Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ખો દેતે હૈં ફિર ખોજા કરતે હૈં, યહી ખેલ હમ ઝિંદગીભર ખેલા કરતે હૈં.

ખો દેતે હૈં ફિર ખોજા કરતે હૈં, યહી ખેલ હમ ઝિંદગીભર ખેલા કરતે હૈં.

29 June, 2020 02:12 PM IST | Mumbai
Pravin Solanki | pravin.solanki@mid-day.com

ખો દેતે હૈં ફિર ખોજા કરતે હૈં, યહી ખેલ હમ ઝિંદગીભર ખેલા કરતે હૈં.

સુશાંત સિંહ રાજપૂત

સુશાંત સિંહ રાજપૂત


સુશાંત ગયો અને પાછળ અનેક વાત, વિચાર અને વિવાદ મૂકતો ગયો. ૩૪ વર્ષની ઉંમર! ત્રણ-ત્રણ પ્રેમિકાઓ. એ પણ જે જાહેર થઈ છે, જેની આપણને ખબર પડી છે એ! ત્રણ-ત્રણ સ્ત્રીઓના પ્રેમમાં ડૂબ્યો ને ડૂબીને પાછો સપાટી પર આવી ગયો, પ્રેમને જળસમાધિ આપીને. આને શું આપણે પ્રેમ કહીશું?
આજકાલ લોકોની, એમાંય ખાસ કરીને યુવાનોની એક આદત ઊડીને આંખે વળગે છે. તે કાયમ, પર્મનન્ટ કોઈ વસ્તુને ચાહી શકતો નથી, સાંખી શકતો નથી, રાખી શકતો નથી. એક મોબાઇલ ફોન આજે લીધો, થોડા સમય પછી બજારમાં નવું મૉડલ આવે, જૂના મૉડલ પરનો ભાવ ઊતરી જાય, નવું મૉડલ અપનાવે. એવું જ કાર, ટીવી, ફ્રિજ, કમ્પ્યુટર વગેરે બાબત પર બને. જૂનું ગંધાઈ જાય, નવું રંધાઈ જાય. શું પ્રેમિકા પણ આવી એક જણસ બની ગઈ છે?
કલાકારોના જીવનમાં ડોકિયું કરશો તો લગ્ન એક સાંસ્કૃતિક કે પ્રાકૃતિક ઘટના નથી દેખાતી. મોટા ભાગે સાંયોગિક અને દૈનિક-દૈહિક જરૂરિયાતરૂપે નજર આવે છે. કોઈ ને કોઈ અભિનેતા કે કોઈ ને કોઈ અભિનેત્રી એક-બે-ત્રણ વાર પ્રેમ-રમતની પ્રૅક્ટિસ કર્યા પછી જ લગ્નના મેદાનમાં ઊતરેલાં દેખાશે. આપણે કોઈ નામની પળોજણમાં નથી પડવું, પણ મોટા ભાગના કલાકારો બહોળા અનુભવ પછી જ સ્થિર થયાં છે, તો કોઈ સ્થિર થયા પછી બહોળો અનુભવ લેવા પ્રેમમાં પડ્યા છે.
કલાકારોની જ વાત શું કામ? સમાજના અન્ય વિભાગોમાં પણ આ સ્થિતિનું પ્રમાણ વધ્યું છે. કલાકાર જાહેર વ્યક્તિ છે એટલે તેમનાં કરતૂત જાહેરમાં આવે છે. બાકીનાનું ‘આપણું તો બધું પ્રાઇવેટ લિમિટેડ’ (મારા એક નાટકનું નામ).
સવાલ એ થાય છે કે શું એક ડાળ પરથી બીજી ડાળ પર કૂદવાનો ડાર્વિનના વાંદરાનો સ્વભાવ માણસમાં મૂળભૂત રીતે આવ્યો છે? જમાનો બદલાયો છે? આપણા પર પાશ્ચાત્ય સંસ્કૃતિના સંસ્કાર હાવી થઈ ગયા છે? પ્રેમની કે સંબંધોની વ્યાખ્યા બદલાઈ છે?
પેટની ભૂખ ગમે ત્યાંથી રોટલો મેળવીને સંતોષી શકાય છે. રોટલો તો માગી-ભીખીને પણ મળી રહે, પ્રેમની ભૂખ માગી-ભીખીનેય સંતોષાતી નથી. માણસ હર પળ, હર ક્ષણ કોઈકનો પ્રેમ ઝંખતો હોય છે. સ્થૂળ રીતે પ્રેમનાં અનેક સ્વરૂપો-નામો છે; લાગણી, સ્નેહ, વહાલ, મમતા, આકર્ષણ, લગાવ, માયા અને સેક્સ પણ.
વળી માણસ કોઈનો પ્રેમ પામ્યા વગર જીવી શકે છે, પણ કોઈને પ્રેમ કર્યા વગર જીવી શકતો નથી. જ્યાં સુધી માણસ કોઈ ને કોઈ ચીજ કે વ્યક્તિને પ્રેમ કર્યા કરશે કે પામ્યા કરશે ત્યાં સુધી તે વૃદ્ધ થશે નહીં.
લોકો નિરાશા, હતાશા, એકલતા કે જવાબદારીના બોજ નીચે દબાઈ જાય છે ત્યારે કોઈની હૂંફ, કોઈનું આશ્વાસન ઝંખે છે. આ ઝંખના પણ પ્રેમ છે. આ ઝંખના તીવ્ર બને, કાબૂ બહાર બને ત્યારે એક અજબ પ્રકારની ઉત્તેજના શરીરમાં વ્યાપે અને એ ઉત્તેજના સેક્સ રૂપે કે જાતીય આવેગ રૂપે બહાર આવે છે. પ્રેમ અને સેક્સ બન્ને ભિન્ન રૂપે હોવા છતાં બન્નેની ભેળસેળ થઈ જાય છે. આ વૃત્તિમાંથી એવાં પણ સમીકરણો બહાર આવ્યાં કે સ્ત્રી સેક્સ આપે છે પ્રેમ માટે અને પુરુષ પ્રેમ કરે છે સેક્સ માટે જે હોય તે, અંતિમ પરિણામ એ આવ્યું કે સેક્સ સત્ય, પ્રેમ મિથ્યા.
બે વ્યક્તિ પ્રેમમાં પડી એટલે શું? પ્રેમ કૂવો, દરિયો કે ખાડો નથી. વળી કહેવાય છે કે કોઈ પ્રેમમાં પડતું નથી, પડી જવાય છે. કદાચ એટલે જ કહેવાતું હશે કે પ્રેમ આંધળો છે. લગ્ન આંખો ખોલી નાખે છે.
પ્રેમમાં પડવું એટલે એકબીજાથી આકર્ષિત થવું. ક્યારેક યોજનાબદ્ધ, ક્યારેક આકસ્મિક રીતે; એકબીજાના રૂપથી, વ્યક્તિત્વથી, કલાથી, પદથી, શ્રીમંતાઈથી, સાદાઈથી, જ્ઞાનથી, વિદ્વત્તાથી ખેંચાવું. એકબીજા માટે ઝંખવું, ઝૂરવું, તડપવું, મિલન માટે તરસવું, જુદાઈમાં કણસવું, રાતે ઊંઘ ન આવે, દિવસે કામમાં મન ન લાગે, આકુળ-વ્યાકુળ, બેચેની, બેબસી, ક્યારેક બેશરમી પણ આ બધાં પ્રેમમાં પડવાનાં લક્ષણો.
આમ છતાં પ્રેમીઓ છૂટાં કેમ પડે છે?
કહેવાતા પ્રેમના ત્રણ તબક્કા છે. પહેલો તબક્કો ઉપરનો છે; મિલનમાં મહાલવાનો, જુદાઈમાં પ્રેમ વધારવાનો. બન્ને ભાવવિભોર બનીને એકબીજાના હાથમાં હાથ નાખી આસમાનમાં ઊડે છે.
બીજા તબક્કામાં સપનાની દુનિયામાંથી વાસ્તવિકતાની નજીક આવી જાય છે. બન્નેની ટેવ-કુટેવોનો અને એકબીજાના ગમા-અણગમાનો ખ્યાલ આવે છે. વાણી-વર્તનમાં ફેરફાર થાય છે. પહેલા તબક્કામાં જેઓ એમ કહેતાં થાકતાં નહોતાં કે ‘ડિયર, હું નથી તો તું નથી ને તું નથી તો હું નથી.’ એ વાક્યનું રૂપાંતર થઈને એમ સાંભળવા મળે છે કે ‘હું છું તો તું છે ને તું છે તો હું છું.’ સમયાંતરે પ્રેમનો બરફ ઓગળવા માંડે છે અને ત્રીજા તબક્કામાં સૂત્ર ચરમસીમાએ પહોંચી જાય છે, ‘કાં હું નથી, કાં તું નથી.’
ત્રીજા તબક્કામાં બન્નેને મહેસૂસ થાય છે કે બન્ને વચ્ચે જોઈએ એવો મેળ નથી જામતો.
વાત છેવટે આવી જાય છે અંતિમ બિંદુ પર. જેમ પહેલું સફરજન ખાવાથી આનંદ આવે, પછી તરત બીજું ખાવાથી થોડી મજા આવે, ત્રીજું ખાતાં-ખાતાં ખવાઈ જાય અને ચોથું ખાતાં ઊબકા આવી જાય. એમ થોડો સમય સાથે રહ્યા પછી બન્ને ઊબકાય જાય છે. પછી સાથે તો શું, સામે રહેવા પણ કોઈ તૈયાર નથી થતું.
‘પ્રેમ કે આકર્ષણ?’ નામના ઘણા પરિસંવાદમાં ભાગ લીધો. એક મુદ્દો સ્પષ્ટ હતો, પણ હજી સુધી એના જવાબ અસ્પષ્ટ જ રહ્યા છે. મુદ્દો એ છે કે આકર્ષણ થકી પ્રેમ થાય છે કે પ્રેમ થયા પછી આકર્ષણ થાય છે? પ્રેમ હોય તો આકર્ષણ થાય જ, આકર્ષણ હોય છતાં પ્રેમ કદાચ ન પણ થાય.
દરેક પ્રેમી એકમેકને એક સવાલ તો પૂછતાં જ હોય છે કે ‘તું મને કેટલું ચાહે છે?’ ધારો, શું જવાબ હોઈ શકે? પ્રેમ વજનવિહીન, અમાપ, અતળ છે. આત્માની જેમ ન માપી શકાય, ન તોળી શકાય, ન સ્પર્શી શકાય. એ તો ફક્ત અનુભવી શકાય. આ જ રીતે ‘તું મને શું કામ ચાહે છે’ એનો જવાબ શું હોઈ શકે? સરળ જવાબ છે, ‘તારા બધા અવગુણો હું જાણું છું છતાં તું મને ગમે છે.’ ગુણોને જ નહીં, અવગુણોને પણ ચાહવું એનું નામ પ્રેમ.
એક મુખ્ય વાત. કોઈ કોઈને કેટલું ચાહે છે એ કઈ રીતે બતાવી શકાય, પ્રદર્શિત કરી શકાય, જતાવી શકાય? એકબીજા માટે શું-શું કર્યું, એકબીજાને શું-શું આપ્યું એના પરથી માપ નથી નીકળતું. એકબીજા માટે શું-શું ત્યાગ્યું એના પરથી નીકળે છે. ત્યાગ એ પ્રેમનું સર્વશ્રેષ્ઠ ઉપનામ, તખલ્લુસ છે. વૈરાગ્ય વિના જેમ ત્યાગ ટકતો નથી એમ ત્યાગ વગર પ્રેમ ટકતો નથી.
બસ! અહીં જ ખાટલે મોટી ખોટ પાયાની દેખાય છે. પ્રણય કે પરિણયનાં પાત્રોએ કાંઈ ત્યાગવું નથી કે ગુમાવવું નથી. અપેક્ષા અને અહમ્ બન્ને વચ્ચેનું અંતર વધારતાં રહે છે. અપેક્ષાઓ ખૂટતી નથી અને અહમનું એન્કાઉન્ટર થતું નથી. જખમો ઝીલતાં પણ નથી આવડતું અને જખમોને સીવતાં પણ નથી આવડતું એટલે ‘જો અફસાના અંજામ તક લાના ન હો મુમકિન, ઉસે એક ખૂબસૂરત મોડ દે કર છોડના અચ્છા...’નો વચલો રસ્તો પણ અપનાવી શકતાં નથી.
સુશાંત સિંહ રાજપૂત ડિપ્રેશનમાં હતો, ઠીક છે. એક બાજુથી તેને હસમુખો, ચાલાક, હોશિયાર, વિચારક પણ ગણાવાય છે, તો બીજી બાજુ ડિપ્રેશન પણ અનુભવતો હતો. એ બુદ્ધિશાળી-વિચારક એટલું કેમ ન વિચારી શક્યો કે ‘આ દિવસો પણ ચાલ્યા જશે.’ સુખ કે દુઃખના સમયે આ એક જ વાક્ય જે યાદ રાખીને અમલમાં મૂકે તે ક્યારેય તૂટી ન શકે અને તે જ ટકી શકે.
માનસશાસ્ત્રની દૃષ્ટિએ બહારનાં પ્રે‍શર, ધંધાનાં પ્રેશર કરતાં અંદરનું પ્રેશર, કુટુંબનું કે નજીકની વ્યક્તિનું પ્રેશર વધારે ખતરનાક હોય છે, એમાં પણ પ્રણયભંગ તો ખાસ. આપણે જેને સૌથી વધારે ચાહતા હોઈએ એ જ વ્યક્તિ જ્યારે આઘાત પહોંચાડે એ જીરવવો બહુ મુશ્કેલ હોય છે. એ વ્યક્તિ હર ક્ષણે દિલની નજીક હોય છે અને આપણાં તમામ રહસ્યો, સપનાંઓ, ઇચ્છાઓ જાણતી હોય છે તથા એ વ્યક્તિ દ્વારા જ તન અને મનને હળવું કરી શકાતું હોય છે. બીજા કોઈ કરતાં એ વ્યક્તિ પાસે જ વધારેમાં વધારે અપેક્ષા રખાતી હોય છે. આવી વ્યક્તિ જીવનમાંથી એકાએક જાય ત્યારે કોઈ પણ માણસ નિર્વિવાદ સમતોલપણું ગુમાવે જ!
ખેર, આ બધાં શક્યતાઓનાં મૃગજળ છે. હકીકત એક જ છે કે સુશાંત આપણી વચ્ચે રહ્યો નથી!


Whatsapp-channel Whatsapp-channel

29 June, 2020 02:12 PM IST | Mumbai | Pravin Solanki

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK