્ઠ પ્રદાન આપે કે આપી શકે એ જ ટીમ જીતે. વ્યક્તિગત રીતે પ્લેયર ગમે એટલા મહાન હોય, પણ સ્પર્ધાના દિવસે જો ઊણા ઊતરે તો  આખી ટીમનું પતન જ નોતરે. એટલે જ આપણે ઘણી વાર કહીએ છીએ કે દશેરાને દિવસે જ ઘોડો દોડ્યો નહીં. 
ભારતમાં ક્રિકેટ એ સૌથી લોકપ્રિય રમત છે. એ પછી નંબર આવે છે ઇંગ્લૅન્ડનો. ઇંગ્લૅન્ડના પ્રેક્ષકોની ઘેલછા જોઈને જ્યૉર્જ બર્નાર્ડ શૉએ કહેલું એક વાક્ય યાદ આવે છે, ‘ટ્વેન્ટી-ટૂ ફૂલ્સ આર પ્લેયિંગ ઍન્ડ થાઉઝન્ડ્સ આર વૉચિંગ.’ આવા મૂર્ખાઓમાંનો હું પણ એક હતો : થોડે ઘણે અંશે આજે પણ છું અને એટલે જ આ લખતાં મારી સામે ભૂતકાળ તરવરી રહ્યો છે. વિનુ માંકડની ૧૦૦મી વિકેટના સાક્ષી હોવાનું સદ્ભાગ્ય મને સાંપડ્યું છે. વિજય મર્ચન્ટની કૉમેન્ટરી  સાંભળવાનો લહાવો મને મળ્યો છે. તેમની કૉમેન્ટરી પર લોકો ફિદા હતા. મિમિક્રી કલાકારો  વિજય મર્ચન્ટની કૉમેન્ટરીની નકલ કરીને તાળીઓ મેળવતા. બહુ નજીકના ભૂતકાળમાં ગાવસકર કે તેન્ડુલકર આઉટ થતા એટલે પ્રેક્ષકોમાં કોઈ નજીકના સંબંધીનું મૃત્યુ થયું હોય એવો શોક પ્રસરી જતો. એ જ પ્રમાણે અમારી જુવાનીના દિવસોમાં પોલી ઉમરીગર, વિજય માંજરેકર, નરી કૉન્ટ્રૅક્ટર કે ચંદુ બોર્ડે આઉટ થતા ત્યારે આવો જ માતમ છવાઈ જતો. 
 ચંદ્રશેખર, બિશન સિંહ બેદી, સુભાષ ગુપ્તે કે પ્રસન્ના બોલિંગ કરવા આવતા ત્યારે મેદાનમાં  ચિચિયારી ગુંજી ઊઠતી, તો સલીમ દુરાની બૅટિંગમાં આવે એટલે પ્રેક્ષકો ઊભા થઈને ‘સિક્સર  સિક્સર’ના નાદથી  સ્ટેડિયમ ગજાવી  મૂકતા. એ જમાનામાં સિક્સર મારવી એ બહુ મોટી વાત  ગણાતી અને દુરાની ઑન ડિમાન્ડ સિક્સર મારવામાં માહેર ગણાતો. 
 આજે પણ મને સૌથી વધારે કૌતુક બાપુ નાડકર્ણીનું થાય છે. આ ડાબેરી સ્પિનર રન આપવામાં  સૌથી કંજૂસ ગણાતો. ઇંગ્લૅન્ડ સામે એક વાર તેણે સતત ૨૧ ઓવર મેઇડન નાખી હતી, જે ટેસ્ટ ક્રિકેટનો રેકૉર્ડ આજે પણ કાયમ છે. એક વખત તો તેણે કુલ ૩૨ ઓવરમાં ૨૭ મેઇડન નાખીને માત્ર પાંચ જ રન આપ્યા હતા. ન માની શકાય એવા આ આંકડા હકીકત છે. 
 ક્રિકેટ વિશેનાં ઘણાંબધાં સંભારણાં છે. આણંદજી ડોસા, સુરેશ સરૈયા, સુશીલ દોશી સાથે  બેસીને વાત કરવાનો મોકો મને મળ્યો છે; તો વિનુ માંકડના ગ્રાન્ટ રોડમાં આવેલા પન્નાલાલ ટેરેસમાં મળવાનું નસીબ પણ મને પ્રાપ્ત થયું છે. ખેર, એ વિશે ફરી કોઈક વાર. 
 સૌથી વધારે આનંદ-રમૂજ મને મૅચ પતી ગયા પછી હારેલી ટીમનો કોચ અથવા કૅપ્ટન વિશ્લેષણ કરે છે ત્યારે મળે છે. એનાં એ જ બીબાઢાળ, તકિયાકલામ જેવાં વાહિયાત કારણો;  ‘અમે વીસેક રન ઓછા કર્યા, અમારા બોલરો નિષ્ફળ રહ્યા, અમારા બૅટ્સમેનો તેમની ક્ષમતા મુજબ રમ્યા નહીં, અમે કૅચ છોડ્યા એનું પરિણામ ભોગવવું પડ્યું, અમને અમારી ભૂલમાંથી ઘણુંબધું શીખવા મળ્યું છે, ભવિષ્યમાં ભૂલ સુધારી લઈશું.’ એ ભવિષ્ય તો ક્યારેય આવે જ નહીં  અને ભૂલોની પરંપરા તો ચાલુ જ રહે!
 ફીલ્ડિંગ, બૅટિંગ, બોલિંગ એ તો ક્રિકેટના ત્રણ મુખ્ય પાયા છે. એમાં જો ઊણા ઊતરો તો હાર થાય જ એમાં નવાઈ શું? અમદાવાદની એક પ્રચલિત રમૂજ છે... એક ગ્રાહકે દુકાનદારને  ફરિયાદ કરી કે ‘સાહેબ, ત્રણ મહિના પહેલાં તમારે ત્યાંથી લીધેલી ખુરસીઓ તૂટી ગઈ છે.’ દુકાનદારે કહ્યું, ‘બને જ નહીં, જરૂર એના પર કોઈક બેઠું હશે!’ લ્યો બોલો! ખુરસી બેસવા માટે જ હોય છે એમ ક્રિકેટ બોલિંગ, બૅટિંગ ને ફીલ્ડિંગ કરવા માટે જ હોય છે. 
સમાપન 
જીવન ક્રિકેટ છે. સંસાર એ ગ્રાઉન્ડ છે, પિચ એ મર્યાદા છે, મન, વચન, કર્મ એ ત્રણ સ્ટમ્પ્સ  છે. આપણે બૅટ્સમૅન અને સામા છેડે જીવનસાથી બીજો બૅટ્સમૅન છે. બે હૅન્ડ-ગ્લવ્ઝ એ વિનય અને વિવેક છે. બે બૅટ્સમૅન વચ્ચે જેટલી સારી સમજદારી એટલી રમત લાંબી ચાલે. બોલર આપણો વિરોધી છે. એક ઓવરના ૬ બૉલ એટલે કામ, ક્રોધ, લોભ, મોહ, માયા ને મત્સર. સમાજના શત્રુઓ એટલે ફીલ્ડરો - આપણી દરેક હિલચાલ પર નજર રાખે છે અને આઉટ કરવાના પ્રયત્ન કરે છે. વિકેટ ઉપર બે બેલ્સ એટલે દિલ અને દિમાગ. ખોટી રમત રમતાં એ ઊડી પણ જાય. સાકર એટલે આપણાં સત્કાર્યો! કોઈ સારું રમીને આઉટ થાય તો કોઈ ખરાબ. રનઆઉટ એટલે અકાળ મૃત્યુ કે આપઘાત. 
બૅટ્સમૅન ઊંચા ગોળા ચગાવે તો 
કૅચ પકડી લેવાય. જીવનમાં મોટા ગપગોળા કે બડાઈ મારવાથી કૅચ પકડાઈ જાય. પ્રેક્ષકો એટલે આપણો સમાજ. સારું રમશો તો તાળીઓ પાડશે, ખરાબ રમશો તો ગાળો 
ભાંડશે. 
    રમો તો ખેલદિલીથી રમો, 
     રમવું જરૂરી છે, 
   હાર-જીત તો વારાફરતી છે.

વ્યક્તિગત રીતે પ્લેયર ગમે એટલા મહાન હોય, પણ સ્પર્ધાના દિવસે જો ઊણા ઊતરે તો  આખી ટીમનું પતન જ નોતરે. એટલે જ આપણે ઘણી વાર કહીએ છીએ કે દશેરાને દિવસે જ ઘોડો દોડ્યો નહીં.

24 November, 2021 02:47 PM IST | Mumbai | Pravin Solanki

અન્ય લેખો

એકબીજાથી ચડિયાતા હોવાના દાવા-પ્રતિદાવા જ લોકોને દૂર કરવાનું કામ કરે છે

એક વાત યાદ રાખજો કે પ્રચાર જરૂરી છે, પણ બીજાના દુષ્પ્રચાર સાથે આગળ વધવું અયોગ્ય છે

05 December, 2021 07:51 IST | Mumbai | Manoj Joshi

૮૦૦૦ મીટરથી ઊંચાં ૧૪શિખરો ૬ મહિના અને છ દિવસમાં સર

અદ્ભુત, અસંભવ અને અકલ્પનીય લાગે એવી આ સિદ્ધિ છે નેપાલના નિર્મલ પુરજાની. આ જાંબાઝનું સાહસ કઈ રીતે પૉસિબલ બન્યું એની ડૉક્યુ ફિલ્મ ‘૧૪ પીક્સ : નથિંગ ઇઝ ઇમ્પૉસિબલ’ આવી છે. સપનાં જોવાની હામ ધરાવતા દરેકે ૩૮ વર્ષના આ યુવકની જિંદગીમાંથી શીખવા જેવું છે

05 December, 2021 07:49 IST | Mumbai | Aashutosh Desai

મહિલાઓ દ્વારા ચાલતું આ પ્રિન્ટિંગ પ્રેસ વર્ષેદહાડે કરે છે બે કરોડનું ટર્નઓવર

ઉત્તર ગુજરાતના વીસનગરમાં મહિલા દ્વારા સ્થપાયેલા અને મહિલાઓ દ્વારા જ ચાલતા પ્રિન્ટિંગ પ્રેસે પુરુષોના વર્ચસવાળા ફીલ્ડમાં પણ પોતાનું આગવું સ્થાન બનાવ્યું છે. ઓછું ભણેલી અને બિનઅનુભવી સ્ત્રીઓ પણ જો સાથે મળીને કંઈક કરવા ધારે તો શું થઈ શકે?!

05 December, 2021 07:41 IST | Mumbai | Shailesh Nayak

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK