Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > નવું કરવાની તૈયારી રાખે એ જ પોતાની માસ્ટરી ઓળખી શકે

નવું કરવાની તૈયારી રાખે એ જ પોતાની માસ્ટરી ઓળખી શકે

17 April, 2022 03:06 PM IST | Mumbai
Bhavya Gandhi | feedbackgmd@mid-day.com

આમિર ખાને પણ ટિપિકલ ફિલ્મો કરી જ હતી, પણ એ ફિલ્મો વચ્ચે તેણે નવું કરવાની તૈયારી રાખી એટલે દુનિયાને ખબર પડી કે તે નવાં-નવાં કૅરૅક્ટર્સ કરવામાં માસ્ટર છે. તમારી અંદર પણ આમિર ખાન છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


જો આપણે ચાલવાનો પ્રયાસ ન કર્યો હોત તો ચાલતા શીખ્યા ન હોત; પણ આપણે નાના હતા ત્યારે ચાલવા માટે તૈયાર થયા, અઢળક વખત પડ્યા અને એ પછી પણ ચાલતા રહ્યા એટલે આજે દોડી શકીએ છીએ. આવતી કાલની દોટ માટે પણ આજે ચાલવું અને આજની પછડાટ સહન કરવી અનિવાર્ય છે. 

થોડા સમયથી મારે ગુજરાત રહેવાનું ખૂબ બને છે. ખૂબ એટલે ખૂબ એમ કહું તો પણ ચાલે. અરે, થોડા સમય પહેલાં તો મને એવું પણ થવા માંડ્યું હતું કે હું ગુજરાતમાં જ સેટલ થઈ જઉં. શાંતિ પણ ખરી અને કામ પણ ત્યાં અઢળક. ઍનીવે, એવું તો કરવાનું નથી એટલે આપણે એ ટૉપિકને સાઇડ પર મૂકીને આગળ ચાલીએ. 



મારે આજે તમને વાત કરવી છે તમારા, આપણા ગમતા કામની. આ ગમતું કામ કેવી રીતે નક્કી થતું હોય છે એ જરા સમજવા જેવું છે, પણ એ સમજતા પહેલાં આપણે બીજી એક વાત કરીએ. ગુજરાતમાં હું સેલ્ફ-ડ્રાઇવ વધારે પ્રિફર કરું છું. કાર લઈને નીકળ્યો હોઉં અને સરસ મજાનાં સૉન્ગ ચાલતાં હોય. કેવાં સૉન્ગ? મારાં ફેવરિટ સૉન્ગ. જોકે મારે પૂછવું એ છે કે આ ફેવરિટ સૉન્ગ્સ નક્કી થયાં કેવી રીતે? તમે જવાબ આપી શકો કે ટેસ્ટના આધારે. પણ જો તમારો આ જ જવાબ હોય તો મારો પ્રશ્ન છે કે તમારો ટેસ્ટ છે શું? તમને કેવી રીતે ખબર પડી કે આ તમારું ફેવરિટ મ્યુઝિક છે? કોઈ પાસેથી સાંભળીને કે પછી કોઈ ગીતના શબ્દો ગમી ગયા એટલે એ ફેવરિટ મ્યુઝિક બની ગયું? કોઈએ સજેસ્ટ કર્યું કે પછી એફએમ ચૅનલ પર આવતું હતું અને તમને એ ગમવા લાગ્યું? 


આ બધા અને આ પ્રકારના બધા સવાલોના જવાબ ત્યારે જ મળે જ્યારે તમે ગીત સાંભળો. ગીત જ શું કામ, વ્યક્તિ હોય તો તેને પણ આ વાત લાગુ પડે. તમે તેને જુઓ, મળો અને એ પછી મળતા રહો તો તમને તે વ્યક્તિ વધુ ને વધુ ગમવા માંડે. એક સનાતન સત્ય છે કે મ્યુઝિક તમને ત્યારે જ વધારે ગમે છે જ્યારે તમને કોઈ વ્યક્તિ ગમતી હોય છે. જે પ્રેમ કરે તે સંગીતના પણ પ્રેમમાં પડે. પછી એ સંગીત ગમે તે હોય, કોઈ પણ પ્રકારનું હોય. એ હકીકત છે, છે અને છે જ કે તમે કોઈના પ્રેમમાં હો ત્યારે તમને મ્યુઝિક ગમવા માંડે છે. ગઝલ હોય કે રૅપ, ગુજરાતી સુગમ હોય કે પછી જૅઝ કે પૉપ મ્યુઝિક, બૉલીવુડ સૉન્ગ હોય કે પછી ઇન્ટરનૅશનલ મ્યુઝિક; પણ આ સનાતન સત્ય છે કે પ્રેમ માણસમાં સંગીત જગાડી દે છે.

હા, એમ છતાં મારે કહેવું છે કે મ્યુઝિક માટે પ્રેમમાં પડવું જરૂરી નથી. ઘણા એવા હોય, ખાસ કરીને મારા જેવા ઘણા એવા હોય જેમને પ્રેમ થયા વિના પણ મ્યુઝિકના પ્રેમમાં તેઓ હોય. મને બધા પ્રકારનું મ્યુઝિક ગમે છે અને બધા પ્રકારનું સંગીત હું સાંભળું છું. ફોક પણ સાંભળું અને જૅઝ પણ સાંભળું. હા, મને એનર્જી હોય એવું મ્યુઝિક સાંભળવું વધારે ગમે છે. આવું બન્યું એટલા માટે કે મેં પહેલાં બધા પ્રકારનું મ્યુઝિક સાંભળ્યું અને એટલે મને ખબર પડી કે બધું સાંભળવા જેવું છે. આપણે એફએમ પર ચૅનલ બદલતા રહીએ છીએ. ન ગમતું ગીત આવી જાય એટલે ધડામ દઈને ચૅનલ ચેન્જ કરી નાખીએ. પણ હું કહીશ કે એવું નહીં કરો. બધું સાંભળો, બધું માણો અને પછી નક્કી કરો કે તમને શું ગમશે? બને કે તમને બધું જ ગમે અને એવું પણ બને કે તમે કોઈ એકાદ-બે પ્રકારના મ્યુઝિકનો જ સ્વીકાર કરો. મેં તો આ જ સિસ્ટમ રાખી હતી અને એટલે જ મને બધા પ્રકારનું મ્યુઝિક ગમતું થયું. 


માત્ર મ્યુઝિકમાં જ નહીં, હું બધાં કામોમાં એવું કરું છું. ફ્રેન્ડ્સ, મારે બધાં કામો કરવાં છે અને એ કરી લીધા પછી નક્કી કરવું છે કે મારું ફેવરિટ કામ કયું છે, મને કેવા પ્રકારના રોલ કરવા ગમે છે અને કેવા પ્રકારના રોલમાં હું કમ્ફર્ટેબલ છું. મારે મારો કમ્ફર્ટ ઝોન તોડવા માટે કેવા રોલ કરવા જોઈએ એ પણ મને ત્યારે જ ખબર પડશે જ્યારે હું બધા પ્રકારનાં કામ કરવાની તૈયારી રાખીશ. જો હું એકસરખાં કામ કરતો રહીશ તો મને ક્યારેય ખબર નથી પડવાની કે ખરેખર મારી કૅપેસિટી શું છે અને મારી કૅપેબિલિટી કેટલી છે? તમારી ક્ષમતાને ઓળખવા માટે તમારે તમારી જાતને જ ચૅલેન્જ આપતા રહેવી પડે અને જો તમે એ આપવામાં ક્યાંક ને ક્યાંક જાતને રોકો તો તમને ક્યારેય ખબર પડશે જ નહીં કે તમે શું કરી શકો એમ છો અને કેવી રીતે કરી શકો એમ છો?

મેં હમણાં ને હમણાં જ ચારેક ગુજરાતી ફિલ્મની ના પાડી. એકધારી મને ગુજરાતી વેબ-સિરીઝની ઑફર આવે છે; પણ હું એ સ્વીકારતો નથી, કારણ કે એ કોઈ કામમાં મને ચૅલેન્જ દેખાતી નથી. ચૅલેન્જ નથી એટલે એ કોઈ કામ કરવાની મને ઇચ્છા નથી થતી. મારે મારું ફેવરિટ કામ શોધવું છે અને એ શોધવા માટે મારે એ તમામ કામો કરવાં છે જે મેં અગાઉ ક્યારેય નથી કર્યાં. તમને પણ આ જ વાત લાગુ પડે છે. જો નવું કામ નહીં કરો, નવી ચૅલેન્જ નહીં લો તો તમને ખબર નથી પડવાની કે એ તમારું પસંદીદા કામ છે કે નહીં. તમારે નવી ચૅલેન્જ લેવી પડશે, તમારે નવાં કામ કરવાં પડશે અને તમારે કમ્ફર્ટ ઝોન તોડવો પડશે. જો એ તોડી શકશો તો અને તો જ તમને ખબર પડશે કે તમે શું કરવા આવ્યા છો અને શું કરવાની તમારી કૅપેસિટી છે.

અત્યારે હું જે કામ કરું છું એ કામને દૂર-દૂર સુધી મેં ક્યાંય મારા લિસ્ટમાં જોયું નહોતું. ક્યારેય નહીં. જોકે અર્નેસ્ટ હેમિંગ્વેની એક બુક વાંચતાં-વાંચતાં જ મને સમજાયું કે નવું કરવાની તૈયારી નહીં રાખો તો ક્યારેય ખબર નહીં પડે કે તમે એ કામમાં માસ્ટરી ધરાવો છો કે નહીં? માસ્ટરી છે કે નહીં એ જાણવા પણ નવું કામ એક્સપ્લોર કરવું પડશે અને નવું કામ એક્સપ્લોર કરવા માટે તમારે તમામ કામની જવાબદારી પણ સ્વીકારવી પડશે. નવું કામ ચૅલેન્જ લાવે છે, નવું કામ નવી વિચારધારા પણ ડેવલપ કરે છે અને નવી વિચારાધારા તમને વધારે સ્પષ્ટ બનાવે છે. મારી એક વાત યાદ રાખજો. તમારે શું કરવું છે એની સમજ મોડી આવશે તો ચાલશે, પણ તમારે શું નથી કરવું એની તમને જેટલી વહેલી ખબર પડશે એટલા તમે ફાયદામાં રહેશો. મેં મારી લાઇફમાં એ જ કામ કર્યું છે. મને શું ગમે છે એ શોધવામાં સમય પસાર થયો હોય તો મને વાંધો નથી હોતો; પણ મને શું નથી ગમતું, કઈ વાત મને ઇરિટેટ કરે છે અને કઈ વાતમાં હું જબરદસ્ત કંટાળી જઉં છું એ પહેલાં શોધી લઉં છું. એનો સૌથી મોટો ફાયદો એ છે કે દેખીતી રીતે ફાલતુ લાગતાં એ કામો પાછળ તમારે સમય બરબાદ નથી કરવો પડતો.

ન ગમતાં કામો પણ પહેલાં તો કરવાં જ પડશે. કરશો તો જ તમને સમજાશે કે એ કામ સાચે જ નથી ગમતાં કે પછી તમે એ ચૅલેન્જથી દૂર ભાગતા રહ્યા છો. આજે હું જોઉં છું કે ઑલમોસ્ટ દરેક ત્રીજી અને ચોથી મિડલ-એજ વ્યક્તિ નવી ચૅલેન્જ લેવાનું ટાળતી રહેતી હોય છે. મોબાઇલ તેમને શીખવો નથી. ઇન્ટરનેટ-સૅવી થવા તેઓ રાજી નથી. નવું રિમોટ પણ તેઓ યુઝ કરવા તૈયાર નથી થતા કે પછી સ્માર્ટ ટીવી કેવી રીતે વાપરવું એ જાણવા કે શીખવા તેઓ રાજી નથી. ખોટી વાત છે આ. તમારે કામ 
સતત શીખતા રહેવું પડે, ચૅલેન્જ સતત લેતા જવું પડે અને એકધારા પ્રયાસો કરતા જવું પડે. 

જો આપણે ચાલવાનો પ્રયાસ ન કર્યો હોત તો આપણે એ પણ શીખ્યા ન હોત; પણ આપણે નાના હતા ત્યારે ચાલવા માટે તૈયાર થયા, અઢળક વખત પડ્યા અને એ પછી પણ આપણે ચાલતા રહ્યા એટલે આજે આપણે દોડી શકીએ છીએ. આવતી કાલની દોટ માટે પણ આજે ચાલવું અને આજની પછડાટ સહન કરવી અનિવાર્ય છે. જો પછડાટ મળશે તો જ ખબર પડશે કે શું કરવા નીકળ્યા હતા. હું તો કહીશ કે દોડવું એ આપણો ધર્મ છે અને મારે દોડવું છે, કૂદવું છે, ભાગવું છે. ભલે હું પડું, ભલે મારા ઘૂંટણ છોલાય, ભલે લોહી નીકળે અને ભલે મારે બૅન્ડેજ મારવું પડે; પણ મારા માટે જરૂરી છે, કારણ કે મારે દોડવું છે, કૂદવું છે, ભાગવું છે અને હું એના માટે જ જન્મ્યો છું. તમને પણ આ જ વાત લાગુ પડે છે અને તમારે પણ આ જ નીતિ સાથે આગળ વધવાનું છે. પડવાની તૈયારી સાથે, બૅન્ડેજ લગાવવાની માનસિકતા સાથે.

 

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝ પેપરનાં નહીં.)

Whatsapp-channel Whatsapp-channel

17 April, 2022 03:06 PM IST | Mumbai | Bhavya Gandhi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK