Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ૩૦ વર્ષ પહેલાં ભારતને આર્થિક પાવરહાઉસ બનાવવાની દિશા આપનાર એ નાઇન્ટી મિનિટ્સ

૩૦ વર્ષ પહેલાં ભારતને આર્થિક પાવરહાઉસ બનાવવાની દિશા આપનાર એ નાઇન્ટી મિનિટ્સ

20 June, 2021 12:55 PM IST | Mumbai
Raj Goswami

તાત્કાલિક મીટિંગનું કારણ સોનું ગિરવી મૂકવું પડે એવા દેશના દયનીય અર્થતંત્રનો ચિતાર નરસિંહ રાવને આપવો. આ જ મીટિંગ દોરી ગઈ મનમોહન સિંહને નાણાંપ્રધાન બનાવવાના નિર્ણય ભણી અને રેસ્ટ, એઝ ધ સૅ, ઇઝ હિસ્ટરી

૩૦ વર્ષ પહેલાં ભારતને આર્થિક પાવરહાઉસ બનાવવાની દિશા આપનાર એ નાઇન્ટી મિનિટ્સ

૩૦ વર્ષ પહેલાં ભારતને આર્થિક પાવરહાઉસ બનાવવાની દિશા આપનાર એ નાઇન્ટી મિનિટ્સ


૨૦ જૂન, ૧૯૯૧એ ભારતીય અર્થતંત્રને ‘ઍરલિફ્ટ’ કરવાનો નિર્ણય લેવાયો હતો જ્યારે  નરસિંહ રાવે વડા પ્રધાન તરીકે શપથ લેતાં પહેલાં ૯૦ મિનિટના એક અનૌપચારિક પ્રેઝન્ટેશનમાં ભાગ લીધો હતો. એ પ્રેઝન્ટેશનમાં ભારતના ડૂબતા અર્થતંત્રને ઍરલિફ્ટ કરવાનો પ્લાન હતો. તાત્કાલિક મીટિંગનું કારણ સોનું ગિરવી મૂકવું પડે એવા દેશના દયનીય અર્થતંત્રનો ચિતાર નરસિંહ રાવને આપવો. આ જ મીટિંગ દોરી ગઈ મનમોહન સિંહને નાણાંપ્રધાન બનાવવાના નિર્ણય ભણી અને રેસ્ટ, એઝ ધ સૅ, ઇઝ હિસ્ટરી

આરબીઆઇ દ્વારા સોનાનું ગુપ્ત વેચાણ.
૧૯૯૧ની ૮ જુલાઈએ દેશમાં આ હેડલાઇન ફ્લૅશ થઈ હતી. સાથે એક તસવીર પણ અખબારોમાં ફરતી થઈ હતી. મુંબઈના તત્કાલીન સહાર ઇન્ટરનેશનલ ઍરપોર્ટ પર ઍર ઇન્ડિયાના કાર્ગો વિભાગમાં સોનું ભરેલાં કાર્ટન હેવી લિફ્ટ કાર્ગો ઍરલાઇન્સના બોઇંગ વિમાનમાં ચડવાની રાહ જોતાં હતાં. આ સમાચાર અને તસવીરનો એક જ અર્થ થતો હતો - ભારતે એની આર્થિક નાદારીમાંથી બચવા માટે વિદેશી બૅન્કોને સોનું ‘વેચવું’ પડ્યું છે. 
એક વર્ષ પહેલાં જ સદ્દામ હુસેનના ઇરાકે ‘તેલિયા રાજા’ કુવૈત પર ધાવો બોલ્યો હતો અને એમાં આખો ગલ્ફ પ્રદેશ હોમાઈ જવાનો હતો. ગલ્ફના યુદ્ધની અસર ભારતીય અર્થતંત્ર પર પડી હતી. ભારતે ત્યારે ગલ્ફમાં કામ કરતા હજારો ભારતીયોને સહીસલામત વતન લાવવા માટે ઍર ઇન્ડિયાને કામે લગાડ્યું હતું. એ સાહસિક ઑપરેશન હતું અને દરેક ભારતીયને અભિમાન થતું હતું. આના પરથી જ અક્ષયકુમારે ‘ઍરલિફ્ટ’ ફિલ્મ બનાવી હતી. એક વર્ષ પછી ભારતીયોની જાણ બહાર મુંબઈના ઍરપોર્ટ પરથી દેશનું સોનું ‘ઍરલિફ્ટ’ કરવામાં આવ્યું હતું. સરેરાશ ભારતીયોને અંદાજ પણ નહોતો કે દેશની હાલત કેટલી ખરાબ છે.
સ્વાભાવિક રીતે જ પ્લેનમાં સોનું ભરાતું હોય એવી તસવીર જોઈને દેશભરમાં હોબાળો મચી ગયો. એ વિમાનમાં ૬૭ ટન સોનું બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડ અને યુનિયન બૅન્ક ઑફ સ્વિટ્ઝરલૅન્ડ પાસે ગિરવી મૂકવામાં આવ્યું હતું. એના બદલામાં ભારતને ૬૦૦ મિલ્યન ડૉલરની ‘ઉધારી’ મળી. દેશ પાસે ત્રણ અઠવાડિયાં આયાત થાય એટલું જ હૂંડિયામણ હતું. ક્રેડિટ રેટિંગ એજન્સીઓએ ભારતનું રેટિંગ ઘટાડીને સ્પેક્યુલેટિવ અથવા ભંગાર કર્યું હતું. બીજા દેશોના નિકાસકારો ભારતીય બૅન્કોએ જારી કરલી ક્રેડિટને મંજૂર રાખવા તૈયાર નહોતા. 
એવામાં સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાના વૉલ્ટમાં જમા પડેલું રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાનું સોનું સંઘર્યો સાપ કામનો બનીને સામે આવ્યું. દેશ નાદારીમાંથી તો કામચલાઉ બચી ગયો, પણ કૉન્ગ્રેસના ટેકાથી ચાલતી ચંદ્રશેખરની સરકારનું એમાં પતન થયું. યશવંત સિંહ ત્યારે નાણાપ્રધાન હતા અને તેઓ બજેટ પણ પેશ કરી શક્યા નહોતા. કૉન્ગ્રેસે ટેકો પાછો ખેંચી લેવા એવું બહાનું કાઢ્યું કે સરકારે હરિયાણાના એક પોલીસકર્મીને રાજીવ ગાંધીની હિલચાલ પર નજર રાખવા માટે રોક્યો છે. 
સંકટ બાકી હોય એમ સત્તામાં પુનરાગમનની તૈયારી કરી રહેલા રાજીવ ગાંધીની ૨૧ મે ૧૯૯૧ના રોજ શ્રીલંકન તામિલ આતંકવાદીઓના હાથે હત્યા થઈ. એમાં ચૂંટણી પાછી ઠેલાઈ. જ્યારે પરિણામો આવ્યાં ત્યારે કૉન્ગ્રેસ લઘુમતી સરકાર રચવા જેટલું જ જોર મારી શકી. સોનિયા ગાંધી પર ત્યારે વડા પ્રધાનનું પદ સ્વીકારવા માટે કૉન્ગ્રેસમાં જબરદસ્ત દબાણ હતું, પરંતુ બીજેપીના ‘ઇટાલિયન વહુ’ના મહેણાને કાયમ માટે ભાંગી નાખવા માટે સોનિયાએ પદ સાંભળવાની ના પાડી દીધી. 
રાજકીય તેમ જ આર્થિક એવા બેવડા સંકટ વચ્ચે ૬૯ વર્ષના વરિષ્ઠ કૉન્ગ્રેસી અને ગાંધી પરિવારના વિશ્વાસુ પી. વી. નરસિંહ રાવને ત્યારે દેશની કમાન સોંપવામાં આવી હતી. તેમણે જે પહેલી મીટિંગ લીધી હતી એ દેશનું તકદીર બદલી નાખવાની હતી અને એ મીટિંગને આજે બરાબર ૩૦ વર્ષ થયાં. ૨૦ જૂન ૧૯૯૧ના રોજ નરસિંહ રાવે વડા પ્રધાન તરીકે શપથ લેતાં પહેલાં ૯૦ મિનિટના એક અનૌપચારિક પ્રેઝન્ટેશનમાં ભાગ લીધો હતો. એ પ્રેઝન્ટેશનમાં ભારતના ડૂબતા અર્થતંત્રને ઍરલિફ્ટ કરવાનો પ્લાન હતો.
૯૦ મિનિટના એ પ્રેઝન્ટેશનના પગલે ‘બંધ અર્થતંત્ર’ના દરવાજા ખોલી નાખીને આર્થિક ઉદારીકરણના પવનને અંદર આવવા દેવાનો રસ્તો ખૂલવાનો હતો. એક મહિના પછી ૨૪ જુલાઈ ૧૯૯૧ના દિવસે કેન્દ્રીય અંદાજપત્ર પેશ કરતી વખતે તત્કાલીન નાણાપ્રધાન ડૉ. મનમોહન સિંહે ફ્રેન્ચ કવિ વિક્ટર હ્યુગોનું ઇતિહાસ-પ્રસિદ્ધ વિધાન દોહરાવ્યું હતું : નો પાવર ઑન અર્થ કૅન સ્ટૉપ ઍન આઇડિયા હુઝ ટાઇમ હૅઝ કમ - દુનિયાની કોઈ તાકાત એ વિચારને રોકી નથી શકતી જેનો સમય આવી ગયો છે. એ શબ્દો સાથે ‘નવા ભારત’નો જન્મ થયો હતો. 
આપણે ઘણી વાર વર્તમાન રાજનીતિમાં ચાલતા પ્રોપેગેન્ડા, નૅરૅટિવ્સ અને ફેક ન્યુઝમાં એટલા વ્યસ્ત રહીએ છીએ કે આપણા નજીકના ભૂતકાળમાં બનેલી ઐતિહાસિક ઘટનાઓની કદર તો ઠીક, સમજ પણ રાખતા નથી. આજે ભલે આપણે ડૉ. મનમોહન સિંહની હાંસી ઉડાવીએ, પણ તેમણે એક એવા કપરા સમયે અર્થતંત્રની કમાન સંભાળી હતી જેમાં ભારત ડૂબી જવાની તૈયારીમાં હતું.
વરિષ્ઠ પૉલિટિકલ પત્રકાર પી. રમન આ આખી ઘટનાના સાક્ષી હતા. એક રોચક લેખમાં તેઓ લખે છે કે ૨૦ જૂન ૧૯૯૧ના રોજ બે ઘટના બની. નરસિંહ રાવને કૉન્ગ્રેસ પક્ષે સર્વાનુમતે વડા પ્રધાનના પદ માટેના ઉમેદવાર તરીકે ચૂંટ્યા એટલે સરકાર રચવાના દાવા સાથે તેઓ સીધા રાષ્ટ્રપતિ ભવન ગયા. બીજી બાજુ નવી કૅબિનેટમાં પ્રધાનપદ માટેના સંભવિત ઉમેદવારો અને રાવના શુભેચ્છકો તેમના નિવાસસ્થાન તીન મૂર્તિ ભવનમાં ભેગા થયા હતા.
રાષ્ટ્રપતિ ભવનથી પાછા વળતાં નરસિંહ રાવ સોનિયા ગાંધીને મળવા જનપથ રોડ ગયા. ત્યાંથી તેઓ નીકળ્યા ત્યારે તેમના પર રસ્તામાં કૅબિનેટ સચિવ નરેશ ચંદ્રનો સંદેશો હતો : તાત્કાલિક મળવું છે, રાહ નહીં જોવાય. ત્યારે બપોરના બે વાગ્યા હતા. નરસિંહ રાવે તીન મૂર્તિ પહોંચવાને બદલે નાણાં મંત્રાલયની દિશા પકડી. મીટિંગમાં નાણાપ્રધાન અને તેમના વરિષ્ઠ સહયોગીઓ ફાઇલો લઈને હાજર હતા. 
એ મીટિંગ ૯૦ મિનિટ ચાલી. ‘તાત્કાલિક’ મીટિંગનું કારણ એટલું જ હતું કે ભારતનું વિદેશી હૂંડિયામણ ૨,૫૦૦ કરોડ સુધી આવી ગયું છે, જેનાથી બહુ-બહુ તો ત્રણ મહિના સુધીની આયાત થઈ શકશે. એટલે જ તો નાણાં મંત્રાલયે સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાના વૉલ્ટમાં પડેલું સોનું ગિરવી મૂકવાનું નક્કી કર્યું હતું. 
અધિકારીઓએ કહ્યું કે તેમણે વૈકલ્પિક ઉપાય તરીકે વૉશિંગ્ટનમાં ઇન્ટરનૅશનલ મૉનિટરી ફન્ડ સાથે ૨૦ મહિના માટે ૨.૩ મિલ્યન ડૉલરની લોન માટે વાટાઘાટો શરૂ કરી છે. બદલામાં ફન્ડે અમુક લેખિત અને અમુક મૌખિક શરતો મૂકી છે. આ જે શરતો હતી એમાં ભારતીય અર્થતંત્રને આંતરરાષ્ટ્રીય બજારો અને બિઝનેસ માટે ખોલવાની વાત હતી. નરસિંહ રાવે થોડાક સવાલો પૂછ્યા અને અમુક સ્પષ્ટતાઓ માગી. તેમને સંતોષ થયો અને તેમણે ફન્ડ સાથે આગળ વધવાની પરવાનગી આપી. ૧૦ મિનિટ માટે તેઓ કૅબિનેટ સચિવ નરેશ ચંદ્રને એકલા મળ્યા. નરેશ ચંદ્રએ નરસિંહ રાવને આઠ પાનાંની એક નોટ આપી હતી જેમાં દેશની આર્થિક સ્થિતિનો ચિતાર હતો. આ બધું જ નરસિંહ રાવના વડા પ્રધાન બનતાં પહેલાં થયું હતું. 
નરસિંહ રાવ તીન મૂર્તિ ભવન પહોંચ્યા ત્યારે ત્યાં ઉપસ્થિત સંભવિત પ્રધાનોને ખબર પણ નહોતી કે ભારતનું તકદીર બદલાઈ ચૂક્યુ હતું. વડા પ્રધાન તરીકે નરસિંહ રાવ માટે સૌથી મહત્ત્વની પસંદગી નાણાપ્રધાનની હતી, કારણ કે હવે પછીના સમયમાં આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સાથે પનારો પડવાનો હતો અને એના માટે રાજકારણીની નહીં પણ અર્થશાસ્ત્રીની જરૂર હતી. નરસિંહ રાવના ખાસ સલાહકાર પી. સી. ઍલેક્ઝાન્ડરે પહેલો ફોન રિઝર્વ બૅન્કના ભૂતપૂર્વ ગવર્નર આઇ. જી. પટેલને કર્યો. પટેલસાહેબ તેમની માતાની તબિયતને લઈને વડોદરામાં સ્થાયી થયા હતા. તેમણે નાણાપ્રધાનની જવાબદારી લેવાની ના પાડી. 
ઍલેક્ઝાન્ડરે બીજું નામ ડૉ. મનમોહન સિંહનું સૂચવ્યું. નરસિંહ રાવના શપથ ગ્રહણના એક દિવસ અગાઉ ઍલેક્ઝાન્ડરે ડૉક્ટરને ફોન કર્યો. ડૉક્ટરસાહેબ વિદેશથી આવ્યા હતા અને જેટ લેગના કારણે ઊંઘતા હતા. તેમને ઊંઘમાંથી ઉઠાડવામાં આવ્યા. તેમણે ફોન સાંભળી લીધો, પણ ખોંખારીને કોઈ વાત ન કરી. 
વર્ષો પછી એ દિવસને યાદ કરીને ડૉ. મનમોહન સિંહે એક કાર્યક્રમમાં કહ્યું હતું, ‘હું એ વખતે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનનો ચૅરમૅન હતો. બીજા દિવસે સવારે હું રાબેતા મુજબ ઑફિસ ગયો. નરસિંહ રાવ મને શોધતા હતા. તેમનો ફોન આવ્યો કે તમે ક્યાં છો? મેં કહ્યું કે હું યુજીસી પર છું. તે બોલ્યા, તમને ઍલેક્ઝાન્ડરે કશી વાત નથી કરી? મેં કહ્યું કે મેં જ વાતને બહુ ગંભીરતાથી નહોતી લીધી. નરસિંહ રાવ બોલ્યા, ભલા માણસ, ખરા છો! ઘરે જાવ અને તૈયાર થઈને શપથ લેવા આવો.’ શપથ પહેલાં નરસિંહ રાવનો ફોન આવ્યો, ‘હું તમને નાણાં મંત્રાલય સોંપવા માગું છું. આપણે સફળ થઈશું તો બન્નેને એનું શ્રેય મળશે, પણ જો નિષ્ફળતા મળી તો તમારે જવું પડશે.’
શપથ ગ્રહણ પછી ડૉ. મનમોહન સિંહે વડા પ્રધાનને હાથે લખેલી એક નોટ થમાવી હતી. એમાં મૉનિટરી ફન્ડે સૂચવેલી શરતો પૂરી કરવા માટેની રૂપરેખા હતી. એમાં સૌથી ઉપર એવું સૂચન હતું કે આર્થિક સુધારાલક્ષી કોઈ પણ બાબત કૅબિનેટની બેઠકોમાં નહીં મૂકવાની. તેમના મનમાં જે યોજનાઓ હતી એને કૉન્ગ્રેસના પ્રધાનો માન્ય નહીં રાખે એની તેમને ખબર હતી. 
સરકારના પહેલા બજેટનો ડ્રાફ્ટ લઈને ડૉ. મનમોહન સિંહ નરસિંહ રાવ પાસે ગયા. નરસિંહ રાવે ડ્રાફ્ટ વાંચ્યો અને ખારીજ કરી નાખ્યો, ‘મારે જો આ જ જોઈતું હતું તો પછી તમને શા માટે પસંદ કર્યા હતા?’ આ સાંભળીને ડૉ. મનમોહન સિંહની હિંમત ખૂલી અને તેમણે શ્રેણીબદ્ધ ક્રાંતિકારી પગલાં સૂચવ્યાં. એ પહેલું સુધારાવાદી બજેટ હતું જેમાં પેટ્રોલ, ડીઝલ અને ગૅસમાં ૨૬ ટકાનો ભાવવધારો, ૨,૬૧૭ કરોડ રૂપિયાના નવા કરવેરા અને કાળું નાણું ધોળું કરવાની યોજના જાહેર કરવામાં આવી હતી. 
રાજકીય વર્તુળમાં હંગામો મચી ગયો. કૉન્ગ્રેસના નેતાઓને લાગ્યું કે રાવ-સિંહની જોડી નેહરુવાદી દર્શનનો કચ્ચરઘાણ કરી નાખશે. બીજેપીના મુરલી મનોહર જોશીએ કહ્યું કે આ તો દેશને વેચવાની વાત છે. રાવે વિરોધ પક્ષના નેતાઓ સાથે અલગ-અલગ બેઠકો કરીને તેમને સમજાવ્યું કે દેશની શું પરિસ્થિતિ છે અને કેવી રીતે મૉનિટરી ફન્ડની શરતો એમાં મદદ કરશે. રાવનું એ બજાણિયાની જેમ તંગ રસ્સી પર બૅલૅન્સિંગ ઍક્ટ હતું. ૪ જુલાઈ ૧૯૯૨ના રોજ ઇન્ટરનૅશનલ મૉનિટરી ફન્ડે ભારતે પાળેલી શરતો પર સંતોષ વ્યક્ત કર્યો. ઉદારીકરણનો વિચાર એ દિવસથી ભારતની ચેતનામાં રોપાઈ ગયો હતો.
વર્ષો પછી ડૉ. મનમોહન સિંહ એ દિવસોને યાદ કરીને કહેવાના હતા, ‘આગળનો રસ્તો કઠિન હતો, પરંતુ એ સમય દુનિયાને ખોંખારીને એ કહેવાનો હતો કે ભારત જાગી ગયું છે. બીજી બધી વાતોનો ઇતિહાસ તો તમારી સામે જ છે. પાછળ નજર કરીને જોઈએ તો નરસિંહ રાવને વાસ્તવમાં ભારતમાં આર્થિક સુધારાઓના જનક કહી શકાય, કારણ કે તેમની પાસે સુધારાની દૃષ્ટિ અને સાહસ બન્ને હતાં.’ 
નરસિંહ રાવ અને ડૉ. મનમોહન સિંહની જોડીએ એ દિવસે ભારતના અર્થતંત્રને ઍરલિફ્ટ ન કર્યું હોત તો આજે આપણે ક્યાં હોત એની કલ્પના કરવા જેવી છે. 

જ્યારે સોનું લઈ જતી વૅનનું ટાયર ફાટી ગયું
રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાના ભૂતપૂર્વ ગવર્નર વાય. વી. રેડ્ડી ‘ઍડ્વાઇઝ ઍન્ડ ડિસેન્ટ’ નામના તેમના સંસ્મરણમાં લખે છે કે જે વૅનમાં રિઝર્વ બૅન્કના સોનાને સહાર ઍરપોર્ટ પર લઈ જવાતું હતું એનું ટાયર રસ્તામાં ફાટી ગયું એટલે વાત જાહેર થઈ ગઈ. તેઓ લખે છે, ‘એ જમાનામાં મોબાઇલ ફોન નહોતા અને લૅન્ડલાઇન્સ પણ પૂરતા પ્રમાણમાં નહોતી. આરબીઆઇ માટે તો એ આશીર્વાદ જેવું હતું. પણ જે વૅન આરબીઆઇથી સોનું લઈને ઍરપોર્ટ જવા નીકળી હતી એનું ટાયર રસ્તામાં ફાટી ગયું. જેવી વૅન અટકી પડી કે અડધો ડઝન સશસ્ત્ર ગાર્ડ કૂદીને બહાર આવ્યા અને વૅનની ચારે તરફ ઘેરો કરીને ઊભા રહી ગયા. આવતા-જતા લોકોને જોણું થયું. આજે આવું થયું હોત તો મોબાઇલમાં ફોટો પડી ગયા હોત, પરંતુ ઍરપોર્ટ પર કોઈકને ગંધ આવી ગઈ અને તેણે કૅમેરામાં ફોટો પાડી લીધા હતા.’

સ્થિતિ બદતર નહીં, બદથી બદતર છે 
નરસિંહ રાવ ભારતમાં આર્થિક ઉદારીકરણ કરે એ વાત ત્યારે કોઈના માન્યામાં આવતી નહોતી. તેઓ નેહરુવાદી વિચારોથી રંગાયેલા હતા અને સ્વદેશી હિતોની રક્ષામાં માનતા હતા. વરિષ્ઠ કૉન્ગ્રેસી નેતા જયરામ રમેશ ત્યારે રાવના વડા પ્રધાનના કાર્યાલયમાં ઑફિસર ઑન સ્પેશ્યલ ડ્યુટી (ઓએસડી) હતા. ‘ટૂ ધ બ્રિન્ક ઍન્ડ બૅક : ઇન્ડિયા’ઝ ૧૯૯૧ સ્ટોરી’ નામના પુસ્તકમાં તેઓ લખે છે કે ‘કૉન્ગ્રેસ પક્ષના અધ્યક્ષ બન્યાના બીજા જ દિવસે મારી તેમની સાથે મીટિંગ થઈ હતી. મને તેમણે કહ્યું હતું કે તેમને આર્થિક બાબતોની એટલી સમજ નથી અને મારે પ્રણવ મુખરજી સાથે મીટિંગો ગોઠવીને તેમને આ બધી બાબતોની જાણ કરતા રહેવું. તેમને સંકટનો અંદાજ નહોતો. તેમણે કૅબિનેટ સચિવ નરેશ ચંદ્રએ આપેલી નોટના આધારે આર્થિક ઉદારીકરણ કરવાનું મન બનાવ્યું હતું. તેમણે એ નોટ વાંચી ત્યારે નરસિંહ રાવની પહેલી પ્રતિક્રિયા હતી : આર્થિક સ્થિતિ આટલી બદતર છે? જવાબમાં નરેશ ચન્દ્ર બોલ્યા હતા : નો સર, બદથી બદતર છે.

તો ઉદારીકરણનું શ્રેય આઇ. જી. પટેલને મળ્યું હોત
દેવામાં ડૂબેલા અને નાદારીના આરે આવી ગયેલા ભારતને તારવા માટે નાણાપ્રધાનપદે આઇ. જી. પટેલ નરસિંહ રાવની પહેલી પસંદ હતા. ડૉ. પટેલ આર્થિક સુધારાના પક્ષમાં હતા અને તેમણે ઘણા લેખો અને પેપર્સમાં દલીલ કરી હતી કે આપણે જો આર્થિક સુધારા લાવીશું તો એક જ પેઢીમાં આપણે સૌથી સમૃદ્ધ દેશ બની જઈશું. ૧૯૮૨માં આરબીઆઇમાંથી નિવૃત્ત થઈને ડૉ. પટેલ તેમના વતન વડોદરામાં સ્થાયી થયા હતા. કહેવાય છે કે તેમણે નાણાપ્રધાન બનવાનો ઇનકાર કર્યો તો નરસિંહ રાવે તેમને બીજું યોગ્ય નામ સૂચવવા કહ્યું હતું. તેમણે ડૉ. મનમોહન સિંહને આ જવાબદારી આપવાની સલાહ આપી હતી. પત્રકાર-રાજકીય વિશ્લેષક સંજય બરુ તેમના પુસ્તક ‘૧૯૯૧ : હાઉ નરસિંહ રાવ મેડ અ હિસ્ટરી’માં લખે છે કે ઇન ફૅક્ટ રાવે બે વાર ડૉ. પટેલને ઑફર કરી હતી. રાવને બીક હતી કે આર્થિક સુધારા કૉન્ગ્રેસીઓને અને વિપક્ષોને માફક આવવાના નથી અને ડૉ. મનમોહન સિંહ નારાજ થઈને રાજીનામું આપી દે એવુંય બને. એટલે તેમણે પટેલને ‘બૅક-અપ’માં રાખ્યા હતા. જોકે ૧૯૯૨માં વાણિજ્ય મંત્રાલયમાં ગેરરીતિના આરોપસર પી. ચિદમ્બરમે રાજીનામું આપ્યું ત્યારે રાવે ફરીથી પટેલને દિલ્હી આવી જવા કહ્યું હતું. એ પણ સાચું છે કે આર્થિક સુધારા સામે કૉન્ગ્રેસમાં હાહાકાર મચી ગયો તો ચારે તરફથી શાબ્દિક હુમલાઓથી અકળાઈને ડૉ. મનમોહન સિંહે ત્રણ વખત રાજીનામું આપી દેવાનું નક્કી કર્યું હતું, પણ એ રાવની મક્કમતા હતી કે તેમની બાજુમાં અડીખમ ઊભા રહ્યા. રાવે કહ્યું હતું કે ‘ડૉ. મનમોહન સિંહને રાજકારણીઓની ઍલર્જી છે એટલે તેમને મનાવવા માટે હું કોઈ રાજકારણીને ન મોકલી શકું.’

કેમ આર્થિક સંકટ ઊભું થયું હતું?
૧૯૯૧નું ભારતીય આર્થિક સંકટ દુનિયાભરમાં અભ્યાસનો વિષય છે. ભારતમાં બે આર્થિક સંકટ આવી ચૂક્યાં છે : ૧૯૯૧માં અને ૨૦૦૮માં. આમાં ૧૯૯૧નું સંકટ આંતરિક નીતિઓના કારણે હતું. ૨૦૦૮નું સંકટ વૈશ્વિક મંદીના કારણે હતું. એની શરૂઆત ૧૯૮૫માં આયાત ઘટવાની સાથે થઈ હતી. ૧૯૯૧ આવતાં સુધીમાં પેમેન્ટનું સંકટ ઘેરું થયું હતું. એટલે દેશને બે તરફથી નુકસાન હતું. વ્યાપારનું સંતુલન ખોરવાઈ ગયું હતું. સરકાર મોટા રાજકોષીય નુકસાન પર ચાલી રહી હતી. ગલ્ફ યુદ્ધના કારણે સ્થિતિ એટલી ખરાબ હતી કે ત્રણ અઠવાડિયાં ચાલે એટલું જ વિદેશી હૂંડિયામણ હતું. એના કારણે રૂપિયો નબળો પડ્યો. રિઝર્વ બૅન્કે નવી ક્રેડિટ આપવાનું બંધ કરી દીધું હતું. સરકાર ઉધારી ચૂકવવા સક્ષમ નહોતી. વિદેશી રોકાણકારોને ભારતમાંથી વિશ્વાસ ઊઠી ગયો. બૅન્કોમાંથી પૈસા ઉઠાવી લેવામાં આવ્યા. નાણાપ્રધાન યશવંત સિંહ, રિઝર્વ બૅન્કના ગવર્નર એસ. વેન્કટરમણ, ડૉ. સી. રંગરાજન, ગોપી અરોરા અને દીપક ઐયર સંસાધનો વધારવા માટે સંઘર્ષ કરી રહ્યા હતા. આંતરરાષ્ટ્રીય પેમેન્ટ માટે, ખાસ કરીને કાચા તેલ માટે, ડૉલરની જરૂર હતી જેનું તળિયું આવી ગયું હતું. ત્યાં સુધી કે ચંદ્રશેખર સરકારને નાદારી જાહેર કરવાની સલાહ પણ અપાઈ હતી. એવા સંજોગોમાં સોનું ગિરવી મૂકવાનો નિર્ણય લેવાયો હતો.


Whatsapp-channel Whatsapp-channel

20 June, 2021 12:55 PM IST | Mumbai | Raj Goswami

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK