ત્રીસેક કરોડ જેટલા સબસ્ક્રાઇબર્સ ધરાવતો મિસ્ટર બીસ્ટ વર્ષે ૧૦૦ કરોડ રૂપિયા કમાઈ લે છે ત્યારે જાણીએ કે યુટ્યુબ પરના તેના વિડિયોઝમાં હોય છે શું
૨૬ વર્ષનો અમેરિકન જેમ્સ ડોનલ્ડસન
મિસ્ટર બીસ્ટ નામની ચૅનલ ચલાવતો ૨૬ વર્ષનો અમેરિકન જેમ્સ ડોનલ્ડસન વ્યક્તિગત રીતે તો પ્રથમ ક્રમાંકે હતો જ, પણ હવે આપણી T-Seriesને પછાડીને તે ઓવરઑલ નંબર વન પણ થઈ ગયો છે. ત્રીસેક કરોડ જેટલા સબસ્ક્રાઇબર્સ ધરાવતો મિસ્ટર બીસ્ટ વર્ષે ૧૦૦ કરોડ રૂપિયા કમાઈ લે છે ત્યારે જાણીએ કે યુટ્યુબ પરના તેના વિડિયોઝમાં હોય છે શું...
૧૯૯૮ની ૭ મેએ અમેરિકાના એક સામાન્ય પરિવારમાં જન્મેલો છોકરો આજે યુટ્યુબના વિશ્વમાં ડંકો વગાડી રહ્યો છે. ઇન્ટરનેટ પર મિસ્ટર બીસ્ટ તરીકે મશહૂર ૨૬ વર્ષના આ યુવાનનું વાસ્તવિક નામ છે જેમ્સ ઉર્ફે જિમી ડોનલ્ડસન. જિમીનાં માતા-પિતાને ખબર નહોતી કે તેમનો દીકરો મોટો થઈ આખાય વિશ્વમાં આટલી પ્રસિદ્ધિ મેળવશે. પણ હા, કદાચ તેમને એટલી જરૂર ખબર હતી કે તેમનું આ ફરજંદ ભણવામાં ખાસ કંઈ ઉકાળશે નહીં, કારણ કે જિમીને નાનપણથી જ ભણવા પ્રત્યે જબરદસ્ત આળસ. ભણતરનાં પુસ્તકો હાથમાં લેવાં પડે એટલે જિમીને ટાઢિયો તાવ આવી જાય, પરંતુ ગેમ્સ રમવાનો જિમી જબરદસ્ત રસિયો. જેમ-તેમ કરી સ્કૂલિંગ પૂર્ણ તો કર્યું અને આગળના ભણતર માટે કૉલેજમાં ઍડ્મિશન પણ લીધું, પરંતુ ભણવા બાબતનો પેલો અણગમો એટલો હતો કે ડોનલ્ડસન ભાઈ કૉલેજમાંથી ડ્રૉપઆઉટ થઈ ગયા. કારણ હતું ઃ જિમીને ભણવામાં નહીં પરંતુ વિશ્વના લોકો સાથે સંવાદ સાધવામાં રસ હતો. એ કઈ રીતે?
ADVERTISEMENT
તો વાત કંઈક એવી છે કે જિમી કિશોર વયે પહોંચ્યો ત્યારે ઇન્ટરનેટની દુનિયામાં યુટ્યુબની પ્રસિદ્ધિ ઠીકઠાક ફેલાવા માંડી હતી. જિમીને વિચાર આવ્યો કે તેણે પોતાની એક એવી ચૅનલ બનાવવી જોઈએ જ્યાં તે પોતાની સમજ પ્રમાણે વિડિયોઝ બનાવે અને અપલોડ કરે, જેને આખુંય અમેરિકા જુએ.
કુછ નયા કરેં, ચલો વિડિયો અપલોડ કરેં
અમેરિકાના નૉર્થ કૅરોલિનામાં રહેતા ૧૩ વર્ષના આ છોકરાએ ‘Beast5ty’ નામની એક ચૅનલ બનાવી જ્યાં તે માત્ર વિડિયો-ગેમ્સની રમત દેખાડતા વિડિયોઝ અપલોડ કરતો હતો. ૨૦૧૨ની સાલમાં પ્રથમ યુટ્યુબ વિડિયો બનાવ્યો, પણ વિશ્વમાં દરેક વ્યક્તિ એવી નથી હોતી જેને પહેલા પ્રયત્ને જ સફળતા મળી જાય. જિમી ડોનલ્ડસનની ચૅનલ કે તેના યુટ્યુબ વિડિયોઝ પણ ખાસ કંઈ પ્રસિદ્ધિ પામ્યા નહીં. સબસ્ક્રાઇબર્સ વધ્યા ખરા પણ વ્યુઝ? વ્યુઝનું શું? સમયાંતરે ૭૭૦૦ જેટલા સબસ્ક્રાઇબર્સ હોવા છતાં જિમીના વિડિયોઝને વ્યુઝ માત્ર ૭ કે ૧૦ મળતા હતા. આખરે જિમીએ તેની એ Beast5ty ચૅનલ ડિલીટ કરી દીધી. તેને લાગ્યું કે આ રીતે તે બેકારમાં જ પોતાનો સમય વેડફી રહ્યો છે. થોડા સમય માટે શાંત થઈ ગયેલા એ છોકરાએ ત્યાર બાદ ફરી એક નવી ચૅનલ બનાવી. નામ રાખ્યું ‘That-Dude’. આ નવી ચૅનલમાં ફરી તેને એક નવો જ અનુભવ થયો. તેણે જોયું કે લોકો તેની ચૅનલ જુએ છે ખરા, પરંતુ સબસ્ક્રાઇબ નથી કરતા. હવે કરવું શું?
કહેવાય છેને કે જો કોઈ કામ તમે પૂર્ણ શ્રદ્ધા અને પૂરેપૂરી લગન સાથે કરો તો એમાં વહેલી-મોડી સફળતા મળતી હોય છે. જિમી પણ સતત બે વર્ષ સુધી આ રીતે એક પછી એક વિડિયો અપલોડ કરતો રહ્યો. લાંબા વિચાર બાદ તેને ખ્યાલ આવ્યો કે તેની ચૅનલનું નામ લોકોને પ્રોફેશનલ નથી લાગતું. એવું નામ નથી લાગતું જે યાદ રહી જાય, સબસ્ક્રાઇબ કરવાનું મન થાય. આથી હવે તેણે નામ બદલ્યું અને કર્યું ‘બીસ્ટ 6000’. આ નવી ચૅનલ પર તેણે અંદાજે ૧૦૦ વિડિયોઝ અપલોડ કર્યા ત્યાં સુધીમાં લગભગ ૭૩૦ જેટલા સબસ્ક્રાઇબર્સ તેની ચૅનલના થઈ ચૂક્યા હતા અને વ્યુઝ મળ્યા હતા ૮૦ હજાર જેટલા. પણ ત્યાર બાદ એક મહિના માટે તે ફરી એક વાર ઇન્ટરનેટની દુનિયાથી ગાયબ થઈ ગયો. કારણ શું હતું? તેને લાગતું હતું કે ગેમ્સના વિડિયોઝ બનાવીને અપલોડ કરવામાં હવે તેને એટલી મજા નથી આવી રહી જેટલી પહેલાં આવતી હતી. આથી તેણે ધીરે રહીને પોતાના સબસ્ક્રાઇબર્સ સાથે વાત કરતો હોય એ રીતના વિડિયોઝ બનાવવા શરૂ કર્યા. અને આ શું? તેના સબસ્ક્રાઇબર્સનો આંકડો ૧૦ હજાર જેટલો થઈ ગયો.
૨૦૧૪ની સાલમાં કંઈક એવું બન્યું કે જિમીએ ‘રોસ્ટ બીસ્ટ ઇન્ડ્રોઝ’ના ટાઇટલ સાથે એક વિડિયો પોતાની યુટ્યુબ ચૅનલ પર અપલોડ કર્યો, જે વિડિયો ધીરે-ધીરે વાઇરલ થવા માંડ્યો. માઉથ-પબ્લિસિટી કહો કે ફૉર્વર્ડ્સ ગણો, પણ જિમીનો એ વિડિયો પહેલાં અમેરિકા અને ત્યાર બાદ અમેરિકા સિવાયના બીજા દેશોમાં પણ જબરદસ્ત વાઇરલ થયો. અને જિમી ડોનલ્ડસન, જે ઇન્ટરનેટની દુનિયામાં મિસ્ટર બીસ્ટ હતો, ધડાકાભેર મશહૂર થઈ ગયો. બીસ્ટના ફૅન, ફૉલોઅર્સ વગેરે એટલા વધવા માંડ્યા કે હવે તેણે ઇન્ટરનેટ ગેમ્સના વિડિયોઝ અપલોડ કરવાનું લગભગ બંધ જ કરી નાખ્યું. જોકે જિમીને લાગતું હતું કે હજી કંઈક ખૂટે છે, હજી કંઈક નવું કરવું જોઈએ.
આથી ૨૦૧૬ની સાલના અંત સુધીમાં તેણે એવા વિડિયોઝ બનાવવા માંડ્યા જેને ઇન્ટરનેટની દુનિયામાં મેગાટ્રેન્ડ વિડિયો કહે છે. મેગાટ્રેન્ડ વિડિયો એટલે એવા વિડિયો જેમાં વિશ્વમાં કંઈક નવું થઈ રહ્યું હોય તો એની વાતો હોય, કંઈક અજાયબ હોય તો એ વિશેની વાતો હોય. કૉર્પોરેટ, પૉલિટિક્સ, ફિલ્મો, ટેલિવિઝન, સ્પોર્ટ્સ જેવાં અનેક સેક્ટર્સમાં કંઈક નવું થઈ રહ્યું હોય તો એ વિશેની વાતો કરવામાં આવે; જેને ઇન્ટરનેટની દુનિયામાં મેગાટ્રેન્ડ વિડિયોઝ કહેવામાં આવે છે. મિસ્ટર બીસ્ટે શરૂઆતમાં થોડા પૈસા ખર્ચ કરી આવા વિડિયોઝ બનાવવાનું શરૂ કર્યું.
અધધધ સબસ્ક્રાઇબર્સ, અધધધ કમાણી
આજે આખાય વિશ્વમાં મિસ્ટર બીસ્ટની યુટ્યુબ ચૅનલના ૨૯૫ મિલ્યન એટલે કે ૨૯.૫ કરોડ કરતાં પણ વધુ સબસ્ક્રાઇબર્સ છે. તે આજે વિશ્વ આખામાં પ્રથમ ક્રમાંકનો યુટ્યુબર બની ચૂક્યો છે. તેની ચૅનલના સબસ્ક્રાઇબર્સનો જે આંકડો છે એ વિશ્વની કોઈ પણ વ્યક્તિની કે કંપનીની યુટ્યુબ ચૅનલ કરતાં સૌથી વધુ છે એટલું જ નહીં, વ્યુઝના મામલે પણ મિસ્ટર બીસ્ટ યુટ્યુબમાં પ્રથમ ક્રમાંકે છે. આજે તે રિયલિટી શોઝથી લઈને સાચુકલા વિશ્વમાં સાચુકલા લોકોને કોઈ ઍડ્વેન્ચરસ ચૅલેન્જિસ અપાઈ હોય એ રીતના વિડિયોઝ બનાવે છે એટલું જ નહીં, એમાં ભાગ લેતા લોકોને ઇનામ તરીકે તગડી રકમ પણ બીસ્ટ આપતો હોય છે.
તો વિચાર એ આવે કે માત્ર આવા વિડિયોઝ યુટ્યુબ પર અપલોડ કરવાથી મિસ્ટર બીસ્ટને શું મળતું હશે? શું માત્ર ચૅનલ બનાવી લેવાથી અને એના પર વિડિયો અપલોડ કરવામાત્રથી તે એટલાબધા રૂપિયા કમાઈ લેતો હશે કે તેના વિડિયોઝમાં પાર્ટિસિપન્ટ તરીકે આવનારને પણ હજારો-લાખો રૂપિયા આપી શકે? અમેરિકા જેવા ધનાઢ્ય દેશમાં અંદાજે ૬૦ કરોડનું વૅલ્યુએશન ધરાવતા ઘરમાં રહેતા વિશ્વના પ્રથમ ક્રમાંકના આ યુટ્યુબર મિસ્ટર બીસ્ટ પાસે મોંઘીદાટ ગાડીઓનો કાફલો છે જેમાં એક BMW I-8 છે જેની કિંમત અંદાજે ૩ કરોડ રૂપિયા જેટલી છે. એ સિવાય એક લમ્બોર્ગિની છે જેની કિંમત હશે અંદાજે ૭ કરોડ રૂપિયા. ત્રીજી ટેસ્લાની S મૉડલ, જે સવા કરોડ રૂપિયા કરતાં વધુની છે. આ ગાડીઓ સિવાય નિસાન આર્મડા, BMW 3 સિરીઝ તો ખરી જ.
મિસ્ટર બીસ્ટ તરીકે જાણીતો થયેલો જિમી માત્ર યુટ્યુબ પર વિડિયોઝ અપલોડ કરીને જ આજે વર્ષના અંદાજે ૧૦૦ કરોડ જેટલા કમાઈ લે છે. ૨૦૨૩ના ડેટા અનુસાર લગભગ ૧૬૮૦ કરોડ રૂપિયાની તેની નેટવર્થ છે.
૨૦૨૪માં ટૉપ ટેન યુટ્યુબર્સની યાદીમાં બીજા નવ કોણ છે?
૨. T-Series : ગુલશનકુમાર પ્રેઝન્ટ્સ T-Series. જી હા, ભારતની મ્યુઝિક કંપની T-Series વિશ્વની બીજા ક્રમાંકની સૌથી વધુ સબસ્ક્રાઇબર્સ ધરાવતી યુટ્યુબ ચૅનલ છે જેના ૨૬.૮ સબસ્ક્રાઇબર્સ છે. હકીકતમાં છેલ્લાં પાંચ વર્ષથી T-Series જ નંબર વન યુટ્યુબ ચૅનલ હતી, પણ ગયા મહિને બીજી જૂને મિસ્ટર બીસ્ટ એને માત આપીને આગળ નીકળી ગયો હતો. T-Series એની ચૅનલ પર મ્યુઝિક-વિડિયો અને ટ્રેલર અપલોડ કરે છે.
૩. Cocomelon : બાળકોની આ ચૅનલ વિશ્વભરમાં ગજબનાક મશહૂર છે. બાળકો માટે એજ્યુકેશનલ વિડિયોઝ બનાવવાની સાથે જ આ ચૅનલ પર સરળ ભાષામાં વાર્તાઓ, મ્યુઝિક, રંગબેરંગી ચિત્રો વગેરે જેવી અનેક અલગ-અલગ પ્રકારની કન્ટેન્ટ મૂકવામાં આવે છે. એના ૧૭.૭ કરોડ સબસ્ક્રાઇબર્સ છે.
૪. SET India : સોની એન્ટરટેઇન્મેન્ટ ટેલિવિઝન. જી હા, ફરી એક ભારતની હિન્દી ચૅનલ ટૉપ ટેનમાં. ૧૭.૪ કરોડ સબસ્ક્રાઇબર્સવાળી આ ચૅનલની કન્ટેન્ટ શું હોય છે એની આપણામાંથી કોઈ પણ વાચકને ખબર નહીં હોય એવું બને જ નહીં.
૫. Kids Diana Show: અમેરિકા અને યુક્રેનમાં સૌથી વધુ જાણીતી એવી આ યુટ્યુબ ચૅનલ ૧૨.૩ કરોડ સબસ્ક્રાઇબર્સ ધરાવે છે. બાળકોની એન્ટરટેઇનમેન્ટ ચૅનલ એવી કિડ્સ ડાયના માત્ર ચૅનલ તરીકે જ મશહૂર છે એવું નથી, એનાં અનેક પાત્રો પણ અમેરિકા અને યુક્રેનમાં જબરદસ્ત લોકપ્રિય થઈ ચૂક્યાં છે.
૬. Vlad and Niki : ૧૨ કરોડ સબસ્ક્રાઇબર્સ ધરાવતી આ ચૅનલ બાળકો માટે છે અને આ ચૅનલ ચલાવે છે બાળકો જ - ૧૧ વર્ષનો વ્લાડ અને ૯ વર્ષનો નિકી. આ બન્ને ભાઈઓ મૂળ રશિયાના છે પણ મોટા ભાગે અમેરિકાના માયામીમાં અને થોડો સમય દુબઈમાં રહે છે. આ ચૅનલ તેમણે ૨૦૧૮ની ૨૩ એપ્રિલે શરૂ કરી હતી. આ ચૅનલના શોઝમાં ભણવાની પણ વાતો કરવામાં આવે છે, ગેમ્સ પણ છે અને બાળકો માટેનું એન્ટરટેઇનમેન્ટ પણ.
૭. Like Nastya : ૧૧.૭ કરોડ સબસ્ક્રાઇબર્સ. કોઈ
વેલ-પ્લાન્ડ બિઝનેસ સેન્ટર દ્વારા આ ચૅનલ ચલાવવામાં આવે છે એવું નથી. એક નાનકડી ટબૂકડી આ ચૅનલ ચલાવે છે જે હજી તો માત્ર ૧૦ વર્ષની છે. તેનું નામ છે, અનાસ્તાસિયા રાંદઝિન્સકાય. હા, એ વાત સાચી કે રશિયન-અમેરિકન અનાસ્તાસિયા તેના સાચા નામ કરતાં લાઇક નાસ્ત્યા તરીકે વધુ ફેમસ છે. આ ચૅનલમાં નાસ્ત્યા અને તેના પેરન્ટ્સ રમે છે, ગાય છે, નવું-નવું શીખે છે અને તેમના જીવનના અનુભવો શૅર કરે છે.
૮. PewDiePie : સ્વીડનના ૩૪ વર્ષના યુટ્યુબર ફેલિક્સ કેલબર્ગની આ ચૅનલના ૧૧.૧ કરાડ સબસ્ક્રાઇબર્સ છે. PweDiePieના નામે પોતાને ઓળખાવતો ફેલિક્સ હવે જપાન રહેવા જતો રહ્યો છે અને બહુ ઓછા વિડિયોઝ અપલોડ કરે છે. તેના વિડિયો ગેમિંગને લગતા, કૉમેડી અને વ્યંગને લગતા હોય છે.
૯. Zee Music Company: ફરી ભારતની ચૅનલ પ્રસ્તુત છે વિશ્વની ટૉપ ટેનમાં. હા, આપણે જાણીએ જ છીએ કે આ એક મ્યુઝિકલ ચૅનલ છે પણ Zeeના સબસ્ક્રાઇબર્સનો આંકડો અધધધ છે, ૧૦.૮ કરોડ.
૧૦. WWE : અને દસમા ક્રમે ઢિશૂમ-ઢિશૂમ. આમ તો એને સ્પોર્ટ્સની ચૅનલ ગણાવવી પડે, પણ WWE એટલે ફ્રીસ્ટાઇલ રેસલિંગની ગેમ એ આપણે બધા જ જાણીએ છીએ. ૧૦.૨ કરોડ સબસ્ક્રાઇબર્સ ધરાવતી ચૅનલ અમેરિકાની છે અને વિશ્વભરના દર્શકો એ ખૂબ ચાવથી જુએ છે.

