° °

આજનું ઇ-પેપર
Sunday, 11 April, 2021

જેમની વાણી ખારી ઊસ લાગે તેને તમારો હિતચિંતક માનવો

02 March, 2021 11:31 AM IST | Mumbai | Taru Kajaria

જેમની વાણી ખારી ઊસ લાગે તેને તમારો હિતચિંતક માનવો

જેમની વાણી ખારી ઊસ લાગે તેને તમારો હિતચિંતક માનવો

જેમની વાણી ખારી ઊસ લાગે તેને તમારો હિતચિંતક માનવો

કડવી પણ સાચી સલાહ માત્ર એ જ વ્યક્તિ આપી શકે છે જે તમને સાચા હૃદયથી ચાહતી હોય અને તમારું હિત ઝંખતી હોય. એમ પણ કહી શકાય કે તમને નારાજ કરવાનું જોખમ લઈને પણ જે તમને કડવી વાત કહી શકે કે અંગારા જેવી ભાષા વાપરીને પણ જે તમારું અહિત થતાં અટકાવે એ વ્યક્તિ જ તમારી સાચી શુભેચ્છક છે

હમણાં એક સુંદર તસવીર જોઈ. વૃક્ષો, રેતાળ પહાડો અને ચમકતા સ્ફટિક શા પારદર્શક જળનું સરોવર. જોતાં જ આંખોમાં વસી જાય એવા એ દૃશ્યમાં કંઈક અનોખું અને આગવું હતું. એ દૃશ્ય હતું ઉત્તર આફ્રિકામાં આવેલા દેશ લિબિયાનું. લિબિયામાંથી પસાર થતો સહારાના રણપ્રદેશનો આ હિસ્સો ચાર લાખ વીસ હજાર માઇલ સુધી વિસ્તરે છે. એની ભયંકર ગરમ આબોહવાને કારણે એ દુનિયાના સૌથી આકરા રણપ્રદેશમાંનો એક ગણાય છે. એ સુંદર તસવીર હતી લિબિયાના ઔબારી ટાઉનના ‘મધર ઑફ ઑલ વૉટર્સ’ તરીકે ઓળખાતા સરોવરની. ઔબારી રણદ્વીપ શહેર તરીકે જાણીતું છે. રેતસમંદરની વચ્ચોવચ આવેલા આ રણદ્વીપનાં જળ દરિયાના પાણી કરતાંય વધુ ખારાં હોય છે, પરંતુ એના કાંઠે લહેરાતી ખજૂરી પર મધ જેવાં મીઠાં ખજૂર પાકે છે. આ ઝળહળતાં જળ જોઈને આપણી પ્યાસ જાગી ઊઠે, પણ ઉપલબ્ધ માહિતી પ્રમાણે આ પાણીમાં તરસ બુઝાવવાની તાકાત નથી. એ તસવીર નીચે પણ નુક્તેચીની કરેલી : ‘સાવધાન... આ પાણી મોઢામાં નાખતા નહીં.’ કેવું વિચિત્ર! જે પાણી માણસને પીવાલાયક પણ નથી એ જ પાણીથી પોષાયેલી ખજૂરી આવાં મધુરાં ફળ આપી શકે છે!
એ વાંચીને જિંદગીના મેળામાં જોવા મળતા કેટલાક લોકો યાદ આવી ગયા. અંદરથી તો પ્રેમ છલોછલ હોય, પણ ઉપરથી રૂક્ષ અને બરછટ. તમારા અત્યંત આત્મીય હોય, તમને ખૂબ જ ચાહતા હોયઅને તમારા હિતનું જ વિચારતા હોય છતાં તેમનું બોલવાનું એટલું બરછટ હોય કે આપણને તેમનાં વેણ વાગે. તેમની આકરી વાણી તેમના અંતરમાં છુપાયેલા વાત્સલ્યનું જ બાહ્ય સ્વરૂપ છે એ બહુ ઓછા લોકો સમજી શકે. અલબત્ત, નાનપણથી આપણને શીખવવામાં આવ્યું છે કે ‘મીઠું બોલવું’, ‘કોઈને વાગે એવું ન બોલવું’, ‘વાણીના ઘા રુઝાતા નથી’. આમ છતાં સૌથી વધુ કર્કશતા કે કડવાશ આત્મીય લોકો પાસેથી જ સાંભળવા મળે છે, કેમ કે એવી વ્યક્તિઓને જ આપણી સૌથી વધુ ચિંતા હોય છે. એટલે આપણા સારા માટે હોય એવી કોઈ વાત આપણે ન કરતા હોઈએ કે ન માનતા હોઈએ તો તેઓ કડવા થઈને પણ આપણને એ કહેશે જ, કારણ કે તેઓ દિલથી ઇચ્છતા હોય છે કે આપણે કોઈ ખોટું પગલું ન ભરીએ, કોઈ ખોટી વાતથી છેતરાઈ ન જઈએ, એમાં વહી ન જઈએ. એક યુવાને ખૂબ જ વિપરીત સંજોગોમાં અભ્યાસ પૂરો કર્યો. આકરી મહેનત અને ઊંડા ખંતથી સારી નોકરી મેળવી. તે ખુશ હતો. મા-બાપ પણ દીકરાની મહેનત ફળી એનો રાજીપો અનુભવતાં હતાં. જોકે થોડા મહિના બાદ યુવાન ઑફિસની, તેના બૉસની અને ત્યાંના વર્કકલ્ચરની નિંદા કરવા લાગ્યો અને એક દિવસ તો ભારે ગુસ્સામાં તેણે નોકરી છોડવાનો નિર્ણય કરી લીધો. ઘરમાં બધાને યુવાનનો એ નિર્ણય ભૂલભરેલો લાગતો હતો, પરંતુ તેના મોઢે એ વાત કોઈ કહેતું નહોતું. જોકે તેની માએ યુવાનને શબ્દો ચોર્યા વગર કહ્યું કે તેં લીધેલો નિર્ણય ખોટો છે. એટલું જ નહીં, તે સ્ત્રીએ કડવા થવાનો છોછ રાખ્યા વગર યુવાનને પસંદ નહોતી છતાં સત્ય હકીકત હતી એવી અનેક બાબતો પ્રત્યે તેનું ધ્યાન ખેંચ્યું. તેણે યુવાનને કન્વિન્સ કર્યો કે તેનું હિત નોકરી ચાલુ રાખવામાં હતું, છોડવામાં નહીં. આખરે યુવાને તેની વાત માની અને ખરેખર યુવાનનો નોકરીમાં ટકી રહેવાનો નિર્ણય તેની કારકિર્દી અને જિંદગી બન્નેમાં ખૂબ જ સાચો પુરવાર થયો.
કડવી પણ સાચી સલાહ માત્ર એ જ વ્યક્તિ આપી શકે છે જે તમને સાચા હૃદયથી ચાહતી હોય અને તમારું હિત ઝંખતી હોય. હકીકતમાં એમ પણ કહી શકાય કે તમને નારાજ કરવાનું જોખમ લઈને પણ જે તમને કડવી વાત કહી શકે કે અંગારા જેવી ભાષા વાપરીને પણ જે તમારું અહિત થતાં અટકાવે એ વ્યક્તિ જ તમારી સાચી હિતચિંતક છે. બાકી તમારી સાથે મીઠું બોલીને રહેનારી કે તમને ખરાબ લાગશે એવા ડરથી તમારાથી જુદો મત વ્યક્ત ન કરનારી વ્યક્તિ હકીકતમાં તમારી દોસ્ત નથી. આ કિસ્સામાં પણ ઘરમાં એકમાત્ર વ્યક્તિ હતી જે યુવાનને સાચી અને તેને નહીં ગમતી એવી વાત તેના મોઢે કહી શકી. આવી વ્યક્તિઓને પણ પેલા રેતીના સમંદરમાં વહેતા જળઝરણની સાથે ન સરખાવી શકાય? તમારી જિંદગી મીઠાંમધ જેવાં ફળોથી લચી પડે એ માટે જ કદાચ તેમની વાણી ખારી ઉસ જેવી બનતી હશે? કદાચ!
(આ લેખમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

નાનપણથી આપણને શીખવવામાં આવ્યું છે કે ‘મીઠું બોલવું’, ‘કોઈને વાગે એવું ન બોલવું’, ‘વાણીના ઘા રુઝાતા નથી’. આમ છતાં સૌથી વધુ કર્કશતા કે કડવાશ આત્મીય લોકો પાસેથી જ સાંભળવા મળે છે, કેમ કે એવી વ્યક્તિઓને જ આપણી સૌથી વધુ ચિંતા હોય છે. તેમની આકરી વાણી તેમના અંતરમાં છુપાયેલા વાત્સલ્યનું જ બાહ્ય સ્વરૂપ છે એ બહુ ઓછા લોકો સમજી શકે

02 March, 2021 11:31 AM IST | Mumbai | Taru Kajaria

અન્ય લેખો

ઓહ, સૉરી... બસ, એમ કહી અમિતાભ બહાર નીકળી જાય

ઓહ, સૉરી... બસ, એમ કહી અમિતાભ બહાર નીકળી જાય

15 March, 2021 01:24 IST | Mumbai | Sanjay Goradia

જોગાનુજોગ

જોગાનુજોગ

15 March, 2021 01:06 IST | Mumbai | Samit purvesh Shroff

બે સેક્સ-સાઇકલ વચ્ચે કેટલું અંતર હોવું જોઈએ?

બે સેક્સ-સાઇકલ વચ્ચે કેટલું અંતર હોવું જોઈએ?

15 March, 2021 01:04 IST | Mumbai | Dr. Mukul Choksi

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK