Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ઇલાજ અને ઉપચાર: કોરોના માટે લૉકડાઉન જરૂરી ગણવું કે નહીં એ યક્ષપ્રશ્ન છે?

ઇલાજ અને ઉપચાર: કોરોના માટે લૉકડાઉન જરૂરી ગણવું કે નહીં એ યક્ષપ્રશ્ન છે?

11 April, 2021 10:43 AM IST | Mumbai
Manoj Joshi | manoj.joshi@mid-day.com

મહામારી સામે ટકવું અને એની સામે લડવું એ જ માણસજાતિનો સ્વભાવ છે અને આ જ સ્વભાવને આપણે અત્યારે, આ વખતે પણ દેખાડવાનો છે

ફાઈલ તસવીર

ફાઈલ તસવીર


કોરોનાથી બચવાના ઇલાજની જો વાત કરીએ, જો એનો ઉપચાર શોધીએ તો કહેવું પડે કે એનો કોઈ ઉપચાર હાથવગો દેખાતો નથી અને એ દેખાતો નથી એટલે જ લૉકડાઉનને ઉપચાર માનવામાં આવે છે, પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બે દિવસ પહેલાં કહ્યું કે લૉકડાઉન એ કોરોનાનો ઇલાજ નથી. વાત ખોટી પણ નથી. કોરોનાનો ઇલાજ લૉકડાઉન હોઈ પણ ન શકે. મહામારી સામે ટકવું અને એની સામે લડવું એ જ માણસજાતિનો સ્વભાવ છે અને આ જ સ્વભાવને આપણે અત્યારે, આ વખતે પણ દેખાડવાનો છે. જોકે એમ છતાં લૉકડાઉન અનિવાર્ય છે એવું પણ કહેવું જરૂરી લાગે છે.

લૉકડાઉન. સેલ્ફ લૉકડાઉન. આપણે જ નક્કી કરવાનું કે આપણે લૉકડાઉનને અનુસરવું છે અને લૉકડાઉનના જ રસ્તે આગળ વધવું છે. આવું કરવું અનિવાર્ય એટલા માટે છે કે બહાર જો ધસારો ઓછો થશે તો અને તો જ લૉકડાઉન સત્તાવાર રીતે લગાડવાનું ટાળી શકાશે. આજે જુઓ તમે, મહારાષ્ટ્રમાં ઑલમોસ્ટ લૉકડાઉન છે. મધ્ય પ્રદેશમાં લૉકડાઉન છે. પંજાબમાં પણ અમુક જગ્યાએ લૉકડાઉન છે તો અમુક જિલ્લાઓમાં સેલ્ફ લૉકડાઉન આવી ગયું છે. ગુજરાતમાં પણ એ જ પરિસ્થિતિ છે. આવા સમયે લૉકડાઉન ન આવે એ જોવાની જવાબદારી આપણા સૌની રહેશે. બહાર નીકળવાનું, રાધર કહો કે, બહાર રખડવાનું બંધ કરવું પડશે. ખોટો માણસ ખોટી રીતે બહાર નીકળે છે એમાં જ કોરોના-સંક્રમણની ચેઇન આગળ વધે છે. આ ખોટા માણસે અર્થહીન રીતે ભટકવાનું છોડવું પડશે અને જો એવું થયું તો સાચો માણસ વિનાસંકોચે બહાર નીકળીને કામ કરી આમદની રળી શકશે. ન્યુ ઝીલૅન્ડમાં જઈને જુઓ તમે, તમને દેખાશે કે માણસ કેવી ગંભીરતાથી વર્તે છે, કેવી સહજ રીતે તે પોતાની જાતને છાવરે છે. કામ નથી તો બહાર નથી નીકળવું. અરે, બહાર તો શું, કામ નથી તો ગૅલરીમાં પણ નથી આવવું. આને ગંભીરતા કહેવાય અને આને સરકારી આદેશનું પાલન કહેવાય. આજે આપણે ત્યાં સરકારી સૂચનોને અવગણવામાં આવે છે. અવગણના તો ઠીક, આપણે એ સાંભળવા પણ રાજી નથી.



જો કોઈ નિયમોનું પાલન કરાવવા આવે તો આપણે તેને ધુત્કારી દઈએ છીએ અને ધારો કે આપણને કોઈ રોકટોક કરે તો આપણે ઝઘડો કરવા માટે ઊભા રહી જઈએ છીએ. જરા વિચાર તો કરો ભલામાણસ, ૨૦૧૯માં તમને કોઈએ માસ્ક માટે કે પછી એકબીજાથી ૬ ફુટનું અંતર રાખવાનું સૂચન કર્યું હતું? કહ્યું હતું કોઈએ કે આ રીતે વર્તો? ના, એક પણ વાર નહીં અને ક્યારેય નહીં, તો પછી હવે આ આદેશનું પાલન કરવામાં શું નડતર છે આપણને? સરકાર મૂર્ખ નથી કે એ તમારી આવી ચીવટ કરે છે, સરકાર પાસે એવો સમય પણ નથી અને એ પછી પણ આવી દરકાર કરવામાં આવે છે એનો અર્થ એ જ થયો કે કોવિડથી બચવું હશે તો સજાગ રહેવું પડશે. કોવિડની અત્યારની આ મહામારી અને એના દ્વારા આવનારા લૉકડાઉનથી બચવાનો એકમાત્ર ઉપાય છે, ખોટી રીતે બહાર આવવાનું બંધ કરી દો. જો તમે બંધ કરશો તો સાચી રીતે જેણે બહાર નીકળવું આવશ્યક છે એ બહાર આવી શકશે અને આપણે બધા લૉકડાઉનથી બચી શકીશું.


Whatsapp-channel Whatsapp-channel

11 April, 2021 10:43 AM IST | Mumbai | Manoj Joshi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK