Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ભ્રમ

ભ્રમ

27 May, 2022 07:38 AM IST | Mumbai
Rashmin Shah | rashmin.shah@mid-day.com

જો ખેડૂત કામ કરવામાં મોડું કરે તો તેના પાકમાં જીવાત થઈ જાય અને જો ખેડૂત કામ કરવામાં મોડું કરે અને ચોમાસું પૂરું થઈ જાય તો તેણે જે વાવ્યું હોય એ પાક ઊગે નહીં’

ભ્રમ

મૉરલ સ્ટોરી

ભ્રમ


‘ખેડૂતનું કામ એવું કામ છે કે એમાં મૂડ ન ચાલે. વરસાદ આવે એ પહેલાં કામ કરી લેવું પડે અને તાપ શરૂ થાય એ પહેલાં પણ કામ કરી લેવું પડે. જો ખેડૂત કામ કરવામાં મોડું કરે તો તેના પાકમાં જીવાત થઈ જાય અને જો ખેડૂત કામ કરવામાં મોડું કરે અને ચોમાસું પૂરું થઈ જાય તો તેણે જે વાવ્યું હોય એ પાક ઊગે નહીં’

‘તને ના પાડી છેને કોથમીર નાખવાની...’ 
પ્લેટને સહેજ હડસેલો મારીને ઢબ્બુ ડાઇનિંગ ટેબલથી સીધો બેસિન તરફ ભાગ્યો. કોથમીર તેને ભાવતી નહોતી અને ભાવતી નહોતી એટલે તે હંમેશાં એવી રીતે વર્તતો કે જાણે કોથમીરની તેને ઍલર્જી હોય.
‘પણ કોથમીર નથી બેટા. ભાજી હતી, પાલકની...’
‘કીધુંને, કોથમીર હતી.’
‘અરે ના... પ્રૉમિસ.’ મમ્મીનો ચહેરો થોડો મૂરઝાઈ ગયો, ‘સાચે જ મેં નથી નાખી.’
મમ્મી કંઈ બોલે એ પહેલાં તો ઢબ્બુને વૉમિટ થઈ. મમ્મી દોડીને ઢબ્બુ પાસે પહોંચી તથા તેની પીઠ પર હાથ પ્રસરાવવા માંડી.
‘નહીં બેટા, ખરેખર નહોતી નાખી; પણ કદાચ પડી ગઈ હોય તો સૉરી...’
ડિનર એમ જ અટકી ગયું. વૉમિટ કરીને ઢબ્બુ રૂમમાં ગયો અને ત્યાં જ ડોરબેલ વાગી. ઢબ્બુએ ધાર્યું કે મમ્મીને મળવા આન્ટી આવ્યાં હશે એટલે તે રૂમમાંથી બહાર આવ્યો નહીં. પપ્પાને આજે મીટિંગ હતી એટલે તે મોડા આવવાના હતા, પણ મમ્મીના સદ્નસીબે પપ્પા જ ઘરે આવ્યા હતા.
‘સૂઈ ગયો અત્યારમાં?’ પપ્પાએ શૂઝ કાઢ્યાં, ‘કે પછી ભટકવા ગયો નીચે?’
સામાન્ય રીતે ઢબ્બુ હૉલમાં જ જોવા મળે. કાં તો તેની ગેમ ચાલતી હોય અને કાં તો આઇપીએલની મૅચ જોતો બેઠો હોય, પણ ઢબ્બુ હૉલમાં નહોતો એટલે પપ્પાએ અનુમાન બાંધ્યું.
‘રૂમમાં જ છે, વૉમિટ થઈ.’
‘એ તો થાય... બચ્ચાંઓ એમ જ મોટા થાય.’ રૂટીન મુજબ જ પપ્પાએ જવાબ આપ્યો અને પછી પૂછી પણ લીધું, ‘જમવામાં ધ્યાન નહોતું?’
‘અરે, કોથમીર આવી ગઈ...’ મમ્મીએ બચાવ કર્યો, ‘મેં નહોતી નાખી. આઇ સ્વેર... પણ ખબર નહીં કદાચ પડી ગઈ હોય.’
‘હં...’
પપ્પાએ જ્યારે ટૂંકમાં જવાબ આપે ત્યારે મમ્મી સમજી જાય કે તેમના મનમાં એ જ દિશાના વિચારો શરૂ થઈ ગયા છે અને એવું જ હતું. પપ્પાના મનમાં કોથમીર અને વૉમિટની સાથોસાથ મમ્મીનું ‘આઇ સ્વેર’ બરાબર સ્ટોર થઈ ગયું હતું. પપ્પાના ચહેરા પરના એક્સપ્રેશન જોઈને મમ્મીને સહેજ રાહત થઈ અને મનમાં વિચાર પણ આવ્યો...
કાશ સમજાવે ઢબ્બુને કે મારી ભૂલ નહોતી.
અલબત, પપ્પાના મનમાં જુદી જ વાત ચાલતી હતી.
lll
‘એય શાબાશ...’ ઢબ્બુને તેડીને હૉલમાં આવેલા પપ્પાએ ઢબ્બુને કોચ પર બેસાડ્યો, ‘એક નાનકડી વૉમિટમાં આવું કંઈ થોડું ઢીલું પડી જવાનું હોય. યુ આર અ સ્ટ્રૉન્ગ બૉય. યુ હૅવ ટુ બી સ્ટ્રૉન્ગ...’
‘દુખે છે...’ ઢબ્બુએ પેટ પર હાથ રાખ્યો, ‘મેં ના પાડી છે તો પણ મમ્મીએ કોથમીર નાખી પપ્પા. તમને ખબર છેને મને એ નથી ફાવતી.’
‘હા અને એ વાત તો તારી મમ્મીને પણ ખબર છેને?!’ પપ્પાએ ઢબ્બુના ગાલ પર સહેજ ટપલી મારી, ‘તે કહે જ છે કે તેણે નથી નાખી કોથમીર.’
‘ખોટું બોલે છે.’
‘ના, સાચું બોલે છે; પણ તારો ભ્રમ, તારી ઇલ્યુઝન તને મમ્મીની વાત માનવા નથી દેતી...’ ઢબ્બુ પપ્પાની સામે જોતો રહ્યો એટલે પપ્પાએ કહ્યું, ‘સાચે, મમ્મીનો આમાં કોઈ વાંક નથી.’
‘કોણે કીધું?’
‘એક સ્ટોરીએ...’ પપ્પાએ ઢબ્બુને પૂછ્યું, ‘કહું?’
ઇશારાથી જ હા પાડી દીધી ઢબ્બુએ અને પપ્પાએ સ્ટોરી શરૂ કરી.
‘એક મોટું ખેતર હતું. ખેતર જેનું હતું એ ખેડૂત ત્યાં ખેતી કરે અને સરસ મજાનો ક્રૉપ લે...’
‘શેનો ક્રૉપ લે?’
‘દર વખતે જુદો-જુદો ક્રૉપ લે... અને એવું જ કરવાનું હોય. જો એક વાર તમે ગ્રાઉન્ડનટનો ક્રૉપ લો તો બીજી વાર તમારે ક્રૉપ બદલી નાખવાનો. એવું કરવાથી જે ફાર્મિંગ લૅન્ડ હોય એની એજ વધી જાય.’
‘હં... પછી?’
‘ખેડૂતને એમ કે તેના ખેતરમાં કોઈ રહેતું નથી, પણ એ ખેતરમાં બે બીજા જીવ પણ રહેતા હતા.’
lll
એક ઉંદર અને એક સાપ. એ બન્ને પણ ખેતરમાં રહે, પણ ખેડૂતને એની ખબર નહીં. એનું કારણ પણ હતું. ખેડૂતે દિવસે કામ કરવાનું હોય અને સાપ અને ઉંદર રાતે કામ કરે એટલે ખેડૂતને ખબર જ ન પડે કે તેના ખેતરમાં સાપ અને ઉંદર રહે છે. તે તો દિવસે કામ કરીને સાંજે પાછો ચાલ્યો જાય અને જેવો તે જાય કે રાતે સાપ અને ઉંદર બહાર નીકળીને પોતપોતાનું ખાવાનું શોધવામાં લાગી જાય.
એક દિવસ બન્યું એવું કે ખેડૂતને કામ કરતાં-કરતાં મોડું થઈ ગયું અને તે રાતે પણ ખેતરમાં જ રોકાઈ ગયો. ખેડૂતનું કામ ચાલુ હતું અને તેને બરાબરની ભૂખ લાગી હતી, પણ કામ તો પહેલાં કરવું પડે.
‘કેમ એવું?’
lll
ઢબ્બુના પ્રશ્નનો જવાબ આપતાં પપ્પાએ કહ્યું.
‘ખેડૂતનું કામ એવું કામ છે કે એમાં મૂડ ન ચાલે. વરસાદ આવે એ પહેલાં કામ કરી લેવું પડે અને તાપ શરૂ થાય એ પહેલાં પણ કામ કરી લેવું પડે. જો ખેડૂત કામ કરવામાં મોડું કરે તો તેના પાકમાં જીવાત થઈ જાય અને જો ખેડૂત કામ કરવામાં મોડું કરે અને ચોમાસું પૂરું થઈ જાય તો તેણે જે વાવ્યું હોય એ પાક ઊગે નહીં.’
‘હં... પછી?’
lll
એ રાતે ખેડૂતે બહુ કામ કરવું પડ્યું અને બીજા દિવસે પણ એવું જ થયું. ખેતર બહુ મોટું હતું એટલે ખેડૂતે બીજા દિવસે એ દિશામાં કામ કરવાનું શરૂ કર્યું જે દિશામાં ઉંદર અને પેલો સાપ રહેતા હતા.
ખેડૂત પોતાનું કામ કરતો હતો એ દરમ્યાન ઉંદર અને સાપનું ધ્યાન તેના પર ગયું. ઉંદરે આવીને સાપને કહ્યું...
‘યાર, આ જતો નથી. શું કરીશું આપણે?’
‘બીજું શું હોય? મારે જ કંઈ કરવું પડશે.’
સાપ તો કૉલર ટાઇટ કરીને બહાર નીકળવા ગયો કે તરત જ ઉંદર દોડતો એની પાસે આવ્યો અને ધીમેકથી કહ્યું...
‘તને બચાવવા હું આવી જઈશ. તું ગભરાતો નહીં...’
ઉંદરની વાત સાંભળીને સાપને હસવું આવ્યું, પણ એ ચૂપ રહ્યો; કારણ કે અત્યારે પહેલું કામ ખેડૂતને હટાવવાનું કરવાનું હતું. જો ખેડૂત જાય તો જ એ લોકો જમવા માટે બહાર નીકળી શકે. સાપ ધીમે-ધીમે સરકતો ખેડૂત કામ કરતો હતો એ જગ્યાએ પહોંચ્યો અને જેવો એ ખેડૂતની નજીક પહોંચ્યો કે તરત એણે જોરથી ખેડૂતના પગ પર દંશ માર્યો.
ફુસ્સસસ...
એક સેકન્ડ માટે ખેડૂતની આંખ સામે અંધારાં આવી ગયાં. તેણે પોતાના હાથમાં રહેલી ટૉર્ચ ચાલુ કરી અને જમીન પર એની લાઇટ ફેંકી.
ખેડૂતે જ્યારે જમીન પર લાઇટ ફેંકી ત્યારે જ પેલો ઉંદર ત્યાં આવી ગયો હતો. બન્યું એવું કે ખેડૂતે લાઇટ કરી ત્યારે તેને જમીન પર ભાગતો જતો ઉંદર દેખાયો.
ઓય-વોય... ઉંદર છે. ઊંહું... 
ખેડૂતના મનમાં શાંતિ થઈ ગઈ અને તે ફરી પોતાના કામે લાગી ગયો. થોડી-થોડી વારે ખેડૂતને ચક્કર આવતાં હતાં, પણ તે તો મક્કમ મન કરીને કામ કરતો રહ્યો અને પોતાનું કામ પૂરું કરીને ખેતરની બહાર નીકળ્યો.
‘કેમ એવું? તેને પૉઇઝનની અસર કેમ થઈ નહીં?’
lll
‘વિલ-પાવર...’ પપ્પાએ જવાબ આપ્યો, ‘વિલ-પાવર બહુ ઇમ્પોર્ટન્ટ છે. આ વિલ-પાવર જો તમારો સ્ટ્રૉન્ગ હોય તો એ તમને કોઈ જાતનું ઇલ્યુઝન આવવા ન દે.’
‘હં... પછી?’
‘ખેડૂતે પોતાનું બધું કામ પતાવ્યું અને બીજા દિવસે ભાઈ રાબેતા મુજબ આવી ગયા કામ પર. આખો દિવસ કામ કર્યું, પણ એ કામ પૂરું થયું નહીં એટલે ખેડૂતે રાતના પણ કામ ચાલુ રાખ્યું...’
lll
‘એ સાપભાઈ, આ ખેડૂત તો આજે પણ કામ કરે છે... આમ તો કેમ ચાલશે?’
‘હું પણ એ જ વિચારું છું. કાલે મેં એને ડંખ માર્યો તો પણ તે આજે મસ્ત રીતે પાછો આવીને કામ કરે છે. કરવું શું મારે?’
‘સાપભાઈ, તમારું ઝેર એક્સપાયરી ડેટનું થઈ ગયું છે.’ ઉંદરે શેખી મારી, ‘મને લાગે છે મારે જ કરામત કરવી પડશે હવે.’
‘પણ તું શું કરીશ?’
‘અરે, તમે મારા દાંત જોયા નથી હજી...’ ઉંદરે દાંત દેખાડ્યા, ‘આ જે દાંત છેને એ દાંતથી મેં સિંહની જાળ કાપીને એને પણ છોડાવી લીધો હતો...’
‘એ બસ હોં, એ વાર્તા બધાએ સાંભળી છે.’
‘મેં પણ...’ ઢબ્બુ ઊભો થઈ ગયો, ‘તમે જ મને કીધી છે.’
પપ્પાએ ઢબ્બુની વાત પર ધ્યાન આપ્યા વિના સ્ટોરી આગળ વધારી.
‘એ દિવસે ઉંદરે નક્કી કર્યું કે ખેડૂતને કાઢવા માટે એ જશે...’
lll
‘તું જા, તારી હેલ્પ માટે હું પાછળ આવું છું...’
સાપે કહ્યું એટલે ઉંદરે તરત જ જવાબ આપી દીધો...
‘મને અત્યારે જરૂર નથી... પણ તમારે આવવું હોય તો મને વાંધો નથી.’
‘બેટર એ જ છે કે હું તારી પાછળ આવું...’ સાપ ઊભો થયો, ‘જા આગળ. હું પાછળ આવું છું...’
ઉંદરે તો દોટ મૂકી સીધી એ દિશામાં જે દિશામાં ખેડૂત હતો. ખેડૂત પોતાના ક્રૉપનું ચેકિંગ કરતો હતો અને જે ક્રૉપ રેડી થઈ ગયો હોય એ ઉતારવાનું કામ પણ કરતો જતો હતો. થોડું ચેકિંગ કર્યું ત્યાં તેને પગમાં કોઈએ ધીમેકથી ચટકો ભર્યો હોય એવું લાગ્યું, પણ ખેડૂતે એ દિશામાં ધ્યાન આપ્યું નહીં.
હશે, એમાં શું ચિંતા કરવાની.
થોડી વાર થઈ ત્યાં તો ફરી ચટકો ભરાયો. 
ખેડૂતે બીજી વખત પણ વાતને ગણકારી નહીં અને પોતાનું કામ ચાલુ રાખ્યું. આ ચટકો પેલો ઉંદર ભરતો હતો. ઉંદરને પણ ખુન્નસ ચડ્યું. બબ્બે વાર બટકું ભર્યા પછી પણ ખેડૂત કામ કરતો હતો અને એની સામે જોવાની દરકાર પણ નહોતો કરતો. આમ તે કંઈ થોડું ચાલે.
ઉંદરે દાંત કચકચાવ્યા અને પછી જોરથી ખેડૂતના પગે બટકું ભરી લીધું. આ વખતે એણે એવું બટકું ભર્યું હતું કે ખેડૂતની રાડ નીકળી ગઈ.
આહ...
યસ, હવે બરાબર...
ઉંદર તો સીધો ભાગ્યો પોતાના દર તરફ અને એ જ સમયે ખેડૂતે જમીન તરફ જોયું. અંધારું હતું એટલે ખેડૂતે ટૉર્ચ ચાલુ કરી અને જમીન પર પ્રકાશ પાડ્યો. એ પ્રકાશમાં તેને જમીન પર સરકતો જતો સાપ દેખાયો.
‘હા, ઉંદરની પાછળ આવ્યો હતો એ સાપને?’
‘યસ, એ જ સાપ...’ પપ્પાએ સ્ટોરી આગળ વધારી, ‘સાપે જોયું હતું કે ઉંદરે ખેડૂતને બટકું ભરી લીધું હતું અને એ ભાગી ગયો હતો એટલે હવે સાપ પણ અવળો ફરીને ભાગવા માંડ્યો.’
lll
જમીન પર સાપ જોઈને ખેડૂતને પરસેવો છૂટી ગયો અને સાપ પણ એવડો લાંબો હતો કે એને જોઈને કોઈને પણ ડર લાગે.
ખેડૂત ડરી ગયો અને એને ત્યાં ને ત્યાં જ ચક્કર આવવા લાગ્યાં. થોડી વાર સુધી તો તેણે જાણને કન્ટ્રોલમાં રાખવાની કોશિશ કરી, પણ પછી તેનો કાબૂ રહ્યો નહીં અને તે જોરથી જમીન પર પટકાયો.
ધડામ...
થોડી વારમાં તો ખેડૂતનો શ્વાસ રૂંધાવા માંડ્યો અને પછીની થોડી ક્ષણોમાં તેનો જીવ નીકળી ગયો.
‘કેમ એવું?’ ઢબ્બુએ પૂછ્યું, ‘ઉંદરના બાઇટમાં પૉઇઝન ક્યાં હોય?’
‘રાઇટ પણ, ખેડૂતને ક્યાં ખબર હતી કે એને બાઇટ ઉંદરે ભર્યું છે. તેણે સાપને જોયો અને સાપે જ બાઇટ ભર્યું છે એવું તેણે ધારી લીધું.’ પપ્પાએ ઢબ્બુને પોતાની નજીક ખેંચ્યો, ‘ભ્રમ, ઇલ્યુઝન બહુ ખરાબ છે. જો તમે પાલકને પણ કોથમીર ધારી લો તો તમને વૉમિટ થાય અને જો તમે કોથમીરને પણ પાલક તરીકે જ જુઓ તો...’
‘ક્યારેય વૉમિટ ન થાય...’ ઢબ્બુએ કૉલર ટાઇટ કર્યા, ‘હવે મને ક્યારેય નહીં થાય. પ્રૉમિસ...’
ઢબ્બુએ શબ્દોથી પપ્પાને પ્રૉમિસ આપ્યું અને મમ્મીએ આંખોથી.



સંપૂર્ણ


Whatsapp-channel Whatsapp-channel

27 May, 2022 07:38 AM IST | Mumbai | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK