° °

આજનું ઇ-પેપર
Monday, 06 December, 2021


હવે વાત કરીએ જવાબદાર નાગરિકની ત્રીજી ફરજ વિશે

21 November, 2021 02:50 PM IST | Mumbai | Bhavya Gandhi

શહેર પ્રત્યેની જવાબદારી નિભાવવાની બાબતમાં જ્યારે પણ બેદરકારી દાખવવામાં આવી છે ત્યારે શહેર દોજખ બન્યું છે. બહેતર છે કે આપણે વહેલી તકે જાગ્રત થઈએ અને સિટી પ્રત્યેની આપણી ફરજ પર લાગીએ

હવે વાત કરીએ જવાબદાર નાગરિકની ત્રીજી ફરજ વિશે

હવે વાત કરીએ જવાબદાર નાગરિકની ત્રીજી ફરજ વિશે

આપણે વાત કરીએ છીએ જવાબદાર નાગરિક તરીકેની ફરજની. આ સિરીઝ આપણે શરૂ કરી છે નવા વર્ષથી. નવા વર્ષના રેઝોલ્યુશનમાં દુનિયાઆખી અંગત રીતે જાતજાતના અને ભાતભાતના રેઝોલ્યુશન્સ લેતા હોય છે, પણ આપણે એટલા સ્વાર્થી થવાને બદલે વાસ્તવિકતાને ધ્યાનમાં રાખીને જવાબદારીઓનો સ્વીકાર કરવો જોઈએ. અગાઉ કહ્યું હતું એમ, જવાબદારીઓ પાંચ સ્તર પર ગોઠવાયેલી હોય.
સૌથી પહેલાં દેશ આવે, દેશ પછીના ક્રમે રાજ્ય અને એ પછી આવે શહેર. દેશ અને રાજ્ય પ્રત્યે આપણી શું જવાબદારી છે એના વિશે આપણે ઑલરેડી વાત કરી લીધી છે અને હવે વાત કરવાની છે આપણે શહેર પ્રત્યે રહેલી આપણી જવાબદારીઓની. દરેક નાગરિકની એક બેઝિક ફરજ છે કે તે પોતાના શહેરને એક ચોક્કસ સમય આપે અને શહેરને બહેતર બનાવે. પહેલાં તો તમારી જાતને પૂછો કે તમે કેટલો સમય શહેરને આપ્યો છે? જરા શાંતિથી વિચારીને આ વાતનો જવાબ આપો અને પૂછો જાતને, શહેરને સમય ક્યારેય આપ્યો છે ખરો?
ના.
આ જવાબ છે અને આ જવાબ ૧૦૦૦ શહેરવાસીઓમાંથી ૯૯૯ શહેરીજનનો જવાબ હશે. મુંબઈમાં પણ આ જ વાત લાગુ પડે અને મુંબઈની બહાર બીજા શહેરમાં રહેતા લોકોને પણ આ જ વાત લાગુ પડે. શહેરને સમય આપતા નથી અને એ પછી પણ આપણી અપેક્ષા છે કે જગતનું શ્રેષ્ઠ શહેર આપણું હોય, બેસ્ટ સુવિધા આપણને મળતી હોય અને સર્વશ્રેષ્ઠ રીતે આપણે જીવતા હોઈએ. એવું બની જ ન શકે, ક્યારેય નહીં. તમે જેવું આપો એવું તમને મળે. તમે શહેરને સમય આપતા નથી અને અપેક્ષા એવી રાખો છો કે શહેર તમને બધું આપે. આપણે બીજું કશું ન કરી શકીએ તો કોઈ વાંધો નહીં, પણ આપણે ઍટ લીસ્ટ મ્યુનિસિપલ કૉર્પોરેશનના કામમાં તો સરળતા આવે એવું કશું કરી જ શકીએ.
બીજું કશું નહીં, આપણે એવું વિચારીએ કે આપણે આપણી સિટીને ૧૦૦ કલાક આપીએ. વર્ષઆખામાં ૧૦૦ કલાક એટલે કે ૩૬પ દિવસમાંથી હાર્ડલી ૪ દિવસ અને એટલું તો થઈ જ શકે. આપણે એ ૪ દિવસ સળંગ આપવાના પણ નથી, જ્યારે પણ સમય મળે ત્યારે એ સમય સિટીને આપવાનો છે. સિટીમાં પૉલ્યુશન ન થાય એ માટેની દરકાર કરીએ એ પણ સિટી પ્રત્યેની આપણી જવાબદારી છે, તો સિટીમાં પૉલ્યુશન ફેલાવતાં વાહનોની માહિતી જે-તે વિભાગ સુધી પહોંચાડવી એ પણ આપણી જવાબદારી છે. કચરો ન થાય એનું ધ્યાન રાખીએ, કચરો ન કરીએ એનું ધ્યાન રાખીએ અને કચરો કરતા હોય તેમના પર પણ ધ્યાન રાખીએ એ પણ એક પ્રકારની જવાબદારી જ છે અને આ જવાબદારી આપણે નિભાવવાની છે.
જો શક્ય હોય તો ફ્રેન્ડ્સનું એક ગ્રુપ બનાવીને વીકમાં એક વાર કચરો કે પ્લાસ્ટિક એકત્રિત કરવાનું પણ પ્લાનિંગ થઈ શકે અને ગ્રુપ સાથે અવેરનેસના હેતુથી પણ આપણે એવા વિસ્તારોમાં પણ જઈ શકીએ જ્યાં ગંદકી બહુ ફેલાતી હોય. ગંદકીની બાબતમાં આપણા ઍક્ટર અને ‘મિડ-ડે’ના કૉલમનિસ્ટ એવા પદ્‍મશ્રી મનોજ જોષીએ હમણાં તેમની કૉલમમાં બહુ સરસ વાત કહી હતી. તેમણે કહ્યું કે ‘એવું છે જ નહીં કે આપણામાં સિવિક સેન્સ હોય નહીં. હકીકત એ છે કે આપણામાં દેશભક્તિનો અભાવ છે અને એને લીધે આપણે બેદરકારી બહુ રાખીએ છીએ.’ આ વાત વાંચ્યા પછી લાગે છે કે એ ૧૦૦ ટકા સાચી વાત છે. આપણે બેદરકારી બહુ દેખાડીએ છીએ અને એ બેદરકારી તરફ ધ્યાન ખેંચવાનું કામ હવેથી આપણે કરવાનું છે. અલ્ટિમેટલી એનાથી ફાયદો તો આપણા શહેરને જ થવાનો છે. એવા વિસ્તાર પસંદ કરો, એવી સોસાયટી પસંદ કરો જ્યાંથી ગંદકી ફેલાતી હોય. અરે, સ્લમમાં જઈને તેમને એજ્યુકેટ કરો અને એ પણ જરૂરી છે, કારણ કે છે તો તમારા જ શહેરનો એ એક ભાગ.
પૉલ્યુશનની વાત આપણે આગળ કરી. જો આપણે ધારીએ તો ઍટ લીસ્ટ એવું કરી શકીએ કે ઓછામાં ઓછાં વેહિકલનો ઉપયોગ થાય, પણ એને માટે જરૂરી છે ધારીએ, અને આ ધારણા આપણે જ બાંધવાની છે. ઘણા ફ્રેન્ડ્સ મેં એવા જોયા છે જે સ્ટેશને જવા માટે પોતાની બાઇક લે અને પછી એ બાઇક સ્ટેશને મૂકી દે. જો તમારે મૂકી જ દેવું છે તો હવેથી સાઇકલનો ઉપયોગ કરોને, તમારા હિતમાં પણ છે અને તમને હેલ્થમાં એનો ફાયદો પણ થવાનો છે. સાઇકલનો ઉપયોગ વધે એ જરૂરી છે. મુંબઈને જ આ વાત લાગુ નથી પડતી. દુનિયાભરમાં ક્યાંય પણ આ વાતનો અમલ થઈ શકે છે. સાઇકલથી પૉલ્યુશન થશે નહીં અને શહેરને બેનિફિટ મળશે તો સાઇકલથી તમારા શરીરને પણ લાભ થવાનો છે. સાઇકલ તો એક ઉદાહરણ છે, ધારો કે તમને સાઇકલ નથી વાપરવી કે પછી એ નથી ગમતી અને વૉક કરવાનું વધારે ગમે છે તો ચાલતા જાઓ, પણ વગર કારણે વાહનનો ઉપયોગ ટાળો.
જેમને ગાડી વાપરવાની આદત છે તેમણે પણ સમજવાની જરૂર છે કે દરેક સિટીમાં દરરોજ સેંકડો એવી કાર બહાર નીકળે છે જેમાં બેસનારા પોતે એક જ હોય છે. ધારો કે કાર સિવાય તમે ટ્રાવેલ કરી શકો એમ નથી તો પણ વાંધો નહીં. એક કામ કરો, કારને બદલે ટૅક્સી વાપરો. રસ્તા પર એટલાં વેહિકલ ઓછાં બહાર આવશે. શૅરિંગ સિસ્ટમનો ઉપયોગ કરો, જેથી ઓછી કાર રસ્તા પર આવે. ઘરની નજીકમાં રહેતા બીજા કલીગ કે પછી દોસ્તના વેહિકલનો ઉપયોગ કરો. કંપની પણ મળશે અને બે કે ચાર વાહનને બદલે એક જ વેહિકલ રસ્તા પર આવશે તો ટ્રાફિક અને પૉલ્યુશન એમ બન્નેમાં ઘટાડો થશે અને ઘટાડો નહીં થાય તો પણ કંઈ નહીં, વધારો તો નહીં જ થાય. આ સિવાયના પણ આ શૅરિંગનો હજી બીજો પણ એક ફાયદો છે. પૈસાની બચત થશે, જે આજના સમયમાં અનિવાર્ય પણ છે.
પૈસા પરથી યાદ આવ્યું કે ઘણા લોકો કૉર્પોરેશન-ટૅક્સની બાબતમાં બહુ બેદરકાર હોય છે. બેદરકાર પણ અને સાથોસાથ એવી માનસિકતા ધરાવતા પણ કે કૉર્પોરેશન શું કરી લેવાનું છે? આ માનસિકતા પણ કાઢવી જોઈએ. શહેર પ્રત્યેની એક નાગરિક તરીકેની ફરજનો પહેલો નિયમ છે, શહેરને સમૃદ્ધ બનાવો. આર્થિક રીતે પણ અને સાથોસાથ વૈચારિક રીતે પણ. જે ટૅક્સ ભરવાનો છે એ ભર્યા વિના ચાલે એમ નથી તો પછી શું કામ એ ભરવાનો નહીં. જો સગવડ હોય તો ટૅક્સ ભરી દો અને ધારો કે સગવડ ન હોય પણ ક્રેડિટ કાર્ડનો વપરાશ કરતા હો તો ટૅક્સ ભરીને એના ઈએમઆઇ કરી લો, પરંતુ એની પણ જરૂર નહીં જ પડે એવું મારું પર્સનલી માનવું છે. કારણ કે આપણે ગુજરાતીઓ એવા તો કંગાળ હોતા નથી કે કૉર્પોરેશનનો ટૅક્સ ન ભરી શકીએ અને એમ છતાં ધારો કે એવું બને પણ ખરું તો એનું આગોતરું આયોજન રાખો. આવતા ટૅક્સની રકમની બચત અત્યારથી જ શરૂ કરી દઈએ, જેથી ટૅક્સ ભરવાનો આવે ત્યારે બીજી કોઈ ચિંતા ઊભી ન થાય અને શહેરના વિકાસ અને શહેર પ્રત્યેની જવાબદારીમાં કોઈ બાંધછોડ ન કરવી પડે.
દેશ, રાજ્ય અને શહેર પછી આવે છે સોસાયટી પ્રત્યેની જવાબદારી, જેની વાતો આપણે કરીશું આવતા સન્ડે, પણ બેટર છે કે આ ત્રણ જવાબદારી પ્રત્યે જાગ્રત થઈ જઈએ.

ઘરની નજીક રહેતા કલીગ કે પછી દોસ્તના વેહિકલમાં સાથે જવાનો નિયમ બનાવો. દોસ્ત કે કલીગની કંપની પણ મળશે અને બે કે ચાર વેહિકલને બદલે એક જ વેહિકલ રસ્તા પર આવશે તો ટ્રાફિક અને પૉલ્યુશન એમ બન્નેમાં ઘટાડો થશે અને ઘટાડો નહીં થાય તો પણ કંઈ નહીં, વધારો તો નહીં જ થાય.

21 November, 2021 02:50 PM IST | Mumbai | Bhavya Gandhi

અન્ય લેખો

એકબીજાથી ચડિયાતા હોવાના દાવા-પ્રતિદાવા જ લોકોને દૂર કરવાનું કામ કરે છે

એક વાત યાદ રાખજો કે પ્રચાર જરૂરી છે, પણ બીજાના દુષ્પ્રચાર સાથે આગળ વધવું અયોગ્ય છે

05 December, 2021 07:51 IST | Mumbai | Manoj Joshi

૮૦૦૦ મીટરથી ઊંચાં ૧૪શિખરો ૬ મહિના અને છ દિવસમાં સર

અદ્ભુત, અસંભવ અને અકલ્પનીય લાગે એવી આ સિદ્ધિ છે નેપાલના નિર્મલ પુરજાની. આ જાંબાઝનું સાહસ કઈ રીતે પૉસિબલ બન્યું એની ડૉક્યુ ફિલ્મ ‘૧૪ પીક્સ : નથિંગ ઇઝ ઇમ્પૉસિબલ’ આવી છે. સપનાં જોવાની હામ ધરાવતા દરેકે ૩૮ વર્ષના આ યુવકની જિંદગીમાંથી શીખવા જેવું છે

05 December, 2021 07:49 IST | Mumbai | Aashutosh Desai

મહિલાઓ દ્વારા ચાલતું આ પ્રિન્ટિંગ પ્રેસ વર્ષેદહાડે કરે છે બે કરોડનું ટર્નઓવર

ઉત્તર ગુજરાતના વીસનગરમાં મહિલા દ્વારા સ્થપાયેલા અને મહિલાઓ દ્વારા જ ચાલતા પ્રિન્ટિંગ પ્રેસે પુરુષોના વર્ચસવાળા ફીલ્ડમાં પણ પોતાનું આગવું સ્થાન બનાવ્યું છે. ઓછું ભણેલી અને બિનઅનુભવી સ્ત્રીઓ પણ જો સાથે મળીને કંઈક કરવા ધારે તો શું થઈ શકે?!

05 December, 2021 07:41 IST | Mumbai | Shailesh Nayak

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK