° °

આજનું ઇ-પેપર
Sunday, 19 September, 2021


હજી દેખાય છે રસ્તા મને

25 October, 2020 06:38 PM IST | Mumbai | Hiten Aanandpara

હજી દેખાય છે રસ્તા મને

પ્રતિકાત્મક તસવીર

પ્રતિકાત્મક તસવીર

હજી કેટલા મહિના? હજી કેટલા દિવસ? હજી કેટલી વાર? અડધું વરસ ઓહિયાં થઈ ગયા પછી પણ કેટલાક પ્રશ્નો નાગિન-ડાન્સ કરતા ઊભા છે. સંશોધકો દ્વારા રસીદેવીની મૂર્તિ ઘડાઈ રહી છે પણ એની પ્રાણપ્રતિષ્ઠાને હજી વાર છે. દરિયામાં દૂર-દૂર સ્ટીમર દેખાતી હોય, પણ એ કિનારે આવતાં ખાસ્સો સમય લાગે. વિવિધ ક્ષેત્રમાં ઘણુંબધું ખૂલી ગયું છે તો સામે ઘણુંબધું ખૂલવાનું બાકી પણ છે. મુંબઈની લોકલદેવી પૂર્ણપણે અનલૉક થાય એ દિવસો હાથવેંતમાં લાગે છે, પણ હાથતાળી વાગે ત્યારે જ એનો નાદ સંભળાય. ઘરમાં રહી-રહીને કંટાળેલા વરિષ્ઠ નાગરિકોની અસમંજસ અઝીઝ ટંકારવીની પંક્તિઓમાં જોઈ શકાશે...   

ચારે તરફ તો છે સૂમસામ સઘળું

કોઈ હળવે રહીને ગણગણે છેક ભીતર

ઇચ્છાના અશ્વોને નાથ્યા પછીથી

હજી પણ કશુંક હણહણે છેક ભીતર

ઘર-બેસણાના મહિનાઓમાં કલાતત્ત્વએ આપણાં રખોપાં કર્યાં છે. કશું સર્જનાત્મક હોય તો જિંદગીમાં નિખાર આવે. કેટલાકે વાજિંત્ર જોડેનો તૂટેલો નાતો ફરીથી સાંધ્યો. કેટલાકે પીંછીમાં પ્રાણ પૂર્યો. કેટલાકે કલમ ઉપાડીને કાગળ જોડે દોસ્તી કરી. જાત સાથે વાત કરવાના વિવિધ રસ્તાઓ આપણને સાંપડ્યા. તાજા કલમ માટે શબ્દસ્થ થવાનો આનંદ હોય, પણ સાજા કલમે સેલ્ફ-અસેસમેન્ટ ટૅક્સ ભરીને જ શબ્દોને સાધવા પડે. ગૌરાંગ ઠાકર એનો નિર્દેશ કરે છે...

કેટલો અણઘડ ઇરાદો નીકળ્યો

તેમની આંખોમાં જઈ પાછો ફર્યો

ઓ કુંવારા શબ્દોનાં ધાડાં! ખમો,

હું હજી હમણાં કવિતાને મળ્યો

મિલન સહેલું લાગે, પણ સહજ બનવું અઘરું હોય છે. સંબંધના તાણાવાણાને કારણે એક ભાર એમાં વણાયેલો હોય. ક્યાંક ગમતાં સ્મરણોનું સરોવર રચાયું હોય તો ક્યાંક પીડિત પ્રસંગોની વેદના વર્તાતી હોય. વિમાસણની સ્થિતિને હેલ્પર ક્રિસ્ટી કંડારે છે... 

અનાગતની વાતો કરું કેવી રીતે?

હજી છિન્ન ગતના સ્મરણમાં ઊભો છું

ભવન આપણું સાવ જર્જર પુરાણું

હું ખરતી ભીંતોના શરણમાં ઊભો છું

જેનું શરણ લેવાનું હોય એ દીવાલ મજબૂત હોવી જોઈએ, નહીંતર ટેકો મળવાને બદલે બેય જણ ધરાશાયી થઈ જાય. લૉકડાઉનના સમયમાં અનેક કંપનીઓને તાળાં લાગી ગયાં, એટલે એમાં કામ કરતા કર્મચારીઓ પાસે કંપ જ બાકી રહ્યો. કેટલાયે પરિવારોમાં ધુમ્મસ છવાઈ ગયું. એ ધીરે-ધીરે વિખરાવાની શરૂઆત થઈ ગઈ છે એને આ દશેરાએ માતાજીની કૃપા સમજવી. ગાડી યાર્ડમાં પહોંચી ગઈ છે, પાટે ચડે એટલે ગંગા નાહ્યાનું પુણ્ય સમજવું. હરીશ ઠક્કર પ્રશ્ન સાથે પીડા પણ વણી લે છે...

શ્વાસ ખાવો કે રોટલા ખાવા?

બેઉનો મેળ ક્યાં કદી બેઠો?

ચિત્ર દોરું છું તારું રોજેરોજ

હાથ મારો હજી નથી બેઠો

હાથ નથી બેઠો એમાં ખામી કોની? સરસ કૅન્વસ હોય, આવડત હોય, વિવિધ રંગો હોય, સરસમજાની પીંછી હોય છતાં નીવડેલો ચિત્રકાર ઘણી વાર ચિત્ર નથી દોરી શકતો. એક છૂપી કણસ તેને પજવતી હોય છે. આમ તો ખત્તા ખાધી હોય એનું જ ખાતું સર્જનાત્મક ક્ષેત્રે ખૂલે છે. મરીઝ બંધન અને મુક્તિ બન્ને દર્શાવે છે...

કંઈક ખામી આપણા આ પ્રેમના બંધનમાં છે

છૂટવા માટે હજી દેખાય છે રસ્તા મને

હું તને જોતે, તો દુનિયાને પછી જોતે નહીં

તું મને જોતે, તો જોતી થઈ જતે દુનિયા મને

છૂટવા માટેના રસ્તા આપણને ખબર હોય છતાં પગમાં પડેલી બેડી ભાગવા ન દે. રસ્તો ચીંધી શકીએ પણ એ રસ્તે જઈ ન શકીએ એ લાચારી હચમચાવી નાખે. સવાલ વાસ્તવિકતા પરથી વજૂદ પર આવી જાય. એ સમયે કોઈ સમાધાન શોધી રાખવું પડે, નહીંતર ચોપડે સણકા સિવાય કાંઈ ન નોંધાય. જવાહર બક્ષી એક કિરણ દર્શાવે છે...

હું ચાલતો રહ્યો છું અને ચાલ્યો જાઉં છું

જીવીજીવીને જાણે સમય થઈ જવાય છે

અય દોસ્ત, ગઈ નથી હજી ગુંજાશ સ્મિતની

રોવાનાં કારણો તો મને પણ ઘણાંય છે

ક્યા બાત હૈ

ચોતરફ જેના પુરાવા છે હજી

એ નથીની તોય અફવા છે હજી

 

સૂર્ય જેવા સૂર્યને પીધે જતી

રેતની આંખોમાં દરિયા છે હજી

 

શું કરું, શું ના કરું, મૂંઝાઉં છું

શક્યતાના એ જ નખરા છે હજી

 

ખુદથી પણ ડરનાર લોકોની જીભે

સત્યનો જય હો-ના નારા છે હજી

 

માર્ગમાં અવરોધ જેવું ના છતાં

ભોંયથી ભોંકાતા ભાલા છે હજી

 

બીબાઢાળી જિંદગી લાગે ભલે

હર ઘડી અણધારી ઘટના છે હજી

 

લાખ સંબંધોને સાહિલ જાળવો

કોઈ ને કોઈ સમસ્યા છે હજી

 - સાહિલ

25 October, 2020 06:38 PM IST | Mumbai | Hiten Aanandpara

અન્ય લેખો

ઓહ, સૉરી... બસ, એમ કહી અમિતાભ બહાર નીકળી જાય

ઓહ, સૉરી... બસ, એમ કહી અમિતાભ બહાર નીકળી જાય

15 March, 2021 01:59 IST | Mumbai | Sanjay Goradia

જોગાનુજોગ

જોગાનુજોગ

15 March, 2021 01:45 IST | Mumbai | Samit purvesh Shroff

બે સેક્સ-સાઇકલ વચ્ચે કેટલું અંતર હોવું જોઈએ?

બે સેક્સ-સાઇકલ વચ્ચે કેટલું અંતર હોવું જોઈએ?

15 March, 2021 01:41 IST | Mumbai | Dr. Mukul Choksi

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK