° °

આજનું ઇ-પેપર
Thursday, 06 October, 2022


હવે જમાનો છે કોરિયોગ્રાફ્ડ ગરબાનો

22 September, 2022 04:04 PM IST | Mumbai
Alpa Nirmal

જોકે હવે ગરબા રમવાનાં અવનવાં સ્ટેપ્સ શીખવા મળે, અન્ય ખેલૈયાઓનો પરિચય થાય અને ખેલૈયાઓનું ગ્રુપ બને એ માટે લોકો ગરબાના ક્લાસિસમાં જોડાય છે

હવે જમાનો છે કોરિયોગ્રાફ્ડ ગરબાનો નવરાત્રિ સ્પેશ્યલ

હવે જમાનો છે કોરિયોગ્રાફ્ડ ગરબાનો

એક સમયે જેઓ ગરબા સ્પર્ધામાં ભાગ લેવા માગતા હોય કે નવરાત્રિની ઇવેન્ટમાં બેસ્ટ ડાન્સનો ખિતાબ મેળવવા માગતા હોય તેઓ જ ગરબા રમવાના ક્લાસિસ કરતા. જોકે હવે ગરબા રમવાનાં અવનવાં સ્ટેપ્સ શીખવા મળે, અન્ય ખેલૈયાઓનો પરિચય થાય અને ખેલૈયાઓનું ગ્રુપ બને એ માટે લોકો ગરબાના ક્લાસિસમાં જોડાય છે

અલ્પા નિર્મલ
feedbackgmd@mid-day.com

આજથી આઠથી દસ વર્ષ પહેલાં બે તાળી, ત્રણ તાળી કે હીંચ લેતાં આવડતું હોય, તાલબદ્ધ ઠેસ મારીને સરસ ગરબા રમતાં ફાવતું હોય એટલે ભયો, ભયો. એમાંય જો પોપટનાં સ્ટેપ્સ કરી શકો તો જોનારા અને અન્ય રમનારા પણ અભિભૂત થઈ જતા. માત્ર આટલી આવડતથી તમે કોઈ પણ પ્રોફેશનલી યોજાતી નવરાત્રિમાં રમતા કોઈ પણ ગ્રુપમાં જોડાઈને રમી શકતા. જોકે આજનો સિનારિયો તદ્દન જુદો છે. બે તાળી, ત્રણ તાળી તો ઠીક; પોપટ પણ હવે ઓલ્ડ સ્ટાઇલ ગણાય છે, કારણ કે હવે જમાનો છે કોરિયોગ્રાફ્ડ ગરબાનો.

વેલ, શું છે આ કોરિયોગ્રાફ્ડ ગરબા? તમે જોયું હશે કે ડાકલા સૉન્ગ ગવાય એટલે ખેલંદાઓ કચ્છી સ્ટેપ્સ કરે કે પછી હેલ્લારો વાગે એટલે બધા ખેલૈયાઓ હીંચ લે. બસ. આને કહેવાય કોરિયોગ્રાફ્ડ ગરબા. કોઈ પર્ટિક્યુલર ગીત ગવાય એટલે એના પર ચોક્કસ રીતનાં સ્ટેપ્સ લઈને જ થિરકવાનું. હા, આ સ્ટેપ્સ ગ્રુપ વાઇઝ ભિન્ન-ભિન્ન હોય, પણ એક જ સર્કલમાં રમતા લોકો એકસરખી સ્ટાઇલમાં નાચે એ  કોરિયોગ્રાફ્ડ ગરબા. એની શરૂઆત કઈ રીતે થઈ એ વિશે કાંદિવલીમાં ‘G for ગરબા’ નામના ગરબાના ક્લાસિસ ચલાવતા કિરણ શાહ કહે છે, ‘હિન્દી ફિલ્મોમાં ગરબારૂપે ગીતો આવતાં થયાં ત્યારથી આ ટ્રેન્ડની શરૂઆત થઈ. ‘હમ દિલ દે ચુકે સનમ’થી ગુજરાતી ગરબા પ્રકારના ગીતમાં આપણી ટિપિકલ શૈલી સાથે, એમાં જ થોડું ફ્યુઝન ભેળવી નવાં સ્ટેપ્સ ક્રીએટ કરીને એના પર ગરબા રમવાનો ટ્રેન્ડ પ્રસ્થાપિત થયો. જોકે એ વખતે આવી કોરિયોગ્રાફી કોઈ સ્પર્ધા કે કૉમ્પિટિશનમાં રમનારા ખેલૈયાઓમાં જ પ્રચલિત હતી. જોકે ‘રામલીલા’ મૂવી પછી આ ટ્રેન્ડ જનરલ ગરબા ખેલનારાઓએ પણ અપનાવ્યો. એમાં વળી ગુજરાત-મુંબઈના અવનવા ગુજરાતી ગાયકોના ગરબાનાં આલબમો આવ્યાં, જેમાં ગરબા શીખવનારા કોરિયોગ્રાફરોએ પોતપોતાનાં હુક સ્ટેપ્સ બનાવ્યાં અને એ સોશ્યલ મીડિયામાં એટલાં હિટ થયાં કે ગરબાપ્રેમીઓને આવાં સ્ટેપ્સ શીખવાની લગન લાગી. આજે અમારે ત્યાં પાંચથી છ વર્ષનાં બાળકોથી લઈને ૫૦થી ૫૫ વર્ષના ગરબાપ્રેમીઓ નવી સ્ટાઇલના ગરબા શીખવા આવે છે.’

ગુજરાતમાં શેરી ગરબા હોય કે પ્રોફેશનલી રમાતા ગરબા હોય - દરેક જગ્યાએ એક મોટા સર્કલમાં એકસાથે, જગ્યા ઓછી પડે તો એની અંદર નાના અને પછી એક ઓર નાના વર્તુળમાં ગરબા રમવાની પ્રથા છે, જ્યારે મુંબઈમાં પોતપોતાના ગ્રુપમાં સર્કલ બનાવીને રમવાનું ચલણ છે. એમાં કોઈ અજાણ્યા ખેલૈયાને જોડાવાની છૂટ નથી. એનાં બે મુખ્ય કારણો છે. પહેલું, ગ્રુપની ફીમેલ મેમ્બર્સની સુરક્ષા રહે અને બીજું, ગ્રુપના દરેકની ગરબા રમવાની પદ્ધતિ અને સ્ટેપ્સ એકસરખાં રહે જે જોવામાં પણ સારાં લાગે. આવાં કારણોસર પણ વધુ ને વધુ લોકો ગરબાની ટ્રેઇનિંગ લે છે એમ કહેતાં રાની મુખરજી દ્વારા અભિનીત ‘પહેલી’ ફિલ્મના ગીતમાં ગરબાનાં સ્ટેપ્સ શીખવી ચૂકેલા કિરણભાઈ ઉમેરે છે, ‘ધારો કે તમારું ચાર મિત્રોનું ગ્રુપ છે, જેમાંથી બેને ગરબાનો અતિશય શોખ છે અને બેને નથી. હવે જે શોખીન છે તેમને રમવું હોય તો તેઓ કેવી રીતે રમે? કોઈ ગ્રુપવાળા તો તેમને એન્ટ્રી આપે નહીં. એવા સમયે તેઓ આવા ક્લાસિસમાં જોડાય. એમાં શીખવા તો મળે જ, વળી સરખા શોખવાળી વ્યક્તિઓનું ગ્રુપ બની જાય અને સરખા સ્ટેપ્સ શીખીને તેઓ આ ગ્રુપમાં રમી શકે.’ 

આ જ વાતની પુષ્ટિ કરતાં ઘાટકોપરમાં રહેતા અને સેન્ટ્રલ સબર્બમાં ગરબા કોરિયોગ્રાફર તરીકે ફેમસ હાર્દિક સંપટ  કહે છે, ‘હવે ગરબા એક ગ્લોબલ ડાન્સ થઈ રહ્યા છે. ફક્ત ગુજરાતીઓને જ નહીં અન્ય પ્રાંતના લોકોને પણ ગરબા રમવા છે અને બસ, નિજાનંદ માટે રમવા છે.’ 

ચાર્મી શાહ સાથે ગુરુદેવ નટરાજ ડાન્સિંગ અને ફિટનેસ સ્ટુડિયો ચલાવતા હાર્દિકભાઈ કહે છે, ‘અમારે ત્યાં ત્રણ લેવલના કોર્સ ચાલે છે. પહેલા લેવલમાં અમે ઈઝી હોય એવાં સ્ટેપ્સ શીખવીએ. સેકન્ડ લેવલમાં એનાથી વધુ અઘરાં અને વળી થર્ડમાં મોસ્ટ ડિફિકલ્ટ અને લાંબાં સ્ટેપ્સની ટ્રેઇનિંગ આપીએ. અમારું મુખ્ય ફોકસ એ રહે કે ખેલૈયાઓની રિધમ જળવાઈ રહેવી જોઈએ, એ તૂટવી ન જોઈએ. સ્લો મ્યુઝિકમાં તેમની મૂવમેન્ટ સ્લો હોય, પણ ફાસ્ટ રિધમ આવતાં એ મૂવમેન્ટ બ્રેક ન થવી જોઈએ.’ 

નવરાત્રિ ભલે છેક આસો મહિનામાં આવતી હોય, પણ ગરબાપ્રેમીઓ અષાઢ મહિનાથી જુદા-જુદા ક્લાસિસની તપાસ કરવા લાગે છે અને ક્લાસિસમાં જોડાય છે. સામે કોરિયોગ્રાફરની મહેનત પણ જોરદાર હોય છે. દરેક સીઝનમાં અનોખાં સ્ટેપ્સ ક્રીએટ કરવાં, નવા-નવા ગુજરાતી તેમ જ અન્ય ભાષાના પૉપ્યુલર સાઉન્ડ-ટ્રૅક પર ક્રીએટિવ સ્ટેપ્સ બેસાડવા અને પછી એ શીખવવા એ ચૅલેન્જિંગ જૉબ છે. ૨૦૧૪થી ગરબાની ટ્રેઇનિંગમાં પ્રવૃત્ત કિરણભાઈ કહે છે, ‘મુંબઈ અને ગુજરાતની નવરાત્રિમાં પહેરવેશ અને પદ્ધતિથી સાથે રમવાની સ્ટાઇલ પણ અલગ-અલગ રહે છે. ત્યાં મોટા ભાગે ફક્ત ગુજરાતી ગીતો ગવાય છે, જ્યારે આપણે ત્યાં જીભે ચડેલાં મરાઠી, પંજાબી, અંગ્રેજી ગીતો પણ ગવાય છે. તમે જોજો કે આ વખતે ‘પુષ્પા’ મૂવીનું ‘ઉ અંટાવામા’ પણ ગવાશે. અમને ભલે ખબર ન હોય કે સિંગર્સ આ નવરાત્રિમાં શું નવું ગાશે, પણ આટલાં વર્ષોના અનુભવ પછી ખ્યાલ આવી જાય છે કે આ વખતે કયા પ્રકારનાં ગીતો પર્ફોર્મ થશે અને એ ગીતો પર અમારે કેવાં સ્ટેપ કરવાં, નવાં બનાવવાં, ફ્યુઝન કરવું એ બધું અમે તૈયાર કરી રાખતા હોઈએ છીએ.’

અમુક વર્ગ અત્યારના ગરબાની સ્ટાઇલને ઊછળકૂદ અને ધમાચકડી માને છે. તેમના કહેવા પ્રમાણે આપણી પરંપરાગત શૈલીથી રમાતા ગરબા ગ્રેસફુલ લાગે છે. એના જવાબમાં ૧૬ વર્ષથી કોરિયોગ્રાફી કરતા હાર્દિક સંપટ કહે છે, ‘પરિવર્તન એ સંસારનો નિયમ છે. અમે આપણી ટ્રેડિશનલ ગરબા રમવાની સ્ટાઇલ જેમ કે દોઢિયું, કાઠિયાવાડી, કચ્છી, હીંચ, મઢૂલીનાં સ્ટેપ્સને મૉડિફાઈ કરીને નવાં સ્ટેપ્સ ક્રીએટ કરીએ છીએ. એ બહાને નવી જનરેશન આપણી સંસ્કૃતિ સમી આ પદ્ધતિ વિશે જાણે અને શીખે છે. તમે જોશો કે  ડિસ્કો ગરબાનો ક્રેઝ ચાલુ થઈ રહ્યો હતો એવામાં અમારા જેવા અનેક કોરિયોગ્રાફરોએ મહેનત કરીને ફ્યુઝન ડાન્સ સ્ટાઇલ ઊભી કરી. એના પ્રતાપે આજની જનરેશન નીચે વળી, લચકથી, સરસ મજાના ચણિયાચોળી કે કેડિયું, કુરતા-ચોયણી પહેરીને ગરબા રમે છે અને ગુજરાતની ગરિમા વધારે છે.’

તાળી રમવાનું તો મુંબઈમાં ક્યારનુંય ભુલાઈ ગયેલું, પણ હવે દોઢિયું જેવાં ફ્રીસ્ટાઇલ સ્ટેપ્સ પણ આઉટ ઑફ ટ્રેન્ડ થઈ ગયાં છે અને દરેક ગ્રુપનાં પોતાનાં ગરબા સ્ટેપ્સ આવિષ્કાર પામે છે.

22 September, 2022 04:04 PM IST | Mumbai | Alpa Nirmal

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK