Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > નેગેટિવિટી બાયસ : સારું કેમ જોઈ શકાતું નથી?

નેગેટિવિટી બાયસ : સારું કેમ જોઈ શકાતું નથી?

01 May, 2022 04:51 PM IST | Mumbai
Kana Bantwa

નકારાત્મક બાબત પ્રત્યે માણસ વધુ ધ્યાન આપે છે, એને વધુ ગંભીરતાથી લે છે, એના વિશે વધુ વિચારે છે અને આનો ફાયદો સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ્સ ઉઠાવે છે

નેગેટિવિટી બાયસ : સારું કેમ જોઈ શકાતું નથી?

નેગેટિવિટી બાયસ : સારું કેમ જોઈ શકાતું નથી?


એક અપ્રામાણિક માણસ ક્યારેક પ્રામાણિકતા બતાવે તો પણ તેને લોકો ઑનેસ્ટ ગણવાને બદલે અપ્રામાણિક જ ગણે, પણ જો કોઈ નખશિખ પ્રામાણિક માણસ એક વખત કોઈ અપ્રામાણિક કામ કરે તો તેના પર તરત જ અપ્રામાણિકનું લેબલ લાગી જાય. તેણે ઊભી કરેલી ઑનેસ્ટ માણસ તરીકેની છાપ ભૂંસાઈ જાય. તમે અખબાર વાંચતા હો કે ટીવી-ચૅનલ જોતા હો ત્યારે કોઈ પૉઝિટિવ ન્યુઝસ્ટોરી કરતાં નેગેટિવ ન્યુઝસ્ટોરી તરફ તમારું ધ્યાન વધુ ખેંચાય. તમે એને વધુ રસથી, વધુ ધ્યાનથી સાંભળો-વાંચો છો. 
તમે સોશ્યલ મીડિયા પર કોઈ સકારાત્મક કમેન્ટ કરો તો એને ઓછો રિસ્પૉન્સ મળે છે, પણ નેગેટિવ કમેન્ટને ખૂબ જ રિસ્પૉન્સ મળે છે. મોબાઇલમાં સ્ક્રોલિંગ કરતી વખતે તમને નેગેટિવ ટોન ધરાવતી માહિતી આપમેળે જ વધુ સામે આવતી રહે છે, પૉઝિટિવની સંખ્યા ખૂબ જ ઓછી રહે છે. તમને સોશ્યલ મીડિયા પર ફીડ કરવામાં આવતી માહિતીનો ઝુકાવ નેગેટિવ પર વધુ હોય છે. 
આ બધાં ઉદાહરણો એક કૉમન તંતુથી જોડાયેલાં છે - નેગેટિવિટી બાયસથી. નેગેટિવિટી બાયસ,  નકારાત્મક તરફનો પક્ષપાત અત્યારે સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મનો ગુરુમંત્ર બની ગયો છે. તેમના ઍલ્ગરિધમ નેગેટિવિટી બાયસના આધારે બનાવાયા છે. હ્યુમન સાઇકોલૉજીનો જેટલો ઉપયોગ સોશ્યલ મીડિયા કરી રહ્યું છે એટલો ઉપયોગ ભાગ્યે જ અન્ય કોઈ દ્વારા થતો હશે. 
નેગેટિવિટી વધુ ધ્યાન ખેંચે
માણસ માત્ર નેગેટિવિટી બાયસનો ઇનબિલ્ટ પ્રોગ્રામ ધરાવે છે. માણસનું મન સતત નેગેટિવિટી બાયસની જ સ્થિતિમાં રહે છે. કોઈ પણ નકારાત્મક બાબત પ્રત્યે માણસ વધુ ધ્યાન આપે છે, એને વધુ ગંભીરતાથી લે છે, એના વિશે વધુ વિચારે છે. માણસના મન પર હકારાત્મક બાબતોની જેટલી અસર પડે છે એના કરતાં ઘણી વધુ અસર નેગેટિવ બાબતોની પડે છે. નિર્ણય લેવામાં, કોઈ વિશે ધારણા બાંધવામાં, સંબંધમાં, કોઈ સ્થિતિનું મૂલ્યાંકન કરવામાં, શીખવામાં અને યાદ રાખવામાં નેગેટિવ બાબતોનો વધુ ઉપયોગ થાય છે. તમને પૉઝિટિવ ઘટના ઝડપથી ભુલાઈ જશે; પણ બાળપણમાં કોઈએ કરેલું અપમાન, કોઈએ કરેલું ગેરવર્તન કે કોઈ દુર્ઘટના આખી જિંદગી ભુલાતી નથી. સાઇકોલૉજિકલ અભ્યાસોમાં એવું પણ સાબિત થયું છે કે કોઈ કંપની કર્મચારીઓને  ઇન્સેન્ટિવ તરીકે કશોક લાભ મળે એવી વ્યવસ્થા ગોઠવે એનાથી કર્મચારીઓની ઉત્પાદકતામાં જેટલો વધારો થાય એના કરતાં કર્મચારીઓને કશુંક ગુમાવવું ન પડે એવી વ્યવસ્થા ગોઠવે તો ઉત્પાદકતામાં વધુ વધારો થાય છે.
સર્વાઇવલ માટેની સાવધતા
માણસ શા માટે નકારાત્મક બાબતો પ્રત્યે વધુ સચેત રહે છે, વધુ ધ્યાન આપે છે એનું કારણ પુરાતનકાળમાં પડેલું છે. જ્યારે માણસ હજી સુસંસ્કૃત નહોતો બન્યો, આદિમાનવ હતો ત્યારે નેગેટિવ બાબતો તેના માટે અસ્તિત્વ પરના જોખમ સમાન હતી. જીવતા રહેવા માટે, ટકી રહેવા માટે તેણે સતત સાવધ રહેવું પડતું હતું. દરેક નકારાત્મક બાબત તેના માટે ખતરારૂપ હતી. એટલે એના પર વધુ ધ્યાન આપવાનું માણસના આદિમ સ્વભાવમાં વણાઈ ગયું. જેમ-જેમ માણસ સુસંસ્કૃત થતો ગયો તેમ-તેમ તેના પરનું જોખમ ઓછું થતું ગયું. માણસે સમાજની, શાસનની વ્યવસ્થા જ એવી ગોઠવવા માંડી કે તેના પરનો ખતરો ઘટતો જ જાય. એક સદી પહેલાં સુધી પરિસ્થિતિ એવી હતી કે માણસ પર શત્રુથી, દુર્ઘટનાથી, કુદરતી આફતથી મૃત્યુ થવાનું જોખમ બહુ જ હતું. અત્યારે માણસ ખૂબ જ સુરક્ષિત છે. કુદરતી અથવા રોગથી થતાં મૃત્યુનો દર વધ્યો છે. લડાઈ, દુશ્મનાવટ, દુર્ઘટના કે કુદરતી આફતોથી મરવાનું પ્રમાણ ઘટ્યું છે. જોકે હજારો વર્ષ સુધી સતત ઘડાતું રહેલું માણસનું મન એવું કન્ડિશન્ડ થઈ ગયું છે કે નેગેટિવિટી બાયસ હજી તેનામાં મજબૂતાઈથી ધરબાયેલો છે અને તેના નિર્ણયો, વ્યવહાર, ઝુકાવ અને પૃથક્કરણમાં આ નકારાત્મકતા તરફનો પક્ષપાત મહત્ત્વનો ભાગ ભજવે છે. નેગેટિવિટી બાયસની સામે પૉઝિટિવ બાયસ પણ હોય છે, પરંતુ એ જવલ્લે જ જોવા મળે છે. એ માણસના મનને વારસામાં બહુ ઓછો મળે છે. એને ડેવલપ કરવો પડે છે અથવા ડેવલપ થાય છે.
પોલિએના સિન્ડ્રૉમ
એલિનોર પોર્ટરની અદ્ભુત રચના પોલિએના તમે વાંચી ન હોય તો વાંચી લેશો. એક નાનકડી છોકરી સાવ વિપરીત સંજોગો અને વાતાવરણમાં અચાનક ધકેલાઈ જાય છે છતાં દુ:ખી થવાને બદલે પોતાની મેળે જ દુ:ખમાં પણ સુખ શોધી લેતાં શીખી જાય છે. રાજી રહેવાની રમત શીખી ગયેલી આ છોકરીની વાર્તા પરથી પૉઝિટિવ બાયસને પોલિએના સિન્ડ્રૉમ પણ કહેવામાં આવે છે. પૉઝિટિવ બાયસના ફાયદાઓ છે, પણ એ અલગ છે. નેગેટિવ બાયસ એવી બાબત છે જેનો ઉપયોગ કરીને સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ્સ પોતાનો ધંધો ચલાવે છે. સોશ્યલ મીડિયાનું ઍલ્ગરિધમ એવું ગોઠવવામાં આવે છે જેનાથી યુઝરને તે વધુમાં વધુ મળે, યુઝર રસથી સ્ક્રોલ કરતો જ રહે, કરતો જ રહે. માણસના મનનું વલણ એવું હોય છે કે તે નેગેટિવ બાબતને વધુ સાચી માને છે, પૉઝિટિવને નહીં. લેખની શરૂઆતમાં કહ્યું એમ પ્રામાણિક માણસ એકાદ વખત પણ અપ્રામાણિક આચરણ કરી બેસે તો તરત જ તેની છાપ જનમાનસમાં બદલાઈ જાય છે. લોકો જાણે રાહ જોઈને જ બેઠા હોય છે કે ક્યારે તે અપ્રામાણિક વર્તન કરે અને તૂટી પડીએ. આવું કશું થાય એટલે સામાન્ય માણસની પ્રતિક્રિયા એવી હોય કે ‘મને તો શંકા હતી જ કે આ માણસ સારો નથી. અંતે સત્ય જાહેર થઈ જ ગયું.’ નેગેટિવ બાબતને સત્ય માની લેવામાં માણસ જે ઝડપ કરે છે એ પૉઝિટિવ બાબતોમાં હોતી નથી. 
વાલિયો લૂંટારો વાલ્મીકિ બની જાય તો તેને સ્વીકારવામાં વર્ષો લગાડે છે સમાજ.
નકારાત્મક બાબતો ધ્યાન ખેંચવાનું ચુંબક છે. તમે રસ્તે જતા હશો અને કોઈ બે વ્યક્તિ ઝઘડો કરતી હશે તો તમે તેને જોવા રોકાઈ જશો, પણ કોઈ પૉઝિટિવ બાબત હશે તો એના પર બહુ ઓછા લોકો ધ્યાન આપશે. આ વલણનો સૌથી વધુ ફાયદો અત્યાર સુધી રાજકારણીઓ ઉઠાવતા આવ્યા છે, હવે સોશ્યલ મીડિયા તમને ટક્કર આપી રહ્યું છે. નેગેટિવિટી તરફનું ખેંચાણ એટલું તીવ્ર હોય છે કે માણસને જેની સાથે કશું જ લાગતું-વળગતું ન હોય એવી નેગેટિવ બાબતોમાં પણ તેને ઊંડો રસ પડે છે. સાવ અસંબદ્ધ હોય એવી બાબતમાં પણ માણસનું ધ્યાન ખેંચાય છે. મનોવિજ્ઞાનીઓએ એક પ્રયોગ કર્યો. પૉઝિટિવ અને નેગેટિવ માનવીય ગુણોને વિવિધ કલરનાં કાર્ડ પર લખીને એ અભ્યાસમાં સામેલ લોકોને બતાવવામાં આવ્યા. જે કલરમાં નેગેટિવ ગુણો લખ્યા હતા એ ઓળખતા પહેલાં લોકોએ એને વધુ ધ્યાનથી જોયા, વધુ સમય લીધો.
તમને સોશ્યલ મીડિયામાં પીરસાતી સામગ્રીને જરા આ દૃષ્ટિથી જોશો તો એક નવું જ વિશ્વ દેખાશે. હવેનો જમાનો સોશ્યલ મીડિયાથી સાવધાન રહેવાનો છે. તમારા મન પર એ કબજો લઈ ન લે એ બાબતે સાવચેત રહેવાનું આવશ્યક બની ગયું છે અને એ માટે આ દૃષ્ટિ કેળવવી અનિવાર્ય છે.

કન્ફર્મેટિવ બાયસ



સોશ્યલ મીડિયા જેટલો નેગેટિવ બાયસનો ઉપયોગ પોતાના ઍલ્ગરિધમમાં કરે છે એટલો જ ઉપયોગ કન્ફર્મેટિવ બાયસનો પણ કરે છે. માણસ પોતાની માન્યતાને વધુ મજબૂત બનાવે એવા પુરાવાઓ શોધતો રહે છે, એવું કન્ટેન્ટ શોધતો રહે છે. પોતે જે માને છે એને ટેકો આપે એવું જ માણસ વધુ વાંચે, જુએ, સાંભળે છે. આ કન્ફર્મેટિવ બાયસ છે. સ્પેશ્યલ મીડિયાનું ઍલ્ગરિધમ એવું ગોઠવાયેલું હોય છે કે જે બાબત તમે પસંદ કરી હોય, તમે જેની તરફેણની કમેન્ટ કરી હોય એવી જ પોસ્ટનો મારો તમારા પર ચલાવવામાં આવે છે. તમને ગમતી બાબત હોવાથી તમે સ્ક્રોલ કરતા રહો છો અને એ પ્લૅટફૉર્મ પર વધુ સમય પસાર કરો છો. આવું કરવાથી માણસની માન્યતા વધુ ને વધુ દૃઢ બનતી રહે છે અને ધ્રુવીકરણ સંભવ બને છે, સોશ્યલ મીડિયાનું વ્યસન બંધાય છે.


Whatsapp-channel Whatsapp-channel

01 May, 2022 04:51 PM IST | Mumbai | Kana Bantwa

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK