Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > આળસ (મૉરલ સ્ટોરી)

આળસ (મૉરલ સ્ટોરી)

14 January, 2022 11:37 AM IST | Mumbai
Rashmin Shah | rashmin.shah@mid-day.com

‘એક દિવસ એને એ સિટીમાં બીજો ગધેડો મળ્યો. એ ગધેડાએ એને કહ્યું કે તું શું કામ આટલું બધું કામ કરે છે...’

આળસ (મૉરલ સ્ટોરી)

આળસ (મૉરલ સ્ટોરી)


‘હવે તો કાઇટ માટે જવાનુંને?’ 
ઘરનાં કામ પૂરાં કરીને મમ્મી જેવી સોફા પર બેઠી કે તરત ઢબ્બુએ પતંગ અને ફીરકી હાથમાં લીધાં.
‘આવડે છે તને પતંગ ઉડાડતાં?’
‘જોતાં તો આવડે છેને?’ ઢબ્બુએ ટેરેસ પર જવાની તૈયારી ચાલુ રાખી, ‘હું જોઈશ ને પપ્પા ઉડાડશે...’
હા... હા... હા...
મમ્મી ખડખડાટ હસી પડી. મમ્મીના હસવા પર ઢબ્બુને નવાઈ લાગી હતી. તેણે પપ્પા સામે જોયું તો પપ્પાના પણ બે નેણ ભેગા થઈ ગયા હતા અને તે મમ્મી સામે ઘૂરતા હતા.
‘શું થયું?’ હસતી મમ્મીને ઢબ્બુએ પૂછ્યું, ‘જોક કર્યો તેં?’
‘ના...’ મમ્મીએ માંડ હસવાનું અટકાવ્યું, ‘તેં પુરવાર કર્યું કે તું એનો જ દીકરો છો. એને પણ નથી આવડતી કાઇટ ઉડાડતાં અને તને પણ...’
‘તો ઠીક છેને, અમે બેઉ જોઈશું અને અમારા ફ્રેન્ડ્સ ઉડાડશે.’ ઢબ્બુએ કહી પણ દીધું, ‘આમ પણ કાઇટ ન ઉડાડાય, એનાથી બર્ડ્ઝ હર્ટ થાય અને એને લાગી જાય.’
‘એક્ઝૅક્ટ્લી...’ મમ્મીના ચહેરા પર ચમક આવી તો પપ્પા પણ ખુશ થયા, ‘બેટર છે કે આપણે ટેરેસ પર જવાને બદલે અહીં જ રહીએ અને આ કાઇટ, આ ફીરકીને આપણે મસ્ત રીતે રૂમમાં રાખી દઈએ.’
‘પણ રાખીને પછી શું કરવાનું?’
‘તારા બર્થ-ડેના ડેકોરેશનમાં યુઝ કરીશું. મસ્ત લાગશે તારી રૂમ...’ મમ્મીએ સરસ આઇડિયા આપ્યો, ‘એ સમયે કોઈની પાસે કાઇટ નહીં હોય અને તારા રૂમમાં કાઇટ હશે તો બધા પૂછશે તને, તું અત્યારે આ ક્યાંથી લઈ આવ્યો...’
‘હા, મસ્ત છે...’ ઢબ્બુ ટેરેસ પર લઈ જવાનો સામાન લઈને હૉલમાં જ ફરી બેસી ગયો, ‘ઘરમાં રહીએ પણ સ્ટોરી કરવાની. પેલી હાફ છે એ વાળી. ગધેડાની.’
‘કયા ગધેડાની?’
‘એક તો ગધેડો છે અહીં, એની...’ મમ્મીએ મહામુશ્કેલીએ હસવાનું રોક્યું હતું, ‘હેંને ઢબ્બુ?’
‘હસી લે પહેલાં તું, નહીં તો પછી તને પેટમાં દુખશે...’ ઢબ્બુએ પપ્પાની સામે જોયું, ‘હેંને પપ્પા?’
મમ્મી કંઈ બોલે કે પછી પપ્પા કંઈ પૂછે એ પહેલાં ઢબ્બુએ પપ્પાને સ્ટોરી યાદ પણ કરાવવા માંડી.
‘પેલી... કાલ સવારવાળી. એક ગધેડો હતો, આખા ગામમાં એક જ હતો. એનો બૉસ એને દરરોજ બાજુના સિટીમાં બધું વેચવા લઈ જાય...’
‘બરાબર પછી?’
‘એક દિવસ એને એ સિટીમાં બીજો ગધેડો મળ્યો. એ ગધેડાએ એને કહ્યું કે તું શું કામ આટલું બધું કામ કરે છે...’
lll
‘બને એટલું ઓછું કામ કરવાનું અને બને એટલો ઓછો માલ ઉપાડવાનો. માણસો માટે થોડી મજૂરી કરવાની હોય? આપણે તો ગધેડા, આરામ આપણું કામ. એયને મસ્ત રીતે આરામ કરતા રહેવાનું અને રાજ કરવાનું...’
બીજા ગામના ગધેડાએ ત્યારે તો જવાબ આપી દીધો, પણ સાંજે ગામમાં પાછા જતી વખતે ફરી એના પર માલ મૂકવામાં આવ્યો અને પેલો બીજો ગધેડો સામે આવી ગયો. એણે આપણા ગધેડાની સામે જોયું.
હોંચી... હોંચી...
શું કહે આપણો ગધેડો? એ તો બિચારો નીચું જોઈને ભાર ઉપાડતો આગળ વધી ગયો, પણ એ રાતે પોતાના ગામ પહોંચતાં સુધીમાં ગધેડાને સમજાઈ ગયું કે એણે તો બિચારાએ આખી જિંદગી ભાર જ ઉપાડવાનો છે. અત્યાર સુધી એક વખત ભાર ઉપાડવો પડતો પણ આજે તો વળતી વખતે પણ ભાર ઉપાડીને આવવું પડ્યું. 
ગધેડો એ રાતે એકલો-એકલો બહુ રડ્યો. એને માલિક પર બહુ ખીજ ચડતી હતી. માલિક સાથે ચાલે પણ ગધેડો બધો માલ ઉપાડીને એકલો-એકલો એ ભાર ખેંચ્યા કરે.
હવે માલિકને મારે દેખાડવું પડશે.
ગધેડો વિચારે ચડ્યો પણ એને મનમાં કોઈ વિચાર આવે નહીં કે માલિકને કેવી રીતે સમજાવવા. એક જ રસ્તો એને દેખાતો હતો. ગધેડાએ નક્કી કર્યું કે સવારે એ જ રસ્તો વાપરવો છે હવે તો.
lll
‘ચાલો ભાઈ, ખાવાનું તૈયાર છે...’ 
સવારે જાગીને માલિક સીધો ગધેડા પાસે આવ્યો અને એની સામે મસ્ત મજાનું ગ્રીન ગ્રાસ મૂકી દીધું. ગધેડો પણ ભૂખ્યો થયો હતો. એ તૂટી પડ્યો ગ્રાસ પર. બધું ખાઈ ગયો ગ્રાસ. થોડી વાર પછી માલિક ફરી આવ્યો. તેણે જોયું કે ગ્રાસ ખતમ થઈ ગયું છે એટલે એ ફરીથી ગધેડા માટે મસ્ત નવું ગ્રીન ગ્રાસ લઈ આવ્યો. ગધેડાએ એ પણ બધું ખાઈ લીધું. પેટ ભરાઈ ગયું એટલે ગધેડો તો લાંબો થઈને ફરી સૂઈ ગયો.
કલાક પછી માલિક આવ્યો. તેણે જોયું કે ગધેડો તો સૂતો છે એટલે તેણે ગધેડાને જગાડ્યો.
‘ચાલો ભાઈ, આપણે માલ લઈને જવાનું છે. આમ સૂતા રહેશો તો કેવી રીતે આપણું ગુજરાન ચાલશે? ચાલો, ચાલો...’
બહુ મહેનત કરી પણ ગધેડો જાગે જ નહીં, ઊભો થાય જ નહીં. માલિકની કમાન છટકી, એણે લીધી લાકડી હાથમાં અને ગધેડાને બે ચોડી દીધી.
હોંચી... હોંચી...
ગધેડો ઊભો થઈ ગયો અને માલિકે એની પીઠ પર માલ ભરવાનું શરૂ કર્યું.
‘આજે પણ વળતા માલ લેતા આવવાનો છે એટલે ત્યાં જઈને આરામ કરજે. બીજા ગધેડા સાથે વાતોએ નહીં વળગતો...’ માલિકે વહાલ કરતાં કહ્યું, ‘સૂઈ જજે ત્યાં શાંતિથી.’
lll
ગામમાં આજે પણ ગધેડાને પેલો ગધેડો મળ્યો. 
‘કેમ ભાઈ, હવે તો બબ્બે ફેરા કરવા માંડ્યોને તું?’ આપણો ગધેડો નીચું જોઈ ગયો એટલે પેલા ગધેડાએ કહ્યું, ‘બચવું હોય તો એક રસ્તો છે. કહેતો હો તો આપું?’
આપણા ગધેડાએ આગળ-પાછળ જોયું. માલિક એનાથી ખાસ્સો દૂર હતો એટલે એ ધીમેકથી આપણો ગધેડો બીજા ગધેડા પાસે ગયો અને એની પાસે કાન ધરીને ઊભો રહી ગયો. પેલો ગધેડો પણ એ જ રાહ જોતો હતો. એણે તો આપી દીધા આપણા ગધેડાને આળસ મંત્ર.
‘ઓમ સિસકારામ્ આરામ દેઃ કામ સે મુક્તિ દે ફટાફટ સ્વાહ’ બીજા ગધેડાએ ધીમેકથી કહ્યું, ‘રસ્તામાં જતી વખતે એક નદી આવે છે. એ નદીનો આ જાદુઈ મંત્ર છે. નદીમાં દાખલ થતી વખતે આ મંત્ર મનમાં બોલતા જવાનું અને નદીની વચ્ચે પહોંચીને નદીમાં બે વખત ડૂબકી મારવાની. તને આરામ જ આરામ પછી...’
બીજા ગધેડાને ખબર હતી કે આપણો ગધેડો દરરોજ સૉલ્ટ લઈને જાય છે.
lll
‘સૉલ્ટ તો પાણીમાં ઓગળી જાય...’ ઢબ્બુએ તરત જ કહ્યું, ‘અમારા સાયન્સ ચૅપ્ટરમાં આવે છે.’
‘યસ... અને એટલે તો બીજા ગધેડાએ આવો મંત્ર જાતે જ બનાવી લીધો હતો. મંત્ર બોલીને તમે પાણીમાં બેસો એટલે સૉલ્ટ બધું ઓગળી જાય. પાણીમાં બેઠેલા ગધેડાને એવું લાગે કે આ તો મંત્રની તાકાત છે...’
‘પછી, પછી શું થયું?’
‘બીજો દિવસ થયો અને ગધેડાનો માલિક ગધેડાની પીઠ પર સૉલ્ટ મૂકીને બાજુના ગામ જવા રવાના થયો.’
lll
રસ્તામાં નદી આવી એટલે માલિકે રાબેતા મુજબ જ ગધેડાને ચેતવ્યો.
‘એય ધીમેકથી, પાણી છે... લપસતો નહીં.’
ગધેડો ધીમે-ધીમે પાણીમાં ઊતરવા માંડ્યો. ઊતરતો જાય અને મનમાં ને મનમાં બોલતો જાયઃ ‘ઓમ સિસકારામ્ આરામ દેઃ કામ સે મુક્તિ દે ફટાફટ સ્વાહ...’
પાણીની વચ્ચે જેવો એ પહોંચ્યો કે બીજા ગધેડાએ આપી હતી એ સૂચના મુજબ એ પાણીના વચ્ચેના ભાગમાં એવી રીતે બેસી ગયો જાણે કે એનો પગ લપસી ગયો હોય.
એક વાર અને પછી તરત 
બીજી વાર.
બે વખતમાં તો પીઠ પર રહેલું બધું સૉલ્ટ એ નદીના પાણીથી ઓગળી ગયું અને ગધેડાની પીઠ સાવ હળવી થઈ ગઈ. 
ગધેડો પાછળ રહી ગયો છે એવું લાગતાં માલિકે પાછળ જોયું. ગધેડો પડી ગયો એવી તેને જેવી ખબર પડી કે એ દોડતો પાછો આવ્યો અને ગધેડાને લઈને બહાર આવ્યો.
‘લાગ્યું નથીને તને...’
હોંચી... હોંચી...
માલિક સમજી ગયો કે ગધેડો માલનું કહે છે.
‘માલની ચિંતા નહીં કર... તને નથી લાગ્યું એટલે બસ...’
હવે સૉલ્ટ તો હતું નહીં એટલે માલિક ફરી પોતાના ગામ તરફ પાછો ફર્યો અને એ દિવસે ગધેડાએ પેટ ભરીને આરામ કર્યો. થઈ બીજી સવાર. માલિકે બીજા દિવસે ફરીથી ગધેડાની પીઠ પર માલ ભરવાનું શરૂ કર્યું. ગધેડાએ કોઈ પણ જાતના નાટક વિના માલ ભરવા દીધો. 
બન્ને રવાના થયા. જેવી નદી આવી કે માલિકે ગધેડાને સાવ ધીમે ચાલવાનું કહી દીધું અને ગધેડો પણ જાણે કે માલિકની વાત માનવાની હોય એમ એકદમ ધીમી ચાલે પણ નદીમાં ઊતર્યો પણ એણે મનમાં મંત્ર બોલવાનું શરૂ કરી દીધું હતું.
‘ઓમ સિસકારામ્ આરામ દેઃ કામ સે મુક્તિ દે ફટાફટ સ્વાહ...’
મંત્ર બોલતાં-બોલતાં જ ગધેડો પાણીમાં દાખલ થયો અને જેવો પાણીનો સેન્ટર પૉઇન્ટ આવ્યો કે એવી રીતે બેસી ગયો જાણે કે એ લપસી ગયો હોય. બધું સૉલ્ટ પાણીમાં ભળી ગયું અને માલિકનો એ ફેરો પણ ફોગટ ગયો. એ દિવસે તો ગધેડાએ રીતસર અનુભવ્યું કે એની પીઠનો ભાર હળવો થતો હતો.
બધું મીઠું ઓગળી ગયું એટલે આરામથી ગધેડો ઊભો થયો.
એ દિવસે પણ માલિકે પાછા આવવું પડ્યું અને એવું જ એના પછીના દિવસે પણ બન્યું. માલિકે બધી તપાસ કરી લીધી કે બીજા ગામમાં જવાનો કોઈ બીજો રસ્તો છે કે નહીં પણ એવો કોઈ રસ્તો હતો નહીં અને જો એ ગામ બદલાવે તો તેણે સાત કિલોમીટરને બદલે અઢાર કિલોમીટર ચાલવું પડે, જે શક્ય નહોતું.
માલિકે વિચાર્યું કે આ અચાનક જ એવું શું બન્યું કે ગધેડો પાણીમાં સ્લિપ થવા માંડ્યો, અગાઉ તો એવું નહોતું થતું અને વર્ષોથી એ લોકો આ જ રસ્તા પર જતા હતા, વાપરતા હતા તો પણ છેલ્લા બેચાર દિવસથી આવું બનવા માંડ્યું હતું. 
માલિકે નક્કી કર્યું કે હવે એ એક વાર ટ્રાય કરશે. જો એ જ વાત રિપીટ થાય તો માનવું કે ગધેડો કારીગરી કરે છે અને એવું જ થયું. બીજી સવારે એ લોકો રવાના થયા અને નદી આવી. નદી આવી એટલે માલિકે ગધેડાને કહ્યું કે આજે તું આગળ જા, હું તારું ધ્યાન રાખીશ.
ગધેડો તો મલકાતો-મલકાતો પાણીમાં ઊતર્યો અને એણે શરૂ કરી દીધો પેલો મંત્ર.
‘ઓમ સિસકારામ્ આરામ દેઃ કામ સે મુક્તિ દે ફટાફટ સ્વાહ...’
પાણીની વચ્ચે એ પહોંચ્યો કે એવી રીતે બેસી ગયો જાણે કે એના પાછલા પગ સ્લિપ થયા હોય, પણ આ વખતે માલિક પાછળ ઊભો હતો. તેણે ધ્યાનથી જોયું કે ગધેડો પડે છે, સ્લિપ થાય છે પણ એને ઈજા નથી થતી. માલિક સમજી ગયો કે ગધેડો કરામત કરે છે અને એ કરામતનું કારણ છે કે એને ખબર છે કે પીઠ પર મીઠું છે.
આ વખતે તો નિમક બધું પલળીને ઓગળી ગયું હતું એટલે માલિક ગધેડાને લઈને પાછો ફરી ગયો પણ બીજા દિવસે તેણે સામાન બદલી નાખ્યો અને સામાન બદલીને ગધેડા પર લાદી દીધો. ગધેડાને આજનો સામાન બહુ હળવો લાગતો હતો પણ આળસ, આળસ લાગી ગઈ હતી ગધેડાને એટલે એ નદી પાસે આવીને મનોમન પેલો પોતાને મળેલો મંત્ર બોલતો નદીમાં ઊતરી ગયો અને નદીની વચ્ચે જઈને એવી રીતે બેસી ગયો જાણે કે પડી ગયો હોય. 
ધડામ...
ગધેડો ધીમેકથી ઊભો થયો પણ આ શું, આ તો પીઠ પર જે વજન હતું એ ડબલ થઈ ગયું. ગધેડાને હવે બરાબર ભાર લાગવા માંડ્યો. મહામુશ્કેલીએ એ નદીની બહાર નીકળ્યો. માલિક ગધેડા પાસે ગયો અને ધીમેકથી એની ગરદન પર હાથ ફેરવતાં બોલ્યો,
‘ભૂલતો નહીં, છે તો તું ગધેડો જ. આળસ કરશે તો નહીં ચાલે.’
જેમ-જેમ સમય પસાર થતો ગયો એમ-એમ ગધેડાની પીઠ પર વજન વધવા માંડ્યું.
lll
‘શું હતું એની પીઠ પર?’ ઢબ્બુએ પૂછ્યું, ‘પાણીને લીધે કોનું વેઇટ વધી ગયું?’ 
‘કૉટન...’ પપ્પાએ તેને કહ્યું, ‘એ દિવસે માલિકે ગધેડાની પીઠ પર કૉટન મૂક્યું હતું. કૉટનમાં પાણી ભરાઈ જાય તો એનું વજન હોય એના કરતાં પાંચ ટાઇમ વધી જાય.’
‘એટલે કે કૉટનને ક્યારેય પાણીમાં નાખવાનું નહીં...’ 
મમ્મીએ મૉરલ સમજાવતાં ઢબ્બુને કહ્યું પણ ઢબ્બુ તરત ઊભો થયો અને મમ્મી પાસે આવ્યો.
‘ના, એ મૉરલ નથી, એ સાયન્સ છે. મૉરલ છે કે ક્યારેય જે કામ તમારું હોય એ કરવામાં આળસ કરવી નહીં.’ ઢબ્બુએ પપ્પાની સામે જોયું, ‘રાઇટને?’
‘એકદમ રાઇટ.’

સંપૂર્ણ


Whatsapp-channel Whatsapp-channel

14 January, 2022 11:37 AM IST | Mumbai | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK