Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > પ્રેઝન્ટ

પ્રેઝન્ટ

19 August, 2022 08:02 AM IST | Mumbai
Rashmin Shah | rashmin.shah@mid-day.com

‘ના, આપણે એમાં બેડરૂમ પણ રાખવા પડશે. બેડરૂમ હશે તો જ બધા પોતપોતાના રૂમમાં રહેને...’ સામેથી કંઈક કહેવાયું એટલે ઢબ્બુએ જવાબ આપ્યો, ‘એ તો પપ્પા કરી આપશે. એનું ટેન્શન નથી, આપણે સિમેન્ટ બ્લૉક્સ શોધવાના છે. એ મળી જાય એટલે બસ...’

પ્રેઝન્ટ મૉરલ સ્ટોરી

પ્રેઝન્ટ


‘સવારથી બહુ રડે છે... માંડ-માંડ શાંત રાખ્યો છે. સરખી રીતે જમ્યો પણ નથી.’ 
પપ્પા જેવા ઘરમાં આવ્યા કે તરત જ મમ્મીએ વાત શરૂ કરી હતી. નૅચરલી વાત ઢબ્બુની હતી અને પપ્પાને આજે ઢબ્બુના મૂડ વિશે અણસાર તો હતો જ. સવારે જ ઢબ્બુએ ફોન કરીને પપ્પાને સિમ્બાના ન્યુઝ આપી દીધા હતા.
lll
‘પપ્પા, સિમ્બા... સિમ્બા...’ 
ઢબ્બુ સીધો રડવા જ માંડ્યો એટલે પપ્પાને અણસાર આવી ગયો.
‘શું થયું બેટા સિમ્બાને...’
‘ગેસ્ટ પાર્કિંગમાં કોઈ અંકલની કારની નીચે...’ 
ઢબ્બુ ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યો. જો પપ્પાને અગત્યની મીટિંગ ન હોત તો એ ચોક્કસ ઘરે આવી ગયા હોત, પણ આઇટીસી ગ્રુપની બૅન્ગલોરની હોટેલ રિનોવેશનમાં જવાની હતી, જેનું પ્રેઝન્ટેશન જોવા માટે ચૅરમૅન પોતે મુંબઈ આવ્યા હતા એટલે પપ્પાએ નાછૂટકે મન મારીને ઑફિસમાં રહેવું પડ્યું હતું. મીટિંગ પૂરી પણ મોડી થઈ અને વહેલા ઘરે આવવાની ઇચ્છા પપ્પાની પૂરી ન થઈ. 
અત્યારે પણ ઘરમાં આવતાંની સાથે જ મમ્મીએ તેને ઢબ્બુના ન્યુઝ આપ્યા હતા. અલબત્ત, અત્યારે ઢબ્બુ ઘરમાં નહોતો, જે જરાક રાહતના સમાચાર હતા.
‘એ ક્યાં છે?’
‘નીચે, બધા ફ્રેન્ડ્સ પાસે. એ લોકો ભેગા મળીને હવે સ્ટ્રીટ ડૉગ માટે ઘર બનાવવાનું વિચારે છે.’ મમ્મીએ કહ્યું, ‘આવીને તને વાત કરશે, તારે જ ડિઝાઇન કરવું પડશે એ ઘર.’
‘હંમ...’ 
પપ્પાએ શૂઝ ઉતાર્યા અને ફ્રેશ થવા માટે રૂમમાં ગયા. 
હજુ તો તેમનો શાવર શરૂ જ થયો હતો ત્યાં તો ઢબ્બુનો અવાજ પપ્પાને સંભળાયો. ઢબ્બુના અવાજમાં આજે એનર્જી થોડી ઓછી હતી એ તો તે બાથરૂમમાં પણ અનુભવી ગયા. ફટાફટ શાવર કમ્પ્લીટ કરી પપ્પા બહાર આવ્યા અને નાઇટડ્રેસ પહેરી પપ્પા હૉલમાં આવ્યા. તે હૉલમાં આવ્યા ત્યારે ઢબ્બુ ઇન્ટરકૉમ પર ફ્રેન્ડ્સ સાથે વાત કરતો હતો.
‘ના, આપણે એમાં બેડરૂમ પણ રાખવા પડશે. બેડરૂમ હશે તો જ બધા પોતપોતાના રૂમમાં રહેને...’ સામેથી કંઈક કહેવાયું એટલે ઢબ્બુએ જવાબ આપ્યો, ‘એ તો પપ્પા કરી આપશે. એનું ટેન્શન નથી, આપણે સિમેન્ટ બ્લૉક્સ શોધવાના છે. એ મળી જાય એટલે બસ...’ 
‘ઢબ્બુ...’ 
રૂમમાંથી બહાર આવીને પપ્પાએ જેવું નામ લીધું કે તરત જ ઢબ્બુએ ઇન્ટરકૉમ પર કહી દીધું.
‘આપણે પછી વાત કરીએ...’
કાઉચ પરથી કૂદીને પપ્પા પાસે દોડતાં આવી ગયેલા ઢબ્બુની આંખમાં આપોઆપ જ આંસુ આવી ગયાં.
‘સિમ્બા... બોલો અંકલે ચેક પણ ન કર્યું કે એ એની ગાડી નીચે સૂતો છું...’ ઢબ્બુ રડી પડ્યો, ‘કેવા કૅરલેસ અંકલ કહેવાય...’
સિમ્બા આમ તો સ્ટ્રીટ ડૉગ હતો. માંડ એકાદ વર્ષનો હશે. એમ જ રસ્તા પર ફરતો-રખડતો એ સોસાયટી પાસે આવી ગયો અને પછી સોસાયટીના વૉચમૅનની કૅબિનની સામે બેસી રહેવા માંડ્યો. ઢબ્બુ અને તેના જેવાં જે બાળકો હતાં એ લોકોનું ધ્યાન સિમ્બા પર ગયું અને તેમણે ધીમે-ધીમે સિમ્બાને રમાડવાનું અને પછી જમાડવાનું શરૂ કર્યું.
અજાણ્યા ડૉગને સોસાયટીમાં લઈ આવવાની મનાઈ હોવાથી સિમ્બાને અંદર લાવવો કેવી રીતે એના માટે ઢબ્બુ ઍન્ડ ગૅન્ગ રીતસર પ્લાન બનાવતી હતી, જેમાં એકાદ મહિનો પસાર થઈ ગયો, પણ એકાદ મહિના પછી બધા છોકરાઓએ કમિટી સામે રજૂઆત કરી કે સિમ્બાને સોસાયટીમાં આવવા દેવો. 
નૅચરલી સોસાયટી એના માટે તૈયાર નહોતી. એણે ઘસીને ના પાડી દીધી એટલે ઢબ્બુએ જ બધા વચ્ચે કહ્યું.
‘એ કોઈને કંઈ કરે એમ છે જ નહીં. આઇ પ્રૉમિસ... બહુ ડાહ્યો છે સિમ્બા.’
‘આ નામ કોણે પાડ્યું એનું?’
એક કમિટી મેમ્બરે બધાને પૂછ્યું કે એકસાથે બધા છોકરાઓ બોલ્યા,
‘અમે...’
‘એણે વેક્સિન નથી લીધી, એ અજાણ્યો છે. સોસાયટીના લોકોને જોઈને એ કરડવા દોડશે તો...’
‘એક મહિનાથી એણે કોઈને બાઇટ કર્યુ?!’ 
ઢબ્બુ બોલ્યો ત્યારે કમિટીના બધા મેમ્બરોની આંખો પહોળી થઈ ગઈ હતી. એ સમજી ગયા હતા કે સિમ્બાને આ બચ્ચા પાર્ટી અપાર્ટમેન્ટમાં લાવી છે. એ લોકોએ બહુ ઇન્ક્વાયરી કરી, પણ એક પણ બચ્ચાએ કબૂલ કર્યું નહીં કે સિમ્બા સોસાયટીમાં છે. એકાદ કલાકની લાંબી રકઝક પછી સિમ્બાને સોસાયટીમાં રહેવાની પરમિશન મળી એટલે બધાં બચ્ચાં ખુશ થઈ ગયાં અને તેમણે એકસાથે સિમ્બાને રાડ પાડી.
‘સિમ્બા...’
અને સિમ્બા ગેસ્ટ પાર્કિંગની એક કારની નીચેથી ધીમેકથી બહાર આવ્યો.
એકમદ ક્યુટ ચહેરો અને સાવ જ નાનકડા બચ્ચા જેવો.
સિમ્બાના આવ્યા પછી બધાં બચ્ચાંઓની એનર્જીમાં ફરક પડી ગયો હતો. સવાર-બપોર-સાંજ એ લોકોએ પોતપોતાની સ્કૂલના આધારે ટાઇમિંગ્સ ગોઠવી લીધા હતા. જેમને મૉર્નિંગ સ્કૂલ હોય તેમણે બપોર પછી સિમ્બાની ડ્યુટી સંભાળી લીધી અને જેમને બપોરની સ્કૂલ હતી એ લોકોએ સવારના સિમ્બાની ડ્યુટી સંભાળી લીધી.
સિમ્બા હવે તેમની જિંદગી બની ગયો હતો એવું કહીએ તો જરા પણ ખોટું નહીં કહેવાય અને એમાં પણ ઢબ્બુ તો વધારે પડતો સિમ્બા સાથે ઓતપ્રોત થઈ ગયો હતો. જાગીને સીધો પહેલાં સિમ્બા પાસે જાય. બ્રેકફાસ્ટમાં તેને જે આઇટમ ખાવા મળે એ આઇટમમાંથી પણ પૂછ-પૂછ કરે કે આ સિમ્બાને ખાવા આપી શકાય?
જવાબ જો ‘હા’ મળે તો પોતાની જ પ્લેટમાંથી સિમ્બા માટે પણ ખાવાનું કાઢી લે. 
મમ્મીને ડૉગી ગમે નહીં એટલે એ સિમ્બાને ઘરમાં આવવા ન દે, પણ પપ્પા આવે એટલે ઢબ્બુ સિમ્બાને લિફ્ટમાં ઉપર લઈ આવે અને પછી પપ્પા-ઢબ્બુ અને સિમ્બા સાથે હૉલમાં રમે. 
આ સિમ્બા હવે રહ્યો નથી.
સ્વાભાવિક રીતે પપ્પાની પણ હાલત અંદરખાને ખરાબ થઈ ગઈ હતી. લાગણીઓનું એવું છેને, એ ક્યારે અને ક્યાં કેવી રીતે કોની સાથે જોડાઈ જાય એનો કોઈ માપદંડ હોતો નથી. બસ, એવું જ કર્યું હતું સિમ્બાએ બધા સાથે. એણે ઑલમોસ્ટ બધાનાં મન જીતી લીધાં અને પછી અનાયાસે, સાવ જ એકાએક એ બધાને છોડીને ચાલ્યો ગયો.
lll
‘એ, એ અંકલની ગાડી નીચે સૂતો હતો અને અંકલે એકઝાટકે ગાડી રિવર્સ લીધી એમાં બે ટાયર વચ્ચે...’
ઢબ્બુ ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યો. 
ઢબ્બુને રડતો જોઈને પપ્પાની આંખો પણ ભીની થઈ ગઈ.
આવું તો ઢબ્બુ ક્યારેય રડ્યો નહોતો.
‘જમી લઈએ પહેલાં આપણે...’ પપ્પાએ ઢબ્બુને તેડ્યો, ‘પછી છેને સિમ્બા મને કહીને ગયો છે કે તને એક સરસ સ્ટોરી મારે કહેવાની છે. મસ્ત સ્ટોરી... સિમ્બાએ જ મને કીધી છે એવી સ્ટોરી...’
‘સાચે?!’ ઢબ્બુની ભીની આંખોમાં ચમક આવી, ‘એણે જ તમને કરી’તી?’
‘હા અને મને કહ્યું’તું પણ ખરું કે હું ન હોઉં ત્યારે તમે આ સ્ટોરી ઢબ્બુને કહેજો.... ઢબ્બુને આ સ્ટોરીની બહુ જરૂર પડશે.’
‘તો અત્યારે જ કરો એ...’
‘ના, એણે કીધું છે કે ઢબ્બુ જમી લે પછી, પછી જ તમારે એને સ્ટોરી કહેવાની.’
‘તો પછી...’
ઢબ્બુ જમવાની ના પાડવાના મૂડમાં પહોંચે એ પહેલાં જ પપ્પાએ કહી દીધું,
‘સિમ્બાનું માન રાખવું પડેને આપણે... એણે કીધું છે એ તો કરવું જ પડેને?’
ઢબ્બુએ જવાબ આપ્યા વિના જ હા પાડી દીધી અને મમ્મી તરત જ ડિનરની તૈયારીમાં લાગી. તેની આંખોમાં પણ ભીનાશ પથરાઈ ગઈ હતી. આજે પહેલી વાર મમ્મીને પણ સિમ્બાની યાદ આવતી હતી.
અગાઉ તેણે અનેક વાર ગૅલરીમાંથી ઢબ્બુ અને બીજાં બધાં બચ્ચાંઓને સિમ્બા સાથે પાર્કિંગમાં રમતાં જોયાં હતાં. સિમ્બા સૌથી વધારે ઢબ્બુનો હેવાયો થઈ ગયો હતો એ તે ઉપરથી જોતી. ઢબ્બુ સાથે સૌથી વધારે તે રમત કરતો અને ઢબ્બુ ન હોય તો એ સૌથી વધારે શાંત રહેતો એ મમ્મીનું ઑબ્ઝર્વેશન હતું, પણ તે ક્યારેય આ વાત બોલી નહોતી, કારણ કે શરૂઆતમાં તેને પણ હતું કે સ્ટ્રીટ ડૉગને આ રીતે સોસાયટીમાં લાવવાથી બચ્ચાંઓ બીમાર પડશે, પણ એ સ્ટ્રીટ ડૉગ પ્રેમની બીમારી લાવશે એવું તો તેણે ધાર્યું પણ નહોતું.
lll
‘હવે સિમ્બાએ કહેવાની કીધી છે એ સ્ટોરી...’
ફટાફટ જમીને ઊભા થઈ ગયેલા ઢબ્બુને આજે મમ્મી કે પપ્પા બેમાંથી કોઈએ બહુ રોકટોક નહોતી કરી. તેમનું પણ મન જમવામાં નહોતું, પણ ઢબ્બુ સાથે જમવા બેસવું જરૂરી હતું એટલે તે બન્ને પણ સાથે બેઠાં હતાં.
‘જલદી કહોને સ્ટોરી પપ્પા...’ ઢબ્બુએ સ્ટોરીનો આગ્રહ શરૂ કર્યો અને એ સાથે જ તેને અચાનક યાદ પણ આવી ગયું, ‘પપ્પા, આપણે સિમ્બા હાઉસ બનાવવું છે, અહીં, સોસાયટીમાં... એમાં આપણે બધા સ્ટ્રીટ ડૉગને ઘર આપીશું.’
‘હંમ...’ પપ્પાએ ફોન પરની વાતો સાંભળી હતી એટલે તેમના માટે આ વાત નવી તો નહોતી જ, ‘જો સોસાયટી હા પાડશે તો હું તને એ હાઉસ ડિઝાઇન કરી આપીશ.’
‘એ લોકોએ હા પાડી છે. કાલે નોટિસ બોર્ડ પર પણ મૂકી દેવાના છે...’ ઢબ્બુએ ન્યુઝ આપ્યા અને સાથોસાથ સ્ટોરી પણ યાદ દેવડાવી, ‘સ્ટોરી...’
‘મમ્મીને તો આવી જવા દે...’
‘સિમ્બાએ એને પણ સાંભળવાનું કીધું છે?!’
‘એવું કીધું છે કે તમે બધાં સાથે બેસીને જેમ સ્ટોરી કરતાં હો એમ જ કરજો...’
‘હંમ...’ ઢબ્બુએ મમ્મીને રાડ પાડી, ‘જલદી મમ્મી...’
અને મમ્મીએ કિચનનું કામ ફટાફટ આટોપી લીધું.
દીકરાના મૂડની વાત હતી, કઈ મા કામ પર ધ્યાન આપે.
‘આવી ગઈ મમ્મી... હવે સ્ટાર્ટ કરો...’
‘સ્ટોરી છે એક એવા ઋષિમુનિની, જેમણે બહુ બધા રાજા-મહારાજાઓને તૈયાર કર્યા હતા...’ પપ્પાએ સ્ટોરી શરૂ કરી, ‘વર્ષો, ના સદીઓ પહેલાંની વાત છે. અયોધ્યા શહેર પાસે એક નાનકડા જંગલમાં આ ઋષિમુનિ રહેતા હતા.’
‘અયોધ્યા એટલે રામ ભગવાનવાળુંને?!’ ઢબ્બુએ પૂછ્યું અને પછી તરત જ બીજો સવાલ પણ કરી લીધો, ‘સિમ્બાને આ સ્ટોરી કોણે કીધી હશે?’
‘એ જવાબ તો આપણે શોધવાનો આવશેને?’ જવાબ મમ્મીએ આપ્યો અને પછી તરત જ કહી પણ દીધું, ‘પહેલાં પપ્પાની સ્ટોરી સાંભળ...’
‘હા, સ્ટાર્ટ કરો...’ પપ્પાને ઢબ્બુએ લિંક પણ જૉઇન કરી આપી, ‘એ ઋષિમુનિ અયોધ્યા પાસે રહેતા હતા... પછી?’
lll
અયોધ્યાના જંગલમાં રહેતા એ ઋષિમુનિની પોતાની પણ ફૅમિલી હતી. વાઇફ હતી, બે બાળકો હતાં. સરસ મજાનું ઘર હતું અને બધાં સાથે બેસીને રહે. ઋષિમુનિએ પોતાના કામ માટે અયોધ્યા જવું પડે તો એ સવારના વહેલા જાય. આખો દિવસ પોતાનું કામ કરે અને પછી રાતે થાક્યા-પાક્યા અને ભૂખ્યા પાછા આવે અને પોતાના બન્ને દીકરા સાથે જમે. જો દીકરા બહાર ગયા હોય તો ઋષિમુનિ તેમની રાહ જુએ પણ તે જમે તો દીકરાની સાથે જ.
આ નિયમ હતો અને આ નિયમ ઋષિમુનિનાં વાઇફને પણ બહુ સારી રીતે ખબર હતી. એક દિવસ એવો આવ્યો કે ઋષિમુનિએ બે દિવસ માટે અયોધ્યા જવાનું આવ્યું. ઋષિનાં વાઇફે તેમને રિક્વેસ્ટ કરીને કહ્યું કે તમને ભૂખ લાગશે. તમારા નિયમની ચિંતા કર્યા વિના સરસ રીતે જમી લેજો.
ઋષિમુનિએ સ્માઇલ સાથે વાઇફની સામે જોયું.
‘તને લાગે છે, એવી રીતે કોળિયો મારા ગળા નીચે ઊતરે?’
‘આદત તો પાડવી પડશેને?’ વાઇફની વાત પણ ખોટી નહોતી, ‘કાલ સવારે તમારે લાંબો સમય ક્યાંક બહાર રહેવું પડ્યું કે પછી આપણા દીકરાઓ ક્યાંક લાંબા સમય માટે બહાર ગયા તો પછી એવા સમયે શું કરશો?’
‘એ સમયની વાત એ સમયે કરીશું, અત્યારે તું એની શું કામ ચિંતા કરે છે...’
ઋષિમુનિએ ખભે ખેસ નાખ્યો અને પગમાં ચાખડી પહેરીને રવાના થયા. તેમને ખબર નહોતી કે તે પાછા આવશે ત્યારે તેમની દુનિયા આખી બદલાઈ ગઈ હશે અને બદલાયેલી આ દુનિયા વચ્ચે તે સોસાયટીને એક એવો મેસેજ આપશે જે મેસેજ થકી લોકોને જીવનની એક નવી વાસ્તવિકતા સમજાશે.
lll
‘હું જઈ આવું?’ મમ્મીના ખોળામાં માથું રાખીને સૂતેલા ઢબ્બુએ બેઠા થઈને ટચલી આંગળી દેખાડી, ‘બહુ લાગી છે...’
પપ્પાના ચહેરા પર સ્માઇલ આવી ગયું.
‘ગો ફાસ્ટ...’

વધુ આવતા શુક્રવારે


Whatsapp-channel Whatsapp-channel

19 August, 2022 08:02 AM IST | Mumbai | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK