પર્યુષણના બીજા દિવસે આજે મળીએ જૈન શાસનના બે એવા ઍડ્વોકેટને જેઓ એક પણ રૂપિયાની ફી લીધા વિના મૂંગા જીવોને એમનો હક અપાવવા મથી રહ્યા છે. ગેરકાયદેસર ચાલતાં કતલખાનાં અને કતલખાનાંમાં ચાલતી ગેરકાયદે પ્રવૃત્તિ વિરુદ્ધ કાયદાનો સથવારો લઈને લડવાની ધૂણી ધખાવી છે.

પ્રતીકાત્મક તસવીર
મૂંગા જીવોની રક્ષા માટે બનેલા કાયદાનું બરાબર પાલન કરાવીને પણ જીવદયાનું અદ્ભુત કામ કરી શકાય. અમદાવાદના જાણીતા ઍડ્વોકેટ નિમિષ કાપડિયા અને ડીસાના ધર્મેન્દ્ર ફોફાણીને આ વાત બરાબર સમજાઈ ગઈ છે. માણસ તો પોતાના અધિકાર માટે જાતે લડી શકે, જાગૃત રહે તો કાયદાનો સહારો લઈને પોતાની સામે અન્યાય કરનારાઓને સજા પણ કરાવી શકે. જોકે પશુઓ એવું ક્યારેય કરી શકવાનાં નથી. કઈ ગાય આવીને કહેશે કે ફલાણા માણસે વગર વાંકે મને કતલખાનામાં ધકેલી છે? કયું જનાવર ક્રૂરતાપૂર્વક પોતાના પ્રાણ હરનારા માણસોને ન્યાય માટે કોર્ટના કઠેડામાં ઊભા રાખશે? કરોડોની સંખ્યામાં પશુઓ માનવીય અત્યાચારોનો ભોગ બની રહ્યા છે ત્યારે તેમનો અવાજ બનીને તેમને ન્યાય અપાવવાનું કામ આ બે ઍડ્વોકેટે બહુ જ સારી રીતે નિભાવ્યું છે.
ગળથૂથીમાં છે
જીવહિંસા થાય નહીં એવું જીવન હોવું જોઈએ એ જૈન ધર્મનો પાયો છે અને એના સંસ્કાર ગળથૂથીમાં મળ્યા હોય છે. બત્રીસ વર્ષથી ઍડ્વોકેટ તરીકે સક્રિય અને છેલ્લાં ૧૭ વર્ષથી જીવદયાને લગતા કેસમાં એક રૂપિયાની ફી લીધા વિના સતત સક્રિય ઍડ્વોકેટ નિમિષ કાપડિયા કહે છે, ‘આપણે ત્યાં પર્યુષણમાં ‘અમારિ પ્રવર્તન’નો કન્સેપ્ટ સમજાવવામાં આવે છે. હિંસા થાય તો નહીં જ પણ ભવિષ્યમાં હિંસા થઈ શકે એ પ્રકારના સંયોગો પણ ઊભા ન થાય એના પર ભાર મુકાય છે. હિંસા કરવી નહીં, હિંસા થાય નહીં એવા સંજોગો ઊભા ન કરવા અને કોઈ હિંસા કરતું હોય તો એને અટકાવો એ ‘અમારિ પ્રવર્તન’ને હું ફૉલો કરવાના પ્રયાસ કરી રહ્યો છે. પ્રિવેન્શન ઑફ ક્રુઅલ્ટી ટુ ઍનિમલ્સ ઍક્ટ અંતર્ગત પ્રાણીઓની જાળવણીથી લઈને કતલખાનાના નિયમોની બાબતમાં પણ ખૂબ કડક કાયદાઓ છે. જોકે ભાગ્યે જ કોઈ રાજ્યમાં એનું પાલન થતું હતું. પ્રાણીઓને ગાડીમાં ભરીને લઈ જવાથી માંડીને કાયદાનું ઉલ્લંઘન શરૂ થાય છે એ ગેરકાયદે કતલખાનાંમાં, દુકાનોમાં થતી કતલ, ઇન્ટરનલ સિસ્ટમમાં બાંધછોડ, હાઇજીન સાથે ચેડાં જેવી તો ઘણી બાબતો છે જેમાં કાયદાનું છડેચોક ઉલ્લંઘન થાય છે. ઘણા લોકો ગેરકાયદેસર રીતે પક્ષીઓ રાખે છે એ તો કાનૂની અપરાધ છે જ પણ આ પક્ષીઓનું પાંજરું નાનું હોય તો એ પણ ક્રિમિનલ ઑફેન્સ છે, એ પણ પ્રાણીઓ પ્રત્યેની ક્રુઅલ્ટી છે. આજે ઘણી એવી સંસ્થાઓ છે જે
ઍનિમલ પ્રત્યે થતા અત્યાચાર વિરુદ્ધ કોર્ટમાં અવાજ ઉઠાવે છે અને જ્યારે કાયદાકીય બૅકઅપની જરૂર હોય ત્યારે અમારો રોલ એમાં શરૂ થતો હોય છે.’ નિમિષભાઈની અગ્રતા હેઠળ આજ સુધી પ્રાણીઓના હિતના એવા ઘણા ચુકાદા આવ્યા છે જેણે જીવદયાનું કામ તો કર્યું જ પણ સાથે એક બેન્ચમાર્ક પણ સેટ કર્યો જેની નોંધ અન્ય ન્યાયાલયોએ પણ પોતાના ચુકાદા દરમ્યાન લીધી હોય. પોતાની પાસે આવેલા એક કેસની વાત કરતાં નિમિષભાઈ કહે છે, ‘એક ઇન્સિડન્ટ એવો હતો જેમાં સુરતના વીકલી બર્ડ માર્કેટમાં પંખીઓને બહુ જ ખરાબ હાલતમાં રાખવામાં આવ્યાં હતાં. કોઈની ચાંચને સેલો ટેપથી ચોંટાડી દેવામાં આવી હતી. કોઈકની ચાંચ જ કાપી નાખવામાં આવી હતી. સુરતના ધરણેન્દ્રભાઈ, જે જીવદયાપ્રેમી છે તેમણે ફૉરેસ્ટ અને પોલીસ વિભાગમાં ફરિયાદ કરી. પક્ષીઓના છુટકારા પછી પણ માલિકીના મુદ્દે વિવાદ અકબંધ રહ્યો અને મુદ્દો ઉપલી અદાલતમાં ગયો. જે વ્યક્તિ પક્ષીઓની માલિકી દર્શાવે છે એ વ્યક્તિ પહેલેથી જ પક્ષીઓને પ્રતાડિત કરી ચૂકી છે તો તેને હવે ક્યાંથી પાછાં એ પક્ષીઓ સોંપાય. એ સમયે હાઈ કોર્ટના જજે ઍનિમલ્સ રાઇટ્સ માટે કામ કરવાનો સમય આવી ગયો છે અને એમને પણ ઇક્વલ રાઇટ્સ છે એવું જજમેન્ટ આપ્યું હતું અને આરોપીને જ પક્ષીઓની કસ્ટડી આપવાનો નીચલી અદાલતનો કેસ રદ કર્યો હતો. ભારતમાં જ નહીં, પણ આખી દુનિયામાં આ ચુકાદાની ચર્ચા થઈ અને દેશની બીજી અદાલતોએ પણ આને લૅન્ડમાર્ક બનાવીને ચુકાદા આપ્યા હતા અને પરિપત્રો પણ જાહેર કર્યા હતા.’
આપણે ત્યાં ઍનિમલ વેલ્ફેર બોર્ડ ઑફ ઇન્ડિયા છે. દરેક સ્ટેટમાં આની સંરચના થયેલી છે પણ એકેય રાજ્યમાં એને ગંભીરતાથી નથી લેવાયો. નિમિષભાઈ કહે છે, ‘પંકજ બૂચ, જે ભારતના ઍનિમલ લૉ માટે ચાલતા-ફરતા એન્સાઇક્લોપીડિયા કહી શકાય. મારા માટે ગુરુતુલ્ય એવા પંકજભાઈ સાથે મળીને ગુજરાતી અને અંગ્રેજીમાં ‘સજીવ સૃષ્ટિ અને કાયદા’ નામનું ૮૦૦ પાનાંનું એક પુસ્તક લખ્યું છે. એના સંશોધન વખતે માહિતી ભેગી કરી ત્યારે ખબર પડી કે આપણે ત્યાં સુપ્રીમ કોર્ટનો આદેશ છે કે દરેક રાજ્યમાં ઍનિમલ વેલ્ફેર બોર્ડ હોવું જોઈએ. પચીસ વર્ષ પહેલાં સુપ્રીમ કોર્ટે આપેલા આ આદેશનું ભાગ્યે જ ક્યાંય પાલન થયું છે. એના પર અમે લડત શરૂ કરી. એવો જ કોર્ટનો આદેશ આવ્યો ૨૦૦૧માં સોસાયટી ફૉર પ્રિવેન્શન ઑફ ક્રુઅલ્ટી ટુ ઍનિમલ્સ, રૂલ્સનો. જોકે આ નિયમ માત્ર કાગળ પર હતો. એના માટે કોઈ અધિકારી નહીં, કોઈ ડિપાર્ટમેન્ટ નહીં અને કોઈ ફન્ડિંગ નહીં. અહિંસા મહાસંઘમાંથી પંકજભાઈ બૂચે આ બાબતે પીઆઇએલ દાખલ કરી. એ પછી થોડાક અંશે ગુજરાતમાં હવે ઍનિમલ વેલ્ફેર બોર્ડ ઍક્ટિવ થયું છે. એવી રીતે ગ્રીન લેબલની એક લડત અમારી ચાલુ છે. સામાન્ય રીતે આપણે કોઈ પણ પ્રોડક્ટ ખરીદીએ તો એમાં જો ગ્રીન લેબલ હોય તો માનીએ કે એ શાકાહારી છે. જોકે ટેક્નિકલી સરકાર પાસે એ ગ્રીન લેબલની પ્રોડક્ટ શાકાહારી છે કે નહીં એને ચેક કરવાની કોઈ જ વ્યવસ્થા નથી. એની સામે કાયદાકીય લડત ચાલુ છે. બીજી એક પિટિશન મારા કલિગ નિસર્ગ શાહે ફાઇલ કરી છે, જેમાં પૉલ્ટ્રી શૉપમાં કતલ કરવી ગેરકાયદે છે. દુકાનોમાં કતલ થઈ જ ન શકે એવો નિયમ છે પરંતુ ઘણી એવી દુકાનો છે જ્યાં કતલ અને વેચાણ બન્ને દુકાનોમાં થઈ રહ્યું હોય. એવી રીતે ઍનિમલ વેલ્ફેરના નામે ગૌચર જમીન પર દબાણો થયાં છે. એના માટે સરકાર દ્વારા જ જાહેર થયેલા આંકડાઓ અને સૂચનાઓનો ડેટા અમે ભેગો કર્યો છે. આજે વાયલન્સ એ કન્ટિન્યુઅસ પ્રાસેસ છે તો એને અટકાવવાની દિશામાં પણ સતત કામ થતું રહે એ જરૂરી છે.’
પરિણામ પણ મળ્યું છે જોરદાર
જીવદયા માટે પોતાના નામે નીડરતા સાથે કોર્ટે ચડેલા ઍડ્વોકેટ ધર્મેન્દ્ર ફોફાણીએ ગેરકાયદેસર કતલખાનાંઓ બંધ કરાવવા માટે ખાસ્સુ એવું પરિણામ મેળવ્યું છે. ધર્મેન્દ્રભાઈ કહે છે, ‘કાયદાનું પાલન નથી થતું, નિયમો નથી પળાતા એ સૌથી મોટી સમસ્યા છે. કોર્ટના આદેશથી ગુજરાતમાં અમે પ્રશાસન પાસે મટન શૉપ અને કતલખાનાંનો સર્વે કર્યો. ૪૩૦૦ કતલખાનાં (કતલ કરતી મીટ શૉપ)ની પોઝિશન ખરાબ હતી અને એને તાત્કાલિક બંધ કરાવવાનો આદેશ આવ્યો. ગુજરાતની દરેક નગરપાલિકાને અનઑથોરાઇઝ્ડ કતલખાનાંને બંધ કરાવવાનો આદેશ આપ્યો. સુરત નગરપાલિકાએ એક જ દિવસમાં ૫૭૮ કતલખાનાંઓ પર સીલ મારી. અનહાઇજિનિક કન્ડિશનમાં રહેલાં કતલખાનાંઓને કારણે પશુઓની કતલ થાય છે. જો કાયદાનું બરાબર પાલન થાય તો એક પણ પશુની કતલ કરી શકાય એમ નથી. આજે આખા ગુજરાતમાં માત્ર આઠ જ કતલખાનાં રજિસ્ટર્ડ છે.’
અહીં ઉલ્લેખનીય છે ધર્મેન્દ્રભાઈ લોકોમાં અવેરનેસ લાવવાનાં કૅમ્પેન પણ ચલાવી રહ્યા છે. તેમણે એક ઓનલાઇન કોર્સ પણ ડેવલપ કર્યો છે. તેમના પ્રયાસના પરિણામે ગુજરાતના લગભગ પાંચ હજાર ગેરકાયદે કતલખાનાં અને માંસ વેચતી દુકાનો બંધ થઈ છે. ધર્મેન્દ્રભાઈ કહે છે, ‘આ પ્રયાસોને સતત આગળ વધારતા રહેવું પડશે અને લોકોમાં જાગૃતિ લાવવી પડશે. ધીરજ રાખવી પડશે અને સૌથી મહત્ત્વનું એગ અને મીટ લૉબીએ ઈંડાં અને માંસ ખાવાના જે ખોટેખોટા ફાયદા લોકોના મનમાં ઠસાવ્યા છે એ સાવ જૂઠાણાભર્યા માર્કેટિંગમાંથી લોકોને આપણે બહાર કાઢવા પડશે. નૉનવેજ હેલ્થ માટે, પ્રકૃતિ માટે અને જીવસૃષ્ટિ માટે નુકસાનકારક છે એ સત્ય લોકો સુધી પહોંચાડવું એ આપણી ફરજ છે.’