° °

આજનું ઇ-પેપર
Monday, 26 September, 2022


ઝાંખો પડ્યો નથી ને પડવાનો નથી પરંપરાગત ગરબાનો રંગ

18 September, 2022 08:06 AM IST | Mumbai
Ruchita Shah | ruchita@mid-day.com

ટેક્નૉલૉજી કેટલીય આગળ વધી જાય છતાં પરંપરાગત ગરબાનું ઘેલું અજોડ છે અને એનું સ્થાન ક્યારેય લઈ શકાય એમ નથી. ‘મિડ-ડે’નાં રુચિતા શાહ સાથે વાત કરતી વખતે મોટા ભાગના આજના આર્ટિસ્ટ્સ પણ આની સાથે સહમત થયા

ગાયકોની તસવીરનું કૉલાજ નવરાત્રિ સ્પેશ્યલ

ગાયકોની તસવીરનું કૉલાજ

‘કેસરિયો રંગ લાગ્યો’, ‘રંગ તાળી રે રંગમાં’, ‘અમે મહિયારા રે’, ‘કુમ કુમનાં પગલાં પડ્યાં’ કે ‘ઓ રંગ રસિયા’ જેવું કોઈ લોકગીત કે પ્રાચીન ગરબો જો આજે પણ તમારા ચહેરા પર સ્માઇલ લાવતાં હોય તો સમજજો કે આપણા ટ્રેડિશનલ ગરબા અમરપટ્ટો લઈને આવ્યા છે. ગમે એટલાં નવાં ગીતો આવી જાય, ગમે એટલા મ્યુઝિકલ ટેક્નૉલૉજીમાં ફેરફાર થઈ જાય કે નવા સિંગર્સ ને નવા ખેલૈયાઓ આવે તો પણ ટ્રેડિશનલ ગરબાની ગરિમાને જાળવ્યા વિના તેઓ ટકી શકવાના નથી. હવે નોરતાંનાં એંધાણ વરતાઈ રહ્યાં છે ત્યારે ગરબા ગાવામાં જેમનો જોટો ન જડે એવા કેટલાક આર્ટિસ્ટ સાથે આ વિષય પર વાત કરીએ...

દુનિયામાં ઘણું બધું એવું છે જે ટાઇમલેસ છે, સમયના પ્રવાહની અસરથી જે અનટચ્ડ છે. ગુજરાતની ગરિમાને જુદા સ્તરે અભિવ્યક્ત કરતા અને આપણી સંસ્કૃતિની અણમોલ ધરોહર એવા આપણા રાસગરબા પણ એવું જ એક આર્ટફૉર્મ છે જે ક્લાસિક છે, સદાબહાર છે અને ચડતા-પડતા કાળ વચ્ચેય એણે પોતાની અનન્યતા જાળવી રાખી છે. મજાની વાત એ છે કે સમય સાથે ગરબાના સ્વરૂપને બદલવાની કોશિશ થઈ છે, પરંતુ એ પછીયે આજે પણ મૂળભૂત પ્રાચીન ગરબાનો ચાર્મ જરાય ઘટ્યો નથી. ગરબા સાથે નજીકનો ઘરોબો ધરાવનારાઓ પણ માને છે કે ટ્રેડિશનલ ગરબાનો ચાર્મ ક્યારેય ઓછો થવાનો નથી. ત્યાં સુધી કહેવાય છે કે જે કલાકારો ટ્રેડિશનલ ગરબાનો સાથ છોડીને બૉલીવુડ રિમિક્સની પાછળ દોડશે એ લાંબું ટકી પણ નહીં શકે. જેને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજની યાદીમાં સામેલ કરવા માટે નૉમિનેટ કરાયું છે એ ગુજરાતની અણમોલ ધરોહર એવા દેશી ગરબાનું સ્વરૂપ અત્યારે કેવું છે અને એના પારંપરિક સ્વરૂપ પ્રત્યે લોકોનું કેવું વલણ છે? પેઢી દર પેઢી જેનું વહન થયું છે એવા આપણા ટ્રેડિશનલ ગરબાઓની ખાસિયત શું છે અને આપણા નવરાત્રિના પૉપ્યુલર કલાકારો આ ગરબાને કઈ રીતે જુએ છે? જેવા અનેક પ્રશ્નો પર આજે આ ક્ષેત્રના અગ્રણીઓ સાથે ચર્ચા કરીએ.

જવાબદારી છે આ

આજથી લગભગ પાંચ-છ દાયકા પહેલાં હેમુ ગઢવી દ્વારા ગવાયેલા ગરબાને આજે પણ એટલા જ ઉત્સાહ સાથે ગવાય છે. એ જ આપણા પ્રાચીન ગરબાની રિચનેસનું પ્રમાણ છે. વાતની શરૂઆત હેમુ ગઢવીના પુત્ર બિહારી ગઢવી કરે છે. એક જમાનામાં નવરાત્રિના સુપરસ્ટાર સિંગર તરીકે ઓળખાતા અને મોટા ભાગે માત્ર ટ્રેડિશનલ ગરબા જ પોતાની નવરાત્રિમાં ગાવાનો આગ્રહ રાખતા મૂસા પાઇક સાથે ગાયકોની ટીમમાં આ વર્ષે ભાઈંદરમાં  ગીતોનું રિહર્સલ કરી રહેલા બિહારીભાઈ કહે છે, ‘રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે’, ‘અંબા જોઈએ તમારી વાટ, વહેલાં આવોને મોરી માત’, ‘ઢોલીડા ઢોલ રે વગાડ’, ‘મહીસાગરને આરે ઢોલ વાગે છે’, ‘આજ ગગનથી ચંદન ઢોળાય રે’, ‘સાહિબો રે ગોવાળિયા’, ‘ઓ રંગ રસિયા’, ‘અમે મહિયારા રે’, ‘કેસરિયો રંગ તને લાગ્યો રે ગરબા’ જેવા ગરબા તમે ન ગાઓ તો એને નવરાત્રિ ગણાય જ નહીં. આ પરંપરાગત લોકગીતોનો પાવર તો જુઓ કે આજે પણ એને બેઝ લઈને, એના છંદો પરથી બૉલીવુડનાં અને ગુજરાતી ગીતો બને છે. ‘મોર બની થનગાટ કરે’ ગીત આજનું નથી. છેક ૧૯૬૩માં હેમુ ગઢવીએ એને રેડિયો પર ગાયું ત્યારથી પ્રચલિત છે, પરંતુ આજની પેઢી સામે એ જુદી રીતે આવ્યું. બહુ જ સ્પષ્ટ વાત છે કે પ્રાચીન ગરબાનું સત્ત્વ ગમે એવું મૉડર્નાઇઝેશન આવે, જરાય ઓછું નથી થવાનું. આજથી ૫૦ વર્ષ પહેલાં રાજકોટના રેડિયો-સ્ટેશન પર મારા પિતા હેમુ ગઢવીએ ગાયેલા ગરબાનું જ રિમિક્સ આજે આપણને ઘણી જગ્યાએ સાંભળવા મળે છે. ગરબાઓનું મોડિફિકેશન એટલે થાય છે કે એના ઓરિજિનલ સત્ત્વ જેવું સર્જન કરવું અઘરું છે.’

એ તો મુખ્ય પ્રયાસ છે

વાત જો માતાજીના ઉત્સવની હોય તો તેમના ગરબા વિના એની ઉજવણી થાય જ નહીં અને એટલે જ છેલ્લાં ૨૮ વર્ષમાં અમારા પ્રોગ્રામમાં ક્લાસિક ગરબાઓને આવરીને એને લોકો સમક્ષ મૂકીને ભુલાયેલા ગરબાઓને પાછા સપાટી પર લાવવાના ભરપૂર પ્રયાસ અમે કર્યા છે અને એ કરતા રહેવાના છીએ. દાંડિયા-ક્વીન અને ગરબાની લોકપ્રિયતાને નેક્સ્ટ લેવલ પર લઈ જવામાં જેમનું બહુ મોટું યોગદાન કહી શકાય એવાં ફાલ્ગુની પાઠક આ જ વિષય પર આગળ કહે છે, ‘એક, બે નહીં, પણ એવા કેટલાયે પ્રાચીન ગરબા છે જેને મમ્મી પાસેથી, નાની પાસેથી સાંભળ્યાં છે અને એને અમે અમારા મ્યુઝિકમાં સામેલ પણ કર્યા છે. આજથી નહીં, પણ જ્યારથી શરૂ કર્યું ત્યારથી અમારા કાર્યક્રમનો બેઝ આ પ્રાચીન ગરબા સેન્ટ્રિક રહે એની ચોકસાઈ અમે રાખીએ છીએ. એ જ વિચારતા હોઈએ કે ગરબાનો મૂળ એસેન્સ જળવાયેલો રહે અને એ લોકો સુધી પહોંચે અને લોકો પણ એન્જૉય કરે એવું શું કરી શકીએ. મ્યુઝિક અરેન્જમેન્ટ જ્યારે અમે કરતા હોઈએ ત્યારે સાંભળનારા, ટીવી પર જોનારા અને રમનારા એમ દરેકને ગમે એ રીતે અમે વિચારતા હોઈએ છીએ. તમે જો પહેલેથી અમારા પ્રોગ્રામ સાંભળ્યા હોય તો ખ્યાલ આવશે કે ‘રંગે રમે આનંદે રમે’ કે ‘રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે’ ગીત હોય કે પછી ‘કંકુ ભરેલી રે કંકાવટીમાં’ જેવાં ગીત હોય એ સૌથી પહેલાં અમારા જ પ્રોગ્રામમાં વધારે સાંભળવા મળતાં હતાં લોકોને. નવરાત્રિ એટલે માતાજીના ગરબા એ બહુ સ્વાભાવિક છે. ધારો કે અત્યારનાં મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ વાપરતાં હોઈએ તો પણ ગરબાનો ઓરિજિનલ ફ્લેવર તો એ જ છે. મને થોડાં વર્ષો પહેલાં એક પરિચિતે પેનડ્રાઇવ આપેલી જેમાં એકદમ પ્રાચીન ગરબા હતા. એમાંના ઘણા ગરબા હવે અમારા પ્રોગ્રામ્સમાં અમે લીધા છે, જેમ કે ‘ચાંપા તે નીરના ચોકમાં, બેની ગરબે ઘૂમવાને હાલ, માતાજીનું તેડું આવ્યું’ આ બહુ જૂનો પણ એટલો સુંદર અને ટચી ગરબો છે કે શું કહેવું. પ્રાચીન ગરબાની ખાસિયત જ એ છે કે એ મીઠા અને સરળ હોય છે.’

આ જ વાતને આગળ વધારે છે લોકગીતોનાં ગાયિકા તરીકે એક અલાયદી ઓળખ બનાવનારાં ગીતા રબારી. તેઓ કહે છે, ‘નવરાત્રિનો ઓરિજિનલ એસેન્સ જ નવરાત્રિના ગરબામાં છે. હું ગરબા એટલે માત્ર ગરબા જ સ્ટેજ પરથી ગાઉં અને ક્યારેક કોઈ હિન્દી ફિલ્મના ગીતની ફરમાઈશ આવે તો એ સ્ટેજ પરથી કોઈ કો-સિંગર ગાઈ લે. આપણાં જૂનાં, પૌરાણિક ગીતો અને માતાજીની ભક્તિ અને તેમનું વર્ણન આવતું હોય એ જ આ ૯ દિવસ દરમ્યાન ગાવાનો નિયમ હું કાયમ પાળવાની છું. બાકીના સ્ટેજ પ્રોગ્રામ્સ થાય ત્યારે બીજાં સુગમ સંગીતનાં ગીતો ગાઈ શકાય, પરંતુ ૯ દિવસ ગરબા સિવાય કાંઈ નહીં. ‘ગોપાલ મારો પારણિયે ઝૂલે’, ‘મા તારા આશીર્વાદ, મારી માતાનાં પગલાં’ જેવા કેટલાક ગરબા માટે તો લોકોની ફરમાઈશ પણ હંમેશાં હોય છે. જૂનાં ગીતોને નવી રીતે પ્રેઝન્ટ કરીએ ત્યારે લોકો તરફથી ભરપૂર ઉત્સાહ મળતો હોય છે. અતુલદાદા, ફાલ્ગુની પાઠક, હેમંત ચૌહાણ વગેરેના ગરબા પણ હું ગાતી હોઉં છું. ‘કાચી માટીનો ગરબો’, ‘આસોની આવી અજવાળી રાત’ જેવા ગરબા આ વખતે અમે જુદી રીતે રજૂ કરવાનાં છીએ.’

પરિવર્તન પણ મહત્ત્વનું

પરંપરાગત ગરબાઓનું પોતાનું મૂલ્ય છે જ એ વાત આજના મોટા ભાગના જાણીતા સિંગર્સ સ્વીકારે છે. આ વર્ષે પણ ગોરેગામમાં ગ્લોબલ ગરબાની થીમ સાથે આખા વિશ્વને ગરબાથી એક કરવાના ધ્યેય સાથે તૈયારી કરી રહેલા પાર્થિવ ગોહિલ કહે છે, ‘જૂનું એટલું સોનું છે એ વાત ગરબામાં ૧૦૦ ટકા સાચી જ છે. જેમ કે ઝવેરચંદ મેઘાણી અને હેમુભાઈ ગઢવીનાં એવાં ઘણાં ગીતો અને તેમણે ગાયેલા ગરબા છે જેને ફરીથી રિવાઇવ કરવાનો સફળ પ્રયોગ મેં કર્યો છે. જેમ કે ‘પાટણ શહેરની નાર પદમણી’ નામનો એક બહુ જૂનો ગરબો છે જેને મેં અલગ રીતે મારા ગરબાના ટ્રૅક પર લીધો છે. જૂનું એ બેઝ છે. પાયા વગર ઇમારત બને જ નહીં, પણ સાથે નવાનો પણ પ્રયોગ કરતા રહેવું જરૂરી છે. અહીં નવા અને જૂના વચ્ચે સંતુલન રાખવું બહુ જરૂરી છે. પરિવર્તન પણ થતું રહેવું જોઈએ. નવા ગરબા, નવા લિરિક્સ અને નવી રીતે મ્યુઝિકના અરેન્જમેન્ટ્સને તમે ક્લાસિકના મોહમાં અટકાવી ન શકો. જે ક્લાસિક છે એ તો સદાબહાર રહેવાનું જ છે, પણ એમાં નવતર પ્રયોગ થતા રહે એ પણ એટલું જ જરૂરી છે. હું બૉલીવુડનાં ગીતો પ્રિફર નથી કરતો, પરંતુ એ નવરાત્રિ અથવા ઉત્સવના ઉત્સાહને દર્શાવનારાં હોય તો મને એમાં વાંધો પણ નથી. ઇન ફૅક્ટ રાજસ્થાની અને મરાઠી ફોક સૉન્ગ્સ પણ હોય છે અમારા ટ્રૅક લિસ્ટમાં.’

છેલ્લાં ૩૫ વર્ષથી ટ્રેડિશનલ ગરબાને જ બેઝ બનાવીને ગાતા અને આ વર્ષે રઘુલીલામાં રાજેન્દ્ર ગઢવી નામના પોતાના જ બૅન્ડ સાથે પર્ફોર્મ કરી રહેલા રાજેન્દ્રભાઈ કહે છે, ‘જૂનાં ગીતોને ગાવા માટે એવો લહેકો અને પહાડી વૉઇસ જોઈએ, જેમ કે ‘મણિયારા’ ગીત ગાઓ અને ગ્રાઉન્ડ કે હૉલમાં હાજર એવી એક પણ વ્યક્તિનાં રૂંવાડાં ઊભાં ન થાય એ સંભવ જ નથી. નસીબથી ગઢવીઓને જન્મજાત એક સ્ટાઇલ મળી છે, જેને નિખારો તો એ સ્વર સાથેનું ગીત ભલભલાને રોમાંચિત કરનારું હોય છે. નવામાં આ ક્યાંક મિસિંગ છે. ફીલિંગ્સ સાથે, ઓતપ્રોત થઈને ગવાતા ગરબાનો ચાર્મ જ જુદો હોય છે. એ ફીલિંગ્સ લોકો સુધી પહોંચતી હોય છે, તેમના આત્માને સ્પર્શતી હોય છે. મને યાદ છે કે દાયકાઓ પહેલાં કાંદિવલી અખાડાને ત્યાં જ્યારે હું નવરાત્રિ કરતો ત્યારે શિવતાંડવ નવરાત્રિમાં ગાતો અને જનમેદનીમાં ઉત્સાહનું વાવાઝોડું આવતું. ‘મોર બની થનગાટ કરે’ હોય કે પછી દુહા અને છંદ સાથેના ગરબા હોય, પ્રાચીન ગરબાઓને લોકો સામે અઢળક રીતે અમે પ્રેઝન્ટ કર્યા છે.’

મિક્સિંગ થાય તો ચાલે?

આજે ગરબાનું સ્વરૂપ બદલાયું છે, જેના પર આપણે ફેરવિચાર કરવો જોઈએ. બિહારીભાઈ અહીં કહે છે, ‘કંઈક નવું લાવવાની લાયમાં આજના કલાકારો જૂનાનું અવમૂલ્યન કરતાં અચકાતા નથી. બૉલીવુડનાં હિન્દી ગીતોમાં આવું થાય છે અને રિમિક્સને કારણે ઓરિજિનલ સૉન્ગની અવહેલના લોકો કરી બેસતા હોય છે. ઍટ લીસ્ટ, ગરબામાં તો આવું ન જ થાય એ સૌની જવાબદારી છે. એ પણ એવા સમયે જ્યારે ઑડિયન્સ માટે તો આજે પણ પ્રાચીન ગરબા એ સોનાની ખાણ રહ્યા હોય. બીટ્સને મૅચ કરવા માટે ઝડપથી માત્ર મુખડું અને અંતરું ગાઈ નાખો ત્યારે એ ગીત કે ભજન છે એ ખ્યાલમાં હોવું જોઈએ અને એમાં દોષ લાગે છે. મ્યુઝિકનો એટલો બધો પ્રયોગ થતો હોય કે ઓરિજિનલ ગરબાની મીઠાશ જ ન મળે. ક્યારેક-ક્યારેક સાંભળીએ તો ગરબા ઓછા અને ઘોંઘાટ વધુ સંભળાતો હોય. નવરાત્રિના આયોજકો અને સિંગર્સે આ વિશે વિચારવું જોઈએ.’

ગરબાની ઓરિજિનલિટી જાળવવામાં અને નવરાત્રિમાં મા શક્તિની આરાધના પાછળ રહેલા આધ્યાત્મને પણ આપણા લોકવારસા સાથે લોકો સુધી પહોંચાડવાના પ્રયાસ કરી રહેલા અતુલ પુરોહિતજીની દૃષ્ટિએ આપણા પરંપરાગત ગરબા એટલે ‘મા’. તેઓ કહે છે, ‘મા’ની ક્યારેય તુલના ન થાય કે માને ક્યારેય બદલી શકાતી નથી. એની ગરિમા ક્યારેય ઘટતી નથી. પ્રાચીન ગરબાને અત્યારે હાનિ તો પહોંચી રહી છે. આપણું કમનસીબ છે કે આપણા વર્લ્ડ હેરિટેજ યાદીમાં સ્થાન પામવા જઈ રહેલા ગરબામાં લોકો મન ફાવે એવી વસ્તુઓ ગાય છે. આવી ભેળસેળ ચલાવવામાં કલાકારો અને પબ્લિક બન્નેનો ફાળો છે. જો કલાકારો નક્કી કરે કે હું તો આપણા ટ્રેડિશનલ ગરબા જ ગાઈશ તો પબ્લિક પણ એને બે હાથે સ્વીકારવા તૈયાર જ છે. વડોદરામાં અમે આજ સુધી એકેય હિન્દી ગીત કે પરંપરાગત ગરબા ઉપરાંતની વસ્તુઓ નથી ગાતા અને છતાં હજારોની મેદનીમાં યુવાવર્ગ જોડાય છે એટલે એ દલીલ જ ખોટી છે કે પબ્લિકને આવું ગમે છે. બીજી વાત, જાતજાતનાં નવાં ઇન્સ્ટ્રુમેન્ટની ભરમારમાં ગરબાનો પોતાનો મીઠાશભર્યો તાલ અત્યારે લુપ્ત થઈ રહ્યો છે. હકીકતમાં પ્રાચીન ગરબાઓને માણવા હોય તો એનાં વાજિંત્રો પણ દેશી ઢબનાં હોય ત્યારે એનો લય જળવાતો હોય છે. ‘અંબા અભયપદ દાયીની’ કે પછી ‘ડુંગરવાળા ડોસી મને લાડ લડાવે’ જેવા ગરબાઓ જ્યારે માતાજીની કૃપાથી ગાઉં છું ત્યારે યુવાનો ખુશ-ખુશ થઈ જાય છે. હવે આ સદીઓ જૂના ગરબા છે છતાં આજની પેઢી એનાથી પ્રભાવિત થાય જ છે. ગરબામાં થતું મિક્સિંગ જરાય ઉચિત બાબત નથી. બધાને હાથ જોડીને પ્રાર્થના કરું છું કે ગરબાની ગરિમા જળવાય અને માતાજીની આમન્યા રહે એવું સંગીત પીરસો, એવી વ્યવસ્થા કરો. હૈયા-હૈયા કરીને લોકો ટોળે વળે અને ઘરભેગા થાય, વચ્ચે ચંપલનો ઢગલો હોય અને કોઈ પણ ગીતનો ઘોંઘાટ ચાલતો હોય એ ડિસ્કો હોઈ શકે, પણ આપણા ગરબા તો આવા ન જ હોય. આવું નથી ચાલતું એ દલીલોને બદલે જે સાચું છે એ જ લોકભોગ્ય રીતે ચલાવીએ એ વિશેનો નિશ્ચય આયોજકો, કલાકારો અને ખેલૈયાઓ એમ દરેકે કરવાની જરૂર છે.’

નવી પેઢીનો અપ્રોચ

ગુજરાતના ટ્રેડિશનલ ગરબા માટે આ વર્ષે ફરી સુરતમાં પોતાના અવાજથી લોકોને ઝૂમવા માટે પ્રોત્સાહિત કરનાર નવી પેઢીની ઝળહળતી સિંગર ઐશ્વર્યા મજુમદાર ગુજરાતી ભાષા અને ગુજરાતી ગરબાનું તેને પોતાને માટે કેટલું મહત્ત્વ છે એ વિશે કહે છે, ‘ગમે એટલું ઇન્ફ્લુઅન્સ કેમ ન આવે, હિન્દી ગીતો સાથે ગમે એવા ટ્રેન્ડ બદલાય, પરંતુ આપણે જે ટ્રેડિશનલ ગરબા ગાઈએ છીએ એનો અસ્તકાળ ક્યારેય આવવાનો નથી, એ શક્ય જ નથી. આ તમારું મૂળ છે. જેમ ગમે એટલા ફરો, પછી ઘરે પાછા આવો જ એમ આ આપણું ઘર છે. ટ્રેડિશનલ ગરબા વિના ગરબાની કલ્પના જ ન થાય. એ તમારા ગાયનને, ખેલૈયાઓને પોતાના નૃત્યને સંપૂર્ણતા આપે છે. તમે જોજો, ગમે એવી બીટ પર નાચનારા ખેલૈયાઓ જ્યારે ટ્રેડિશનલ ગરબા સાંભળે ત્યારે આપમેળે લિપસિંગ કરવા માંડતા હોય છે. મન ભરાઈ જાય એ સાંભળીને જ. આ ગરબાઓમાં માતાજીનું વર્ણન સાંભળીએ આપણાં રૂંવાડાં ઊભાં થઈ જાય. જેમ કે ‘બિરદાળી બહુચરવાળી’ મને સાંભળવું ગમે, ગાવું ગમે અને દરેક ફૉર્મમાં એ મને પ્રિય છે. અમે પણ ખૂબ કોશિશ કરી રહ્યાં છીએ કે વધુમાં વધુ પ્રાચીન ગરબાઓ આજની પેઢી કનેક્ટ કરી શકે એવા ફૉર્મેટમાં પેશ કરીએ. આ વર્ષે જ એવા ૯ ગરબા નવા મ્યુઝિક સાથે મૂક્યા છે. દર વર્ષે પ્રાચીન ગરબાને ફરી-ફરી રિવાઇવ કરવાના પ્રયાસ અમે કરી જ રહ્યા છીએ.’ 

વો ભી ક્યા દિન થે

એક જમાનામાં મુંબઈની નવરાત્રિમાં જેમનો ડંકો વાગતો એવાં કેટલાંક વ્યક્તિત્વ હવે નવરાત્રિ દૂર નીકળી ગયાં છે. એમાંના એક છે ફ્રેમિંગના બિઝનેસમાં પુરજોશથી કામ કરી રહેલા આશિષ અજમેરા. આ એવા લોકો છે જેમણે ગરબાનો એક ગોલ્ડન એરા જોયો છે. ૩૨ વર્ષ સુધી મુંબઈનું અત્યંત પૉપ્યુલર એવું પોતાના મિત્રો સાથે મળીને બીટર્સ ગ્રુપ શરૂ કરનાર આશિષભાઈ પહેલાંના ગરબાની વાત કરતાં કહે છે, ‘અત્યારની નવરાત્રિ અને પહેલાંની નવરાત્રિમાં ઘણો ફરક છે. પહેલાં પૅશનથી લોકો કામ કરતા. એ પછી પ્રોફેશનલિઝમ આવ્યું અને હવે તો માત્ર ને માત્ર પ્રમોશનલિઝમ ચાલે છે. પહેલાં પણ અને કદાચ આજે પણ નવરાત્રિમાં આયોજકોને ભાગે કમાવાનું ઓછું હોય છે. અલબત્ત, કલાકારોને પોતાની પ્રોફેશનલ ફી મળી જાય છે. પુરુષોત્તમભાઈ ઠાકર, દમયંતીબહેન બરડાઈ, કિશોર મનરાજા, ફાલ્ગુની પાઠક, સુદેશ ભોસલે જેવા ઘણા દિગ્ગજ કલાકારો સાથે અમે દેશ-વિદેશમાં નવરાત્રિ કરી છે. ત્યારથી સૌથી શ્રેષ્ઠ બાબત એ હતી કે નવરાત્રિની સમયમર્યાદા નહોતી. યસ, હવે ગરબાની ક્વૉલિટીમાં ફરક તો પડ્યો છે. ગરબાને વિશ્વસ્તરે વ્યાપક બનાવવામાં સંજય લીલા ભણસાલીનો બહુ મોટો હાથ છે. તેમને કારણે જ નૉન-ગુજરાતીઓમાં પણ ગરબાએ ખૂબ પ્રભાવ પાડ્યો છે. ટ્રેડિશનલ ગરબામાંથી થોડીક સ્પેસ હવે હિન્દી સૉન્ગ્સે લીધી જ છે અને નવા ગરબા પણ ખૂબ સારા આવે છે, પરંતુ એ પછીયે જૂના ગરબા વાગે ત્યારે ગ્રાઉન્ડ પર રહેલા લોકોનો એક જુદો જ રોમાંચ હોય છે એ મેં ત્યારે પણ ઑબ્ઝર્વ કર્યું છે અને એ સિનારિયો આજે પણ એવો જ છે.’

આ વર્ષે ગરબામાંથી બ્રેક લઈ રહેલાં મનીષા સાવલા પણ પહેલાંની નવરાત્રિઓને યાદ કરતાં રોમાંચિત થઈ જાય છે. તેઓ કહે છે, ‘૩૩ વર્ષ પહેલાં લલિત સોડા સાથે ગાવાનું શરૂ કર્યું ત્યારે શેરી ગરબાનું કલ્ચર હતું. એ સમયે અમે અમેરિકા જતાં ત્યારે પણ લગભગ પંદરેક હજાર લોકો ભેગા થતા. આખી રાત નવરાત્રિ ચાલતી. એ પછી બીટર્સ જૉઇન કર્યું અને લૉકડાઉન પહેલાં સુધી બિપિનભાઈ સોડાવાલા સાથે મળીને નવરાત્રિમાં ગાતા. કોવિડમાં ૨૦૨૦માં તેમનું ડેથ થયું એટલે આ વખતે ઑફર હોવા છતાં નવરાત્રિમાં ગાવા જવાનું ટાળ્યું છે. આ મારી તેમને માટેની ટ્રિબ્યુટ કહી શકો. અત્યારે ગરબામાં વેસ્ટર્નાઇઝેશન રિફ્લેક્ટ થાય છે પરંતુ દેશી ગરબામાં ઝૂમતા ખેલૈયાનો ચાર્મ ભૂંસાયો નથી. ક્લબિંગ થાય છે કંઈક નવું આપવા માટે, પણ ઊંચકાય તો જૂનું જ છે એ જુદી વાત છે. હું કહી શકું છું કે પ્રાચીન ગુજરાતી ગરબા અમરપટ્ટો લઈને આવ્યા છે. ‘હારે ગિરધારી’, ‘રંગ તાળી રંગ તાળી’ વગેરેને કોઈ પહોંચી નહીં શકે. એ અમર છે. ગરબાની મીઠાશ ઓરિજિનલમાં છે. શબ્દો અને ધૂનને છેડવી ન જોઈએ એ વિશે હું પણ સહમત છું..’

‘હાલો કીડીબાઈની જાનમાં’ભજનનો અર્થ જાણો છો?

સૌરાષ્ટ્રની કલ્ચરલ વિરાસતના ઊંડા અભ્યાસુ અને લગ્નગીતોનું વિશાળ સંપાદન કરનારા ડૉ. ભીમજી ખાચરિયા નવરાત્રિના ગરબાની ખાસિયત વિશે વાત કરતાં કહે છે, ‘નવરાત્રિમાં ગવાતું એક પૉપ્યુલર ગીત એટલે ‘હાલો હાલો ને કીડીબાઈની જાનમાં.’ કેટલાક માને છે કે આ લગ્નગીત છે, પરંતુ હકીકતમાં આ ૧૭૦૦ની સદીમાં થયેલા ભોજા ભગતે (જલારામ બાપાના ગુરુ) લખેલો ચાબખો છે. માનવજીવનની વિસંગતતા અને આપણી વૃત્તિઓને જુદાં-જુદાં પશુ-પંખી અને જીવ દ્વારા તેમણે આ ભજનમાં મૂકી છે. કીડી જેમાં કોઈ જીવજંતુ નહીં, પણ આપણા આત્માના પ્રતીક સ્વરૂપે છે જે સંસારમાં આવે છે અને એની સાથે જે વૃત્તિઓ આવે છે એ જુદાં-જુદાં પશુ-પંખીના પ્રતીક તરીકે છે. જેમ કે એમાં એક કડી છે કે ‘મોરલે બાંધ્યો રૂડો માંડવો રે, ખજૂરો પીરસે ખારેક, ભૂંડે રે ગાયાં રૂડાં ગીતડાં... હે પોપટ પીરસે પકવાન, હાલો ને કીડીબાઈની જાનમાં...’ આ પંક્તિમાં મોરલો માંડવો બાંધે છે. ખરેખર તો મોર, ખજૂરો, ભૂંડ, પોપટ એ આંગણાનાં પક્ષી છે. આ શરીર મોર જેવું સુંદર દેખાય છે પણ શરીરની અંદર તો વિચારોની કેટલી ગંદકી ભરેલી છે! આ મોર આજે આત્મારૂપી શરીરમાં બેઠો છે. તો ખજૂરો એ અવાજ ન કરનારું શાંત જંતુ છે, પણ જો એ કાનમાં ઘૂસી જાય તો કેમ નીકળે! એટલે કે કાનમાં ક્યારેક મીઠું બોલનાર ખજૂરાઓ મીઠું બોલીને પણ અસત્ય પીરસી જાય છે. આનાથી હે કીડીરૂપી આત્મા, તું ચેતી જા! તારી આજુબાજુમાં જે ગીત ગાઈને તને આનંદ આપે છે એ શુદ્ધ સ્વર કે રાગ નથી, પણ એ કર્કશતા છે. જીવનના કંકાસ છે જે ભૂંડવૃત્તિથી ચેતીને તું ચાલ. આવી રીતે આ ચાબખામાં પોપટ એ કોઈકની બોલી બોલનાર, બિલાડી તથા કૂતરાં એ ઈર્ષ્યાનું, ઘોડો શરીર બળનું, ઊંટ અહંકાર, કાકીડો એ સ્વભાવથી છેતરપિંડી કરનાર લોકનું પ્રતીક છે. આમ સંકેતથી ઉકેલ પામતી આ જ્ઞાનમાર્ગી ચાબખાની રચનાને લોકો પોતાની રીતે ગાઈવગાડી મનોરંજન, રાસગરબામાં ગાતા હોય છે, પરંતુ એમાં રચનાનો મૂળ હેતુ કે અર્થ જ બદલાઈ જાય છે.’

ગરબાનો ગજબ વિકાસ

મહિલાઓ ગાય એ ગરબા, અને પુરુષો ગાય એ ગરબી. ગરબાના ઇતિહાસ સાથે સંકળાયેલી અને પ્રાચીન ગરબાનું ગામેગામ જઈને કલેક્શન કરનારા, ગુજરાતી ગરબા પર છેલ્લાં પંચાવન વર્ષથી રિસર્ચ કરી રહેલા ડૉ. જગદીશ પંડ્યાનું તાજેતરમાં ‘શ્રી ગરબા-રાસ પુરાણ’ પુસ્તક પ્રકાશિત થયું છે. આ પ્રકારનાં કુલ પાંચ પુસ્તક લખનારા જગદીશભાઈ  કહે છે, ‘ત્રેતાયુગમાં મંડલાકાર સ્વરૂપે ગરબાનું વર્ણન મળે છે. દ્વાપરયુગમાં પણ ગરબા હતા અને દેવ-દેવીઓની કલા તરીકે પ્રચલિત ગરબા ધીમે-ધીમે આપણી પાસે પહેલાં ગાયન, પછી વાદન અને પછી નૃત્ય એમ જુદા-જુદા સ્વરૂપે પરિવર્તિત થતા ગયા. બેઠા ગરબાથી શેરી ગરબા અને આજે તો બહુ જ મોટા ઉત્સવ તરીકે એને જોવાય છે. ‘ગરબા’ની સામાન્ય વ્યાખ્યા કરીએ તો ‘ગ’ એટલે ગાવું, ‘ર’ એટલે રમવું અને ‘બ’ એટલે બોલવું. ગરબા માટે ગૌરવ જાગે એવા એના રળિયામણા અને જાજરમાન ઇતિહાસ તરફ આજની પેઢીએ વિચારમંથન કરવાની, પ્રાચીન ગરબાના ગર્ભિત અર્થ અને રીતભાતોને સમજવાની જરૂર છે. જેમાંનું ઘણું હવે ઉપ્લ્બ્ધ છે.’

18 September, 2022 08:06 AM IST | Mumbai | Ruchita Shah

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK