Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ઑડિયન્સને ક્યારે શું ગમી જાય એ કોઈ કહી શકતું નથી

ઑડિયન્સને ક્યારે શું ગમી જાય એ કોઈ કહી શકતું નથી

30 May, 2022 02:56 PM IST | Mumbai
Sanjay Goradia | sangofeedback@mid-day.com

‘પરણેલાં છો તો હિંમત રાખો’ના ચવાણ ઑડિટોરિયમના શો માટે જતો હતો ત્યારે જ મેં નક્કી કરી લીધું હતું કે મારે આ નાટક બંધ કરી દેવું છે અને જઈને સૌથી પહેલું કામ ટીમને આ જ વાત જણાવવાનું કર્યું, પણ મને ખબર નહોતી કે બે કલાકમાં મારે મારો આ નિર્ણય બદલવો પડશે

ટાઇટલ કેટલું ઇમ્પોર્ટન્ટ છે એ વાત વધુ એક વાર ‘પરણેલાં છો તો હિંમત રાખો’ નાટકમાં પુરવાર થઈ.

જે જીવ્યું એ લખ્યું

ટાઇટલ કેટલું ઇમ્પોર્ટન્ટ છે એ વાત વધુ એક વાર ‘પરણેલાં છો તો હિંમત રાખો’ નાટકમાં પુરવાર થઈ.


૨૦૦૮ની ૨૬ જાન્યુઆરી અને ભાઈદાસ ઑડિટોરિયમ.
અમારા પ્રોડક્શનનું ૪૩મું નાટક ‘પરણેલાં છો તો હિંમત રાખો’ ઓપન થયું, પણ એ પહેલાં હું મનથી એટલો નાસીપાસ થઈ ગયો હતો કે ન પૂછો વાત. મને મારા પ્રોડક્શનના લોકો પર ભારોભાર ગર્વ, પણ મારી આખી ટીમ ફેલ થઈ ગઈ હતી. સેટ-ડિઝાઇનરથી માંડીને કૉસ્ચ્યુમ અને ડિરેક્ટરની બધું સ્પષ્ટ નહીં કરવાની માનસિકતા, જેની અસર ઍક્ટર તરીકે મારા પર સૌથી વધુ પડે. આમ અમે બધેબધી જગ્યાએ માર ખાધો, પણ હવે એ બધાનો દોષ કાઢવાનો સમય રહ્યો નહોતો એટલે મેં કમને નાટકના ગ્રૅન્ડ રિહર્સલ્સ પૂરાં કર્યાં. અમારા મનમાં હતું કે ગ્રૅન્ડ રરિહર્સલ્સ પૂરાં થતાં સુધી તો પેલો હોટેલની રૂમમાં ગોળ ફરતો પલંગ છે એ સરખો થઈ જશે, પણ એ ન જ થયો અને અમારે ગ્રૅન્ડ રિહર્સલ્સ એ ખોટકાયેલા પલંગ સાથે જ કરવાં પડ્યાં. મને મારી નિષ્ફળ ગયેલી ટીમે એવી બાંયધરી આપી કે શુભારંભ પ્રયોગ પહેલાં પલંગ ફરતો થઈ જશે.
‘સારું...’
આવો જ કંઈક એકાક્ષરી જવાબ મેં આપ્યો હતો અને મારી પાસે બીજો કોઈ છૂટકો પણ નહોતો. અમે રિહર્સલ્સ પૂરાં કર્યાં અને ભૂરીબેન ઑડિટોરિયમથી હું ભારે મને નીકળ્યો. મનમાં પાક્કું થતું જતું હતું કે મારું આ નાટક તો ઘૂસી ગયું. મને માત્ર હૉપ હતો તો નાટકના ટાઇટલ ‘પરણેલાં છો તો હિંમત રાખો’ પર. કારણ કે ટાઇટલ ખૂબ જ કમર્શિયલ હતું. ગુજરાતી રંગભૂમિ પર સારું ટાઇટલ બાજી બદલી નાખી શકે છે.
અમારા ૪૩મા નાટકનો શુભારંભ ૨૬ જાન્યુઆરી અને શનિવારે રાતે પોણાઆઠ વાગ્યે ભાઈદાસ ઑડિટોરિયમમાં હતો, તો બીજા દિવસે એટલે કે રવિવારે રાતે પોણાઆઠ વાગ્યે ચવાણ ઑડિટોરિયમમાં હતો.
શનિવારનો શુભારંભનો અમારો શો શરૂ થયો અને પહેલો અંક પૂરો થયો. પહેલો અંક ઠીકઠાક ગયો. એ અંકમાં મને કશું વાંધાજનક લાગ્યું નહોતું, પણ મને ટેન્શન હતું બીજા અંકનું.
ઇન્ટરવલ પછી ગોળ ફરતો પલંગ, એની નીચેનું ચકરડું અને એનું ફિટિંગ. એ બધામાં અડધો કલાક નીકળી ગયો અને અમારો ઇન્ટરવલ લંબાઈ ગયો. જ્યારે ઇન્ટરવલ લાંબો ચાલે ત્યારે પ્રેક્ષકોનો નાટકમાંથી રસ ઊડી જાય. આ મારો જાતઅનુભવ છે અને એટલે જ હું ક્યારેય લાંબા ઇન્ટરવલમાં માનતો નથી. નાટકના રસમાં જકડાયેલા ઑડિયન્સ સામે બને એટલું જલદી નાટક પીરસવાનું ચાલુ કરી દેવું જોઈએ એવું હું દૃઢપણે માનું છું, પણ એ દિવસે અમારો ઇન્ટરવલ ૩૦-૩૫ મિનિટ ચાલ્યો અને એ પછી બીજો અંક શરૂ થયો. સાવ સાચું કહું તો મિત્રો, નાટક ખરાબ નહોતું ગયું, પણ હું નાટકથી બહુ ખુશ નહોતો. મેં તૈયાર કરેલી મારી આ પ્રોડક્ટ માટે મને ભારોભાર દુઃખ હતું.
બીજા દિવસે એટલે કે રવિવારે રાતે પોણાઆઠે ચવાણ ઑડિટોરિયમમાં અમારો શો હતો. હું એ શો પર જતો હતો ત્યારે મેં ગાડીમાં જ મનોમન નક્કી કરી લીધું કે આ મારો છેલ્લો શો, આ બે શો પછી હું નાટક બંધ કરી દઈશ. ભલે લૉસ થાય, નુકસાન મને સ્વીકાર્ય હતું, પણ નુકસાનની ભરપાઈ કરવાના હેતુથી જો નાટક વધારે ચલાવીએ તો મારું નામ વધારે ખરાબ થાય અને એ મારે કરવું નહોતું.
ઑડિટોરિયમ પર શો પહેલાં મેં બધા કલાકારોને વાત કરી કે આજે આપણે આ છેલ્લો શો કરીએ છીએ. પછી આપણે નાટક બંધ કરી દઈશું. નાટક બંધ જ કરવું છે એ મારો નિર્ણય પાક્કો હતો એટલે મેં તો ત્યારે ને ત્યારે જ બીજા નિર્ણય લેવાનું પણ શરૂ કરી દીધું.
નાટકમાં શેખર શુક્લનો જે રોલ હતો એને માટે ખાસ ડિઝાઇન થયેલાં કપડાં, શૂઝ સસ્પેન્ડર બધું બનાવ્યું હતું. નાટકમાં તે ચડ્ડો પહેરતો હતો અને તેનાં શૂઝ પણ ખાસ પ્રકારનાં અતરંગી હતાં. મેં શેખરને કહી દીધું કે આ બધું મારા કોઈ કામનું નથી એટલે આજનો શો પૂરો થાય એટલે તું આ બધું ઘરે લઈ જજે. મેં અમારા ડ્રેસમૅનને પણ કહી દીધું એટલે જેવો શો પૂરો થયો કે તેણે પણ શેખરનો બધો સામાન પૅક કરીને તેને આપી દીધો.
શો પૂરો કરીને હું ભારે મને ઑડિટોરિયમ પરથી રવાના થયો. હજી તો હું મરીન ડ્રાઇવ માંડ પહોંચ્યો હતો ત્યાં જ મને મારા પાર્ટનર કૌસ્તુભ ત્રિવેદીનો ફોન આવ્યો, 
‘આજનો શો સારો ગયો?’
‘સારો નહીં, પણ ઠીકઠાક કહેવાય એવો. ઑડિયન્સને ગમ્યું.’
મેં સહેજ નીરસ થઈને જવાબ આપ્યો એટલે કૌસ્તુભે મને ચોખવટ કરી.
‘આજના શોમાં બે પાર્ટી બેઠી હતી, તેમને નાટક ગમ્યું છે, શો કન્ફર્મ કર્યા છે.’
‘હશે... પણ મેં નાટક બંધ કરવાની ઑલરેડી અનાઉન્સમેન્ટ કરી દીધી છે.’ 
મેં કૌસ્તુભને જાણ કરી અને સાવ સાચું કહું મિત્રો, મને આ નાટક ખેંચવાની કોઈ ઇચ્છા નહોતી. આજે પણ હું તમને એક વાત કહીશ. પ્રોડક્ટ અને પ્રેસ્ટિજમાં ક્યારેય પ્રોડક્ટના પ્રેમમાં પડીને પ્રેસ્ટિજ સાથે ક્યારેય બાંધછોડ કરતા નહીં.
‘તું એક કામ કર...’ કૌસ્તુભે પોતાની વાત મારી સામે મૂકતાં કહ્યું, ‘તું બધાને કહી દે કે આપણે નાટક બંધ કરતા નથી. આપણે બે શો કરીએ છીએ અને આગળ બીજા પણ શો મળશે...’ 
‘પણ કૌસ્તુભ...’
‘સંજય, તું સાંભળ...’ કૌસ્તુભે નવી વાત કરી, ‘આવતા રવિવારે આપણી જે ભારતીય વિદ્યા ભવનની સાંજની ડેટ છે એનો કોઈ લેવાલ નથી એટલે આવતા રવિવારે ભવન્સમાં પણ આપણે પબ્લિક શો કરવો પડશે, કોઈ ચૉઇસ જ નથી...’
‘પણ નાટક નબળું છે...’
‘એવું તને લાગે છે, તારું માનવું છે. ઑડિયન્સને ગમે જ છે. બાકી પેલી બે પાર્ટી એમનેએમ થોડા બે શો લખાવી દે.’ કૌસ્તુભે વાત પૂરી કરતાં મને ફરી તાકીદ કરી, ‘તું પહેલાં ટીમને કહી દે, નાટક બંધ નથી કરતા.’
મેં બધાને ઇન્ફૉર્મ કર્યું કે આપણે થોડા શો કરીશું અને અમે રવિવારના રાતના પોણાઆઠ વાગ્યાના શોની રાહ જોવા માંડ્યા. મિત્રો, રવિવારે સાંજે ૬ વાગ્યે જ્યારે ભારતીય વિદ્યા ભવન પહોંચ્યો ત્યારે મારા માટે સુખદ આશ્ચર્ય હતું.
‘હાઉસફુલ.’
હા, નાટકના અમારા બોર્ડની આગળ હાઉસફુલનું પાટિયું ઝૂલતું હતું. નાટક પૅક હતું અને ચાલી પડ્યું હતું. આ જ મજા છે આ લાઇનની. ક્યારે લોકોને શું ગમી જાય એ કહેવાય નહીં. ડબ થયેલી ‘પુષ્પા’ ચાલી પડે અને અમિતાભ બચ્ચન લાઇફમાં પહેલી વાર બાયોપિક કરે અને એ પછી પણ ‘ઝુંડ’ સુપરફ્લૉપ થઈ જાય. ઑડિયન્સ સર્વોપરી હતું, છે અને હંમેશાં રહેશે.
આ જ નાટકની બીજી પણ કેટલીક ઇન્ટરેસ્ટિંગ વાત આપણે કરીશું હવે આવતા સોમવારે.

ઑડિટોરિયમ પર મેં બધા કલાકરોને વાત કરી કે આજે આપણે ‘પરણેલાં છો તો હિંમત રાખો’નો આ છેલ્લો શો કરીએ છીએ. પછી આપણે નાટક બંધ કરી દઈશું. નાટક બંધ જ કરવું છે એ મારો નિર્ણય પાક્કો હતો એટલે મેં તો ત્યારે ને ત્યારે જ બીજા પણ નિર્ણયો લેવાનું શરૂ કરી દીધું.


Whatsapp-channel Whatsapp-channel

30 May, 2022 02:56 PM IST | Mumbai | Sanjay Goradia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK