° °

આજનું ઇ-પેપર
Saturday, 28 January, 2023


૧૦,૦૦૦માંથી એક રમતવીર ઇન્ટરનૅશનલ સ્તરે પહોંચે છે

27 November, 2022 02:22 PM IST | Mumbai
Jigisha Jain | jigisha.jain@mid-day.com

પૅરા-બૅડ્‍‍મિન્ટનમાં આંતરરાષ્ટ્રીય સ્તરે નંબર વન રૅન્ક ધરાવતી ૩૩ વર્ષની માનસી જોષીને આ જોખમની ખબર હોવા છતાં તેના પેરન્ટ્સે તેને સપોર્ટ કર્યો.

માનસી જોષી ટુ ધ પૉઇન્ટ

માનસી જોષી

૧૦ વર્ષ પહેલાં થયેલા હાદસાથી હાર્યા વિના અથાક પરિશ્રમ કરીને આ મુકામ હાંસલ કરનાર માનસીને આ અઠવાડિયે અર્જુન અવૉર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવશે ત્યારે માનસી શૅર કરે છે ‘મિડ-ડે’નાં જિગીષા જૈન સાથે સ્પોર્ટ્‍સ જગત અને જીવનના સંઘર્ષની કેટલીક અંતરંગ વાતો 

માનસી જોષીથી અર્જુન અવૉર્ડ-વિનર માનસી જોષી બનતાં સુધીની જર્ની માટે શું કહેશો? 
આ જે જર્નીની વાત આપણે કરી રહ્યા છીએ એ ફક્ત મારી એકલીની નથી. હું જીવનમાં જેટલા પણ લોકોને મળી એ બધાનો આ જર્નીમાં મોટો સહભાગ છે. મારા ડૉક્ટર્સ, મારા ફિઝિયોથેરપિસ્ટ, મારા પ્રોસ્થેટિસ, મારા ટ્રેઇનર, મારા કોચ બધાએ તેમનું ૧૦૦ ટકા આપ્યું ત્યારે હું મારું ૧૦૦ ટકા આપી શકી અને અહીં સુધી પહોંચી શકી. સૌથી મોટો સપોર્ટ મારા પેરન્ટ્સ અને પરિવારનો છે. આમ જ્યારે જીવનમાં યોગ્ય લોકો તમને મળે તો તમારી સફર સફળતા સુધી પહોંચતી હોય છે. 

ઍક્સિડન્ટ પછી જ્યારે પગ જતો રહ્યો ત્યારે એન્જિનિયર તરીકેની કારકિર્દી પણ ચાલુ રાખવાનો એક સેફ ઑપ્શન હતો ત્યારે. બૅડમિન્ટન જેવી અઘરી કરીઅરને કેમ પસંદ કરી? શું આ નિર્ણય એક જીદ હતી કે કોપિંગ મેકૅનીઝમ હતી કે પછી સમજીવિચારીને કરેલી ચૉઇસ? 
સાચું કહું તો આમાંથી કંઈ જ નહોતું. મારો એક પગ જતો રહ્યો હતો અને મારી જૉબ એવી હતી કે મારે બેઠાડુ જીવન જ જીવવું પડી રહ્યું હતું. મનમાં ઉત્સાહ હતો, પણ જીવન ઉત્સાહી નહોતું એટલે ફિટનેસ માટે કંઈક કરવું જ પડે એમ હતું. મને બેઠાં રહેવું નહીં ગમે. હું ઍક્સિડન્ટ પહેલાં પણ બૅડમિન્ટન રમતી જ હતી. ખોટા પગ સાથે રમવાની મેં શરૂઆત કરી, કારણ કે હું ફિટ રહેવા માગતી હતી. બીજું એ કે મેં મારી જૉબ મૂકી નહોતી દીધી. હું જૉબ પણ કરતી અને રમતી પણ. ઘણા વખત સુધી મેં જૉબ ચાલુ જ રાખી હતી. કમાવા માટે એ જરૂરી હતું. હા, એક એન્જિનિયર તરીકે પણ હું કરીઅર બનાવી જ શકી હોત, પણ જ્યારે મેં રમવાનું શરૂ કર્યું ફરીથી ત્યારે ધીમે-ધીમે હું ટુર્નામેન્ટ્સ જીતવા લાગી અને આગળના માર્ગ ખૂલવા લાગ્યા એટલે આ કરીઅર તરફ હું ઢળી. 

આજે દસ વર્ષ પાછળ જઈએ અને ૨૦૧૨માં હૉસ્પિટલમાં પોતાનો કપાયેલો પગ જોઈ રહેલી માનસીને શું કહેવા માગશો? 
હું હૉસ્પિટલના બેડ પર બેઠાં-બેઠાં પણ એ જ વિચારતી હતી કે હું કંઈક તો કરી જ લઈશ જીવનમાં. ખબર નહીં કઈ રીતે એ આત્મવિશ્વાસ મારી અંદર પહેલેથી હતો. હું ભાંગી પડી નહોતી. તો જો મારે એ માનસીને કંઈક કહેવું હોય તો હું કહીશ કે તું સાચી જ છે. તારો આત્મવિશ્વાસ પણ સાચો છે એટલે એ બરકરાર રાખજે. તું કરી લઈશ. 

આજની અચીવમેન્ટને સર્વોત્તમ ગણીએ તો આ શિખર સુધી પહોંચવા માટેનું પહેલું ડગલું ક્યારે ભર્યું હતું? 
મારું પહેલું ડગલું હતું મારો સ્વીકાર. મારી પરિસ્થિતિને મેં પૂરી રીતે સ્વીકારી લીધી હતી કે મારે હવે એક પગ નથી. મારે આખું જીવન એક નકલી પગ સાથે જ જીવવાનું છે. આ સ્વીકાર એ મોટું સ્ટેપ છે જે તમારે પહેલાં જ લેવું પડે. એ સ્ટેપ યોગ્ય હતું એટલે ધીમે-ધીમે બધાં સ્ટેપ સાચાં સાબિત થતાં ગયાં.

સપનાંઓ તો દરેક વ્યક્તિ જુએ છે, પરંતુ હકીકતમાં બધાનાં સપનાં સાર્થક થતાં નથી. એ સાર્થક થાય એ માટે શું કરવું પડે?
સપનાંઓને સાર્થક કરવા માટે અથાગ પરિશ્રમ, પૂર્ણ નિષ્ઠા અને પ્રયત્નોમાં દૃઢતા જરૂરી છે. સતત તમારા મનમાં ખુદને વધુ ને વધુ બેટર કરવાનો ભાવ હોવો જોઈએ. હું આટલું કરી શકું છું, પણ હજુ વધુ સારું કઈ રીતે કરી શકું એ જયારે સતત મગજમાં ભમતું હોય ત્યારે આપોઆપ બધું નિર્મિત થવા લાગે છે. 

નસીબમાં વિશ્વાસ છે? 
ના, બિલકુલ નહીં. મારા પિતા સાયન્ટિસ્ટ હતા. એટલે અમારો સ્વભાવ તર્કબદ્ધ હોય એ સહજ છે. મેં મારા અનુભવ પરથી પણ એ જાણ્યું છે કે ડેસ્ટિની કે નસીબ જેવું કશું નથી હોતું. તમારે જે જોઈએ છે એના માટે તમારે મથવું પડે છે. અથાગ મહેનતનો કોઈ વિકલ્પ નથી. 

આપણા દેશમાં હવે સ્પોર્ટ્‍સને મહત્ત્વ અપાઈ રહ્યું છે ત્યારે સ્પોર્ટ્‍સમાં ભારતનું ભવિષ્ય શું લાગે છે?
ભારતનું ભવિષ્ય ઘણું ઉજ્જ્વળ છે. આપણે ત્યાં જે સ્પોર્ટસ કલ્ચરની ઊણપ હતી એ કલ્ચર હવે વિકસતું દેખાય છે. ટૅલન્ટની આપણી પાસે ક્યારેય કમી નહોતી. કમી હતી ગાઇડન્સની, સપોર્ટની અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની. આ બધું ધીમે-ધીમે વિકાસ પામતું જઈ રહ્યું છે. જુદી-જુદી સ્પોર્ટ્‍સમાં પણ લોકો આગળ આવી રહ્યા છે ત્યારે ભવિષ્ય તો ચોક્કસ ઘણું ઉજ્જ્વળ છે. 

વિશ્વસ્તરના સ્પોર્ટ્‍સ પર્સન તૈયાર કરવા માટે ભારતે કઈ બાબતો પર ધ્યાન આપવાની જરૂર છે? 
જ્યારે આજથી ૧૦ વર્ષ પહેલાં મેં રમવાનું શરૂ કર્યું ત્યારે અને અત્યારમાં ઘણો ફરક છે. સ્ટેટ લેવલ પર પણ ઘણી ફૅસિલિટીઝ વધી છે. સ્કૂલ લેવલ પર જ સ્પોર્ટ્રસને એટલું મહત્ત્વનું બનાવવું જોઈએ. ફક્ત આંતરરાષ્ટ્રીય સ્તરના ખેલાડીઓ પેદા કરવા માટે નહીં, દેશમાં એક ફિટનેસ કલ્ચર સ્થાપવા માટે પણ એ જરૂરી બનશે. એમાંથી પછી આપણને એવા ટૅલન્ટ મળશે જે વિશ્વસ્તરે જઈને દેશનું નામ રોશન કરશે. મહત્ત્વનું છે એ કલ્ચરને પ્રમોટ કરવું. 

પૅરા-સ્પોર્ટ્‍સ અપનાવવા માગતા દિવ્યાંગોને શું સંદેશો આપશો?
 પૅરા-સ્પોર્ટ્‍સમાં પણ બ્રાઇટ ફ્યુચર છે. એમાં રોલ-મૉડેલ્સની તાતી જરૂર છે. તમે ચોક્કસ આમાં આગળ વધી શકશો. વિશ્વસ્તરે પૅરા-સ્પોર્ટ્‍સ ધીમે-ધીમે વિકાસ પામી રહ્યું છે અને એમાં ઘણા નવા-નવા ખેલનો સમાવેશ થતો જાય છે. તમે જો ખરેખર સ્પોર્ટ્‍સમાં રસ ધરાવતા હો તો તમારે ખુદને પુશ કરીને પણ આ ફીલ્ડમાં આવવું જોઈએ. સ્પોર્ટ્‍સની સાથે તમે પૅરા-ઍથ્લીટ વર્ક-ફોર્સમાં પણ જોડાઈ શકો છો. હાલમાં ભારત પેટ્રોલિયમના વર્ક-ફોર્સમાં હું જોડાઈ છું અને મેં એ જૉબ લીધી છે. 

આજે પણ બાળકને સ્પોર્ટ્‍સમાં કરીઅર બનાવવી હોય તો કરીઅરમાં રહેલી અસ્થિરતાને કારણે ભારતીય પેરન્ટ્સ એકદમથી રાજી નથી થઈ જતા. તેમને તું શું કહીશ? 
૧૦,૦૦૦ યુવાનો રમતા હોય એમાંથી માંડ એક રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય સ્તર સુધી પહોંચતું હોય છે. આ રિસ્ક દેખીતું છે, પણ મારા પેરન્ટ્સ જો મને સપોર્ટ ન કર્યો હોત તો હું કંઈ ન કરી શકી હોત. ઊલટું એમણે મને ઘણી પુશ કરી છે. મને આત્મનિર્ભર બનવા દીધી છે. તમને તમારા બાળકની ચિંતા હોય એ સહજ છે, પણ તમારી ચિંતા તેની હિંમતને તોડે નહીં એ તમે જોજો. હું ખરેખર મારાં માતા-પિતાની ઋણી છું કે તેમણે મને ક્યારેય કોઈ સંજોગોમાં ના નથી પાડી. કરીઅરમાં રહેલી અસ્થિરતાનું પોતાની રીતે સૉલ્યુશન નીકળશે, એની ચિંતા નહીં કરો. તેને આગળ વધવા દો. 

સ્પોર્ટ્‍સમાં કરીઅર બનાવવા માગતા યુવાનોને કોઈ ખાસ સલાહ આપીશ? 
દરેક વ્યક્તિ જે સ્પોર્ટ્‍સ જૉઇન કરે છે તે જાણે જ છે કે કરીઅર માટે આ અઘરો રસ્તો છે. મેં જ્યારે બૅડમિન્ટન રમવાનું શરૂ કર્યું ત્યારે પણ મને ખબર હતી કે આમાં પૈસા નહીં મળે. હજુ પણ મને અવૉર્ડ્‍સ મળ્યા છે, ટ્રોફી મળી છે, નામ થયું છે, આંતરરાષ્ટ્રીય પ્લેયર્સમાં નંબર વન ખિતાબ મળ્યો છે, પણ આ બધામાં પૈસા મળતા નથી. મૅચ રમવાના કે ટ્રોફી જીતવાના પણ પૈસા મળતા નથી. એના માટે દરેક પ્લેયરને હું સલાહ આપીશ કે તમે ખુદ તમારા માટે સ્પૉન્સર્સ શોધી રાખો. માતા-પિતાના પૈસે ક્યા સુધી ટ્રેઇનિંગ કરતાં રહેવું. તમે જો ઇચ્છતા હો કે તમારી પ્રૅક્ટિસ છૂટે નહીં, સ્પોર્ટ્‍સ ચાલુ જ રહે તો એ જરૂરી છે. તમે તમારો ખર્ચો કાઢી શકો એટલી વ્યવસ્થા
તમે કરી રાખજો, જેથી તમે ગેમ પર ફોકસ કરી શકો. 

27 November, 2022 02:22 PM IST | Mumbai | Jigisha Jain

અન્ય લેખો

રક્તપિત્ત નિવારણ માટે શું મુંબઈ બનશે ભારત માટે આદર્શ મૉડલ?

ગામડાંઓ કરતાં શહેરોમાં રક્તપિત્તના રોગીઓ અને તેમનું મૅનેજમેન્ટ ઘણું અલગ હોય છે. રક્તપિત્ત જેવા ચેપી રોગના નિવારણ માટે મુંબઈમાં વિસ્થાપિત લોકોમાં થતું રોગનું સમયસર નિદાન અને તેમનો સંપૂર્ણ ઇલાજ પૂરો કરે ત્યાં સુધી તેમની દેખરેખનું જે માળખું બનાવવામાંઆવે

28 January, 2023 11:28 IST | Mumbai | Jigisha Jain

ખબર છે ૬૦ વર્ષની વય પછી તમારી હાઇટ ઘટતી જાય છે?

ઉંમર વધે એમ થોડી હાઇટ ઘટે એવું લોકો કહેતા હોય છે. દાદા-દાદીઓને ધ્યાનથી જોઈએ ત્યારે ઘણી વાર આ વાત સાચી પુરવાર થતી લાગે છે. નિષ્ણાતોના મત મુજબ ૩૦-૪૦ ટકા વડીલોમાં થોડા પ્રમાણમાં હાઇટનો ઘટાડો થતો હોય છે. આ થવાનું કારણ આજે સમજીએ

25 January, 2023 03:18 IST | Mumbai | Jigisha Jain

ગયા વર્ષે સ્ત્રીઓ કરતાં પુરુષોએ બમણી બચત કરી છે

ન્યુ યૉર્કનો વેલ્થ વૉચ સર્વે આવું કહે છે. શું તમે આ વાત સાથે સહમત થાઓ છો? બચત ક્વીનનો તાજ વર્ષોથી ગૃહિણીઓને જ પહેરાવવામાં આવે છે ત્યારે સમજીએ કે પુરુષોમાં સેવિંગ્સને લઈને કેવું પરિવર્તન આવ્યું છે અને તેઓ કઈ રીતે બચત કરતા હોય છે

23 January, 2023 04:10 IST | Mumbai | Jigisha Jain

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK