Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > મુંબઈ પણ વાપરશે હવે દરિયાનું પાણી

મુંબઈ પણ વાપરશે હવે દરિયાનું પાણી

22 January, 2022 09:18 AM IST | Mumbai
Jigisha Jain | jigisha.jain@mid-day.com

સમુદ્રના પાણીને પીવાલાયક બનાવવાના ડીસેલિનેશન પ્લાન્ટનો પ્રોજેક્ટ માંડ હવે આગળ વધે એમ લાગે છે ત્યારે જાણીએ આ પદ્ધતિ શું છે તેમ જ ક્યાં અને કેવી રીતે ઉપયોગી થઈ રહી છે

તામિલનાડુમાં ચેન્નઈથી ૩૫ કિલોમીટર દૂર કટ્ટુપલ્લીમાં ૧૦૦ મિલ્યન લિટર પાણી રોજ ડીસેલિનેટ કરતો પ્લાન્ટ ૨૦૧૦માં શરૂ કરાયો છે

તામિલનાડુમાં ચેન્નઈથી ૩૫ કિલોમીટર દૂર કટ્ટુપલ્લીમાં ૧૦૦ મિલ્યન લિટર પાણી રોજ ડીસેલિનેટ કરતો પ્લાન્ટ ૨૦૧૦માં શરૂ કરાયો છે


સમુદ્રના પાણીને પીવાલાયક બનાવવાનાડીસેલિનેશન પ્લાન્ટનો પ્રોજેક્ટ માંડ હવે આગળ વધે એમ લાગે છે. મુંબઈને પાણી પ્રોવાઇડ કરતાં સાત તળાવો હોવા છતાં શા માટે આટલી ખર્ચાળ પદ્ધતિ અપનાવવાની વાત થઈ રહી છે એવો ગણગણાટ ઊઠ્યો છે ત્યારે જાણીએ આ પદ્ધતિ શું છે તેમ જ ક્યાં અને કેવી રીતે ઉપયોગી થઈ રહી છે

પૃથ્વી પર ૭૫ ટકા પાણી છે, પરંતુ છતાં આપણી પાસે પીવાના પાણીની તંગી છે. એક સમય એવો આવશે જ્યારે આપણી પાસે પીવાનું પાણી હશે જ નહીં. ત્યારે આપણે શું કરીશું? આ વાત માટે વિજ્ઞાન આપણને સમજાવતું કે એવા સમયે આપણે સમુદ્રના પાણીને પીવાના પાણીમાં બદલવું પડશે. આપણે બધા આ શક્યતા વિશે ભણતા હતા ત્યાં સુધીમાં તો દુનિયાના અમુક દેશોએ આ ટેક્નૉલૉજી પર કામ કરીને પ્લાન્ટ બનાવી નાખ્યા અને સમુદ્રના ખારા પાણીમાંથી પીવાનું મીઠું પાણી ઉત્પન્ન કરવા લાગ્યા છે. આ પ્રોસેસને અંગ્રેજીમાં ડિસેલિનેશન કહે છે અને એના માટે સ્થાપિત થનારા પ્લાન્ટને ડિસેલિનેશન પ્લાન્ટ્સ. આ પ્રકારના પ્લાન્ટ્સ સેટ-અપ કરવામાં આરબ દેશો મોખરે હતા. ત્યાં પીવાના પાણીની ભયંકર અછત અને પૈસાની સધ્ધરતા બંને હોવાને કારણે આ તેમના માટે શક્ય બન્યું. આ પછી તો ઑસ્ટ્રેલિયા, યુએસએ, યુરોપ અને આફ્રિકામાં પણ આ ટેક્નૉલૉજી પ્રમાણે મીઠું પીવાનું પાણી ઉત્પન્ન થવા લાગ્યું. દુનિયાના જુદા-જુદા દેશોમાં આ ટેક્નૉલૉજી ૩૦-૪૦ વર્ષથી ઉપયોગમાં લેવાય છે. 
મહારાષ્ટ્ર ચોથું રાજ્ય
ભારતમાં એનો સૌપ્રથમ પ્રયોગ ચેન્નઈમાં ૨૦૧૦માં થયો જેનું નામ નેમ્મલી સી-વૉટર ડિસેલિનેશન પ્લાન્ટ રાખવામાં આવ્યું હતું. આજની તારીખે ચેન્નઈમાં ત્રણ પ્લાન્ટ કાર્યરત છે અને ચોથો શરૂ થવાનો છે. તામિલનાડુ સિવાય ગુજરાતમાં પણ ડિસેલિનેશન પ્લાન્ટ છે. જામનગરના રિલાયન્સમાં પ્રાઇવેટ પ્લાન્ટ છે. એ ઉપરાંત દ્વારકા, કચ્છ, દહેજ, સોમનાથ, ભાવનગર, જીઆઇડીસી અને પીપાવાવમાં આ પ્લાન્ટ વિશે વિચારણા ચાલી રહી છે. આંધ્ર પ્રદેશમાં પણ એક પ્લાન્ટ સ્થપાઈ રહ્યો છે અને હાલમાં મહારાષ્ટ્ર ચોથું રાજ્ય થશે જે ડિસેલિનેશન પ્લાન્ટ સ્થાપિત કરવા જઈ રહ્યું છે. 
પહેલા પ્લાન્ટની તૈયારી 
૨૦૦૭માં મહારાષ્ટ્ર રાજ્ય સરકારે મુંબઈમાં ડિસેલિનેશન પ્લાન્ટની હિમાયત કરી હતી. જોકે ૨૦૨૦ સુધી આ હિમાયત પર ખાસ ધ્યાન આપવામાં નહોતું આવ્યું, કારણ કે આ પ્રોજેક્ટનો ખર્ચ ખૂબ જ વધારે છે. પીવાના પાણીના ઉત્પાદનરૂપે એટલો ખર્ચ પોસાય એમ હતો નહીં. આ પ્રોજેક્ટ મુજબ મનોરીમાં ૨૫-૩૦ એકર જમીનમાં આ પ્રોજેક્ટને સેટ-અપ કરવામાં આવશે જે દરરોજનું ૨૦૦ મિલ્યન લિટર પીવાનું પાણી ઉત્પન્ન કરશે. એ કૅપેસિટી આગળ જતાં વધશે પણ ખરી. આ પ્લાન્ટની ડિઝાઇન એક ઇઝરાયલી ફર્મ દ્વારા બનાવવામાં આવી છે અને એનું મૂલ્યાંકન કરવા માટે હાલમાં જ કન્સલ્ટન્ટની નિમણૂક થઈ છે. આ પ્રોજેક્ટ માટે જે જરૂરી સ્ટડી હતું એ પૂરું થવામાં જ છે. અંદાજે બે વર્ષમાં આ પ્લાન્ટ બની જશે. 
ડિસેલિનેશન પ્રોસેસ શું છે? 
સમુદ્રના એક લિટર પાણીમાં ૩૦થી ૪૦ ગ્રામ જેટલું મીઠું હોય છે. સામાન્ય રીતે આપણે જે પાણી પીએ છીએ એ પાણીમાં અડધા ગ્રામથી પણ જો વધુ મીઠું હોય તો એના ટેસ્ટમાં ગરબડ લાગવા માંડે છે. સમુદ્રના પાણીમાંથી વધારાના નમકને દૂર કરવાની આ પ્રોસેસને જ ડિસેલિનેશન કહે છે. એ સમજાવતાં વેસ્ટ વૉટર રેક્લેમેશન એક્સપર્ટ અને ભારતમાં તથા દુનિયાના બીજા દેશોમાં ડિસેલિનેશન પ્લાન્ટ્સના કન્સલ્ટન્ટ ભાસ્કર તત્ત્વવાદી કહે છે, ‘આ પ્રોસેસ માટે રિવર્સ ઓસ્મોસિસ કરવામાં આવે છે, જેમાં બહારથી દબાણ આપવામાં આવે છે જેને લીધે પ્રવાહી વધુ સાન્દ્રતાથી ઓછી સાન્દ્રતા તરફ ફરે છે. એ બંને વચ્ચે એક પડદો હોય છે જેમાં રહેલાં બારીક છિદ્રો પાણીને જવા દે છે અને મીઠા દ્વારા થતી અશુદ્ધિને રોકી દે છે, જેને લીધે ચોખ્ખું પાણી બીજી તરફ મળે છે. રિવર્સ ઓસ્મોસિસનો ઉપયોગ વ્યાવસાયિક અને નિવાસી જળના ગાળણમાં ઘણાં વર્ષોથી થતો આવ્યો છે. રિવર્સ ઓસ્મોસિસ માત્ર મીઠું ઘટાડતું જ નથી; પરંતુ મેટલ્સ, ઑર્ગેનિક અશુદ્ધિઓ અને જીવાણુઓને પણ ફિલ્ટર કરી શકે છે.’
મુંબઈને એની જરૂર છે ખરી? 
મુંબઈકરોએ સદીઓથી ક્યારેય પાણીની હાડમારી ભોગવી નથી. સિવાય કે ક્યારેક કોઈ પાઇપલાઇન તૂટી ગઈ હોય તો એક-બે દિવસ પાણી મળતું નથી અથવા તો એવા એરિયામાં સુધરાઈનું પાણી પહોંચતું નથી. મુંબઈને પીવાનું પાણી એનાં સાત તળાવોમાંથી મળે છે અને અહીં વરસાદ સારો જ પડે છે જેને કારણે બીજાં શહેરો કે રાજ્યો જેવી પાણીની કિલ્લત મુંબઈએ હજી 
સુધી જોઈ નથી. જોકે ૨૦૧૯નો સુધરાઈનો એક રિપોર્ટ જણાવે છે કે એ સમયે તેઓ દરરોજનું ૩૭૫૦ મિલ્યન લિટર પાણી સપ્લાય કરતા હતા જેની જરૂર ૨૦૨૧માં ૪,૮૪૯ મિલ્યન લિટરની થઈ અને ૨૦૪૧માં આ જરૂર ૭૧ ટકા જેટલી વધશે એટલે કે ૬,૪૨૪ મિલ્યન લિટર પાણીની દૈનિક જરૂરિયાત ઊભી થશે, કારણ કે મુંબઈની વસ્તી એ સમયે ૧.૭૨ કરોડ જેટલી 
થઈ જશે. આમ ભવિષ્યનો વિચાર કરીએ તો મુંબઈમાં પાણીની અછત આવશે જ.’
ખર્ચાળ છે, પણ....
આ પ્લાન્ટનો વિચાર તો ૨૦૦૭માં જ આવ્યો હતો, પરંતુ ૨૦૨૦ સુધી એને ટાળવામાં આવ્યો એનું કારણ એ જ હતું કે પીવાના પાણીનું ઉત્પાદન ભયંકર ખર્ચાળ લાગી રહ્યું હતું. આ પ્લાન્ટ બનાવવાની કૉસ્ટ ૧૬૦૦ કરોડ રૂપિયા છે અને આગલાં વીસ વર્ષ સુધી એનું મેઇન્ટેનન્સ ૧૯૨૦ કરોડ રૂપિયા જેટલું આવશે. આ આંકડાઓ વાંચીને કોઈ પણ વ્યક્તિને લાગશે કે પીવાના પાણી માટે આટલો ખર્ચો? પણ માનવજાતે જાતે કરીને વહોરી લીધેલી આ સમસ્યા છે. દાયકાઓ પહેલાં કોઈએ વિચારેલું કે પાણી ખરીદીને પીવું પડશે? પણ આપણે એ કરીએ જ છીએ. 
હિસાબ 
જ્યારે આટલા મોટા ખર્ચાળ પ્લાન્ટની વાત છે તો એની કૉસ્ટિંગ વિશેની ગણતરી સમજાવતાં ભાસ્કર તત્ત્વવાદી કહે છે, ‘આપણને સુધરાઈ જે પાણી પૂરું પાડે છે એના મુખ્ય સ્રોત છે મુંબઈનાં સાત તળાવો. આ સાત તળાવો મુંબઈમાં અમુક-અમુક દૂરી પર છે. અંદાજે સમજીએ તો એક પરિવારને ૧૦૦૦ લિટર પાણીની દૈનિક જરૂરિયાત છે. હવે આ પાણી ૧૦૦ કિલોમીટર દૂરથી આપણી પાસે આવે છે. એને લાવવા માટે મોટી પાઇપલાઇનો છે. હવે સમજીએ કે અંદાજે એ પાણીને મૂળભૂત સ્રોતથી સાફ કરીને, પીવાલાયક બનાવીને આપણા ઘર સુધી પહોંચાડવાનો ખર્ચ આવે છે લગભગ ૨૨ રૂપિયા. જ્યારે એ પાણી વાપરી લઈએ ત્યારે સમજો કે ૮૦૦ લિટર પાણી વેસ્ટ વૉટર બન્યું હોય તો એને એમ ને એમ તો પ્રકૃતિમાં છોડી શકાતું નથી એટલે એની કિંમત લગભગ ૧૦થી ૧૨ રૂપિયા આવે છે. આમ પાણીની કુલ કિંમત ૩૦ રૂપિયાથી વધુ થાય છે અને સુધરાઈ આપણી પાસેથી એની ૧/૫ પ્રાઇસ એટલે કે ૬ રૂપિયા લે છે. હવે જ્યારે ડિસેલિનેશન થકી પાણી બને છે એના ૧૦૦૦ લિટરની કૉસ્ટ ૬૦થી ૭૦ રૂપિયા થાય છે. એટલે કે કુદરતી પાણીને ઘરે પહોંચાડતાં થતી ૨૨ રૂપિયાની કૉસ્ટથી લગભગ ત્રણગણી કૉસ્ટ થઈ. આમ એ દેખીતી રીતે મોંઘું છે. જોકે ૪૦૦૦ મિલ્યન લિટર પાણી આ ૨૨ રૂપિયા/૧૦૦૦ લિટરના આંકડા મુજબ પૂરું પડી રહ્યું છે એટલે એના ખર્ચા સામે ૨૦૦ મિલ્યન લિટર પાણીનો ખર્ચો જોવો જોઈએ.’



ભવિષ્ય માટેનો આ બૅકઅપ પ્લાન બની શકે છે


મ્યુનિસિપલ કૉર્પોરેશનના સ્તરે જ્યારે વિચાર કરવાનો હોય ત્યારે ભવિષ્યને ધ્યાનમાં રાખીને યોજનાઓ બનાવવી જરૂરી છે. એ વિશે વાત કરતાં ભાસ્કર તત્ત્વવાદી કહે છે, ‘મુંબઈમાં એક મૉન્સૂન પણ ખરાબ જાય તો હાલત ખરાબ થઈ શકે છે. બીજું એ કે જ્યારે તંગી ઊભી થાય ત્યારે આપણી પાસે એક નહીં, ઉપાયોના જુદા-જુદા સોર્સ હોવા જોઈએ. પાણીની તંગીને પૂરી કરવા માટે એકથી વધુ સૉલ્યુશન કામે લગાડવા પડશે. મુંબઈની જરૂરિયાત ૪૦૦૦ મિલ્યન પાણીની છે અને એમાંથી ૨૦૦ મિલ્યન જેટલું જ પાણી આ પ્લાન્ટ પૂરું કરશે. વળી આગ લાગે ત્યારે કૂવો ખોદાતો નથી એ પણ સમજવું જરૂરી છે. આ પ્લાન્ટને મુંબઈના ભવિષ્યમાં જરૂરી પાણીની સપ્લાયનો બેક-અપ પ્લાન સમજી શકાય. એનાથી ભવિષ્યની તંગીને સધિયારો મળી રહેશે.’


Whatsapp-channel Whatsapp-channel

22 January, 2022 09:18 AM IST | Mumbai | Jigisha Jain

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK