° °

આજનું ઇ-પેપર
Monday, 12 April, 2021

ત્વચાને કુદરતી રીતે હાઇડ્રેટ કરવી હોય તો પેટ્રોલિયમ જેલી કાફી હૈ

29 December, 2020 03:44 PM IST | Mumbai | Sejal Patel

ત્વચાને કુદરતી રીતે હાઇડ્રેટ કરવી હોય તો પેટ્રોલિયમ જેલી કાફી હૈ

ખીલ થતા હોય તો આ તમારા માટે નથી - આ બધી જ રીતે સારી, સરળ, સસ્તી ચીજ છે પણ જો તમને ખીલ થવાની સમસ્યા રહેતી હોય તો પેટ્રોલિયમ જેલી વાપરવી ન જોઈએ. એનાથી ત્વચાના પોર્સ ક્લૉગ થઈને ખીલ થવાનું પ્રમાણ વધે છે. (પ્રતીકાત્મક તસવીર)

ખીલ થતા હોય તો આ તમારા માટે નથી - આ બધી જ રીતે સારી, સરળ, સસ્તી ચીજ છે પણ જો તમને ખીલ થવાની સમસ્યા રહેતી હોય તો પેટ્રોલિયમ જેલી વાપરવી ન જોઈએ. એનાથી ત્વચાના પોર્સ ક્લૉગ થઈને ખીલ થવાનું પ્રમાણ વધે છે. (પ્રતીકાત્મક તસવીર)

શિયાળામાં સૂકી ત્વચાને મૉઇશ્ચરાઇઝ કરવા માટે ભારેખમ અને મોંઘાદાટ મૉઇશ્ચરાઇઝિંગ ક્રીમ્સ ખરીદવાની કોઈ જરૂર નથી. વૅક્સ જેવું દેખાતું વાઇટ સૉફ્ટ પેટ્રોલિયમ ડ્રાય અને ડલ સ્કિનને પૉકેટને પરવડે એવા ભાવમાં મસ્ત ગ્લોઇંગ બનાવી શકે છે. ખૂબ હાથવગું અને સસ્તું હોવા છતાં આપણે એની ઉપયોગિતા બાબતે ખૂબ ઉદાસીન રહ્યા છીએ ત્યારે નિષ્ણાત પાસેથી જાણીએ આ જેલીના ઝટપટ ફાયદા શું છે અને એ વાપરવામાં શું કાળજી રાખવી...

ઠંડી પડવાની શરૂ થાય એટલે સ્કિન ડ્રાયનેસની સમસ્યા વધે. ઉપરની ત્વચાનું આવરણ મૉઇશ્ચરના અભાવે ડ્રાય થઈને પોપડી થઈ જાય. અલબત્ત, આ સમસ્યા જ્યાં અતિશય ઠંડી પડે છે ત્યાં જ હોય છે, મુંબઈ જેવા આછી ગુલાબી ઠંડી ધરાવતા વિસ્તારોમાં સ્કિનને ડ્રાયનેસથી બચાવવાનું કામ ઘણું જ આસાન છે. સ્કિનને હાઇડ્રેટેડ રાખવા માટે નહાયા પછી ત્વચા પર મૉઇશ્ચરાઇઝર લગાવવાની અને અને સૂતાં પહેલાં રાતે ત્વચા પર નાઇટ-ક્રીમ લગાવવાની આદત ત્વચાને ઘણેઅંશે હેલ્ધી રાખી શકે છે. જો તમે હૉલીવુડ ઍક્ટ્રેસ મૅરિલિન મનરો જેવી બ્યુટી ચાહતા હો તો એ માટે કોઈ જ મોંઘી બ્યુટી-પ્રોડક્ટ્સની જરૂર નથી. એવું કહેવાય છે કે મૅરિલિન પોતાની ત્વચાને સૉફ્ટ રાખવા માટે રાતે સૂતાં પહેલાં ચહેરા અને હાથ-પગ પર સરસ રીતે પેટ્રોલિયમ જેલીનું કોટિંગ કરતી હતી. આ જ તેની ચમકીલી ત્વચાનું રહસ્ય હતું. જોકે આપણે મોટા ભાગે હોઠ માટે અથવા તો પગમાં પડેલા વાઢિયા માટે જ પેટ્રોલિયમ જેલીનો ઉપયોગ કરીએ છીએ. બૉડીની બાકી ત્વચાને સૉફ્ટ રાખવા માટે આપણે ઇમોલિયન્ટ મૉઇશ્ચરાઇઝર્સ વાપરીએ છીએ. આ મૉઇશ્ચરાઇઝર્સમાં રહેલાં કેમિકલ્સ ઉપરની ત્વચાને સૉફ્ટ બનાવવાનું કામ કરે છે. જોકે પેટ્રોલિયમ જેલી એની સરખામણીમાં ખૂબ સસ્તી, ટકાઉ અને નૅચરલી ત્વચાને મૉઇશ્ચ રાખવાનું કામ કરે છે.

પેટ્રોલિયમ જેલી છે શું?

સ્કિન-કૅર માટે ઑક્લુઝિવ, ઇમોલિયન્ટ, હાઇડ્રો-ઇમોલિયન્ટ એમ વિવિધ પ્રકારનાં મૉઇશ્ચરાઇઝર્સ આવે છે. કેટલાંક જેલ બેઝ્ડ હોય, કેટલાંક ક્રીમ બેઝ્ડ હોય તો કેટલાંક વૉટર બેઝ્ડ. સફેદ રંગની વૅક્સ જેવી દેખાતી પેટ્રોલિયમ જેલી શું છે અને એનાથી ત્વચા પર કેવી પ્રોસેસ થાય છે એ વિશે સમજાવતાં મલાડનાં ડર્મેટોલૉજિસ્ટ અને ડર્મેટોસર્જ્યન ડૉ. મહિમા જૈન કહે છે, ‘ત્વચામાં પૂરતું મૉઇશ્ચર ટકે તો જ એ સ્વસ્થ અને ગ્લોઇંગ દેખાઈ શકે છે. ત્વચા આપમેળે હીલ થાય એ માટે પણ એમાં પૂરતું હાઇડ્રેશન હોવું જરૂરી છે. પેટ્રોલિયમ જેલી એ ઑક્લુઝિવ મૉઇશ્ચરાઇઝર છે. આ એક પ્રકારના મિનરલ ઑઇલ્સનું મિશ્રણ છે. હજી વધુ એના કેમિકલ કમ્પોઝિશનમાં ઊંડાં ઊતરીએ તો એ ચોક્કસ હાઇડ્રોકાર્બન્સનું મિશ્રણ છે. ઑક્લુઝિવ હોવાથી ત્વચા પર લગાવવાથી એક પરત જેવું બની જાય છે. આ પરત ત્વચાના ઉપરના આવરણને લૉક કરી દે છે. પેટ્રોલિયમ જેલીમાં ઑક્યુલન્ટ ગુણ હોવાથી ત્વચાની અંદર રહેલું મૉઇશ્ચર ઊડી જતું અટકે છે. શરીરમાં પૂરતું હાઇડ્રેશન હોય તો આપમેળે ત્વચાની અંદર હાઇડ્રેશન રહે છે અને ત્વચા આપમેળે સૉફ્ટ બને છે. બીજી તરફ બાહ્ય પૉલ્યુટન્ટ્સ અને ધૂળ ત્વચાના પોર્સમાં ઊતરતાં અટકે છે.’

ઇન્સ્ટન્ટ નહીં, લાંબી અસર

ક્રીમ કે મૉઇશ્ચરાઇઝર હોય તો એ તરત જ ત્વચામાં ઍબ્ઝૉર્બ થઈને ઇન્સ્ટન્ટ સ્મૂધનેસ આપે છે, પણ જેવું ક્રીમ જતું રહે એટલે થોડી જ વારમાં ફરી ડ્રાયનેસ ફીલ થવા લાગે છે. જ્યારે પેટ્રોલિયમ જેલી લગાવવાથી ઇન્સ્ટન્ટ અસર નથી મળતી, પણ ત્વચાને કુદરતી રીતે મૉઇશ્ચરવાળી રાખે છે. ક્યાં એનો ઉપયોગ બેસ્ટ રિઝલ્ટ આપે છે એ વિશે ડૉ. મહિમા કહે છે, ‘આંખોની આજુબાજુ જ્યાંની ત્વચા ખૂબ પાતળી અને પ્રોટેક્ટ કરી રાખવી પડે એમ હોય ત્યાં પેટ્રોલિયમ જેલી બેસ્ટ કામ આપે છે. હાથ-પગમાં જ્યાં સૌથી વધુ ડ્રાયનેસ મહેસૂસ થતી હોય છે એમાં પણ ઑક્લુઝિવ મૉઇશ્ચરાઇઝર બેસ્ટ છે. સૉરાયટિક ડિસીઝને કારણે ડ્રાય અને ઇચી પૅચ ત્વચા પર થયા હોય તો ત્યાં પણ પેટ્રોલિયમ જેલી લગાવવાથી ત્વચા સૉફ્ટ અને સ્મૂધ બને છે. ક્યાંક પણ તમને માર વાગ્યો છે, કાપો પડ્યો છે, બહુ ઊંડો નહીં એવો ઘા થયો છે તો એની પર પણ પેટ્રોલિયમ જેલી લગાવી શકાય. એનાથી ઘા પર એક લેયર લાગી જાય છે અને ત્વચાની અંદરના લેયર્સની હીલિંગ પ્રોસેસ ઝડપી બને છે. આ જ કારણોસર ક્રૅક્ડ લિપ્સ પર પણ એ સારું છે. બાળકોની ત્વચા પર પણ એ લગાવી શકાય છે અને ખાસ કરીને બાળકોને ડાયપરને લીધે રૅશિસ થયા હોય ત્યાં વાપરી શકાય. હવે એ માટે ખાસ વધુ ઇફેક્ટિવ ક્રીમ્સ આવ્યાં છે, પણ મોંઘી ચીજો પરવડે એમ ન હોય તો પેટ્રોલિયમ જેલીથી થોડીક મોડી પણ રાહત જરૂર મળે છે.’

લુબ્રિકેશન અને ચમક માટે

મેડિકલ ભાષામાં સૉફ્ટ પૅરાફિન અને વાઇટ સૉફ્ટ પેટ્રોલિયમ તરીકે જાણીતું આ વૅક્સ ત્વચા ઉપરાંત વાળ પર તેમ જ અન્ય લુબ્રિકન્ટ તરીકે પણ વાપરી શકાય છે એમ જણાવતાં ડૉ. મહિમા કહે છે, ‘વાળને કન્ડિશનિંગની જરૂર હોય છે જે પેટ્રોલિયમ જેલી પૂરું પાડી નથી શકતી. ડ્રાય સ્કૅલ્પ અથવા તો ડલ અને ફ્રિઝી હેરની સમસ્યા હોય તો એ વાળને ઇન્સ્ટન્ટ ગ્લોઇંગ લુક આપવાના કામમાં આવી શકે છે. વટાણાની સાઇઝ જેટલી જેલી લઈને હાથમાં ચોળીને એને વાળમાં લગાવી દેવાથી વાળ પર પણ એક પરત ચડે છે. યાદ રહે, માત્ર વાળ પર જ લગાવવાનું છે સ્કૅલ્પ પર નહીં. સ્પ્લિટ હેરને તાત્પૂરતું કૉસ્મેટિકલ ઢાંકવાનું કામ પણ આ જેલી કરી શકે છે. બીજું, મેનોપૉઝ પછી સ્ત્રીઓને વજાઇનલ ડ્રાયનેસ અને ઇચિંગની તકલીફ થતી હોય છે એમાં પણ પેટ્રોલિયમ જેલી વાપરી શકાય. બને ત્યાં સુધી આઉટર એરિયામાં જ એનો ઉપયોગ કરવો જોઈએ.’

નવો બ્યુટી ટ્રેન્ડ, સ્લૉગિંગ

અમેરિકાની મૅકગિલ યુનિવર્સિટીની ક્લિનિકલ કૉસ્મેટિક કેમિસ્ટ શાર્લટ પલર્મિનોનું કહેવું છે કે પેટ્રોલિયમ જેલીનો જો વાઇઝલી ઉપયોગ કરવામાં આવે તો એ ત્વચાને નૅચરલી હીલ થવા પ્રરે છે અને ચમકીલી અને સ્વસ્થ ત્વચા બને છે. શાર્લટે પબ્લિશ કરેલા પેટ્રોલિયમ જેલીના ડૉક્યુમેન્ટેશનમાં મૅરિલિન મનરોનો ઉલ્લેખ છે. એમાં જણાવ્યા મુજબ મૅરિલિન દરરોજ રાતે સૂતાં પહેલાં છેલ્લું કામ ચહેરા પર પેટ્રોલિયમ જેલીની પરત લગાવવાનું કરતી હતી. રોજ રાતે તે હાથ અને પગને ગરમ પાણીથી સાફ કરીને પેટ્રોલિયમ જેલી લગાવીને સાફ કૉટનનાં સૉક્સ પહેરી લેતી હતી.

રાતે પેટ્રોલિયમ જેલીનો આ રીતે ઉપયોગ કરવાને હાલમાં સ્લૉગિંગ સ્કિન-કૅર ગણવામાં આવે છે. એનું કારણ એ છે કે એનાથી ત્વચાની એજિંગ પ્રોસેસ સ્લો થાય છે. ત્વચામાં પૂરતું મૉઇશ્ચર જળવાઈ રહે તો આપમેળે ત્વચા સ્વસ્થ અને ચમકીલી બને છે અને એટલે જ રાતના સમયે જો ત્વચા પર વાઇટ સૉફ્ટ પેટ્રોલિયમનું આવરણ લગાવી દીધું હોય તો એનાથી ત્વચાને આખી રાત મસ્ત મૉઇશ્ચર મળે છે.

29 December, 2020 03:44 PM IST | Mumbai | Sejal Patel

અન્ય લેખો

ઓહ, સૉરી... બસ, એમ કહી અમિતાભ બહાર નીકળી જાય

ઓહ, સૉરી... બસ, એમ કહી અમિતાભ બહાર નીકળી જાય

15 March, 2021 01:24 IST | Mumbai | Sanjay Goradia

જોગાનુજોગ

જોગાનુજોગ

15 March, 2021 01:06 IST | Mumbai | Samit purvesh Shroff

બે સેક્સ-સાઇકલ વચ્ચે કેટલું અંતર હોવું જોઈએ?

બે સેક્સ-સાઇકલ વચ્ચે કેટલું અંતર હોવું જોઈએ?

15 March, 2021 01:04 IST | Mumbai | Dr. Mukul Choksi

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK