સ્ત્રી તરફથી મળનારા સુખનું પ્રબળ આકર્ષણ પુરુષોને રહે એ કુદરતી પ્રક્રિયા છે, પણ આવા સુખની સાથે એની ભારે કિંમત ચૂકવનારા પ્રશ્નો પણ મળતા હોય છે એટલે એ સુખથી જ દૂર રહોને! મુદ્દો એ છે કે દૂર રહેવું કેવી રીતે, અંતર રાખવું કઈ રીતે?

પ્રતીકાત્મક તસવીર
સ્ત્રી તરફથી મળનારા સુખનું પ્રબળ આકર્ષણ પુરુષોને રહે એ કુદરતી પ્રક્રિયા છે, પણ આવા સુખની સાથે એની ભારે કિંમત ચૂકવનારા પ્રશ્નો પણ મળતા હોય છે એટલે એ સુખથી જ દૂર રહોને!
મુદ્દો એ છે કે દૂર રહેવું કેવી રીતે, અંતર રાખવું કઈ રીતે?
કુદરત સંસારના પ્રવાહને ચાલુ રાખવા ઇચ્છે છે એટલે જ તેણે સ્ત્રી-પુરુષ બન્નેને લોહચુંબક કરતાં પણ પ્રબળ આકર્ષણથી ભરી દીધાં છે. ઋષિ, મુનિ, સંત, સાધુ, યોગી, જ્ઞાની વગેરે બધા જ આ આકર્ષણની ચપેટના ક્ષેત્રથી પર નથી થઈ શકતા. સ્ત્રીનું મુખ ન જોવું, સ્ત્રી સાથે વાતો ન કરવી જેવા ઉપરથી સ્થૂળ નિયમોથી તો વ્યક્તિ તથા વર્ગ ઊલટાની વધારે વિહ્વળતા અનુભવતા હોય છે. એમાં પણ આવા કઠોર નિયમો જ્યારે ઉપરથી જબરદસ્તીથી લાદવામાં આવ્યા હોય છે ત્યારે તો સંગી માણસ કરતાં પણ અસંગી રહેવા મથનાર કઠોર-નિયમી માણસ વધુ વ્યગ્ર અને અશાંત રહેતો હોય છે. સ્ત્રીઓની સાથે એક જ આસને બેઠેલા માણસને કામવાસના એટલી સતાવતી નથી, જેટલી ગુફાના એકાંતમાં સતત બેસી રહેનાર માણસને સતાવે છે.
મારે બે પ્રસંગ તમને કહેવા છે. બન્ને પ્રસંગ મારા પોતાના છે.
ચારધામ યાત્રા કરવા અમે પંચાવન માણસો નીકળેલા, એમાં પાંત્રીસ જેટલી સ્ત્રીઓ. આ એ સમયની વાત છે જ્યારે સ્ત્રીના સ્પર્શ માત્રથી હું ઉપવાસ કરવાનો નિયમ ધરાવતો, પણ ચારધામ યાત્રા દરમ્યાન તો અમે સતત સાથે ને સાથે જ રહેતાં. ખાવું-પીવું, હરવું-ફરવું અને
ઊંઘવું. બધું જ સાથે ને સાથે થતું. ધર્મશાળામાં ઉતારો હોય અને ઘણી વાર નાની જગ્યાના કારણે એકબીજાના પગ અડી જાય એટલા નજીક સૂવું પડે, પણ હું ખાતરીથી કહી શકું કે અમને કોઈને પણ
એ દિવસો દરમ્યાન કશા વિકાર આવ્યા નહોતા. એ દિવસોને અત્યંત પવિત્ર દિવસો કહી શકાય. સ્ત્રીસંપર્ક માત્રથી માણસ વિકારી બને છે એ વાત ખોટી ઠરી હતી, ઊલટાનું તેમના સંપર્કથી હું વધુ સ્વસ્થ તથા સ્થિર થયો હતો. આ જે સ્થિરતા છે એ સ્થિરતાને જીવનનું અવિભાજ્ય અંગ બનાવવામાં એ અત્યંત મહત્ત્વનું અને જરૂરી છે, પણ બને છે અવળું. આપણને દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે.
કેટલાક સ્ત્રીસ્પર્શને પાપ ગણાવે છે, પણ ભૂલી જાય છે કે માતૃત્વના પહેલાં સ્પર્શ સાથે જ જન્મ થયો છે. આ ખોટી દિશા છે, આ ખોટી દિશાને વધારે સારી રીતે સમજાવતો પ્રસંગ આપણે ફરી કોઈ વાર ચર્ચા કરીશું, પણ એ પહેલાં એટલું ચોક્કસ કહીશ કે વિકાર મનમાં હોય છે અને શારીરિક અંતર એ વિકારનો નાશ કરવાને સક્ષમ નથી જ નથી.