° °

આજનું ઇ-પેપર
Sunday, 29 January, 2023


નાગોરિયાની નવમી કૂકરી ચૅટજીપીટી પાડી દેશે

22 January, 2023 12:06 PM IST | Mumbai
Kana Bantwa

મન માણસનો કિલ્લો છે. એને ભેદી નાખવામાં આવે તો માણસ સાવ પાંગળું પ્રાણી બની જાય : વિચાર માણસનું સૌથી શક્તિશાળી હથિયાર છે. એ હથિયાર એઆઇ છીનવી લેશે?

નાગોરિયાની નવમી કૂકરી ચૅટજીપીટી પાડી દેશે કમ ઑન જિંદગી

નાગોરિયાની નવમી કૂકરી ચૅટજીપીટી પાડી દેશે

આઇ થિન્ક, ધેર ફૉર આઇ ઍમ. દેકાર્તનું આ વાક્ય માનવીના અસ્તિત્વની સાહેદી પૂરે છે. દેકાર્તનું કહેવું હતું કે મારી ઇન્દ્રિયો મને કાલ્પનિક અહેસાસ કરાવી શકે, પણ વિચારવાની મારી શક્તિથી હું ખાતરીપૂર્વક કહી શકું કે હું અસ્તિત્વ ધરાવું છું. માણસ અન્ય પ્રાણીઓથી અલગ પડે છે વિચારવાની શક્તિથી. માણસ વિચારી શકે, તર્ક લડાવી શકે, પોતાના અનુભવોનો ઉપયોગ કરીને યોગ્ય નિર્ણયો લઈ શકે, પોતાની કલ્પનાશક્તિ દ્વારા કવિતાઓ લખી શકે, ચિત્રો દોરી શકે, કથાઓ આલેખી શકે, ભવિષ્યને આકાર આપી શકે. આ સંપૂર્ણ જગતમાં જે કશું ભૌતિક નિર્માણ છે એ સઘળું વિચારથી સર્જાયું છે. વિચાર કરવાની, કલ્પના કરવાની, ન જોયેલું જોઈ શકવાની ક્ષમતાને લીધે જ માનવી અજેય છે, અપરાજિત છે. વિચારથી માણસે પૃથ્વીને સ્વર્ગ જેવી બનાવી છે, વિચારથી જ પૃથ્વીનો વિનાશ કરી શકે એવા અણુબૉમ્બ બનાવ્યા છે. વિચારવું, સમજવું, તર્ક લડાવવો, કલ્પના કરવી વગેરે માણસના એકાધિકારવાળાં ક્ષેત્રોમાં હવે ભેલાણ થવાનું શરૂ થયું છે અને એ ભવિષ્યના માનવી માટેનો સૌથી મોટો ખતરો છે. એ અતિક્રમણ કરનાર છે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ.

આપણા માટે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (કૃત્રિમ બુદ્ધિ) નવો શબ્દ નથી, પણ અત્યારે એનો જે વિકાસ થયો છે એનાથી મોટા ભાગના માણસો અજાણ છે. હમણાં ઓપનએઆઇ નામની કંપનીએ ચૅટજીપીટી નામનો એક ચૅટબૉટ રજૂ કર્યો છે. આ ચૅટબૉટ તમારા પ્રશ્નને સમજીને એના ઉત્તર આપી શકે, તમે કહો એવો પત્ર લખી આપે, બિઝનેસ પ્રપોઝલ તૈયાર કરી આપે, તમે કોઈ બાબતની માહિતી ૧૦૦ શબ્દોમાં માગો તો ઇન્ટરનેટ પર પડેલી અબજો પાનાંની માહિતીમાંથી માત્ર ૧૦૦ શબ્દોમાં તમે માગેલી માહિતી રજૂ કરી દે, તમે કહો કે આ માહિતી મને કાવ્યાત્મક શૈલીમાં લખી આપ તો એ રીતે લખી આપે, તમે કહો કે મને શેક્સપિયરની શૈલીમાં લખી આપો તો એ શૈલીમાં હાજર કરી દે, તમે ફિલ્મના ડાયલૉગની જેમ માગો તો પણ પળવારમાં તમારી સામે મૂકી દે, તમે ૧૦૦ને બદલે હજાર શબ્દોમાં માગો અને તમારી જરૂરિયાત હોય એ પ્રમાણે માગો - બધું ‘જી મારા આકા’ કહ્યા વગર જ તમારી સમક્ષ મૂકી દે એવો જાદુઇ જીન છે ચૅટજીપીટી. તમે જાણે કોઈ સુપર ઇન્ટેલિજન્ટ માણસ સાથે ચૅટ કરતા હો એવું તમને ચૅટજીપીટી સાથે ચૅટિંગ કરતાં ફીલ થાય. જોકે આ પ્રોગ્રામ હજી ડેવલપમેન્ટના સ્તરે છે એટલે એ ઘણીબધી ભૂલ કરે છે. આ લખનારે જ્યારે એને ગુજરાતી ભક્ત કવિઓ બાબતે પૂછયું ત્યારે નરસિંહ, મીરાં વગેરેની યાદી સાથે ચૅટજીપીટીએ અખેરાજ સોનારાનું પણ નામ ઘુસાડી દીધું. બીજો પ્રશ્ન અખા વિશે પૂછ્યો. હવે આવે છે ચૅટબૉટનું ઇન્ટેલિજન્સ. બીજો પ્રશ્ન અખાનો પૂછ્યો એટલે એના પહેલા પ્રશ્નમાં પોતે કરેલી ભૂલ સમજાઈ ગઈ. તેણે માફી માગી કે આગળના ઉત્તરમાં મેં માહિતીનું ખોટું અર્થઘટન કર્યું હતું; અખો ભકત કવિ નથી, વેદાંતી કવિ છે. બીજું ઉદાહરણ જોઈએ. જ્યારે આ લખનારે એને લેક્ટી લેક્ટિકા ચૅટબૉટ વિશે પૂછયું ત્યારે એણે પહેલાં તો કહી દીધું કે આ એક એવો ચૅટબૉટ છે જે વાતચીત કરવા સમર્થ છે અને તમે માગો એ વિશે માહિતી આપી શકે છે. જોકે પછી જ્યારે એને બીજી વખત વધુ વિગતવાર સમજાવવા કહ્યું ત્યારે તેણે કબૂલ્યું કે મારી ભૂલ છે, આવો કોઈ ચૅટબૉટ અસ્તિત્વમાં નથી. બીબીસીએ ચૅટજીપીટી શરૂ થયો ત્યારે એનો ઇન્ટરવ્યુ લીધો હતો એમાં સ્વાર્થી મનુષ્ય માટે એનો અભિપ્રાય પૂછ્યો તો જવાબ મળ્યો કે ‘સ્વાર્થી માનવીઓ આ પૃથ્વી પરથી ખતમ થઈ જવા જોઈએ.’ જોકે હવે આ પ્રશ્ન પૂછીએ તો એવો જવાબ મળે કે ‘હું એક લૅન્ગ્વેજ મૉડલ છું એટલે અભિપ્રાય આપવા સક્ષમ નથી.’ આટલું ચૅટજીપીટીએ શીખી લીધું છે. ટેસ્લાના મલિક અને હવે ટ્વિટરના પણ માલિક ઇલૉન મસ્ક ઓપનએઆઇના સહસ્થાપક છે. જોકે હવે તેમણે રાજીનામું આપી દીધું છે. હવે માઇક્રોસૉફ્ટે ઓપનએઆઇમાં નાણાં રોક્યાં છે. માઇક્રોસૉફ્ટના સત્યા નાદેલાએ ચૅટજીપીટીનો ઇન્ટરવ્યુ લીધો જેમાં ચૅટબૉટે બિરયાનીને સાઉથ ઇન્ડિયન ટિફિન ગણાવ્યું હતું અને પછી પોતાની ભૂલ બદલ માફી પણ માગી.

ચૅટજીપીટીનો ભરપૂર ઉપયોગ દુનિયાભરના વિદ્યાર્થીઓ માત્ર ત્રણ મહિનામાં કરવા માંડ્યા છે એટલે બૅન્ગલોરથી માંડીને ન્યુ યૉર્ક સુધીની કેટલીયે શાળા–કૉલેજોએ ચૅટજીપીટી પર પ્રતિબિંધ મૂકી દીધો છે, કારણ કે ચૅટજીપીટી પ્રશ્નને સમજીને એનો બેસ્ટ ઉત્તર આપે છે જે ટેક્સ્ટબુકના જવાબ કરતાં ક્યાંય ચડિયાતો હોય છે. સમસ્યા એ છે કે વિદ્યાર્થીને તૈયાર ઉત્તર મળી જાય છે એટલે તે વિચારતો નથી. ક્રિટિકલ થિન્કિંગ જ બંધ થઈ જાય છે એટલે ચૅટજીપીટી જેવા બૉટ્સ જો શિક્ષણમાં ચલાવવામાં આવે તો વિદ્યાર્થીઓ સાવ નબળા થઈ જાય. જોકે મૂળ સમસ્યા શિક્ષણની નથી. શિક્ષણમાં તો ચૅટજીપીટી જેવા ચૅટબૉટના પૉઝિટિવ ઉપયોગના રસ્તા ખોળી કાઢવા બહુ મુશ્કેલ નથી. અન્ય અનેક ખતરા છે અને એ બહુ જ ગંભીર છે.

તમે મૅટ્રિક્સ કે આઇ રોબો કે ટર્મિનેટર કે એક્સ મશીના કે હર કે ટ્રાન્સેન્ડન્સમાંથી કોઈ ફિલ્મ જોઈ હોય તો આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સનો ખતરો જલદી સમજી શકાશે. આ બધી ફિલ્મો આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (એઆઇ) બેકાબૂ બનીને માનવી પાસેથી સત્તા આંચકી લે છે એવી કલ્પના પર આધારિત છે. મૅટ્રિક્સમાં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ માણસને ગુલામ બનાવી દે છે અને માણસના મનને કાલ્પનિક દુનિયામાં જીવતા હોવાનો આભાસ કરાવે છે. ટર્મિનેટરમાં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સે દુનિયા પર કબજો જમાવી દીધો હોય છે અને દુનિયાને બચાવવા માટે ભવિષ્યમાંથી એક યોદ્ધો પૃથ્વી પર આવે છે. આ ફિલ્મો કાલ્પનિક છે, પણ સાવ ખોટી નથી. એઆઇ આવું કરી જ શકે એમ છે એ સૌથી મોટો ખતરો છે. માણસ અત્યારે વધુ ને વધુ કામ એઆઇને સોંપવા માંડ્યો છે. એઆઇ અત્યારે જ કમ્પ્યુટરના પ્રોગ્રામ લખી શકે છે. તમે ચૅટજીપીટીને કહો કે મને સવારે આરતી કેમ કરવી એનો પાઇથનનો કોડ લખીને એનો પ્રોગ્રામ બનાવી આપ તો એ લખી આપશે. એટલે વધુ વિકસ્યા પછી એઆઇ પોતે જ માનવીની જાણ બહાર પોતાને ફાવે એવા ખતરારૂપ પ્રોગ્રામ બનાવે એવી સંભાવના પૂરેપૂરી છે.

બીજું સૌથી મોટું જોખમ માણસનાં મન બદલી નાખવાનું છે. એઆઇ ખોટી કે આંશિક ખોટી અથવા ગેરમાહિતી દ્વારા મોટા માનવ-સમુદાયની વિચારધારા બદલી શકે. આવી રીતે વિચારધારા બદલી શકાય એ દુનિયાએ ડોનલ્ડ ટ્રમ્પની ચૂંટણી વખતે જોયું જ છે જેમાં રશિયાએ અમેરિકન નાગરિકોનાં માનસ બદલવા માટે ટ્રમ્પને મદદ કરી હતી. ફેસબુકે કૅમ્બ્રિજ ઍનૅલિટિકા સાથે મળીને કેટલાય દેશોના રાજકીય પક્ષોને ચૂંટણી જીતવામાં મદદ કરી હતી એ કૌભાંડ પણ જાણીતું છે. આ કામ કરવામાં કૅમ્બ્રિજ ઍનૅલિટિકા કે રશિયન સાઇબર એક્સપર્ટને ખૂબ મહેનત કરવી પડી હશે. એઆઇ આ કામ ચપટી વગાડતાંમાં કરી શકે. નાગરિકોને માનવ દ્વારા જે લખાયા હોય એવા લેખ અને માહિતી તે જથ્થાબંધ પૂરી પાડી શકે અને એ પણ સાવ આસાનીથી, પલકવારમાં જ. આ ઉપરાંત બુદ્ધિનાં જે-જે કામ માણસ દ્વારા કરવામાં આવે છે એ બધાં જ ચૅટજીપીટી કરી શકે છે. સરવૈયાં બનાવવા, કોસ્ટક લખવાં, હિસાબ રાખવો, પત્ર લખવા, ઍનૅલિસિસ કરવી વગેરે કામ ચૅટજીપીટી માણસો કરતાં પણ સારી રીતે કરી શકે છે એટલે એઆઇને લીધે માણસની રોજગારી પર પણ અસર પડશે.

એઆઇનાં જોખમો અનંત છે, જો એ વિચારવામાં માણસ કરતાં આગળ નીકળી જાય તો. વિચાર માણસનું સૌથી શક્તિશાળી હથિયાર છે અને જો એ હથિયાર એઆઇ છીનવી લે તો માણસ સાવ નિર્બળ બની જાય. મન માણસનો કિલ્લો છે. એને ભેદી નાખવામાં આવે તો માણસ સાવ પાંગળું પ્રાણી બની જાય. અત્યાર સુધી વિચાર ભેદ્ય નહોતો. એને ભેદી શકે એવું, એને પડકારી શકે એવું વિશ્વમાં કશું જ નહોતું. હવે એઆઇ પડકાર બનીને આવી છે. માણસના વિચારે જ એઆઇને પેદા કરી છે. હવે એ જ માનવને ખાઈ જવા વિકરાળ મુખ ફેલાવીને ઊભી છે.

22 January, 2023 12:06 PM IST | Mumbai | Kana Bantwa

અન્ય લેખો

રૅટ રેસ : શાંતિ માટે ક્યાંક જતા રહેવું છે?

વાસ્તવમાં તો આ ધમાચકડી, ધક્કામુક્કી, ભાગમભાગી વગર આપણને ગમે પણ નહીં એટલું એનું વ્યસન થઈ ગયું છે

15 January, 2023 03:17 IST | Mumbai | Kana Bantwa

સંબંધોની ગાંઠ તમે કઈ રીતે ઉકેલો છો?

સંબંધોમાં પડેલી ગાંઠ પ્રેમથી અને કાળજીથી ઉકેલવી પડે, નહીંતર આ ગાંઠ મડાગાંઠ થઈ જવામાં વાર નથી લાગતી

08 January, 2023 01:51 IST | Mumbai | Kana Bantwa

ઓપનહેઇમરનો જ્ઞાનયોગ : હું કાળ છું

પરમાણુ બૉમ્બના શોધકે પ્રથમ પરીક્ષણ વખતે ભગવદ્‍ગીતાને શા માટે ટાંકી? અપરાધભાવથી કે બચાવ માટે?

25 December, 2022 05:21 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK