Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > અનેક ઉંચાઇઓ સર કરીને સિંગર તરીકે બીજાની કાબેલિયતને દાદ આપવાની તાકાત હોવી જોઈએ

અનેક ઉંચાઇઓ સર કરીને સિંગર તરીકે બીજાની કાબેલિયતને દાદ આપવાની તાકાત હોવી જોઈએ

24 October, 2021 11:50 AM IST | Mumbai
Rajani Mehta | rajnimehta45@gmail.com

એક સિંગર તરીકે તમે ગમે એટલી ઊંચાઈ પ્રાપ્ત કરી હોય, બીજા સિંગર્સની કાબેલિયતને દાદ આપવાની તમારામાં તાકાત હોવી જોઈએ

મન્ના ડે, મોહમ્મદ રફી અને તલત મહેમૂદ.

મન્ના ડે, મોહમ્મદ રફી અને તલત મહેમૂદ.


મેં એવું સાંભળ્યું છે કે આજના સિંગર્સ બીજાની સફળતાને જીરવી નથી શકતા. મારા સમકાલીન  વચ્ચે હરીફાઈ હતી, પરંતુ એ એક ‘હેલ્ધી કૉમ્પિટિશન’ હતી. અમારા સંબંધો કેવળ ‘પ્રોફેશનલ’ નહોતા. અમે એકમેકનું સન્માન કરતા, સુખદુઃખની વાતો કરતા. ઇન્ડસ્ટ્રીમાં સ્થાન જમાવવા મારે ખૂબ મહેનત કરવી પડી, પરંતુ એ બદલ મને કોઈ સામે ફરિયાદ નહોતી. - મન્ના ડે

We achieve more when we chase the dream, instead of competition.
- Simon Sinek (author)
હરીફાઈની પરવા કર્યા વિના જ્યારે આપણે સપનાં સાકાર કરવા સક્રિય બનીએ છીએ ત્યારે વધુ સફળ થઈએ છીએ. આ દુનિયામાં બે પ્રકારના માણસો છે; એક કામ કરે છે, બીજા ક્રેડિટ લે છે. તમારે પહેલા ગ્રુપમાં રહેવાનો પ્રયાસ કરવો, કારણ કે ત્યાં હરીફાઈ નથી. તમારામાં લડાયક વૃત્તિ હશે તો હરીફાઈનો ડર જ નહીં લાગે, કારણ કે હરીફાઈ તમને બહેતર બનાવે છે. વૉલ્ટ ડિઝની કહે છે, ‘હું જીવનભર કૉમ્પિટિશન સાથે જીવ્યો. એના વિનાની જિંદગીની કલ્પના જ હું ન કરી શકું.’ અનુભવીઓ કહે છે, જો તમારે હરીફાઈ કરવી જ હોય તો તમારી સાથે કરો. બીજાની લીટી ભૂંસીને નાની કરવા કરતાં તમારી લીટી મોટી કરવાનું નામ સફળતા છે.
મન્ના ડે મુંબઈ આવ્યા ત્યારે તેમની રાહ આસાન નહોતી. ધુરંધર ગાયક કલાકારો વચ્ચે તેમણે પોતાનું સ્થાન-ઓળખ બનાવવાનાં હતાં. આ વિશે વાત કરતાં તેઓ આત્મકથામાં લખે છે, ‘મેં એવું સાંભળ્યું છે કે આજના સિંગર્સ બીજાની સફળતાને જીરવી નથી શકતા. મારા સમકાલીન  વચ્ચે હરીફાઈ હતી, પરંતુ એ એક ‘હેલ્ધી કૉમ્પિટિશન’ હતી. અમારા સંબંધો કેવળ ‘પ્રોફેશનલ’ નહોતા. અમે એકમેકનું સન્માન કરતા, સુખદુઃખની વાતો કરતા. અમારી વચ્ચે પારિવારિક સંબંધ હતા. ઇન્ડસ્ટ્રીમાં સ્થાન જમાવવા મારે ખૂબ મહેનત કરવી પડી, પરંતુ એ બદલ મને કોઈ સામે ફરિયાદ નહોતી. દરેકની એક અલગ ઓળખ હતી. રોમૅન્ટિક ગીત અને  ગઝલ માટે તલત મેહમૂદ સંગીતકારોની પહેલી પસંદગી હતા. મોહમ્મદ રફી મસ્તીભર્યાં અને બુલંદ અવાજનાં ગીતો માટે જાણીતા હતા. દર્દભર્યાં અને સંવેદનાથી ભરપૂર ગીતો માટે સૌને મુકેશ જ યાદ આવે. કિશોરકુમારનું આગમન થયું ત્યારે તેણે સૌને પાછળ રાખી દીધા. 
તો પછી આમાં મારું સ્થાન ક્યાં એ મોટો પ્રશ્ન હતો. એ સમયે મારી ક્લાસિકલ ટ્રેઇનિંગ  કામમાં આવી. શાસ્ત્રીય રાગ પર આધારિત ગીતો માટે સંગીતકારો મને પસંદ કરતા. ધીમે-ધીમે અભિનેતાઓની સફળતા પાછળ ગાયક કલાકારોનું પ્રદાન વધતું ગયું. એમાં પણ જો ફિલ્મ ‘હિટ’ જાય તો પછી એ જોડી લાંબા સમય સુધી એકમેકની પૂરક બની જાય, જેમ કે રાજ કપૂર અને મુકેશ, દિલીપકુમાર અને મોહમ્મદ રફી, દેવ આનંદ અને કિશોરકુમાર. આટલી પ્રતિકૂળતા વચ્ચે પણ મેં મારી એક અલગ ઓળખ ઊભી કરી એનો મને આનંદ છે. 
મારી સફળતામાં સંગીતકારો સાથે ગીતકારોનો પણ મોટો ફાળો છે. એમાં પહેલું નામ યાદ આવે છે મજરૂહ સુલતાનપુરીનું. તેઓ પણ મારી જેમ નામ કમાવા લખનઉથી મુંબઈ આવ્યા હતા. તેમની સાથે મારા ઘનિષ્ઠ સંબંધ હતા. તેઓ એક એવા મિત્ર હતા જેમની સાથે તમે અંગત વાતો શૅર કરી શકો. તેઓ જ્યારે લખનઉ જતા ત્યારે દરેક વખતે મારા માટે સુંદર એમ્બ્રૉઇડરીવાળા લખનવી કુર્તા લઈ આવતા. 
મજરૂહ સામ્યવાદી વિચારસરણી ધરાવતા. આઝાદી મળ્યા બાદ તેઓ પ્રોગ્રેસિવ રાઇટર્સ અસોસિએશનમાં જોડાયા. આ એક એવું સંગઠન હતું જે જવાહરલાલ નેહરુની વિચારધારા અને કાર્યપદ્ધતિની ખુલ્લેઆમ ટીકા કરતું. નેહરુથી એ સહન ન થયું. તેમના કહેવાથી એ સમયના મુંબઈના ચીફ મિનિસ્ટર મોરારજીભાઈ દેસાઈએ તેમને જેલમાં પૂર્યા. હું ઘણી વખત તેમને જેલમાં મળવા જતો. 
મજરૂહે મારા માટે અદ્ભુત ગીતો લખ્યાં, જેવા કે ‘બાબુ સમઝો ઇશારે’ (ચલતી કા  નામ ગાડી), ‘કિસને ચિલમન સે મારા’ (બાત એક રાત કી), ‘તેરે નૈના તલાશ કરે’ (તલાશ) અને બીજાં અનેક.  
જે બીજા ગીતકારોએ મારા માટે ગીતો લખ્યાં હતાં એ હતા શૈલેન્દ્ર, સાહિર લુધિયાનવી, ઇન્દીવર, હસરત જયપુરી અને ભરત વ્યાસ. શૈલેન્દ્રનું ‘દો બીઘા ઝમીન’નું ‘ધરતી કહે પુકાર કે’ અત્યંત લોકપ્રિય થયું. ‘શ્રી ૪૨૦,’ કાલાબાઝાર’, ‘સીમા’નાં ગીતો આજે પણ ભુલાયાં નથી. સાહિર લુધિયાનવીનાં ગીતોની ‘ફ્લેવર’ જ કંઈક જુદી હતી. ‘દેવદાસ’ અને ‘દિલ હી તો હૈ’નાં ગીતોમાં એ દેખાઈ આવે. હસરત જયપુરીની ફિલ્મ‘ઉજાલા’, ‘છોટી બહન’ અને ‘ઝનક ઝનક પાયલ બાજે’નાં ગીતોનો અલગ રંગ હતો. બીજા એક ગીતકાર હતા ભરત વ્યાસ. હિન્દીભાષી કવિ હોવાના નાતે તેમનાં ગીતોમાં માટીની મહેક હતી. મને તેમનાં લખેલાં થોડાં ગીતોની ધૂન બનાવવાનો મોકો મળ્યો એનો આનંદ છે.  
એ ઉપરાંત જે બીજા ગીતકારો સાથે કામ કરવાનો મોકો મળ્યો તેઓ હતા પ્રદીપજી (તલાક, મશાલ, ઝિંદગી ઔર ખ્વાબ), રમેશ ગુપ્તા (મહાપૂજા, ભાગ્યવાન, હરિદર્શન), સરસ્વતીકુમાર  દીપક (બૂટ પૉલિશ, અયોધ્યાપતિ) શકીલ બદાયુની (શબાબ), રાજેન્દ્ર કૃષ્ણ (ઇન્સાનિયત, દેખ કબીરા રોયા), ગોપાલ સિંહ નેપાલી (નરસી ભગત, ગૌરી પૂજા – જેના સંગીતકાર હતા મન્ના ડે). 
મારી હવે ઉંમર થઈ છે એટલે શક્ય છે કે કોઈક નામ હું ભૂલી ગયો હોઉં. હા, એક નામ યાદ આવે છે; આનંદ બક્ષી. તેમની સાથે ‘પતિ પત્ની’, ‘તમન્ના’, ‘જ્યોતિ’, પુષ્પાંજલિ’ માટે  કામ કર્યું. વર્ષો પહેલાં મેં એક ગઝલ આલબમ રેકૉર્ડ કર્યું હતું જેમાં વિખ્યાત શાયરોની ગઝલ હતી. આ ઉપરાંત મેં હરિવંશરાય બચ્ચનનું ‘મધુશાલા’ આલબમ રેકૉર્ડ કર્યું છે. બચ્ચનસાહેબ એક ‘સેન્સિટિવ’ અવાજની શોધમાં હતા. તેમની કવિતાના આત્માને યોગ્ય રીતે ન્યાય આપી શકે એ બદલ તેમણે ઘણા સિંગર્સને ચકાસ્યા અને રિજેક્ટ પણ કર્યા. છેવટે તેમણે મને પસંદ કર્યો, જેની માતૃભાષા હિન્દી નહોતી. મને એની નવાઈ લાગી, પરંતુ એ જ તો નસીબની બલિહારી છે.  
મારી સફળતામાં, મારાં ગીતોમાં સંગત કરનાર મ્યુઝિશ્યન્સને હું ભૂલી જાઉં તો નગુણો કહેવાઉં. પંડિત શિવકુમાર શર્મા (સંતૂર), પંડિત હરિપ્રસાદ ચૌરસિયા (બાંસુરી), ઝરીન દારૂવાલા (સરોદ) અને બીજા અનેક ગુણી કલાકારોએ મારી સંગીતયાત્રાને સફળ બનાવી છે. એ દરેક પોતપોતાના ક્ષેત્રના મહારથી હતા. મારી સાથે સંગત કરવાનું કબૂલ કરવા માટે હું તેમનો આભારી છું. 
એક દિવસ મોહમ્મદ રફીએ મારાં ગીતોની પ્રશંસા કરતાં કહ્યું, ‘મન્નાદા, તમે  મ્યુઝિશ્યન્સ પાસેથી આટલું સુંદર કામ કેવી રીતે લો છો?’ મેં કહ્યું, ‘તેઓ હોનહાર કલાકાર છે. એટલા સમજદાર છે કે રેકૉર્ડિંગ વખતે મારે તેમને કોઈ સૂચના નથી આપવી પડતી.’
મન્નાદાની આત્મકથામાં આ વાત વાંચતાં મને સંગીતકાર ઓ. પી. નૈયરે કહેલો એક કિસ્સો યાદ આવે છે. તેમના સંગીતમાં સંતૂર, સરોદ, સારંગી, બાંસુરી અને બીજાં અનેક ભારતીય  વાદ્યોનો ભરપૂર સુંદર ઉપયોગ થયો છે. પંડિત શિવકુમાર શર્મા, પંડિત હરિપ્રસાદ ચૌરસિયા, પંડિત રામનારાયણ તિવારી અને બીજા અનેક મહારથીઓ એ દિવસોમાં મ્યુઝિશ્યન્સ તરીકે કામ કરતા હતા. મેં તેમને પૂછ્યું કે એક સંગીતકાર તરીકે તમે આ દિગ્ગજ કલાકારોને   નોટેશન લખીને આપતા કે આ પ્રમાણે વગાડવાનું છે? તેમનો જવાબ હતો, ‘એ સૌ એટલા માહેર હતા કે હું કેવળ ગીતની ધૂન તેમને સંભળાવતો. ત્યાર બાદ દરેક ગીતના મૂડને પકડીને પોતાની રીતે ગીતને એટલી સુંદર રીતે સજાવી દેતા કે એમાં ચાર ચાંદ લાગી જતા. કોઈક વાર એવું બને કે ફાઇનલ ટેકમાં કોઈ એવું ‘ઇમ્પ્રોવાઇઝેશન’ કરે કે સૌ વાહ વાહ પોકારી ઊઠે.’
મન્નાદા પોતાના સ્પષ્ટ અભિપ્રાય માટે જાણીતા છે. શબ્દો ચોર્યા વિના પોતાને જે સાચું લાગે એ કહેવામાં અચકાતા નથી. મિત્ર સુનીલભાઈ ‘સંકેત’ના કાર્યક્રમ માટે તેમને લેવા ગયા ત્યારે તેમણે એક સરસ વાત કરી હતી... ‘એક દિવસ લતા મંગેશકરે મને ફોન કરીને કહ્યું, ‘દાદા, એક કૅસેટ મોકલાવું છું. સાંભળીને તમારો અભિપ્રાય આપજો.’ એ કૅસેટ મહેંદી હસનની હતી. મેં લતાને કહ્યું કે લાજવાબ ગાયકી છે. તેણે કહ્યું, ‘દાદા, હમ કબ ઐસા ગા સકેંગે?’ 
મારી સાથેની વાતચીતમાં મન્નાદા આ કિસ્સાના અનુસંધાનમાં વાત કરતાં કહે છે, ‘એક સિંગર તરીકે તમે ગમે એટલી ઊંચાઈ પ્રાપ્ત કરી હોય, બીજા સિંગર્સની કાબેલિયતને દાદ આપવાની તમારામાં તાકાત હોવી જોઈએ. સંગીત એક એવો દરિયો છે જેમાં તમે જેટલી ઊંડી ડૂબકી મારશો એટલાં મોતી મળશે. કોઈ એવો દાવો ન કરી શકે કે હું સંપૂર્ણ છું. આજના સિંગર્સ થોડી સફળતા મળતાં જ હવામાં ઊડવા માંડે છે. તમારી પાસે સંગીતની સાચી સમજ હોવી જોઈએ. આપણી પરંપરા કહે છે કે તમે જેમ સફળ થાઓ એમ તમારે વિનમ્ર બનવું જોઈએ. લાંબા સમય સુધી ટકવું હોય તો ભારતીય સંગીતનો અભ્યાસ અને રિયાઝ સતત કરવો જોઈએ.
મને તમે થોડો જુનવાણી કહી શકો, પરંતુ આ બાબતમાં હું માનું છું કે સંગીત એક પૂજા છે. એની સાધના દિલથી થવી જોઈએ. આજનાં ગીતો મોટા ભાગે અર્થહીન છે. એમાં સંવેદના નથી. સંગીતમાં ઘોંઘાટ વધુ છે. જે ગીતમાં સૂર અને શબ્દનો સમન્વય ન હોય તે ગીત જ નથી. ઘણી વાર મને થાય છે કે આજનું સંગીત ‘આઉટ ઑફ ટ્યુન’ છે કે પછી હું એવો થઈ ગયો છું?’
મારી પાસેથી જવાબની અપેક્ષા રાખતા હોય એમ મન્નાદા થોડી ક્ષણ ચૂપ થઈ ગયા. મારા  ચહેરા પર એ જવાબની શોધમાં હોય એવું મને લાગ્યું. મેં વિષયાંતર કરતાં પૂછ્યું, ‘તમે હજી પણ રેગ્યુલર રિયાઝ કરો છો એની મને ખબર છે. તમારું ડેઇલી રૂટીન શું છે?’
મન્નાદા વિસ્તારથી પોતાની દિનચર્યાની વાત કરતાં કહે છે, ‘નાનપણથી મને વહેલું ઊઠવું ગમે છે. પહેલાં હું જુહુ બીચ વૉક કરવા જતો. મને એકલા ફરવું ગમે છે, પરંતુ રસ્તામાં અનેક પરિચિત મળે અને વાતો થાય એટલે હવે હું મારી ટેરેસ પર વૉક કરું છું. ત્યાર બાદ એક કપ ચા પીધા પછી મારો રિયાઝ શરૂ થાય છે જે બેથી ત્રણ કલાકનો હોય. આમાં કદી બાંધછોડ ન કરું. સંગીત મારો પ્રાણ છે, મારું અસ્તિત્વ છે. સંગીત મારા માટે મેડિટેશન છે. સવારનો એ સમય મારા અને પરમાત્મા વચ્ચેનો સંવાદ છે. એ સમયે બીજી કોઈ વ્યક્તિની હાજરી ન હોય. રિયાઝ બાદ હું નાસ્તો કરું અને ત્યાર બાદ એક-બે કલાક કંઈક વાંચું અથવા સુલુને કિચનમાં મદદ કરું. મને કુકિંગનો શોખ છે અને ફૂડી છું એટલે નવી ડિશ ટ્રાય કરવાની મજા આવે. 
લગભગ એક વાગ્યે લંચ હોય. એક સમય હતો જ્યારે હું ભરપૂર ખાતો. જે દિવસે રેકૉર્ડિંગ હોય એ દિવસે કેવળ સૂપ લેતો. હમણાં તો મોટા ભાગે લાઇટ લંચ લઉં છું. વેજિટેબલ્સ અને રાઇસ મને પ્રિય છે. જોકે જેટલી આઇટમ બની હોય એ થોડી થોડી ચાખી લઉં. લંચ પછી ‘aftrnoon nap is a must.’ ત્યાર બાદ થોડું સંગીત સાંભળું, મારી મેઇલ ચેક કરું. સાંજે ફરી ટેરેસ પર વૉક કરું અને એ પછી મારો રિયાઝ શરૂ થાય. શાર્પ સાડાઆઠ વાગ્યે ડિનર લેવાનું.  થોડો સમય પરિવાર સાથે ટીવી જોયા બાદ હું સૂવાની તૈયારી કરું. હું માનું છું કે એ સિંગર માટે નિયમિત ડાયટ અને સંયમિત લાઇફ-સ્ટાઇલ બહુ અગત્યની છે. 
માતાજી અને બાબુકાકાના આશીર્વાદથી આ ઉંમરે પણ હું હેલ્ધી છું. ૧૯૯૧માં બાયપાસ સર્જરી કરાવી ત્યાં સુધી હું મોજથી જિંદગી જીવ્યો. હવે થોડું ધ્યાન રાખું છું. હું મારી જાતને સતત કહેતો રહું છું કે ‘જીવનમાં નાની-મોટી તકલીફ આવ્યા કરે, એની જ તો મજા છે.’ ઈશ્વરને હંમેશાં પ્રાર્થના કરું કે મને એવી કોઈ માંદગી ન આપતો જેને કારણે સંગીત સાથેનો મારો નાતો તૂટી જાય. કારણ કે સંગીત વિના જીવનનું કોઈ પ્રયોજન નથી.’


Whatsapp-channel Whatsapp-channel

24 October, 2021 11:50 AM IST | Mumbai | Rajani Mehta

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK